ડો. કમલ પરીખ સુખ્યાત ફિજિશ્યન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની સેવાઓ આપે છે.

અત્યારે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું મૂલ્યાંકન આર્થિક વિકાસને આધારે થાય છે, ભારતની વાત કરીએ તો ભારતનો આર્થિક વિકાસ કૃષિ અને ઔદ્યોગિક વિકાસ પર આધારિત છે, સામાન્ય રીતે નિષ્ણાતો જે તે રાષ્ટ્રની જનતાને ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને માથાદીઠ વાર્ષિક આવકને ધ્યાનમાં લઈને વિકાસનું સ્તર નક્કી કરતા હોય છે.

છેલ્લા બે દાયકામાં ભારતે માળખાકીય સુવિધાઓ ઉપરાંત વિજ્ઞાન-ટેકનોલોજી તેમજ તબીબી ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ સાધી છે.

દેશની જનતાને પોષણયુક્ત આહાર, સારું જીવન ધોરણ અને ગુણવત્તાપ્રદ જાહેર આરોગ્ય સુવિધા આપવાની બાબતો સરકારની અગ્રતાક્રમની સૂચિમાં ટોચ પર આવે છે.

ભારતીય સંસદે સને ૧૯૮૩માં રાષ્ટ્રીય આરોગ્ય નીતિને અનુમતિ આપી હતી. જેમાં સને ૨૦૦૨માં સમાજમાં વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા હતા.

એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ કે સરકાર સંચાલિત મેડિકલ સંસ્થાઓ પૂરતા નાણાં ભંડોળ અપર્યાપ્ત સ્ટાફની સમસ્યાથી પીડાય છે, સરકારી હોસ્પિટલોમાં, અતિ નબળી સેવાઓને કારણે દર્દીઓએ નાછૂટકે ખાનગી તબીબો પાસે સારવાર કરાવવા જવું પડે છે, ઘણા કિસ્સામાં સામાન્ય વર્ગના દર્દી માટે તેમના દર્દની મોંઘીદાટ ખાનગી તબીબી સારવાર લેવાનું મહદ્‌ અંશે અસંભવ બની જતું હોય છે.

શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ વધુ કથળેલી હોય છે. દેશની ૬૦ થી ૭૦ ટકા જનતા ગ્રામ્ય જીવન જીવે છે. જાહેર આરોગ્યના મૂળમાં રહેલા મુખ્ય પ્રશ્નો પૈકી પીવાનું શુદ્ધ પાણી, જાહેર સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ પોષણયુક્ત આહાર જેવી પાયાની સુવિધા, જનતાને આપવા સરકારે ધ્યાન કેન્દ્રિત કરેલું છે, જેના માધ્યમથી રોગોનું પ્રમાણ ઘટાડવાનો ઉદ્દેશ હાંસલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આધુનિક ટેકનોલોજી અને નવા વૈજ્ઞાનિક આવિષ્કારોની મદદથી વધુ ને વધુ સક્ષમ બની રહેલ મેડિકલ સુવિધાઓને પરિણામે લોકોની સરેરાશ આયુ ક્રમશ: વધી રહી છે, આ તકે એ નોંધવું રહ્યું કે અગાઉ થોડાં વર્ષો પહેલાં ટીબી, હિપેટાઈટિસ બી, કેન્સર એચઆઈવી એઈડ્‌સ, કિડની, હૃદય સંબંધી દર્દો, અસાધ્ય ગણાતા હતા, લોકો દર્દ કરતા તેની બીકને કારણે, ભયને કારણે મોત તરફ વધુ ઝડપથી ધકેલાઈ જતા હતા.

આજે આપણે સૌ સાક્ષી છીએ કે જ્યારે આધુનિક બની ગયેલ મેડિકલ સુવિધાઓને પરિણામે ઉપરોક્ત રોગથી પીડાતા દર્દીઓ મોતને પડકાર આપી શકે છે, લાંબુ જીવન જીવી શકે છે.

આજે મ્યુઝિક થેરાપી પણ દર્દ નાબૂદ કરવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે, અનેક રોગોમાં દર્દીને દવામાંથી છૂટકારો મળે છે વળી, આ મ્યુઝિક થેરાપીની કોઈ આડ અસર પણ હોતી નથી જે સૌથી મોટી વાત છે.

એક સમયે હાર્ટ સર્જરી કરવી અને કરાવવી એ બંને ખૂબ જ મુશ્કેલ હતી અને ખૂબ જ ખર્ચાળ હતી આખી છાતી અને પેટ ચીરવું પડતું હતું. અને તેના નિશાન પણ જિંદગીભર રહેતા હતા. પરંતુ આજે આ સર્જરી એક નાના હોલ થકી થઈ શકે છે જેથી કરીને ખર્ચ ઓછો પીડા ઓછી અને સર્જરીનો સમય પણ ઓછો થયો છે અને સાથે સાથે દવાઓમાંથી પણ ઘણે અંશે દર્દીઓને મુક્તિ મળી છે. તેવી જ રીતે કીડની કે બ્લેડર બદલવાની વાત પણ આવે ત્યારે તેની પીડાની કલ્પનાથી દર્દી અડધો થઈ જતો અને ખર્ચના ખાડામાં ઉતરી જતો. જોકે શરૂઆતના તબક્કે આવાં ઓપરેશનો થતાં નહીં પરંતુ ત્યારબાદ વૈજ્ઞાનિકોની શોધખોળને કારણે આવાં ઓપરેશન શક્ય બન્યાં છે. પરંતુ આજે રોબર્ટ સર્જરી સુધીની પ્રગતિ શોધાઈ છે. દુનિયાના એક ખૂણામાં દર્દીઓએ અને વિશ્વના બીજા ખૂણે બેઠા બેઠા નિષ્ણાંત તબીબ રોબર્ટ ટેકનોલોજી દ્વારા ખૂબ જ સલામતભરી સર્જરી કરી શકે છે. અને આવા ઓપરેશનોમાં દર્દીને પીડા ઓછી થાય, દવાઓ ઓછી ખાવી પડે છે અને ઝડપથી સાજા થઈ જાય છે.

અને તેમાં ભૂતકાળમાં સહયોગ આપનારા જુદા જુદા વૈજ્ઞાનિકોની યાદી અને તેમના સંશોધનો નીચે મુજબ છે:

રોનાલ્ડ રોસ : મેલેરિયા પેરેસાઈટ, સાલ્ક, જોનાસ ઈ : એન્ટિ પોલિક વેસીન, સિમ્પોસન એન્ડહેરિસન : કલોરાફોર્મ, વેક્સમેન : સ્ટ્રેપ્ટોમાઈસીન, બેન્ટિંગ : ઈન્સ્યુલિન, બર્નાડ, ક્રિસ્ટીઅન : માનવ હૃદય બેસાડવા માટે, બ્રહ્મચારી યુ.એન. : ક્યોર ઓફ કલા – ઝાર ફિવર, ડેવી : આઈસોલેશન ઓફ મેટલ્સ બાય ઈલેકિટ્રસીટી, ડોમેગ : સલ્ફા ડ્રગ્સ એન્ડ બેકટેરિયાસ, આઈજકમેન : કૌસ ઓફ બેરી, ફીનસેન : અલ્ટ્રા વાયોલેટ કિરણ : ફોટોગ્રાફી, ફલેમિંગ એલેકઝેન્ડર : પેનિસિલીન (૧૯૨૯), હાર્વે : રક્ત પરિભ્રમણ, હાન્હેમન : હોમિયોપેથી (ફાઉન્ડર), હોપકિન્સ, ફ્રેડરિક ગોવલેન્ડ : વિટામિન, ડી. જેનર : સ્મોલપોક્સ વેસિનેશન, કોચ : ટબેસલ બેસીલસ, લાઈનનેક : સ્ટેથોસ્કોપ, લીસટર, લોર્ડ : એન્ટિસેપટિક ટ્રિટમેન્ટ, પાસ્ટર, લુઈસ : ટ્રિટમેન્ટ ઓફ રેબીસ : ક્યોર ઓફ હાયડ્રોફોબિઆ.

કેટલીક હોસ્પિટલોમાં તબીબી સારવાર મોંઘી બની છે, પરંતુ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં એ જ આધુનિક મેડિકલ સુવિધાઓ રાહત – નિ:શુલ્ક દરે આપવામાં આવે છે. જેમાં સત્ય સાંઈ સેવા સંસ્થાની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ, મદ્રાસ, મુંબઈ અને પ્રશાંતિનિલિયમ (આંધ્રપ્રદેશ) તેમાંય પ્રશાંતિ નિલિયમ ખાતે લગભગ તમામ રોગ (આંખ, હાડકાની સુવિધા સમેત)ની સારવાર નિ:શુલ્ક અપાય છે, આ ઉપરાંત રાજકોટની શ્રીકૃષ્ણ ચિકિત્સાલય, શ્રી રણછોડદાસજી આશ્રમ સંચાલિત હોસ્પિટલ, જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા વિવેકાનંદ આઈ કેર સેન્ટર, વીરનગરમાં આંખની સારવાર અને ડ્રગ્સ છોડાવવાની સારવાર નિ:શુલ્ક કે સાવ રાહત દરે સેવા આપે છે. દેશભરમાં આવી અનેક સંસ્થાઓ પણ સારવાર આપે છે.

મેડિકલ ટુરિઝમ :

ભારતની હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ઝડપથી વિકસી રહી છે, અને ૨૦૦૭માં ૩૫ અબજ ડોલરનું માર્કેટ અંદાજવામાં આવ્યું હતું, જે સને ૨૦૧૨ સુધીમાં ૭૦ અજબ ડોલર, ૨૦૧૭માં ૧૪૫ અબજ ડોલર અને ૨૦૨૦ સુધીમાં ભારતની મેડિકલ ઈન્ડસ્ટ્રીઝ ૨૮૦ અબજ ડોલરનું માર્કેટ હાંસલ કરશે, સરકારે ભારતની મેડિકલ સુવિધાઓનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધુ ને વધુ વ્યાપક બને તે હેતુથી મેડિકલ ઈન્ડ.ને મેડિકલ ટુરિઝમ તરીકે ઓળખ આપવાનું શરૂ કર્યું છે.

ભારતના ઈન્વેસ્ટમેન્ટ કમિશનના આંકડા અનુસાર ભારતના હેલ્થકેર સેકટરે છેલ્લાં ચાર વર્ષમાં બાર ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે, જે નોંધનીય બાબત છે.

ભારત સરકાર દર વર્ષે મેડિકલ ક્ષેત્ર માટે જે ખર્ચ કરે છે તેની સરખામણીએ પ્રાઈવેટ સેકટર દ્વારા દોઢ ગણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, એકંદરે જોઈએ તો તબીબી ક્ષેત્રમાં વિજ્ઞાન ટેકનોલોજીની મહત્તમ મદદ મળી રહે તે રીતે વધુ ને વધુ મૂડી રોકાણ આ ક્ષેત્રે થઈ રહ્યું છે, તે જાહેર આરોગ્યના હિતમાં છે.

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.