શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, ૧૯૯૯ ના અંકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. અનુવાદક છે શ્રીમનસુખભાઇ મહેતા – સં

મારા સંન્યાસી જીવનના પ્રારંભના દિવસોમાં મને માયાવતી મોકલવામાં આવ્યો. એ વર્ષ હતું ૧૯૪૧નું. મેં આ સ્થળ વિશે ઘણું સાંભળ્યું હતું અને પૃથ્વી પર એ એક સ્વર્ગ છે એમ પણ મેં જાણ્યું હતું. મેં સ્વામી વિવેકાનંદનાં માયાવતી પ્રત્યેનાં રસરુચિ વિશે પણ વાંચ્યું હતું. ‘તને તો ખરેખર અમૂલ્ય નિમણૂંક મળી છે.’ એમ કહીને વરિષ્ઠ સંન્યાસીઓએ મને ધન્યવાદ પણ આપ્યા. આ બધાએ મારો ઉત્સાહ ઘણો વધારી દીધો.

હું કોલકાતાથી ટ્રેનમાં રવાનો થયો અને વારાણસી થઈને લખનૌ પહોંચ્યો. અહીં હું પૂજ્ય સ્વામી અચલાનંદજીને મળ્યો. એમણે મને ખૂબ પ્રેરણા આપી. લખનૌથી (એ વખતે આશ્રમ અમીનાબાદમાં હતો.) મેં વળી ટ્રેઈન પકડી અને ટનકપુર પહોંચ્યો. એ જમાનામાં આવા પર્વતીય વિસ્તારોમાં પાકા રસ્તાની કોઈ કલ્પના પણ ન કરી શકે. એટલે વાહનો તો ન જ હોય. મને અને મારી સાથેના માલસામાન લઈ જવા માટે એક ટટ્ટુ અને તેના ચાલકને મોકલ્યો. ગાડી મોડી હતી એટલે ટનકપુરમાં મારે કોઈક સ્થળે રાત ગુજારવી પડી. બીજે દિવસે અમે શ્યામલાતલ પહોંચ્યા. હું ત્યાં પરમપૂજ્ય સ્વામી વિરજાનંદજી મહારાજને મળ્યો. શ્યામલાતલ આશ્રમમાં મેં રાતવાસો કર્યો અને બીજે દિવસે માયાવતી તરફની ઉપરની મુસાફરી શરૂ કરી. ચોતરફ અદ્‌ભુત દૃશ્ય હતું. લીલાંછમ વૃક્ષો, લીલુંછમ ઘાસ, વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ. ક્યારે વાઘ કે ચિત્તો કે રીંછ આવીને અમારા પર આક્રમણ કરે એનો ખ્યાલેય ન આવે. અમે તો અમારી મુસાફરી ચાલું રાખી. અમારે ‘ચાલથી’ નદી પાર કરવાની હતી. આજે તો તેના પર પૂલ છે પણ ત્યારે એવું કંઈ ન હતું. અમારે તો પાણીના પ્રવાહમાંથી કાળજીપૂર્વક પસાર થવાનું હતું. સાંજ પડી ગઇ ત્યાં સુધી અમે ટેકરીઓ ચડ્યા અને ડાકબંગલે પહોંચ્યા. દેવરીનો એ બંગલો નાનો હતો અને એમાં ટટ્ટુનો ચાલક અને હું બે જ હતા. ચોતરફ પર્વતમાળા નજરે ચડતી હતી. બીજે દિવસે અમે વધુ ઉપર ચડ્યા અને ગાઢ ‘બાનલેખ’ જંગલમાંથી ચાલ્યા. આ તો ગાઢ જંગલ, જંગલી પ્રાણીઓથી ભરપૂર. એટલે અમે નિકટ રહીને ધીમે ધીમે અને સાવચેત રહીને ચાલ્યા. બપોર પછી અમે ધરમગઢ પહોંચ્યા. અહીંથી ટટ્ટુના ચાલકે મારે જે આશ્રમે પહોંચવાનું હતું તે બતાવ્યો. પર્વતમાળાઓની વચ્ચે ખીણમાં મેં થોડાં મકાનો જોયાં અને એ હતો માયાવતી આશ્રમ. લગભગ સાંજે અમે આશ્રમમાં પહોંચ્યા. એ સમયે ત્યાં બહુ થોડા સંન્યાસીઓ હતા. સ્વામી પવિત્રાનંદજી આ કેન્દ્રના અધ્યક્ષ હતા અને સ્વામી વિપુલાનંદજી ‘પ્રબુદ્ધ ભારત’ના તંત્રી હતા. બીજા અંતેવાસીઓમાં હતા નારાયણ મહારાજ (સ્વામી વંદનાનંદજી), ડોક્ટર મહારાજ (સચિન મહારાજ), સ્વામી શાંતસ્વરૂપાનંદજી (પાર્વતી મહારાજ), સ્વામી અપર્ણાનંદજી (સત્ય મહારાજ). તેઓ ભાવપૂર્વક મને અંદર લઈ ગયા. આટલું લાંબું ચાલવાના કારણે મારા પગમાં પીડા થતી હતી. તેમણે મને મારા પગ ગરમ પાણીમાં બોળવાની સલાહ આપી. મારે આ પીડા દૂર કરવા સતત બે દિવસ આમ કરવું પડ્યું.

એ વખતે આજની જેમ જ માયાવતી આકર્ષક સ્થળ હતું. ત્રણેય બાજુએ લીલીછમ હરિયાળી પર્વતમાળાઓ અને એક જ બાજુએ દૂર સુદૂર સુધી હિમાચ્છાદિત શિખરોનું ભવ્યદૃશ્ય. માયાવતી આશ્રમ એવા સ્થાને છે કે જ્યાંથી ત્રિશૂલ, નંદાકોટ, નંદાદેવી, પાંચચુલ્લી અને બીજાં મહત્ત્વનાં શિખરો જોઈ શકાય છે. આશ્રમમાં બે ભવન છે. એક આશ્રમનું મુખ્ય ભવન અને બીજું પ્રબુદ્ધ ભારતનું કાર્યાલય. આ બન્ને વચ્ચે એક બગીચો છે, આ બગીચાની જાળવણી પ્રણાલીગત રીતે સંન્યાસીઓ કરે છે.

માયાવતી નામ ‘માઈપોટ’ – ‘માનું સ્થાન’ એ શબ્દ પરથી આવ્યું છે. માઈપોટ એ સ્થાનિક ભાષાનો શબ્દ છે. આ નામ સ્થાનિક દેવતા સાથે સંબંધ ધરાવે છે. આશ્રમથી તમે નીચે ઊતરો એટલે એક વૃક્ષ નીચે નાનો પથ્થર છે. અહીંના સ્થાનિક લોકો એની પૂજા કરે છે. આ દેવીનાં નામ પરથી આ સ્થળનું આવું નામ પડ્યું છે.

માયાવતી આશ્રમનું જીવન એક રીતે ભવ્ય હતું. સવારમાં ચાની ઘંટડી વાગે ત્યાં સુધી સંપૂર્ણ શાંતિ. અહીં કોઈ માનવી રહે છે એનોય કોઈને ખ્યાલ ન આવે ! વ્યક્તિગત સ્વચ્છતા માટેની સુવિધાઓ પ્રમાણમાં નબળી અને એ માટે અમારે ઠીક ઠીક પ્રમાણમાં દૂર જવું પડતું; અવાજનું તો નામ માત્ર નહીં. જેવો ચા પીવાનો ઘંટ વાગે કે સંન્યાસીઓ મુખ્ય ભવનના મોટા ઓરડામાં એકઠા થાય. એમાં પુસ્તકાલય પણ હતું. એ ખંડનું નામ હતું ‘ગોલકમરા’, ચા અને થોડો નાસ્તો – જે અમારે પોતે જ તૈયાર કરવાનો રહેતો – લીધા પછી અમે અમારી પોતપોતાની પ્રવૃત્તિઓ આરંભતા.

એ વખતના ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક સ્વામી વિપુલાનંદ સિલોન (હાલનું શ્રીલંકા)ના હતા અને એમને પોતાની ચોક્કસ ખાસિયતો હતી. તેમને વિશેષ કરીને પોતાના વિસ્તારના સંગીતનો સારો શોખ; જ્યારે તેઓ કંઈક ગાવાનું કે ગીત ધીમેથી લલકારવાનું શરૂ કરતા ત્યારે તેમને કોઈ રોકી ન શકતું. તેઓ ચા, નાસ્તો, અને ભોજન પણ ભૂલી જતા. એક વૃદ્ધ સાધુ એમને આગ્રહપૂર્વક સંપાદકીય કાર્યાલયમાંથી ભોજન માટે બોલાવી લાવતા. બધાના આનંદ વચ્ચે તેઓ જમવાના સમયે પણ ગીત ગુણગુણાવતા રહેતા. માયાવતીની કડકડતી ઠંડી ઘણાને સચેત કરી દેતી. સ્વામી વિપુલાનંદજી પણ એમાં અપવાદરૂપ ન હતા. તેઓ બે થી ત્રણ દિવસ સ્નાન ન કરતા અને જ્યારે કોઈ વરિષ્ઠ સંન્યાસી એ વિશે કહે તો તેઓ સૂર્યપ્રકાશમાં બેસતા અને તેલ લગાડતા. આ વિધિ આખો દિવસ ચાલતી.

સ્વામી વિપુલાનંદજીનો કાર્યકાળ પૂરો થયા પછી સ્વામી ગંભીરાનંદજી આ સામયિકના સંપાદક બન્યા. આ સ્વામીજી દરેક પરિસ્થિતિના પારંગત હતા. તેઓ એટલા બધા નિયમિત અને સમય પાલક હતા કે એમની દૈનંદિન ક્રિયાઓને જોઈને કોઈ પોતાની ઘડિયાળને મેળવી શકે. મેં એમને સંપાદન કાર્યમાં સહાય કરવા પૂછ્યું. હું પ્રૂફ વગેરે સુધારી આપીશ. કોલેજમાંથી તાજો જ આવેલો હોવાથી મને લાગતું કે કેટલાક લેખોમાં વ્યાકરણ અને સંશ્લેષણાત્મક ભૂલો રહી જાય છે. એક વખત મેં સ્વામી ગંભીરાનંદજીને આ ભૂલો બતાવી. એટલે તેમણે કહ્યું, ‘જો ભાઈ, મેં તો ઘણાં વર્ષો પહેલાં મારો અભ્યાસ પૂરો કર્યો છે. જો તને આવી કોઈ ભૂલ મળે તો તું એ સુધારી શકે છે.’ આવી સ્વતંત્રતા એમણે અમને આપી હતી.

ત્યારે વીજળી તો હતી નહીં અને સુખસુવિધાઓ પણ નહીંવત્. ભોજન તો સાવ સાદું. પ્રસંગોપાત અમે સ્વાદિષ્ટ વાનગીઓ રાંધવાનું સાહસ કરતા અને નાની એવી મિજબાની માણતા. અમારે ક્યારેક ક્યારેક બહાર જવાનું પણ થતું જે માત્ર થોડા મહિના પછી એકાદવાર બનતું અને તે પણ મોટેભાગે લોહાઘાટ પૂરતું જ મર્યાદિત રહેતું. અત્યારે જેવું છે એવું લોહાઘાટ ત્યારે ન હતું, ત્યારે તો થોડીક દુકાનો સાથેનું નાનું ગામ હતું. પરંતુ અમે તો શ્રી દેવીદત્ત પુનેથાના ઘરે જતા અને ત્યાં ચા પીતા અને વળી પછી ક્યારેક અમે પિકનિક પર જતા, વર્ષમાં એકાદ બે વાર. સ્વામી ગંભીરાનંદજી પણ આવી પિકનિકમાં આવતા એ અમારા આનંદની વાત હતી. અમે નજીકના સ્થળે જતાં ત્યાં રાંધતા અને થોડો સમય ગાળતા. અમે ગાઢ જંગલમાં અમારા ‘પિયારીલાલ’ નામના બંદૂકધારી સાથે જતા.

આશ્રમમાં અવારનવાર મહેમાનો પણ આવતા. એમને સમાવવા માટે એક નાનું અતિથિગૃહ હતું. મુલાકાતીઓની સંખ્યા ઘણી ઓછી હતી અને હું ત્યાં હતો તે સમય દરમિયાન બહેનોને ત્યાં આવવાની કે રહેવાની પરવાનગી ન હતી. મારા માયાવતીના રોકાણ દરમિયાન મહાન ચિત્રકાર શ્રીનંદલાલ બોઝ, રવીન્દ્ર સંગીતના જ્ઞાતા શ્રીશાંતિદેવ ઘોષ અને વાદ્ય સંગીતના સુખ્યાત શાસ્ત્રીય સંગીતકાર શ્રીવિનાયક માસોજી જેવા મહેમાનો અમને મળ્યા. એ એક અદ્‌ભુત સમય હતો અને અમે એ સંગીતકારોના સંગીતને તેમજ ચિત્રકારોના રેખાચિત્રોનાં રેખાંકનને ધ્યાનપૂર્વક માણતા. તેઓ ત્યાં ૮ થી ૧૦ દિવસ રોકાયા હતા.

(ક્રમશ 🙂

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.