સાધુજીવનમાં બે સુંદર વાત સંભળાય. ‘મૌનમાત્મ વિનિગ્રહ:’, મૌન સેવવું અને પોતાને સંયમમાં રાખવું, મનને એક વિષયમાં મગ્ન રાખવાનો અભ્યાસ. મોટેભાગે જે સાધુ વાતચીત ન કરે તેને મૌનીબાબા કહેવામાં આવે છે. બહારથી વાતો કર્યા વિના ઘણા રહી શકે. પરંતુ મનમાં ને મનમાં સતત વાતો કરતા રહે. ચૂપચાપ શાંતભાવે એ જ વ્યક્તિ બેસી શકે જેનું મન શાંત અને સંયમિત છે. પ્રશાંત મન અનેક પ્રકારના વિચારોના ચગડોળે ન ચડે. આપણામાં કહેવત છે: ‘જેના તન સ્થિર તેના મન સ્થિર’. માણસ સ્થિર આસન પર અચલ બેસી શકે તો મન પણ ધીરે ધીરે નિશ્ચલ થઈ જાય. માનવ મન પર અસંખ્ય વાર્તાઓ લખાઈ છે.
એક વખત એક સાધુ પહાડ પરના એક મંદિરમાં પ્રણામ કરવા આવ્યા પરંતુ પ્રણામ કર્યા બાદ તેઓ અહીંતહીં ફર્યા વગર મંદિરના પટાંગણમાં એક જગ્યાએ બેસી રહ્યા. એક દિવસ વીત્યો. બીજો દિવસ વીત્યો. ત્રીજો દિવસ પણ વીત્યો. મંદિરની દેખરેખ એક ભક્તિભાવવાળો યુવક કરતો હતો. પૂજા-અર્ચનાની તૈયારી સિવાય મંદિરની નાની એવી કોઈ પણ બાબત વિષે તેને જ નિર્ણયો લેવા પડતા. ત્યાં ઘણા ભક્તો આવ-જા કરતા. અલબત્ત મંદિર પર્વત પર નિર્જન સ્થળમાં હતું. આસપાસમાં કયાંય મનુષ્યનો વસવાટ ન હતો. તેથી તળેટીના ગામડામાંથી પૂજાની સામગ્રી અને નૈવેદ્ય માટે દાળ-ચોખા વગેરે ખરીદીને લાવવું પડતું. દેખભાળ માટે નિમણૂક મેળવેલો એ યુવક ખૂબ જ પ્રમાણિક અને પરિશ્રમી હતો. હંમેશા જે કોઈ પ્રસાદ લે તેનું નામ ચોપડામાં નિષ્ઠાપૂર્વક લખી રાખે. પુરોહિત પણ દેવતાની પૂજા અને નૈવેદ્ય – ભોગ વગેરે ભક્તિભાવપૂર્વક નિષ્ઠાથી કરે. તેમણે જોેયું કે કોઈ એક નવીન સાધુ આવ્યા છે. તે કયારેક અનિમેષ નયને તો કયારેક ધ્યાનમાં ચૂપચાપ બેઠા રહે છે અને આજે ત્રણ દિવસ થઈ ગયા તો પણ મોંમાંથી પ્રસાદ માટે એક શબ્દ પણ બોલ્યા નથી! તેમની પાસે એક કમંડળ અને આસન સિવાય કશું જ ન હતું, પરંતુ તેમનું મુખ અતિ પ્રસન્ન હતું, જાણે કોઈ એક તૃપ્તિના પ્રકાશથી ઝળહળ કરે છે. ભક્તિમાન યુવકે આટલા દિવસો સાધુને જોયા અને મનમાં વિચારે છે: એક માણસ કઈ રીતે નિર્વિકારે આ રીતે એકભાવમાં બેઠો રહી શકે? ચોક્કસ ઉચ્ચકોટિના કોઈ મહાત્મા છે. અમે તો આમને ભિક્ષા પણ આપી નથી. કંઈ આપું તો વળી ચોપડામાં લખવું પણ પડે. યુવકે અંતે સાધુને હાથ જોડીને પૂછ્યું: મહારાજ, આપનું શુભ નામ શું છે? કયાંથી આપ પધારો છો? આપના માટે શું કરી શકીએ? સાધુ કેવળ હસ્યા. કંઈ જવાબ આપ્યો નહીં. બીજે દિવસે યુવકે ફરી પૂછ્યું, ‘મહારાજ, થોડો પ્રસાદ ગ્રહણ કરશો?’
આ વખતે સાધુએ માથું ધૂણાવી સંમતિ આપી. ‘મહારાજ, આ રીતે આવતીકાલે પણ થોડો પ્રસાદ ગ્રહણ કરશો?’ આ વખતે પણ સાધુએ હસીને સંમતિ આપી. યુવક ખૂબ ખુશ અને નિશ્ચિંત થયો. મંદિરમાં ઘણા દિવસો સુધી આ મહાત્મા રહેશે એવી ધારણા યુવકની ન હતી. હવે હિસાબના ચોપડામાં યુવક શું લખશે તે નક્કી કરી શકતો ન હતો. કારણ કે સાધુનું નામ તે જાણતો ન હતો. અંતે વિચાર કરતાં કરતાં તેણે લખી રાખ્યું – જે શાંતભાવે બેસી રહે છે તે સાધુને એક કોળિયા જેટલો થોડો ભાત આપ્યો છે.’
દિવસોના દિવસો આ રીતે વીતી ગયા. છ મહિના પછી મંદિરના સંચાલક આવ્યા. યુવકે સરળતાથી હિસાબપત્રક સંચાલકને દેખાડ્યું. સંચાલકે મહારાજને પૂછ્યું: ‘આ બધું શું છે? આ શું લખ્યું છે? જે સંન્યાસી મંદિરનું કોઈ કામકાજ ન કરે અને ચૂપચાપ બેઠો રહે તેને તમે શા માટે પ્રસાદ આપો છો?’ યુવક ભોંઠો પડ્યો. શું જવાબ આપવો? સંચાલક મહોદયને સાધુ માટે કોઈ પણ જાતની શ્રદ્ધાભક્તિ ન હતી. તેઓ વિશેષમાં બોલ્યા: સાધુ જો મંદિરનું કોઈ કામ કરે તો પ્રસાદ દેજો, નહિ તો નહિ. સારું, હું પણ સાધુ સાથે આ બાબતમાં વાત કરીશ.’ સંચાલકશ્રી તો ફટ ફટ કરતા મંદિરના આંગણામાં સાધુ પાસે ચાલ્યા ગયા.
સંચાલકશ્રીએ કહ્યું – ‘આપનું નામ શું છે?’ કોઈ જવાબ નહિ. – ‘કયાંથી આવો છો?’ આ વખતે પણ કોઈ ઉત્તર નહિ. – ‘કોઈ કામકાજ કર્યા વિના મંદિરનો પ્રસાદ ગ્રહણ કરો છો, તે ચાલશે નહિ. કોઈ કામકાજ કરો, નહિ તો અહીંથી ચાલ્યા જાવ.’ સાધુ શાંત બેસી રહ્યા. આટલા બધા ઉદ્ધત વાકય સાંભળીને પણ સાધુ હસતા મુખે બેઠા છે. ત્યારબાદ સાધુને પ્રસાદ આપવાનું બંધ કર્યું. સાધુ નિર્વિકાર. આ રીતે ત્રણ દિવસ વીતી ગયા. જે યુવક થોડો પ્રસાદ આપતો તેને હવે મનમાં ખૂબ દુ:ખ થાય છે. પરંતુ શું કરે? એ તો પરાધીન છે. સાધુ વતી તે કંઈ વાત કરે તો કદાચ તેની નોકરી પણ ચાલી જાય. આ બાજુ સંચાલક ત્રણ દિવસ પછી પણ સાધુને તે જ જગ્યાએ સ્થિર આસને બેઠેલા જોઈને બહુ ચિઢાયો. જાણે આગ ભડકી ઊઠી! સાધુ પાસે જઈને રાડો પાડવા લાગ્યો: ‘જુઓ, ઉપવાસ કરીને મરવાની ઇચ્છા રાખતા હો તો નહિ ચાલે. શા માટે અહીં ચૂપચાપ બેસો છો? અહીંથી ચાલ્યા જાવ નહિ તો માણસોને બોલાવીને આપને વિદાય કરીશ.’
આ સાંભળીને સાધુ મોટેથી હસ્યા. પહાડના ખુલ્લાં આકાશમાં તેમના મુક્ત હાસ્યના પડઘા પડવા લાગ્યા. સાધુએ આ વખતે મૌન ભંગ કર્યું અને બોલ્યા: ‘બરાબર કહો છો. હું ચૂપચાપ બેઠો રહું છું. પરંતુ તમે તો પાંચ મિનિટ પણ ચૂપ બેસી શકશો?’
– ‘આ શું બહુ કઠણ કામ છે એમ તમે કહો છો? આપની માફક સ્થિર થઈને હું પણ બેસી શકું. પાંચ મિનિટ જ નહિ, ધારું તો પાંચ કલાક પણ બેસી શકું. મને તેમાં કોઈ તકલીફ થાય નહિ.’
એમ કહીને સાધુની પાસે પલાંઠી વાળીને સંચાલક બેસી ગયા. એક મિનિટ થઈ નહિ ત્યાં તો બેસવાનો અભ્યાસ ન હોવાથી તેનું મન ખદબદ કરવા લાગ્યું. ત્યારે સાધુએ તેમના ગાલ પર એક તમાચો માર્યો. સંચાલક તો સાધુનું આવું દુ:સાહસ જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા: ‘આપને ખબર છે કોના શરીર પર હાથ ઉપાડ્યો છે?’
સાધુ હસીને બોલ્યા: ‘તમે તો ચૂપ બેસી શકતા નથી. છટપટ કરો છો અને મેં શું તમને તમારાં સ્ત્રી-કુટુંબ વિષે વિચાર કરવા કહ્યું હતું?’ સંચાલકને કંઈ જવાબ મળ્યો નહિ તેથી ચૂપ થઈને ફરી બેઠા રહ્યા.
આ વખતે પણ એક મિનિટ ન થઈ ત્યાં તો ફરી બીજી થપ્પડ પડી. સાધુ બોલ્યા: ‘તમારા કાર્યાલયના હિસાબપત્રકોનો વિચાર કરવા માટે તો અહીં બેસવાનું નથી કહ્યું. તમે કષ્ટપૂર્વક શારીરિક રીતે થોડો વખત બેસી શકો પરંતુ મન ચૂપ થાય ત્યારે જ શાંત થઈને બેસી શકાય અને તેમ કરવું શું ખૂબ સરળ માનો છો?’
હવે સંચાલક મહોદય નિરુત્તર થયા. તેઓ ઊઠ્યા અને હાથ જોડીને ક્ષમા માગી. ‘મહારાજ, ચૂપચાપ બેસવું અતિ કઠણ કામ છે. મને ક્ષમા કરો. હવે આપ કૃપા કરીને દરરોજ થોડો પ્રસાદ ગ્રહણ કરીને અમને ધન્ય કરજો.
Your Content Goes Here




