મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર થવું પડતું હતું. એક દિવસ સાંજના સમયે અમે બે મિત્ર ફરવા નીકળ્યા હતા. ત્યારે અમારી ઉંમર ૧૪-૧૫ વર્ષની હશે. એક ધર્મશાળા પાસે જોયું તો ત્યાં એક ગેરુઆ વસ્ત્રધારી સંન્યાસી અને તેમની આજુબાજુ કેટલીક સ્ત્રીઓ ઊભી છે. સંન્યાસીને આટલી બધી સ્ત્રીઓથી ઘેરાયેલા જોઈને તેમની ચર્ચા કરતાં કરતાં અમે આગળ વધ્યા.

પરંતુ મારા મનમાં તે સંન્યાસી વિષે જાણવાની જિજ્ઞાસા થઈ એટલે મારો મિત્ર ઘેર ગયો ત્યાર બાદ મેં પાછા જઈને સંન્યાસીને પ્રણામ કર્યા. તેમણે પૂછ્યું, ‘શું તમે શ્રીમાનાં દર્શન કરવા માગો છો?’ મેં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચ્યું હતું તેથી આ વાત સાંભળતાં જ હું ખૂબ આનંદિત થઈ ગયો. મેં કહ્યું, ‘એટલે રામકૃષ્ણ પરમહંસનાં પત્ની ?’ શ્રીમા થોડેક દૂર બેઠાં હતાં. સંન્યાસીએ હસીને કહ્યું, ‘ત્યાં જુઓ, શ્રીમા બેઠાં છે, જઈને પ્રણામ કરો.’ મેં શ્રીમા સમક્ષ નમીને, ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા. મારી દાઢીનો સ્પર્શ કરીને પોતાના હાથે ચુંબન કરતાં શ્રીમા બોલ્યાં, ‘બેટા, શું મેં તમને પહેલાં નથી જોયા ?’ મેં કહ્યું, ‘ના, મા.’ આ રીતે મેં શ્રીમાનાં પ્રથમ વખત દર્શન કર્યાં. તે વખતે મને ક્યાં ખ્યાલ હતો કે તેઓ સ્વયં જગદમ્બા છે અને પોતાનાં બધાં સંતાનોને ઓળખે છે.

કોલકાતા વિશ્વવિદ્યાલયમાં અધ્યયન કરતી વખતે હું જ્યારે પણ કોલકાતા જતો ત્યારે દર શનિવારે જે સમયે પુરુષો શ્રીમાને પ્રણામ કરતા, તે સમયે હું પણ શ્રીમાને પ્રણામ કરવા જતો. માત્ર શ્રીમાને પ્રણામ કરવા માટે જ લાંબી લાઈન થઈ જતી. એ વખતે પણ મારા મનમાં શ્રીમા પ્રત્યે મારા મનમાં એવો કોઈ વિશેષ ભાવ આવ્યો ન હતો અને ન તો હું એનું મહત્ત્વ પણ સમજતો હતો. છતાંય હું તો જતો કારણ કે જેટલી વખત હું મારી બે આંગળીથી શ્રીમાનો ચરણસ્પર્શ કરતો, એટલી જ વાર મને નિશ્ચિતપણે એક અદ્‌ભુત અનુભૂતિ થતી- જાણે કે વિદ્યુતપ્રવાહના ઝાટકા જેવું લાગતું. વિદ્યુતપ્રવાહ પ્રવાહિત હોય તેવો તાર હાથ ઉપર પડતાં આપણે ઝાટકો ખાઈને દૂર જઈ પડીએ છીએ, પરંતુ આ એક અત્યંત મધુર અનુભૂતિ હતી અને ત્યાર બાદ જ મારા મનમાં એક પ્રકારની પરમ શાંતિની અનુભૂતિ થતી. ત્યારે મારી ઉંમર ૧૬-૧૭ વર્ષની હતી અને ત્યારે હું તે શાંતિના ભાવને બરાબર સમજી શકતો ન હતો.

સાંભળ્યું હતું કે શ્રીમા જ્યારે પોતાના ગામડે જાય ત્યારે ત્યાં તેમની સાથે અતિ સહજતાથી વાતચીત કરી શકાય છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા લીધા બાદ એક દિવસ હું મારા મિત્ર સાથે જયરામવાટી ગયો. તે મિત્ર પછીથી સંન્યાસી બન્યા હતા. તે વખતે અમારા બન્નેની ઉંમર ૧૯-૨૦ વર્ષની હતી. અમારા મનમાં એક વાર પણ એવો ખ્યાલ આવ્યો નહિ કે શ્રીમાને પહેલેથી ખબર આપવી યોગ્ય ગણાશે. પરંતુ ત્યાં પહોંચીને અમે જોયું કે શ્રીમાને ખબર આપવાની જરૂર જ ન હતી. અમે પહોંચ્યા કે તરત જ તેમના સેવકે જણાવ્યું કે શ્રીમાએ તેમને કહી રાખ્યું હતું, ‘રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) નાં બે સંતાન આવે છે, તેમના માટે નિવાસની વ્યવસ્થા કરી રાખજો.’

જ્યારે અમે જયરામવાટી પહોંચ્યા ત્યાં સુધીમાં બધાંનું ભોજન થઈ ગયું હતું. પરંતુ શ્રીમાએ અમારા માટે કંઈક ખાવાનું રાખી મૂકયું હતું. અમને કેળના પાન પર પીરસવામાં આવ્યું. બધો વખત શ્રીમા અમારી પાસે જ બેસી રહ્યાં. ખાતાં ખાતાં અમે એમની સાથે વાતો કરવા લાગ્યા. ભોજન પતી ગયા પછી અમે જ્યારે અમારાં પતરાળાં ઉઠાવવા જઈ રહ્યા હતા, ત્યારે શ્રીમા બોલી ઊઠ્યાં, ‘આ શું કરી રહ્યા છો ?’ મારા મિત્ર લજ્જાવશ ચૂપ થઈ ગયા, પરંતુ મેં સાહસ કરીને કહ્યું, ‘મા, આ એઠાં પતરાળાં અહીં મૂકી દઈને અમે જઈ ન શકીએ.’ શ્રીમા સહજભાવથી બોલ્યાં, ‘ઘેર તમારી માતા પાસે બેઠી હોત, તો તમે શું કરત ?’ સમાધાન થઈ ગયું. અમે ઊઠી ગયા પછી શ્રીમાએ એ સ્થાનની સફાઈ કરી દીધી.

શ્રીમાની એક વિશેષતા હતી. એમના સંપર્કમાં આવનાર અનેક લોકોને એવું લાગતું કે શ્રીમા હૂબહૂ તેમની પોતાની મા જેવાં જ છે. મને પણ એવું જ લાગતું અને ઘણા લોકોને પૂછતાં ખબર પડી કે તેમને પણ એવી જ અનુભૂતિ થાય છે. મને લાગતું કે શ્રીમા બિલકુલ મારી પોતાની માની જેમ જ છે – સહજ, સરળ, સ્વાભાવિક એક ગ્રામ્ય મહિલા. જો કે મારા મનમાં તે વખતે તેમના વિષે એવી જ ધારણા હતી અને તેમના આધ્યાત્મિક મહત્ત્વની બાબતમાં હું સંપૂર્ણપણે અજ્ઞાની હતો, છતાંય તે વખતે મારી અંદર એવું કંઈક પરિવર્તન આવ્યું કે જેને હું તે વખતે સમજી શક્યો ન હતો. પરંતુ આજે હું કહી શકું છું કે પહેલાં શ્રીમાની મારા ઉપર કૃપા થઈ ચૂકી હતી એટલા માટે હું પછીથી સ્વામી બ્રહ્માનંદજીની કૃપા મેળવી શક્યો હતો અને રામકૃષ્ણ સંઘમાં જોડાઈ શક્યો હતો.

શ્રીમામાં કોઈ બાહ્ય ઐશ્વર્યનો પ્રકાશ કે ઝાકમઝોળ ન હતાં. એમ તો ઐશ્વર્યની કંઈક અભિવ્યક્તિ ચોક્કસપણે હતી. પરંતુ તે એટલા માટે ન હતી કે તેઓ શ્રીરામકૃષ્ણદેવનાં સહધર્મિણી હતાં – જેમ કે હજારો વ્યક્તિ મંદિરોમાં જઈને ભગવાનની પૂજા કરે છે, બરાબર એવી જ પૂજા શ્રીમા સિવાય અન્ય કોઈને- એટલે સુધી કે બુદ્ધ, ઈશુ અથવા શ્રીરામકૃષ્ણને પણ પોતાના જીવનકાળમાં મળી નથી. પરંતુ મેં જોયું કે કેવી રીતે હજારો લોકો શ્રીમાની જગદમ્બાભાવે પૂજા કરી રહ્યા છે અને શ્રીમા આ અંગે પૂર્ણરૂપે ઉદાસીન તથા નિર્લિપ્ત છે. અનેક લોકોના જીવનમાં શ્રીમાની અસીમ ક્ષમતા પ્રકટ થઈ અને તેઓ શ્રીમાના સ્પર્શમાત્રથી મુક્ત થઈ ગયા. આપણાં શ્રીમા શારદાદેવી સાક્ષાત્ જગદમ્બા હતાં.

Total Views: 530

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.