‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’
‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું કામ કરી શકીશ, અને મને તેની જ હોંશ છે.’ મજકૂર યુવકે જવાબ આપ્યો.
‘એ તો બરાબર જ છે. કારણ ઘણી વખત જે આવડતું હોય છે તેની હોંશ વિના બીજો ઉપાય જ નથી હોતો. પણ બીજું કંઈ કામ તમે કરી શકશો કે નહીં?’
‘ના જી, હું બીજું કોઈ પણ કામ કરી શકીશ નહીં. હું માત્ર ભણાવવાનું કામ કરી શકીશ. અને એ કામ માત્ર હું સરસ રીતે કરી શકીશ એવો મને વિશ્વાસ છે.’
‘અરે ભાઈ! તમે સારું શીખવી શકશો? એ તો સમજ્યો, પણ સારું ‘શું’ શીખવી શકશો? કાંતવાનું, પીંજવાનું, વણવાનું સારું શીખવી શકશો?’
‘ના જી, એ નહીં શીખવી શકું.’
‘તો પછી સીવણકામ, રંગકામ, સુથારી શીખવી શકો?’
‘ના, એમાંનું કશું જ નહીં.’
‘રસોઈ કરવાનું, દળવાનું, વગેરે ઘરનું કોઈ કામ શીખવી શકો?’
‘ના, કોઈ પણ જાતનું કામ એવું મેં આજ લગી કદી કર્યું જ નથી. હું ફક્ત શિક્ષણનું…’
‘અરે ભાઈ! જે જે પૂછું તેની તો ના પાડો છો. અને ‘માત્ર’ શિક્ષણનું કામ કરી શકીશ એમ કહો છો એનો અર્થ શો? બાગકામ શીખવી શકશો?’
‘આ શું પૂછો છો? મેં પહેલેથી જ તમને કહી દીધું ને કે હું બીજું કોઈ પણ કરી શકીશ નહીં. હું મરાઠી સાહિત્ય શીખવી શકીશ.’ દેશસેવેચ્છુએ જરા ચિડાઈને જવાબ આપ્યો.
‘આ તમે ઠીક કહ્યું. આનાથી કંઈકે સમજણ પડી. જ્ઞાનેશ્વરી જેવો ગ્રંથ કેમ લખવો તે શીખવી શકશો?’ પૃચ્છકે વિનોદમાં પૂછ્યું.
હવે માત્ર દેશસેવેચ્છુ ખૂબ જ ચિડાયેલા જણાયા, અને મિજાજ ગુમાવીને કાંઈક બોલવા જતા હતા એટલામાં પૃચ્છક મહાશય વચ્ચે જ બોલ્યા:
‘શાંતિ, ક્ષમા, તિતિક્ષા કેમ રાખવી તે શીખવશો?’
બસ. બળતામાં ઘી હોમાયું. તેથી સંવાદનો મોટો ભડકો થવાનો હતો, પણ પૃચ્છકે તરત જ પાણી રેડી તે હોલવી દીધો. ‘તમારું કહેવું હું સમજ્યો. તમે લખતાં વાંચતા વગેરે શીખવી શકશો; અને તેનો પણ જીવનમાં થોડોઘણો ઉપયોગ છે; નથી એમ ન કહેવાય. પણ વણાટકામ શીખવાની તૈયારી છે તમારી?’
‘હવે નવીન કશું શીખવાની હોંશ થતી નથી. તેમાંય વણાટકામ તો મને નહીં જ આવડે. કારણ આજ લગી હાથને એવું કામ કરવાની ટેવ નથી.’
‘હા ખરું, તેથી શીખતાં થોડીક વાર લાગશે. પણ નહીં આવડે એમ કેમ બને?’
‘મને તો લાગે છે નહીં જ આવડે. પણ માની લો કે ઘણો પ્રયાસ કર્યા પછી કદાચ આવડી જાય, તોય તેનો મને કંટાળો છે. તેથી તે મારાથી નહીં બની શકે એમ જ તમે માની લો.’
‘વારુ. ત્યારે લખતાં શીખવવાનું કામ કરી શકશો? તેમ જ પ્રત્યક્ષ લખવાનું કામ પણ કરી શકશો?’
‘હા, કરી શકીશ ખરો, પણ એકલું લખ્યા જ કરવાનું આવે તો તે પણ કંટાળો ઉપજાવનારું જ થઈ પડે. તો પણ તે કરવાને કશો વાંધો નથી.’
આ સંવાદ અહીં જ અટક્યો. પછી એની ફલશ્રુતિ શી થઈ તે જોવાની આપણને જરૂર નથી.
શિક્ષણનું માનસશાસ્ત્ર કેવું બન્યું છે એની કલ્પના ઉપલા સંવાદ ઉપરથી આવે એવી છે.
શિક્ષક એટલે,
– કોઈ પણ જાતની જીવનોપયોગી કાર્યશક્તિ જેની પાસે નથી એવો,
નવીન કાર્યશક્તિ પ્રાપ્ત કરવા માટે સ્વભાવથી જ અસમર્થ,
કોઈપણ જાતના કામથી સદાય કંટાળેલો,
‘માત્ર શિક્ષણ’નો ઘમંડ રાખનારો,
પુસ્તકોમાં દટાયેલો,
આળસુ પ્રાણી; એવો અર્થ થયો.
‘માત્ર શિક્ષણ’ એટલે જીવનમાંથી કાપીને જુદું કાઢેલું મુડદાલ શિક્ષણ અને શિક્ષક એટલે ‘મૃત-જીવી’ માણસ!
‘મૃત- જીવી’ને જ કેટલાક લોકો ‘બુદ્ધિ-જીવી’ કહે છે. પણ એમાં પાણીનો વ્યભિચાર છે. ‘બુદ્ધિ-જીવી’ કોને કહેવાય? એકાદ ગૌતમ બુદ્ધ, કોઈ સૉક્રેટિસ, શંકરાચાર્ય, અથવા જ્ઞાનેશ્વર બુદ્ધિજીવનની જ્યોત પ્રગટાવી આપે છે. બુદ્ધિગ્રાહ્ય જીવન એટલે અતીન્દ્રિય જીવન એવો ગીતામાં અર્થ કર્યો છે. જે ઈન્દ્રિયોનો ગુલામ છે, જે ઈન્દ્રિયાસક્તિથી હણાયેલો છે, પામર બન્યો છે, તે બુદ્ધિજીવી ન કહેવાય. બુદ્ધિનો પતિ આત્મા. તેને છોડીને જે બુદ્ધિ દેહના ઘરની બાંદી બની છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે. આવી વ્યભિચારિણી બુદ્ધિવાળું જીવન એટલે જ મરણ અને એવું જીવન જીવનારો તે મૃત-જીવી કહેવાય. આ ‘ફક્ત શિક્ષણ’ ઉપર જીવનારાઓને મનુએ ‘મૃતકાધ્યાપક’ ઉર્ફે ‘પગારદાર શિક્ષક’ એવું નામ આપ્યું છે અને શ્રાદ્ધના કામમાં તેમનો નિષેધ કહ્યો છે. અને એ વાજબી જ છે. શ્રાદ્ધમાં મૃત પૂર્વજોની સ્મૃતિ જાગ્રત કરવાની હોય છે. જેમણે પ્રત્યક્ષ જીવન જ મૃત કરી બતાવ્યું તેમનો એ કામમાં શો ઉપયોગ?
શિક્ષકને અગાઉ ‘આચાર્ય’ કહેતા. આચાર્ય એટલે આચારવાન. પોતે આદર્શ જીવન જીવીને રાષ્ટ્ર પાસેથી તેનું આચરણ કરાવનાર તે આચાર્ય. આવા આચાર્યોના પુરુષાર્થને લીધે જ રાષ્ટ્રો નિર્માણ થયાં – ઘડાયાં છે. આજે હિંદુસ્તાનની નવેસર ગડી બેસાડવાની છે. રાષ્ટ્રઘડતરનું કાર્ય આજે આપણી આગળ છે. આચારવાન શિક્ષકો વિના તે થઈ શકવાનું નથી.
તેથી રાષ્ટ્રીય શિક્ષણનો પ્રશ્ન આજે સૌથી વધારે મહત્વનો છે. તેની વ્યાખ્યા અને વ્યાપ્તિ આપણે બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. રાષ્ટ્રમાંનો સુશિક્ષિત વર્ગ નિરગ્નિ અને નિષ્ક્રિય બનતો જાય છે. એને માટે ઉપાય રાષ્ટ્રીય શિક્ષણનો અગ્નિ પ્રગટાવવો એ જ છે.
પણ તે અગ્નિ હોવો જોઈએ. અગ્નિની બે શક્તિઓ માનેલી છે. એક ‘સ્વાહા’ અને બીજી ‘સ્વધા’. આ બે શક્તિઓ જ્યાં હોય ત્યાં અગ્નિ છે. ‘સ્વાહા’ એટલે આત્માહુતિ આપવાની, આત્મત્યાગની શક્તિ; અને ‘સ્વધા’ એટલે આત્મધારણની શક્તિ. આ બન્ને શક્તિઓ જાગ્રત હોય તો જ તે રાષ્ટ્રીય શિક્ષણ કહી શકાય. બાકીનું બધું ઠંડું હિમ જેવું – ફક્ત શિક્ષણ.
અત્યાર સુધી આપણા રાષ્ટ્રીય શિક્ષકોએ સારી પેઠે આત્મત્યાગ કર્યો છે એમ ઉપર ઉપરથી દેખાય છે. પણ તેમાં જોઈએ તેટલું વજૂદ નથી. સાધારણ સ્વાર્થત્યાગ અથવા તો ગર્ભિત ત્યાગ એ કંઈ આત્મત્યાગ ન કહેવાય. તેની કસોટી પણ છે. જ્યાં આત્મત્યાગની શક્તિ હોય ત્યાં આત્મધારણાની શક્તિનો જ જો અભાવ હોય તો ત્યાગ કોણે શાનો કરવાનો? જે આત્મા પોતે ટટાર ઊભો જ નથી રહી શકતો તે કૂદકો શી રીતે મારવાનો હતો? તેથી આત્મત્યાગની શક્તિમાં આત્મધારણ માની જ લીધેલું હોય છે. આ આત્મધારણની શક્તિ – ‘સ્વધા’ – રાષ્ટ્રીય શિક્ષકોએ હજી પ્રાપ્ત કરી નથી. તેથી જે આત્મત્યાગ કર્યાનું ભાસ્યું તે મોટે ભાગે ભાસ જ હતો.
પ્રથમ સ્વ-ધા હોય તો પછી સ્વાહા આવે. રાષ્ટ્રીય શિક્ષણે, એટલે કે રાષ્ટ્રીય શિક્ષકોએ, હવે ‘સ્વ-ધા’ પ્રાપ્ત કરવાની તૈયારી કરવી જોઈએ.
શિક્ષકોએ ‘ફક્ત-શિક્ષણ’ની ભ્રામક કલ્પનાઓ છોડી દઈ સ્વતંત્ર જીવનની જવાબદારી – જેવી ખેડૂતને શિરે હોય છે, તેવી – માથે લેવી જોઈએ. અને વિદ્યાર્થીઓને પણ તેમાં જ જવાબદારીનો ભાગ આપીને તેમની આસપાસ શિક્ષણની રચના કરવી જોઈએ, અથવા કુદરતી રીતે થવા દેવી જોઈએ. ‘ગુરોઃ કર્માતિશેષેણ’- ગુરુનું કામ સમાપ્ત કરીને વેદાભ્યાસ કરવો, એ વાક્યનો આવો જ અર્થ લેવો ઘટે. નહીં તો ગુરુની વ્યક્તિગત સેવા એટલો જ જો ‘ગુરોઃકર્મ’નો અર્થ લઈએ તો ગુરુની સેવા તે વળી હોઈ હોઈને કેટલી હોવાની હતી? અને તેને માટે કેટલા છોકરાને આટલો બધો વખત કામ કરવું પડવાનું હતું? તેથી ‘ગુરોઃ કર્મ’ કરવું એટલે ગુરુના જીવનમાં જવાબદારીપૂર્વક ભાગ લેવો એવો જ અર્થ થઈ શકે. એવી રીતે જવાબદારીભર્યો ભાગ લઈને તેમાં જ જે શંકાઓ વગેરે ઊઠે તે ગુરુજીને પૂછવી, અને ગુરુએ પણ પોતાના જીવનની જવાબદારી સંભાળીને અને તેનું જ એક અંગ માનીને તે શંકાઓનું યથાશક્તિ નિરાકરણ કરતા રહેવું. આ થયું શિક્ષણનું સ્વરૂપ. એમાં જ થોડો સ્વતંત્ર સમય પ્રાર્થનાના સ્વરૂપના વેદાભ્યાસ માટે જુદો રાખવો. હરકોઈ કામ ઈશ્વરની ઉપાસનાનું જ કરવું, પણ તેમ કરીને પણ સવારે તથા સાંજે થોડો વખત ઉપાસના માટે આપવો પડે. એ જ ન્યાય વેદાભ્યાસને અથવા શિક્ષણને લાગુ કરીએ તો જીવનની જવાબદારીવાળાં કામો જ દિવસના મુખ્ય ભાગમાં કરવાં અને તે બધાં શિક્ષણનાં જ કામો સમજવાં; પણ રોજ એકાદ બે સમય સ્વતંત્ર ‘શિક્ષણ માટે’ કરીને રાખવા.
રાષ્ટ્રીય જીવન કેવું હોય એનો આદર્શ પોતાના જીવનમાં ઉતારવો એ રાષ્ટ્રીય શિક્ષકનું કર્તવ્ય છે. આ કર્તવ્ય પાર પાડતો હોય તે વખતે તેના જીવનમાંથી કુદરતી રીતે જ તેની આસપાસ શિક્ષણનાં કિરણ ફેલાશે. એ કિરણોના પ્રકાશ વડે આસપાસના વાતાવરણનું આપોઆપ કામ થઈ જશે.
(નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘મઘુકર’માંથી સાભાર ગૃહીત)
Your Content Goes Here




