નમસ્કાર વાચક મિત્રો. બાળ માનસની એક ખાસ અગત્યની વાત આજે હું કરવા માંગુ છું. બાળકને જન્મ આપવા કરતાંય વધુ મુશ્કેલ જો કોઈ બાબત હોય તો તે છે, બાળ ઉછેર. 21મી સદીનાં બાળકો ખૂબ સ્માર્ટ હોય છે. બાળકો આપણી ઝીણામાં ઝીણી બાબતોનું નિરીક્ષણ કરતાં હોય છે. બાળકોની આગળ આપણું વર્તન આદર્શ હોવું જોઈએ એ માટે સાચા અર્થમાં આપણે આદર્શ હોવા જોઈએ કારણકે આદર્શતાનું મહોરું બાળકો ખૂબ ઝડપથી ઉતારી લેશે. માટે તમે જેવા છો તેવા જ સાચુકલા બનો કાંતો પહેલાં આપણે આપણું પરિવર્તન કરીએ. તો ચાલો, મૂળ મુદ્દા પર આગળ વધીએ. એવી કઈ કઈ બાબતો છે જે બાળક નાપસંદ કરે છે! અથવા તો એવી કઈ કઈ બાબતો છે જે આપણે બાળકોની સામે ન કરાય!!!
બાળકોને હડધૂત કરવા:
સતત માતા પિતાનો સહવાસ ઝંખતું બાળક જ્યારે આપણી પાસે આવે છે ત્યારે તેને શા માટે હડધૂત કરવા જોઈએ? આપણો મૂડ ખરાબ છે, આપણે ઘણું બધું કામ છે, આપણે ટેન્શનમાં છીએ,,,, વગેરે જેવા કારણો આપણાં છે. આપણું માઇન્ડ ડિસ્ટર્બ હોય તેવા સમયે બાળક આપણી પાસે આવે અને બાળકને આપણે હડધૂત કરીએ તે કેટલાં અંશે યોગ્ય છે!!!!
બાળક પર હાથ ઉઠાવવો:
નાનું બાળક છે જે નિર્દોષ છે. જો તેને સમજ પડતી હોય તો તે જીદ કરે? ના. તો શા માટે આવા સમયે બાળકોને આપણે સમજાવી શકતાં નથી? શા માટે બાળક ઉપર હાથ ઉઠાવવો પડે છે ? આપણે જ્યારે હાથ ઉપાડીએ છીયે ત્યાંથી જ બાળક પણ બીજા પર હાથ ઉઠાવતાં શીખી જાય છે. હાથ ઉઠાવવા કરતાં બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો.
સતત ટોક્યા કરવુ:
આમ કર! આમ ન કર! ચાલ, વાંચવાં બેસ! હવે સૂઈ જા! જમવા બેસ! રમવા જા! લેસન કરવા બેસ! શું બાળકને તમારાં જ હૂકમો અનુસરવાનાં છે. બાળક બધું જ કરશે. સતત ટોક્યા કરશો તો બાળકને નહીં જ ગમે. આપણે બાળકોને જ્યાં અટકે ત્યાં જરૂરી માગૅદશૅન કરવાના છે. બાકી બાળકને ખબર છે કે, મારે લેસન કરવા બેસવાનો સમય થઈ ગયો છે. મને ભૂખ લાગી છે મારે જમવું છે. હવે મને ઊંઘ આવે છે.
બાળકોનુ અપમાન કરવું:
તમે જ્યારે બાળકનું અપમાન કરો છો ત્યારે બાળકને ખૂબ અઘરું લાગે છે. એમાંય અન્યની હાજરીમાં બાળકનું અપમાન કરો છો ત્યારે બાળકનું આત્મ સન્માન હણાય છે! બાળક નાસીપાસ થાય છે. આવા સમયે બાળક નાનમ અનુભવે છે. પોતાનાં માતા પિતા જ આમ અપમાન કરે! વારંવાર આ પુનરાવર્તન થવાથી બાળક નઠારું બને છે એ પણ આ ગુણ કેળવી લે છે! “ચૂપ બેસ, તને ના સમજ પડે! ” આવું બાળકની આગળ બોલાય નહીં, બાળકને ઉતારી પડાય નહી, બાળકને શાંતિથી સમજ અપાય.
બાળક સામે જૂઠું બોલવું:
બાળક આગળ તમે જુઠ્ઠ બોલો છો તે બાળક જાણે છે! શા માટે આવા સમયે આપણને આપણાં બાળકની ચિંતા નથી થતી કે મારું બાળક પણ જૂઠું બોલતાં શીખશે? બાળક આગળ તમે કોઈપણ વાતે, કોઈની પણ સામે, કોઈપણ પરિસ્થિતિમાં જૂઠું બોલતા પહેલાં લાખ વખત વિચાર કરજો. જ્યારે બાળક જૂઠું બોલે તો તમને કેવો ગુસ્સો આવે છે? બાળક જૂઠું બોલે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આ સંસ્કાર બાળકમાં કયાંથી આવ્યો? બાળક જૂઠું બોલે છે ત્યારે તે તમારાથી ડરે છે કાંતો તમારી નકલ કરે છે.
બાળક પર ગુસ્સો કરવો:
બાળક પર ગુસ્સો કરો છો તે બાળકને બિલકુલ પસંદ નથી. માટે અકારણ બાળક પર ગુસ્સો કરવો નહીં. બાળકને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરો. ગુસ્સો કરવો એ આપણી જ એક નબળાઈ છે. ગુસ્સો કરવો એ આપણો એક એવો સંસ્કાર છે જે તરત જ બાળક પકડી લેશે અને વિચારી લેશે કે મારે પણ આવા બધા સંગોજોમાં ગુસ્સો કરાય!!!
બાળ કેળવણી એ એક એવી કળા છે જે બે મન એક સાથે રહીને કુશળતા પૂર્વક કામ કરીને આગળ વધાય છે. બીજી અનેક કલાઓમાં લોકો માહેર હોય છે. જેના સ્પેશિયલ વર્ગો ચાલતાં હોય છે. પણ બાળ કેળવણી માટે એક અનોખી સૂઝ, સમજ અને બાળપ્રેમ હોવો જોઈએ. વાચક મિત્રો, ઉપર જણાવેલ તમામ બાબતો બાળકોને પસંદ નથી. બાળક એક યા બીજી રીતે ઘવાય છે. બાળક આપણું છે. શા માટે તેનાં આદર્શ ભવિષ્યની અને એક ઉત્તમ નાગરિક બને તે મુજબનો સર્વાંગીણ વિકાસ આપણાથી ન થઈ શકે! આપણે નહીં કરીએ તો કોણ કરશે?
જાગૃતિ પંડ્યા ‘ શિવોહમ્ ‘ આણંદ
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here




