સ્વામીજીના શિષ્ય મન્મથનાથ ગાંગુલી કે જેમણે ભુવનેશ્વરીદેવીને વૃદ્ધાવસ્થામાં જોયાં હતાં,તેઓ એમનું આ શબ્દોમાં વર્ણન કરે છે : ‘એમની ઉપસ્થિતિ અને બાહ્ય દેખાવ સૌ કોઈનું સન્માન માગી લેતાં. તેમનું શરીર સુદૃઢ બાંધાનું હતું. તેમની આંખો સુંદર અને લાંબા ભવાંવાળી હતી. એમનું નજરે તરે એવું પ્રબળ વ્યક્તિત્વ હતું અને એને લીધે સૌનો આદરભાવ એમને મળી રહેતો. સ્વામીજીને એમનાં આ ગુણપાસાં વારસામાં મળ્યાં હતાં એમાં કોઈ નવાઈની વાત નથી.’૩૦
દુ:ખની વાત તો એ છે કે સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં એમના વિશે સ્વામીજીએ ઉચ્ચારેલા થોડા શબ્દો સિવાય પછીની પેઢી પોતાના મહાન પુત્ર સ્વામી વિવેકાનંદના જીવન પર ભુવનેશ્વરી દેવીના પડેલા મહાન પ્રભાવ વિશે બહુ ઓછું જાણે છે. એમનાં માતાની એક જ છબિ અત્યારે અસ્તિત્વમાં છે. આ છબિ હાથમાં ફરતી મણકાની માળા દ્વારા નામ સ્મરણ અને પોતાના ઈષ્ટદેવ પર એકાગ્ર ચિત્તના ધ્યાન સાથે એમના ભક્તિભાવને વ્યક્ત કરે છે. એમના પિતાની છબિ તો પ્રાપ્ય જ નથી.
સ્વામી વિવેકાનંદના ખેતડીના મહારાજા અજિતસિંહ સાથેનો વિશિષ્ટ સંબંધ
પોતાના જીવનના અંતકાળે સ્વામીજીના ખેતડીના મહારાજા અજિતસિંહ સાથેના પત્ર વ્યવહારમાં પોતાનાં માતા વિશેની પ્રેમભરી ચિંતા અને દુ:ખદર્દનું મર્મભેદી વર્ણન જોવા મળે છે. ૧૮૯૮ના ૨૨ નવેમ્બરે સ્વામીજીએ બેલૂર મઠથી મહારાજા અજિતસિંહને એક પત્ર મોકલ્યો હતો. એના એક અંશમાં વર્ણન આવે છે :
‘આપ નામદારનાં કાર્યને, ઔદાર્યને અને મૈત્રીને હું અપીલ કરું છું…
મારી છાતીમાં એક મોટું પાપ મને પીડી રહ્યું છે અને તે એ છે કે, જગતની સેવા કરવા પાછળ મેં મારી માતાને વિસારે પાડી છે… હવે મારી અંતિમ ઇચ્છા ઓછામાં ઓછા થોડાં વર્ષ મારી માની સેવા કરવાની છે. હું મારાં મા સાથે રહેવા માગું છું. આથી મારા તેમજ મારાં માના અંતિમ દિવસો શાંતિભર્યા થશે. એ અત્યારે એક ખંડેરમાં રહે છે. એને માટે હું એક સારું નાનકડું ઘર બાંધવા ચાહું છું… જેને પોતે ચાહે છે અને પોતાનો મિત્ર માને છે તેને માટે કશું કરવું એ રામચંદ્રના વંશના રાજવીને માટે વધારે પડતું છે શું? બીજા કોની પાસે હાથ લાંબો કરવો તે હું જાણતો નથી. યુરોપમાંથી મને જે પૈસા મળ્યા તે ‘કાર્ય’ને માટે હતા અને, લગભગ દરેક પાઈ એ કાર્ય માટે જ અપાઈ ચૂકી છે. વળી મારી જાતની સહાય માટે હું બીજાની પાસે માગી શકું નહિ. મારી કૌટુંબિક વિગતો મેં આપ નામદાર સમક્ષ ખુલ્લી કરી છે અને, બીજા કોઈને એ ખબર પાડવાની નથી. હું થાકેલો છું, હૃદયથી માંદો છું અને, મરવા પડ્યો છું. મારી ઉપર આ છેલ્લું મહાન કાર્ય કરવા જરૂર કૃપા કરશો.’ ૩૧
પોતાનાં માતા માટે સૌથી વધારે કોમળ પ્રેમ, લાગણી દર્શાવતો સ્વામીજીનો આ પત્ર એમના સૌથી વધારે સ્મરણીય પત્રોમાંનો એક છે. તેઓ પ્રેમના અવતાર હતા અને એમના આ પત્રના દરેક શબ્દમાંથી પ્રેમ નીતરતો જણાય છે. વજ્રથીયે કઠોર અને ફૂલથીયે કોમળ એવી વિરલ હૃદયની શક્તિનો અહીં આપણને ખ્યાલ આવે છે.
પોતાની સુપરિચિત વ્યક્તિઓમાંથી શા માટે સ્વામી વિવેકાનંદે ખેતડીના મહારાજા અજિતસિંહનો સંપર્ક સાધ્યો? સ્વામી વિવેકાનંદના પત્રો પરથી આપણને જાણવા મળે છે કે મહારાજા અજિતસિંહ સાથે એમને કેવો નિકટનો અને હૃદયનો નાતો હતો. ખેતડીની પોતાની પ્રથમ મુલાકાત વખતે સ્વામીજીએ અઢી મહિના એમની સાથે ગાળ્યા હતા. એ સમય દરમિયાન મહારાજાએ એમના કુટુંબના સંજોગો વિશે પણ પૂછ્યું હતું. પોતાના કુટુંબની આવી આર્થિક કટોકટીની પળની ચિંતાને કારણે સ્વામીજીએ એમની સમક્ષ પોતાનું મન ખોલીને બધી વાત કરી. આ મુલાકાત પછી રાજાએ સ્વામીજીના કુટુંબ માટે અત્યંત રસ લેવાનું શરૂ કર્યું અને ભુવનેશ્વરી દેવીને દર મહિને નિયમિત રૂપે રૂપિયા ૧૦૦ મોકલતા. આ સુખદ સમાચારે સ્વામીજીનાં મનહૃદયની ‘એક ભયંકર પીડાચિંતા’ને દૂર કરી. ‘એને લીધે તેઓ સમગ્ર વિશ્વનો સામનો કરી શક્યા અને પોતાનાં જીવનકાર્ય પણ કરી શક્યા.’૩૨
ખેતડીના મહારાજા ૧૯૦૧માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી આ માસિક આર્થિક સહાય નિયમિત રીતે સ્વામીજીનાં માતાને મોકલવામાં આવતી.૩૩ મહારાજાના મૃત્યુ પછી આ સહાય ચાલુ રહી કે કેમ એ એક વિષદ ચર્ચાનો વિષય છે.
૧૮૯૭ની ડિસેમ્બરે ખેતડીમાં સ્વામીજીએ એક સભામાં કહ્યું હતું કે એમણે ભારતના ઉદ્ધાર માટે જે કંઈ કર્યું છે તે ખેતડીના મહારાજને મળ્યા ન હોત તો શક્ય બન્યું ન હોત.૩૪ વળી પાછું ૧૧ ઓક્ટોબર, ૧૮૯૭ના રોજ મુનશી જગમોહનલાલને લખેલા એક પત્રમાં આમ લખ્યું હતું : ‘કેટલાક માનવ અમુક ચોક્કસ સમયગાળામાં પોતાનાં મહાન કાર્યો પૂર્ણ કરવા અવતરે છે. અજિતસિંહ અને હું એ બંને આત્મા માનવજાતનાં ક્ષેમકલ્યાણનાં મહાન કાર્ય માટે એક બીજાને સહાય કરવા જન્મ્યા છીએ… અમે એક બીજાના સહાયક અને પૂરક છીએ.’૩૫ ૧૭ સપ્ટેમ્બર, ૧૮૯૮ના રોજ સ્વામીજીએ મહારાજા અજિતસિંહને લખ્યું હતું: ‘મારે ભંડોળની જરૂર છે. જો કે અમેરિકામાંના મારા મિત્રો પોતાનાથી શક્ય એવી બધી સહાય કરવા બધું કરી રહ્યા છીએ. પણ દરેક વખતે એમની પાસે માગવા જતા હું શરમ અનુભવું છું. એમાંય વિશેષ કરીને માંદગીમાં કોઈ પણ વ્યક્તિને વધારે પરચૂરણ ખર્ચ આવે છે. આપના જેવા એક મહાન માનવ પાસે આ વિશ્વમાં હું માગતાં શરમ અનુભવતો નથી. તમે કંઈ આપો કે આપવાનો ઈન્કાર કરો, એ મારે મન બધું સરખું છે.’૩૬ જયપુર રાજ્ય સાથે બગડેલા સંબંધને કારણે મહારાજા અજિતસિંહ આ વખતે કટોકટીના કાળમાંથી પસાર થતા હતા. એટલે ૨૬ ઓક્ટોબર ૧૮૯૮ના રોજ સ્વામીજીએ અજિતસિંહને ફરીથી લખ્યું: ‘હું આપનાં ક્ષેમકલ્યાણની દિવસરાત પ્રાર્થના કરું છું. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હૃદયથી હારી જતા નહિ, મા જગદંબા જ આપનું શરણું છે.’૩૭ ખેતડીના મહારાજા સાથેની સ્વામીજીની મિત્રતા સાથેની ઊંડી લાગણીના પ્રકાશમાં આપણે એટલું સરળતાથી સમજી શકીએ કે કેવી રીતે સ્વામીજીએ એમને પોતાની માતાને મદદ કરવા માટે અપીલ કરી હશે!
૨૨ નવેમ્બર, ૧૮૯૮ના સ્વામીજીના સ્મરણીય પત્રના મર્મસ્પર્શી શબ્દોથી મહારાજાના હૃદય પર ઘણી અસર થઈ. એમણે તરત જ સ્વામીજીને પ્રત્યુત્તર આપતાં એમનાં માતાજીના ઘરસંસારની જાળવણી માટે કેટલી રકમનો ખર્ચ થાય છે તે વિશે પૂછ્યું. ૧ ડિસેમ્બર ૧૮૯૮ના રોજ સ્વામીજીએ એમનો વળતો ઉત્તર આપતાં કહ્યું: ‘એક વધુ બાબત માટે તમને વિનંતી કરું છું કે જો શક્ય બને તો કાયમી રૂપે મારાં માતાજીને દર મહિને રૂપિયા ૧૦૦ મોકલો. મારા મૃત્યુ પછી પણ નિયમિત રીતે આ રકમ એમને મળતી રહે એવું કરો અથવા મારા પ્રત્યેનાં આપ નામદારનાં પ્રેમ અને કૃપામાં ઓટ આવે તો પણ, એક રંક સાધુ પર આપે જે સ્નેહ દાખવ્યો હતો તેની સ્મૃતિમાં મારાં રાંક વૃદ્ધ માતા માટે નિભાવની વ્યવસ્થા કરવામાં આવે.’૩૮
આ પત્ર મળ્યા પછી મહારાજાએ તરત જ ૫૦૦ રૂપિયા સ્વામીજીને મોકલ્યા, અનેક કારણોને લીધે એ વિચાર પડતો મૂકાયો. ત્યાર પછી થોડા સમય બાદ સ્વામીજીએ ૫૦૦ રૂપિયાની લોન લીધી અને એમની કાકી પાસેથી મકાન ખરીદી લીધું. આ કાકીએ કાયદાકીય ટાઈટલ-ડીડ આપવાનો ઈન્કાર કરીને સ્વામીજીને છેતર્યા હતાં. ૬ ઓગસ્ટ, ૧૮૯૯ના રોજ શ્રીમતી ઓલીબુલને એક પત્રમાં લખ્યું હતું: ‘તમે જે કાકીને મળ્યાં હતાં તેમણે મને છેતરવાની ઊંડી યોજના કરી હતી અને એમણે તથા એમના મળતિયાઓએ રૂપિયા ૬૦૦૦ એટલે કે ૪૦૦ પાઉન્ડમાં મને એક ઘર વેચવા યુક્તિ કરી અને વિશ્વાસપૂર્વક મેં એ મારા માટે લીધું. પછી એ મને કબજો આપતાં ન હતાં અને એમ માનતાં હતાં કે સંન્યાસી હોવાથી ઘરના પરાણે કબજા માટે હું કોર્ટમાં નહિ જાઉં.’૩૯
સ્વામીજીનો પોતાનાં માતા પ્રત્યે વધતો ભક્તિભાવ
સ્વામીજીના અમેરિકામાંના બીજી વખતના રોકાણ દરમિયાન સ્વામીજીને પોતાનાં માતા અને એમણે સમસ્યાઓના કરેલ સામના વિશે ફરીથી વિચાર કરવાની એમને ફરજ પડી. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ શ્રીમતી ઓલીબુલને એક પત્રમાં તેમણે લખ્યું હતું: ‘હવે મને વધારે ને વધારે સ્પષ્ટ સમજાતું જાય છે કે મઠ માટેની બધી ચિંતાઓ એક બાજુએ મૂકીને મારી મા પાસે પાછા જવાનો સમય આવી ગયો છે. મારે કારણે એમને ઘણું ઘણું સહન કરવું પડ્યું છે. મારે એમના છેલ્લા દિવસો સુધારવા જોઈએ. તમે જાણો છો કે જૂના કાળમાં મહાન આચાર્યને (શંકરાચાર્યને) જે કસોટીમાંથી પસાર થવું પડ્યું એવું જ આ કાર્ય છે! ૧૮૮૪માં મારી માતાને છોડ્યાં એ મહાન ત્યાગ હતો પણ હવે ‘મારી માતા પાસે જવું તે વધુ મહાન ત્યાગ છે.’ ૪૦
૭ માર્ચ, ૧૯૦૦ના રોજ સ્વામીજીએ શ્રીમતી ઓલી બુલને એક પત્રમાં લખ્યું હતું: ‘મારી માતાની બાબતમાં તો હું તેની પાસે પાછો જાઉં છું; મારા અને તેના અંતિમ દિવસો માટે ન્યૂયોર્કમાં મારી પાસે જે ૧૦૦૦ ડોલર છે તે મહિને ૯ રૂપિયા અપાવશે. ઉપરાંત મારાં માતા માટે મેં થોડીક જમીન ખરીદી છે, તેના લગભગ ૬ રૂપિયા આવશે, અને તેમનું જૂનું ઘર પણ ૬ રૂપિયા લાવશે… મારી જિંદગી આખી હું બીચારી મારી માતાને દુ:ખરૂપ થયો છું. એનું આખું જીવન સતત દુ:ખમય રહ્યું છે. જો શક્ય હોય તો મારો છેલ્લો પ્રયાસ તેને થોડી સુખી કરવાનો હોવો જોઈએ. મેં તેની યોજના ઘડી કાઢી છે.’ ૪૧
૧૮ મે, ૧૯૦૦ના રોજ સ્વામીજીએ વળી પાછો શ્રીમતી ઓલીબુલને પત્ર લખ્યો. તેમાં લખ્યું હતું: ‘શ્રીમતી (જેમ્સ હેનરી) સેવિયરે મારા કુટુંબ માટે ૬૦૦૦ રૂપિયા આપ્યા છે. આ બધાને મેં મારા પિતરાઈ અને મારા કાકી વગેરેને વહેંચી દીધા છે. ઘર ખરીદવા માટેના ૫૦૦૦ રૂપિયા મેં મઠના નિધિમાંથી ઊછીના લીધા છે.’ ૪૨
સ્વામીજીએ ૨૬ જુલાઈ, ૧૯૦૦ના રોજ અમેરિકા છોડ્યું. અંતે તેઓ ડાયાબિટિસ, જલંદર અને અસ્થમાના રોગને લીધે ર્જીણશીર્ણ આરોગ્ય સાથે ભારત પાછા ફર્યા. એમની જમણી આંખમાંથી દૃષ્ટિ લગભગ ચાલી ગઈ. આમ હોવા છતાં પણ જેને તેઓ પવિત્ર ફરજ માનતા હતા એ ફરજનિષ્ઠાને એમણે ક્યારેય છોડ્યાં નહિ. તેમણે પોતાની માતાની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું અને એમની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, સાથે ને સાથે પોતાનાથી શક્ય રીતે એની કુટુંબની સમસ્યાઓ પણ ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
સ્વામીજીએ પોતાનાં માતા માટે ગંગાકિનારે એક નાનકડી કુટિર બાંધવાની યોજના કરી હતી પણ એમનું આ સપનું અધૂરું રહી ગયું. સ્વામીજીની ૧૪ વર્ષની ઉંમરે શરૂ થયેલ પોતાની પૈતૃક મિલકત માટેના કોર્ટકચેરીના ઝઘડાને ઉકેલવા તેમણે પોતાનાં તનમન કામે લગાડી દીધાં. તેઓ ૧૯ જૂન, ૧૯૦૨ના રોજ પોતાનાં માતાજી પાસે ગયા અને વિરોધીપક્ષને ૧૦૦૦ રૂપિયા વધારાના આપ્યા અને કોર્ટકેસનો નીવેડો લાવી દીધો. પોતાના દેહાવસાનના બે દિવસ પૂર્વે ૨ જુલાઈના રોજ સ્વામીજીએ આ કોર્ટકેસનું સમાધાન કરવા બીજા પણ વધારાના ૪૦૦૦ રૂપિયા આપ્યા. જ્યારે સ્વામીજી મહાસમાધિ પામ્યા ત્યારે તેમનાં માતાની ઉંમર ૬૧ વર્ષની હતી.
Ref:
30. Manmatha Nath Ganguly in Reminiscences, p.345.
31. C.W. (1997), IX: 108-9.
32. Ibid, IX : 110.
33. Prabuddha Bharata, Feb. 1984, p.69.
34. Sailendra Nath Dhar, A Comprehensive Biography of Swami Vivekananda (Madras,
Vivekananda Prakashan Kendra, 1976), p.1027.
35. Benishankar Sharma, Swami Vivekananda – A For- gotten Chapter of His Life, p. 118.
36. C.W., V: 141-2.
37. Ibid, V : 143.
38. Ibid, IX: 110.
39. Ibid, IX : 118-19.
40. Ibid, VIII : 489-90.
41. Ibid, VII1: 496-7.
42. Ibid, IX : 137.
Your Content Goes Here




