(ગતાંકથી આગળ)

બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ વિભા હતા. એમને “જાડાઈજા” અથવા તો “જાડેજા” રાજપૂત કહે, એટલે કે યદુવંશીય જામ વિભાને આ બ્રહ્મચારી ઉપર ઘણો પ્રેમ. રાજ્ય સરકાર તરફથી એને ઘણી જમીનજાગીર આપવામાં આવેલી. વિષ્ણુમંદિરમાં ચાંદીના ઘણા ભારે દરવાજા, બારસાખ તથા ઠાકોરજીની સેવાનાં સોના ચાંદીનાં જાત જાતના વાસણો હતાં. એકબે જાતની બળદની ગાડી અને એક ટમટમ હતાં. દેવોત્તર ગરાસમાંથી દેવસેવાને માટે અઢળક અનાજ સંઘરાતું.

બ્રહ્મચારી પોતે ઉંમરલાયક વ્યક્તિ હતા. એક સંન્યાસી પરમહંસના તેઓ શિષ્ય હતા. એમના પોતાના કોઈ શિષ્ય કે સેવક ન હોવાથી મને એમની સમસ્ત સંપત્તિનું લખાણ કરી આપીને એ મંદિરની ગાદીએ બેસવા માટે ઘણી વાર વિનંતી કરતા. પરંતુ એમને હું કહેતો કે, “જળ તો વહેતું ભલું, સાધુ રમતો ભલો. હું રહ્યો પરિવ્રાજક. મંદિરના મહંત મારાથી ન થવાય.”

જામ વિભા જ્યારે એ મંદિરની બાજુએ થઈને ફરવા નીકળ્યા ત્યારે “બમ બમ” કરી ઊઠતા, અને બ્રહ્મચારીજી એક બારી પાસે ઊભા રહીને “બમ બમ” કરીને જવાબ દેતા. જામસાહેબની એમના ઉપર ઘણી પ્રીતિ હતી.

જામસાહેબ વિભા: જામ વિભા સ્વતંત્ર મિજાજના માણસ હતા. તેઓ મહેલમાં ન રહેતા પણ શહેરની બહાર એક વિશાળ હવેલીમાં રહેતા. રોજ સવારે શહેરના મહેલે આવીને રાણીઓને મળી જતા. કોઈ કોઈ દહાડો ઢળતા બપોરે પણ આવે. ઘોડેસવાર અને અંગરક્ષકો એમની પાછળ-પાછળ આવતા.

એક દિવસ રસ્તામાં એક રૂપાળી છોકરીને ભીખ માંગતી ભટકી રહેલી જોઈને એને પોતાની પાસે લઈ આવવાને ચોપદારને એમણે કહ્યું. છોકરી તો તે જ ઘડીએ બીતી-બીતી જામસાહેબ પાસે આવીને ઊભી રહી. પૂછપરછ કરતાં જાણ્યું કે, એ છોકરી હતી સિંધની મુસલમાન. મુસલમાન છે એમ જાણ્યા પછી પણ એને અંતઃપુરમાં જઈને રહેવા કહ્યું. ત્યારે એ બોલી કે, “હજૂર, મારે તો હજી બીજી પાંચ બહેનો છે. અમે પેટિયું રળવાની આશાએ સિંધ દેશથી અહીં આવ્યાં છીએ.” એ સાંભળીને જામસાહેબે એ બધીને બોલાવી મગાવી અને કહ્યું કે, “તમે છયે બહેનો મારા અંતઃપુરમાં રહો.”

નિઃસંતાન હોવાથી જામસાહેબે એક દત્તક પુત્ર લીધેલો. છ મુસલમાન રાણીમાં સૌથી મોટીનું નામ હતું ધનબાઈ, એના પછી જાનબાઈ વગેરે. પુત્ર દત્તક લીધા પછી ધનબાઈને દિવસ ચડ્યા ત્યારે જામસાહેબે ભરદરબારમાં સહુને કહ્યું કે, “જો એને પુત્ર જન્મશે તો એને જ તેઓ પોતાના વિશાળ રાજ્યનો અધિકારી નીમશે.”

મુસલમાન રાણીને પેટે એમનો દીકરો જન્મ્યો, એટલે પછી એમણે દત્તક પુત્ર રણજિતસિંહજીને 50,000 રૂપિયાનું સાલિયાણું બાંધી દઈને રાજ્યના ઉત્તરાધિકારથી બાતલ કરી દીધા.

તે પછી રણજિતસિંહજીએ કચ્છ કાઠિયાવાડના કેટલાક યદુવંશી રાજાઓનો ટેકો મેળવી ને ઇંગ્લેન્ડ જઈને જામ વિભાની વિરુદ્ધમાં બ્રિટિશ શાસનકર્તાઓ પાસે ફરિયાદ રજૂ કરી. એ કાળે ક્રિકેટની રમતમાં રણજિતસિંહને ઘણી નામના મળેલી. એમની ક્રિકેટની રમતની કુશળતાની વાત તો જગજાહેર છે.

ટોકરા સ્વામી: હું જામનગર ગયો તેનાં કેટલાંક વર્ષો પહેલાં ટોકરા સ્વામી નામના એક દક્ષિણી પરમહંસ મહાપુરુષ જામનગરમાં હતા. એમની એક છબી મેં દીઠેલી. જામસાહેબ એમના અનુરક્ત હતા.

એ સ્વામીજી શાસ્ત્રજ્ઞ અદ્વૈતવાદી હોવા છતાં દરરોજ લગભગ બપોરના ત્રણ વાગ્યા લગી પૂજા આહિનક કરતા. એક પંડિતે એક દિવસે એમને પૂછ્યું કે, “અચ્છા સ્વામીજી, આપ અદ્વૈતવાદી પરમહંસ થઈને આ પ્રમાણે ઠાઠમાઠપૂર્વક રોજ બાહ્યપૂજા કેમ કરો છો?” એના જવાબમાં સ્વામીજીએ જે કવિતા ટાંકેલી તે જ અહીં જણાવું છું:

विश्वेश्वर च सुधियां गलितेऽपि भेदे

भावेन भक्तिसहितेन समर्मर्नाहः ।

प्राणेश्वरे तु चतुरे मिलितेऽपि चित्ते

वस्त्रांचलै निरीक्षणीयः ।।

એનો અર્થ લગભગ એ કે, જ્ઞાનીની પરમાત્મા સાથેની જીવાત્માની ભેદબુદ્ધિ દૂર થઈ ગઈ હોવા છતાં પણ એ પરમાત્મા પૂજાને યોગ્ય રહે છે. જેમ પતિ-પત્નીનો ગાઢ સંબંધ હોવા છતાં પણ સ્ત્રી પોતાના સ્વામીને ઘૂમટામાંથી જુએ છે.

ભીડભંજન, કલ્યાણજી તથા બેચરામાઈ: જામનગરમાં ભીડભંજન શિવ, બેચરામાઈ દેવી તથા કલ્યાણજી વિષ્ણુસ્વરૂપ મુખ્ય. વીરભજન (ભીડભંજન) શિવલિંગ, એનું મંદિર પણ ઘણું મોટું. ઘણાં જામનગરવાસી નરનારીઓ રોજ સાંજે એનાં દર્શન કરવા જાય. દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે બપોર વેળાએ એમને જાતજાતની સામગ્રીઓનો વિરોટ ભોગ ધરાવાતો જોઈને આશ્ચર્ય પામી જવાય. મહાદેવજીને આવો ભોગ ધરાવવાની વ્યવસ્થા મેં બીજી કોઈ જગ્યાએ દીઠી નથી. એની કેટકેટલી તૈયારીઓ તે તો શબ્દોમાં વર્ણવાય તેમ નથી. કલ્યાણજી શ્યામવર્ણા પથ્થરની અત્યંત સુડોળ ઘાટીલી મૂર્તિ. વહેલી સવારે દર્શન કરનારાઓની ભારે ભીડ જામે.

બહુચરામાઈ દેવીનું એક નાનકડું મંદિર અને માતાજીની પ્રતિમા પણ નાનકડી. રોજ સંધ્યાકાળે માના આંગણામાં ઊભાં રહીને સ્ત્રીપુરુષો ભક્તિ-ગદ્ગદ ચિત્તે જ્યારે નીચેની પ્રાર્થના ગાતાં ત્યારે એ ગીતની એકાદ-બે કડીઓ મારા મનના ભાવને જાણે બરાબર મળતી આવતી. એ અંશ આમ હતો:

”બેચરાબાઈ રે! હું જેવો ને તેવો મારો!” અર્થાત્ હે બેચરાબાઈ, હું ગમે તેવો ભલેને હોઉં, પણ તમારો જ છું. અહા! એ વાતની યાદ આવતાં આજે પણ મારા હૃદયમાં કેવો પવિત્ર ભાવ જાગે છે, તે લખીને બતાવાય તેમ નથી.

(ક્રમશઃ)

ભાષાંતરકાર: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ

Total Views: 614

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.