[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા (1934-1937). તેમનું પૂર્વાશ્રમનું નામ ગંગાધર ઘટક હતું. સને 1864માં તેમનો જન્મ થયો હતો. સને 1883માં તેમનો શ્રી રામકૃષ્ણ સાથે મેળાપ થયો. સને 1886માં શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ સુધી લગભગ ત્રણ વર્ષો માટે તેમને શ્રી રામકૃષ્ણદેવના પાવન સાંનિધ્યમાં રહેવાનો અને તેમની આધ્યાત્મિક્તાના દર્શનનો લાભ તેમને મળ્યો હતો. ત્યાર પછી, 1887ના ફેબ્રુઆરી માસથી તેમણે પરિવ્રાજક સંન્યાસીનું જીવન અપનાવ્યું. આ સમયગાળામાં તેમણે હિમાલયને ઓળંગીને ઠેઠ તિબેટ સુધીનું પરિભ્રમણ ત્રણ વાર કર્યું. ત્યાર પછી કેટલાક મહિના આલમ બજારના શ્રી રામકૃષ્ણ મઠમાં ગાળીને વળી પાછા સને 1890ના જુલાઈ માસમાં સ્વામી વિવેકાનંદ સાથે તેઓ હિમાલયની યાત્રાએ ઊપડ્યા. ઘણાં-ઘણાં સ્થળોએ આમ પરિભ્રમણ કર્યા પછી સ્વામી વિવેકાનંદની કોઈ સાથી વગર એકલા જ પરિભ્રમણ કરવાની ઇચ્છાને માન આપીને તેમને ત્યાર પછી સ્વામીજીનો સાથ છોડવો પડ્યો. પરંતુ, સ્વામી વિવેકાનંદ પ્રત્યે તેમનું એટલું તો ઉત્કટ આકર્ષણ હતું કે આમ છતાંય ફરીથી તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં તેમની પાછળ-પાછળ ગયા અને છેવટે કચ્છમાં આવેલા માંડવીમાં ફરીથી સ્વામીજીને મળીને જ રહ્યા ! સ્વામીજીએ તો એકલા અટુલા કોઈ સાથી વગર પરિભ્રમણ કરવાની પોતાની ઇચ્છા દર્શાવતાં તેમને સ્વામીજીને છોડવા જ પડ્યા. પછી પોતે એકલા જ ગુજરાત અને રાજસ્થાનનાં વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરતાં રહ્યા. આ પ્રદેશોમાં ભ્રમણ કરતાં-કરતાં જ અખંડાનંદજી મહારાજના દ્રષ્ટિકોણમાં એક પરિવર્તન આવ્યું. એક પવિત્ર પરિવ્રાજકમાંથી તેઓ ધીરેધીરે દીનદુઃખીઓના કાજે એક ખંતીલા કર્મયોગી થઈ ગયા. જે ઈશ્વરને તેઓ ધ્યાનથી પામવા ઝંખતા હતા, તે જ ઈશ્વર તેમણે એ લોકોમાં નિહાળ્યો. ગુજરાતમાં તેમનામાં થયેલા આ પરિવર્તનની વાત તેમણે પોતે તેમના બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’ (ઉદ્‌બોધન કાર્યાલય, કલકત્તા દ્વારા પ્રકાશિત)માં ખૂબ સુંદર રીતે આલેખી છે. આ પુસ્તકમાંથી તેમના ગુજરાત ભ્રમણનો અંશ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યો છે. અને તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. – સં.]

અજમેર આવીને ખબર મળ્યા કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) અમદાવાદ ગયા છે. એટલે પછી પુષ્કર ભણી ગયો. ત્યાં શારદાનો (સ્વામી ત્રિગુણાતીતાનંદનો) ભેટો થઈ ગયો. અને એની જોડે અજમેર પાછો આવ્યો. ત્યાર પછી શારદા પડ્યો માંદો, એટલે મારે એની ચાકરી કરવાની થઈ. એમ કરતાં-કરતાં ત્યાં પંદર કરતાં પણ વધુ દિવસો રોકાવાનું થયું. તબિયત સારી થતાં શારદાએ ખંડવા જવાની ઇચ્છા દેખાડી. પણ બેઉ જણા પાસે ફુટી દમડીએ મળે નહિ. મને મારી ફિકર તો નહોતી, પણ શારદાની તબિયત ઠીક નહોતી. પગે ચાલીને જવાની શક્તિ એનામાં હતી નહિ. શરમના માર્યા પૈસાની માંગણી કરી ન શકવાથી ત્યાંના બંગાળી બાબુઓને કહ્યું કે, ‘મહાશય, અમે પરમ દહાડે રવાના થઈશું.’

માન્યું હતું કે, આ લોકો જવાની વાત સાંભળીને પોતાની મેળે જ ગાડી ભાડું આપવા મરજી બતાવશે. પણ બધાય બોલવા લાગ્યા, ‘એ તો સરસ, મહારાજ, ઘણું સરસ’ કોઈ એક દમડી સરખી દેવાનું નામ પાડે નહિ. આ બાજુ, ‘પરમ દિવસ’ તો પાસે જ હતો અને બીજો દિવસ વીતતાં આવીને એ તો ઉભો ! ત્યારે મેં કહેવા માંડ્યું, ‘મહાશય, અમે કાલે જવાના’ ત્યારે પણ બધાએ કહ્યું, ‘ભલે, ભલે, બહુ મજાનું.’

મેં તો પણ લીધેલું કે વાટ ખરચી લઈને નીકળવું નહિ. કોઈ કદીક વિનવણી કરીને ગાડી ભાડું દેવા માગે તો પૈસા તો લેતો જ નહિ, પણ ટિકિટ ખરીદાવી લેતો. પણ આ અજમેરી બાબુઓનું ‘સારું સારું’ સાંભળીને વિચારવા લાગ્યો કે, હવે કરવું શું?

આજ અજમેર જ્યારે પહેલી વાર આવેલો ત્યારે, ચતુરસિંહના બનેવી મૌરસિંહે મને થોડાક રૂપિયા દઈને પ્રણામ કરેલા, મેં તેને હાથ અડાડેલો નહિ. હવે વિચાર કરતાં નક્કી કર્યું કે, એની પાસે જઈને શારદાની ટિકિટ કઢાવી આપવા કહેવું. અને એમ જ કરવું પડ્યું. મૌરસિંહે મારી વિનંતી સાંભળીને તે જ ઘડીએ ખંડવા જવાની ટિકિટના પૈસા આપ્યા. પૈસા લઈને વિચાર આવ્યો કે, લક્ષ્મીજીના ઐશ્વર્યને ઠોકરે ચઢાવેલું, તેથી હવે આ રૂપિયાને માથાના ફાળિયામાં બાંધીને લઈ જઈશ. શારદાને ખંડવા રવાના કરી દીધો.

શારદાને વિદાય કર્યા પછી વિચારવા લાગ્યો કે પગે ચાલીને જવાથી તો સ્વામીજીને પકડી પાડી શકાશે નહિ, પણ ત્યારે ટ્રેનમાં જવું યે શી રીતે? નસીબજોગે એક જણે આઠ આના આપીને મને બિયાવરની ટિકિટ કઢાવી દીધી. ત્યાં જઈને જાણ્યું કે, સ્વામીજી ત્યાં આવેલા અને ત્યાંથી અજમેર પધારેલા.

બિયાવરથી આબુ ગયો. લોકો જે પ્રમાણેની ટિકિટ કઢાવી આપે તે પ્રમાણે જવાનું. આબુના બધાં જોવાલાયક સ્થળો જોઈને પછી અમદાવાદ ગયો. અમદાવાદમાં ખબર મળી કે સ્વામીજી વઢવાણ ગયા છે. અમદાવાદથી એક ગૃહસ્થ મને ડાકોર લઈ ગયા. ત્યાંથી વડોદરા અને ભરુચ થઈને ખંભાતના અખાતે ગયો અને નર્મદાસંગમમાં સ્નાન કર્યું.

નર્મદાસંગમ

નર્મદાસંગમને સ્થળે એક ગામમાં એક ખેડૂત ગૃહસ્થને ઘેર અતિથિ થયો. ખાઈપીને ઘરધણી મને એક સારા મજાના ઓરડામાં બેસાડીને પોતે સહકુટુંબ ખેતરમાંથી અનાજ લાવવા માટે ગયા. ઘરના તમામ ઓરડા ખુલ્લા. આખાય દિવસ લગી ઘરધણીને પાછા ન આવેલા જોઈને મેં વિચાર્યું કે, આ લોકોનો કેવો તો વિશ્વાસ કે અજાણ્યા સાધુના હાથમાં ઘરસંસાર સોંપી દઈને ચાલ્યા ગયા !

સાંજ વેળાએ એ લોકો પાછા આવતાં મેં ઘરનાં બૂઢાં માજીને કહ્યું કે, ‘મા, હું તો અજાણ્યો માણસ, એના પર આટલો ભરોસો મુકીને આખોય દહાડો મને એકલાને ઘરમાં મુકીને કેવી રીતે તમે ગયા? જવાબમાં માજી બોલ્યાં કે, ‘બાબા, થોડા દહાડા પહેલાં તમારા જેવા જ એક સાધુને ઘરમાં મુકીને અમે આવી રીતે ખેતરે ગયેલાં. પાછાં આવીને જોયું તો, સાધુ મળે નહિ. ઘણી તપાસ કરી પણ ક્યાંય ન મળ્યા. છેવટે યાદ આવ્યું કે જે ખાટલા ઉપર સાધુ બેઠેલા, એની ધડકી તળે લગભગ 30 રૂપિયાની કિંમતનું એક ચાંદીનું કડું હતું. તપાસ કરતાં સાધુની ભેગાં ભેગાં ચાંદીનું કડું યે ગાયબ થયેલ દીઠું. સાધુનો વેશ જોઈને એને સાધુ તરીકે આવકાર દેવાનો ગૃહસ્થનો ધર્મ. એને ઢોંગી ધૂતારો સમજવાથી તો અધર્મ થાય. અમે એના પર વિશ્વાસ મૂકીને અમારો ગૃહસ્થધર્મ પાળ્યો, પણ સાધુએ સાધુનો ધર્મ સાચવ્યો નહિ. અમારું 30 રૂપિયાનું કડું ગયું, તે એનાથી અમે કાંઈ ભિખારી તો થયાં નહિ.

વડોદરા

નર્મદાસંગમથી વડોદરા પાછા આવીને એક સજ્જન રબારી ને ઘેર રાત ગાળી. બીજે દહાડે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, ‘આપ દંડી સંન્યાસી થઈને શૂદ્રને ઘેર રહેલા છો?’ એ લોકો મને ત્યાંથી એક મરાઠી બ્રાહ્મણને ઘેર લઈ ગયા અને મને યથાયોગ્ય માનપાનથી રાખ્યો, પણ એ ઘર બહુ જ ગંદુ હતું તેથી યોગ્ય રહેઠાણની તપાસ કરવા માંડ્યો.

વડોદરા રાજ્યમાં શિવ કે વિષ્ણુ મંદિરોમાં સાધુને રહેવાની જગ્યા નથી. શહેરમાં એક સરસ ઘર જોઈને મનમાં થયું કે, આ ઘરમાં રહેવા મળે તો સારું થાય. એ હતી વડોદરા રાજ્યની સરકારી બંગલી. ત્યાં એક ઊંચી પદવીએ રહેલા બંગાળી કર્મચારી રહેતા હતા. ત્યારે તે પોતે ઘેર હતા નહિ.

એટલે એમને શોધવા નીકળ્યો. એમની સાથે મુલાકાત થતાં તેઓ ઘણા માનપાનથી મને એમને ઘેર લઈ ગયા. અને એમણે કહ્યું કે ‘હું એકલો જ રહું છું, આટલા બધા ઓરડા ખાલી પડેલા છે, જે ઓરડામાં ગમે ત્યાં રહો.’

એમ કહીને એક માણસને એમણે મારા માટે ફળમીઠાઈ લાવવાનું કહીને મને પૂછ્યું કે ‘આપને શું જાતિભેદ છે કે?’ મેં કહ્યું કે, ‘ના એ તો કેવી રીતે હોય? કારણ કે અમે તો રહ્યા સંન્યાસી’. બાબુએ નોકરને ખાવાનું લાવવાની ના પાડી અને તે બોલ્યા કે, ‘તો પછી શું કરવા બજારનું ખાવાનું ખાવું? અમારી સાથે જ જમજો.’ મેં કબૂલ કર્યું.

પણ ખાવાનું જ્યારે આવ્યું ત્યારે પીરસનારાને જોઈને મારું તો માથું ફરી ગયું. એ એક ગોવાનો ખ્રિસ્તી હતો. એનો પહેરવેશ અને આચાર વગેરે જોઈને મારા મનમાં વિરોધનો મોટો પહાડ ખડો થઈ ગયો.

ભૂખ તરસ છૂ થઈ ગયાં. સૌથી પહેલાં તો ચા આવી, તે જેમ-તેમ કરીને એકાદ ઘુંટડા જેટલી ગળા નીચે ઉતારી. પણ એ અમૃતને વહેંચનારના હાથની યાદ આવતાં જ આખાયે શરીરે કમકમાં છૂટી ગયાં. એના પછી જ્યારે જમવાનું આવી પહોંચ્યું, ત્યારે તો વિચારી રહ્યો કે કેમ કરીને અહીંથી ઊઠી જાઉં? બાબુ પણ મારી જોડે બેસીને જમી રહ્યા હતા. એમ એકદમ ટેબલ છોડીને ઊભા થઈ જવું તે તો નરી અસભ્યતા કહેવાય પણ એ હોજરીએ સભ્યતાનું માન રાખ્યું નહિ. એ કહેવા લાગી કે, ‘જો તેં આ ખાવાની વાનગીઓમાંથી એક કણ પણ મારા ભણી મોકલ્યો છે તો અન્નપ્રાશનને દહાડે તેં જે કંઈ ખાધેલું તે બધુંય લોકોને બતાવી દઈશ.’ છેવટે મારે બાબુને નાછૂટકે કહેવું પડ્યું કે, ‘મહાશય, હવે તો નહિ ખવાય, મારા શરીરમાં કંઈક થાય છે; મારે તો ઊઠવું પડશે.’ બાબુ તો નવાઈભરી નજરે મારા ભણી જોઈ રહ્યા અને ગંભીર સ્વરે બોલ્યા, ‘હેં, આપ હજી યે નથી ખાઈ શકતા? હજુ પણ આપનામાં જાતિભેદ રહેલો છે?’

મેં કહ્યું, ‘જી હા, ભાઈ, એ જે છે તે છે.’ પછી ગોઠવણ કરી કે, મારે ખાવું મરાઠી બ્રાહ્મણને ઘેર અને સૂવા-બેસવાનું બાબુને મકાને.

અમદાવાદ, જૂનાગઢ, પ્રભાસ, દ્વારકા, કચ્છ-માંડવી

લગભગ પંદરેક દહાડા વડોદરા રહીને અમદાવાદ રવાના થયો. બાબુએ ટિકિટ કઢાવી આપી. અમદાવાદમાં એક સાધુનો ભેટો થઈ ગયો. એમણે મને ટ્રેનમાં પોતાની સાથે ચઢાવી દીધો અને કબૂલ્યું કે મારે જ્યાં ઊતરવું હશે ત્યાં એ ઉતારી દેશે.

વઢવાણી જંકશને ઊતરતાં એક સજ્જન મળ્યા. એમને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, વિવેકાનંદ નામના એક મહાપંડિત સાધુ જૂનાગઢમાં રહેલા છે. પેલા સાધુએ જૂનાગઢની ટિકિટ કઢાવી દીધી.

જૂનાગઢ પહોંચીને ખબર મળ્યા કે સ્વામીજી તો ચારપાંચ દિવસ અગાઉજ પોરબંદર થઈને દ્વારકા જવા નીકળી ગયા છે. જૂનાગઢમાં જોવાલાયક જગ્યાઓ જોઈને પ્રભાસતીર્થે જવા નીકળ્યો. પ્રભાસદર્શન કરીને પછી વેરાવળ થઈને સ્ટીમરમાં દ્વારકા જવા નીકળ્યો. દ્વારકા જઈને સાંભળ્યું કે, સ્વામીજી બેટદ્વારકા ગયા છે. એક રાત દ્વારકામાં વિતાવીને બીજે દહાડે ત્યાં ગયો. તો ત્યાં ખબર મળ્યા કે કચ્છ-ભૂજના રાજાએ વેરાવળમાં સ્વામીજીને કચ્છ-ભૂજ આવવાનું આમંત્રણ આપેલું હોવાથી સ્વામીજી કચ્છ-માંડવી ગયા છે. એટલે મેં પણ એ સાંભળીને તરત, કચ્છ-માંડવી ભણી પ્રયાણ કર્યું.

આટલી-આટલી ભાગદોડ કરવા છતાં સ્વામીજીને શોધી ન શકવાથી મારી વ્યાકુળતા એટલી વધી ગયેલી કે ત્યાંનાં બધાં તીર્થો જોયા કર્યા વગર જ હું માંડવી જવા નીકળી પડ્યો. ત્યાં જઈને સાંભળ્યું કે, સ્વામીજી નારાયણ સરોવર ભણી ગયા છે. માંડવીમાં એક રાતવાસો કરીને બીજે દહાડે ચાલતાં નારાયણ સરોવર જવા નીકળી પડ્યો.

નારાયણ સરોવર ભણી

‘માંડવીથી ચાર ગાઉ દૂર આવેલા એક ગામે એક સજ્જને કહ્યું કે, ‘સ્વામીજી, આ દિવસોમાં વાટમાં લૂંટારાનો ભો છે. સ્વામી વિવેકાનંદ રાજાના માણસોને જોડે લઈને ગયેલા છે, તમે એકલા કેવી રીતે જશો?’ મેં કહ્યું, ‘હું તો ખાલી હાથે છું, લૂંટારા મારું શું લઈ જશે?’ ગામવાસીએ કહ્યું કે, ‘આ ગામથી બીજે ગામ જવા માટે તમને બળદગાડું મળી જશે, તો પછી જોડે એક ભોમિયાને લઈ જાઓ તો?’ મેં પણ એમ જ કર્યું.

એક નાનો છોકરો મારો ભોમિયો થયો. જતાં-જતાં હું વિચાર કરવા લાગ્યો કે, જો લૂંટારાઓ પકડે તો હું કહીશ કે, ‘મારું બધુંય લઈ લો. મને મારી ન નાખશો’ પણ કચ્છી ભાષામાં મને આવડે નહિ, અને એ લોકો હિન્દી ન સમજે તો?’ ભોમિયા છોકરાને મેં પૂછ્યું કે, ‘મારું બધું લઈ લો મને જીવથી મારશો નહિ’ – એવું કચ્છીમાં કેવી રીતે કહેવાય?’ છોકરાએ કહ્યું કે, ‘બાબાજી, તમારે, કહેવાનું કે – ‘મડે ગનો, મુક. મારજો મુ.’ એ શબ્દો ગોખતો-ગોખતો હું જવા લાગ્યો.

કમનસીબે, બીજે ગામે ભોમિયાને ખાતર મોડું થતું જોઈને મેં છોકરાને રજા આપી અને એકલો જ ચાલવા માંડ્યો. પચીસ ગાઉ તો કશા વિઘ્ન વગર વટાવી નાખ્યા. નારાયણ સરોવર હજી બીજા પંદર ગાઉ આઘે રહેલું હતું, પણ એ પચીસ ગાઉ પછી દુકાળને કારણે મોટા ભાગનાં ગામો વસ્તીવિહોણાં હતાં.

દિવસ વીતતાં સાંજ પડી એટલે એક ગામમાં માણસો જોઈને ત્યાં જ મેં રાતવાસો કર્યો. એ ગામથી નારાયણ સરોવર સાત ગાઉ દૂર હતું અને ત્યાં પહોંચવાના બે રસ્તા હતા એક ગાડાવાટ અને બીજો એક પગદંડીનો રસ્તો. આ પગપાળા જવાનો રસ્તો થાય છ ગાઉ જેટલો એ કશી બીક વગરનો અને વચમાં એક ગામ પણ આવે. જે લોકો પગપાળા નારાયણ સરોવરે આવ-જા કરે એ બધા એ જ રસ્તે જાય. પણ ગાડાવાટ સાવ જ નિર્જન, આજુબાજુ જરાય વસ્તી નહિ. તેથી પગપાળા જવાનો રસ્તો લેવો જ સારો ગણાય. પણ મનમાં થયું કે સ્વામીજી ગાડીમાં ગયેલા છે તે ગાડીમાં જ પાછા ફરશે. પગદંડી વાળે રસ્તે મારા પહોંચતા પહોંચતામાં જો તેઓ ગાડાવાટે પાછા વળી જાય તો તો પછી જેમને ખાતર આટલે દૂર આવ્યો છું, તે હવે માત્ર સાત ગાઉને અંતરે રહેલા છે તેમને હાથવેંતમાં મેળવીને પાછા ખોઈ બેસીશ. એટલે એ ગાડાવાટ પકડવી જ મારે માટે તો સારી.

મને એ રસ્તે જવાને તૈયાર થયેલો જોઈને એક દુકાનદારે કહ્યું, “એ રસ્તે તમને કશી વસ્તી મળશે નહિ. બપોર પડતાં તમે જમનવાળા તળાવ પહોંચશો. ત્યાં સ્નાન કરજો. તમારે નાસ્તો કરવા જોગાં ગોળ અને ચુરમમરા બાંધી દઉં છું.”

એજ ઠેકાણેથી પશ્ચિમ ભારતવાસી એક જાત્રાળુ ‘ભગતે’ મારો સંગાથ કર્યો. મેં કહ્યું કે ‘તું શું કરવા આ ડાકુવાળા રસ્તે આવે છે?” ભગતે કહ્યું, ‘તમારા સત્સંગમાં બહુ આનંદ આવે છે.” પશ્ચિમ ભારતનો રહેવાસી હોવા છતાં યે ભગત અતિશય દૂબળો પાતળો. બગલમાં એક-બે મોઢાંની, ફાટેલી તૂટેલી ઝોળી. બેઉ જણા ચાલવા માંડ્યા.

બેઉ તરફ વગડો. નહિ કોઈ માણસ કે નહિ વસ્તીનું નામ નિશાન. સૂરજ માથે આવતાં બેઉ જણા પેલે સરોવરે પહોંચી ગયા. બંને જણા નાહ્યા-ધોયા અને દુકાનદારે આપેલા મમરા ગોળ બંનેએ અડધા-અડધા વહેંચીને ખાધા. મમરા ખાઈને ભગતે કહ્યું, “મહારાજ, દો ટિક્કડ (જાડી રોટલી) લગા લૂં?” હું તો નવાઈ પામી ગયો. અહીં વળી ટિક્કડ ક્યાંથી? મેં કહ્યું કે, “આટો ક્યાંતી મળશે કે તું ટિક્કડ ઘડશે?”

ભગતે જાણે જાદુગરની જેમ પેલી ચીંથરા જેવી ઝોળીમાંથી એકાધશેર લોટ, તાવડી, મીઠું વગેરે બહાર કાઢયાં અને જરાક આમ તેમ કરીને સૂકાયેલાં અડાયાં પણ વીણી આણ્યાં. જોતજોતામાં તો ભગતના કુશળ હાથે બાટી તૈયાર થઈ ગઈ.

બેઉ જણા ગોળની જોડે રોટલા ખાતા હતા, એટલામાં કેટલાંક ઘેટાં-બકરાં લઈને એક રબારી છોકરો આવી પહોંચ્યો. ભગત બોલ્યો, “મહારાજને થોડુંક દૂધ આપને, કોરો રોટલો ખાય છે.” રબારી છોકરાએ કહ્યું, “ભલે, ભલે, દૂધ ઝીલાય તો લઈ લોને તમ તમારે ! આંખના પલકારામાં તો પેલી જાદુઈ ઝોળીમાંથી ભગતે બહાર કાઢી એક તાંસળી અને લગભગ શેરેક જેટલું દૂધ દોહી લીધું. દૂધની જોડે એ બાટી અને ગોળ એવાં તો મીઠાં લાગેલાં કે તે જિંદગીમાં કદી ભુલાય એમ નથી. ખાઈ પરવારતાં મંજાઈ ઘસાઈને ઝોળીનાં વાસણ પાછાં ઝોળીમાં પેસી ગયાં. ભગતને હું વળી પાછા ચાલવા માંડ્યા.

ડાકુઓનાં હાથમાં

ઢળતા બપોરની વેળા ચાલતાં-ચાલતાં જોયું કે, રસ્તાથી આઘે વગડામાં ચાર માણસો અમારો પીછો કરતા-કરતા આવી રહ્યા હતા. વગડો હતો ખાડા ટેકરાવાળો. ચારે જણા ઘડીકમાં દેખાય તો ઘડીકમાં વળી પાછા એ લોકો સંતાઈ જાય મને શક પડ્યો કે આ તો લુંટારા લાગે છે.

મનમાં થયું કે પાછળ-પાછળ આવી રહેલા ભગતને (એ હતો દૂબળો પાતળો, તે વખતે જરા પાછળ રહી ગયેલો) કહું કે નાસી છૂટ, કારણ કે એની પાસે વાસણ હતાં, કદાચ પૈસા ટકા પણ હોય. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે આ નિર્જન પ્રદેશમાં નાસશે પણ ક્યાં? અને બૂમ પાડીને કહીશ તો તો ડાકુઓ સાંભળી જશે. જવા દો, ભગવાન જે કરે તે ખરું, જેમ ચાલીએ છીએ એમ જ ચાલવા દો.

(ક્રમશઃ)

Total Views: 622

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.