(પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

નારીઓ માટે ભગિની નિવેદિતાનું કાર્ય

સ્વામી વિવેકાનંદે ૧૮૯૬માં લંડનમાં નિવેદિતાને બતાવ્યું કે તેઓ પોતાના દેશમાં નારી શિક્ષણ માટે કંઈક કરવા ઇચ્છે છે. તથા એ બાબતમાં તે પોતે એમને સહાયક બની શકે એમ છે. ભગિની નિવેદિતાને ખ્યાલ આવી ગયો કે આ નિમંત્રણ એમને માટે એક પડકાર કે આહ્‌વાન છે. એ એમના જીવનને બદલી નાખશે અને ખરેખર એવું જ થયું. પરંતુ જ્યારે ભગિની નિવેદિતાએ સ્વામીજીને પૂછ્યું કે એમની યોજનાઓ શું છે? તેના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું : ‘હું ક્યારેય યોજનાઓ બનાવતો નથી. યોજનાઓ તો સ્વયં બને છે અને સાકાર થાય છે. હું તો કેવળ ‘જાગો, જાગો’ એટલું જ કહું છું.’ અત: ભારતીય મહિલાઓની સેવાના હેતુ માટે નિવેદિતાને સ્વામીજીએ જાગ્રત કર્યાં ખરાં, પરંતુ એની પદ્ધતિ કે યોજનાની પસંદગી એમના પર છોડી દીધી હતી. સાધારણ રીતે એક પરતંત્ર અને પરાજિત દેશની સેવા વિશે લોકો એના પર બધાં સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પોતાના પ્રગતિશીલ અને ઉચ્ચ વિચારોને લાદવા માગતા હોય છે. અહીં ભગિની નિવેદિતાએ પોતાને એવા દેશમાં અને એવા લોકોની વચ્ચે આવેલાં જોયાં કે જે દેશ અને લોકો રાજનૈતિક દૃષ્ટિએ પરાધીન હતા પરંતુ એમનો સમાજ સ્થિર હતો અને એમની ધાર્મિક સંસ્કૃતિ અત્યંત વિકસિત સ્વરૂપની હતી. જીવનની ભારતીય યોજનામાં પરિવાર સમાજનું સૌથી નાનું એકમ હોવા છતાં પણ સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે, એ વાત સમજતાં એમને વધુ વાર ન લાગી. કોઈ પણ વ્યક્તિને જીવન ઘડનારા નિર્દેશાત્મક ને નિષેધાત્મક પ્રભાવ એને પરિવારમાંથી જ મળતા રહે છે તથા દરેક પરિવારની સાચી શાસિકા મહિલા જ હતી.

ભારતીય ગૃહસ્થજીવનની પ્રશંસા

બાગબજારમાં રહેવાને લીધે ભગિની નિવેદિતાને ભારતીય ગૃહસ્થ જીવનને નજીકથી જોવાની તક મળી. લજ્જાશીલ, સુશીલ, સહૃદયી, અને ગર્વિલી નારીઓમાં એમને કલ્પનાતીત સૌંદર્ય, અપૂર્વ શોભા તથા મનહૃદયની અદ્‌ભુત ધાર્મિક પ્રશિક્ષણ પામેલી સંસ્કૃતિ જોવા મળી. બાળક પર માતા પરનો પ્રભાવ સર્વવિદ્‌ અને સર્વમાન્ય હતો. સંક્ષેપમાં કહીએ તો ‘વેદથી મહાન કોઈ શાસ્ત્ર નથી અને માતાથી મહાન કોઈ ગુરુ નથી’. શાસ્ત્રોની આ ઉક્તિ એમણે નજરે જોઈ અને ભારતીય દૈનિક જીવનમાં સાકાર થતી પણ જોઈ. એમણે એ પણ સમજી લીધું કે માતાને આપેલા આ સ્થાને જ વિવાહ અને માતૃત્વની પૂર્ણ પવિત્રતા કે શુદ્ધિને સુરક્ષિત રાખી છે. શતાબ્દિઓ સુધી પરિસ્થિતિઓએ સ્ત્રીઓને સુરક્ષા માટે બંધનમાં નાખી દીધી. એ અબળા છે એ કારણે નહિ પરંતુ તત્કાલીન પરિસ્થિતિઓને કારણે હિંદુ રીતિઓએ સ્ત્રીઓ પર શાસ્ત્રોની વિરુદ્ધ પ્રતિબંધ લગાવી દીધા. એટલે ભગિની નિવેદિતાએ આમ લખ્યું છે: ‘ભારતીય પરિવાર સદૈવ રીતિરિવાજોનું સુંદર ગીત ગાતું રહ્યું છે. એમને માટે પ્રત્યેક નાનું કાર્ય ગૃહસ્થ જીવનની કાર્યપ્રણાલીનું વર્ણન તથા સ્વભાવ અવર્ણનીય મૂલ્યવાન તેમજ પવિત્ર છે; અતીતમાંથી પ્રાપ્ત થયેલી રાષ્ટ્રની સનાતન સંપત્તિ છે અને એને સુરક્ષિત રાખવાની છે તેમજ ભવિષ્યને સોંપવાની છે. આ વિચારધારા આદર્શ પવિત્રતાની વ્યગ્રતા સાથે શોધ અને માતૃત્વની આરાધના સાથે જોડાયેલ છે. આ વિચારધારામાંથી સમગ્ર ભારતીય ચારિત્ર્યના માર્ગદર્શન તેમજ નિયંત્રણની શક્તિ નિર્મિત થઈ છે.’

થોડો સમય વિદ્યાલય ચલાવ્યા પછી ૧૮૯૯માં નિવેદિતા પોતાના વિદ્યાલય માટે ધન એકઠું કરવા પશ્ચિમના દેશોમાં ગયાં. જેમના માટે એમણે કાર્ય કર્યું હતું એ નારીઓની મધુર સ્મૃતિઓ એમના મનમાં ભારતની પહેલી યાત્રામાં જ બરાબર બેસી ગઈ હતી. એટલે જ ૨૨ ઓક્ટોબર, ૧૯૦૦ના રોજ લંડનની ‘સેસમ ક્લબ’માં એમણે કહ્યું: ‘મેં ત્યાં શું જોયું – આતિથ્યના સ્થાને ભાવભીનું સ્વાગત; સંશયાત્મકતાની જગ્યાએ મિત્રતા; કઠણાઈ અને થાકની વચ્ચે આકર્ષક ઘર તેમજ અત્યંત સૌહાર્દપૂર્ણ મિત્રોનો સાથ.’

હિંદુ સ્ત્રીઓને ૧૯૦૨માં લખેલા એક ખુલ્લા પત્રમાં એમણે કહ્યું છે : ‘વિશ્વસનીય હોવાનું ગર્વ તેમજ પરિપૂર્ણ થવાની આકાંક્ષા માટે પોતાનાં ઘરોમાં તપસ્વિનીઓની જેમ રહેતી સ્ત્રીઓનાં શાંત-મૂક જીવને, બહાર લડાયેલાં યુદ્ધો કરતાં ધર્મની રક્ષા તેમજ સમૃદ્ધિ કેટલીયે વધારે કરી છે.’

ભગિની નિવેદિતાનો સંપર્ક આ સ્ત્રીઓ સાથે થોડા વધારે પ્રમાણમાં વધી ગયો, જ્યારે ૧૯૦૩માં સ્વામી વિવેકાનંદના એક અમેરિકન શિષ્યા ભગિની ક્રિસ્ટીનની સહાયતાથી એમણે પોતાના વિદ્યાલયમાં એક મહિલા વિભાગ ખોલ્યો. ક્યારેક ક્યારેક નિવેદિતા કથાઓ તેમજ પુરાણોનો પાઠ, ગીતા કે ચંડી પર પ્રવચનની વ્યવસ્થા આ મહિલાઓ માટે કરતાં. એ વખતે મહિલાઓ ઘણી મોટી સંખ્યામાં આવતી અને ભગિનીનું નાનકડું આંગણું આખેઆખું ભરાઈ જતું. આ સ્ત્રીઓ સાથે હળવા-મળવામાં ભગિની નિવેદિતાને ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થઈ.

જ્યારે નિવેદિતા અમેરિકા કે ઈંગ્લેંડ જતાં ત્યારે ભારતીય ગૃહસ્થજીવનના આદર્શનાં ગુણગાન ગાતાં. એમની આ સેવા પોતાની ભારતીય બહેનો માટે ઘણી મહાન સેવા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ એમને ખોટાં ચીતર્યા હતાં. તેમણે એનો ઉત્તર ન આપ્યો. લંડનમાં શ્રોતાઓને એમણે આમ કહ્યું હતું: ‘માતાના રૂપે ભારતીય મહિલા શ્રેષ્ઠ છે. ‘મારી પત્ની’ કહીને જે સન્માન એક પુરુષ સ્ત્રીને અહીં આપે છે ત્યાં એનાથી પણ વધારે સન્માન ‘મારાં બાળકોની માતા’ એમ કહીને આપવામાં આવે છે.

પુત્રો પોતાની માતાઓને આદર્શ રૂપે પૂજે છે. સંસારમાં માતૃત્વ એક આદર્શ સંબંધ છે. માતાની જેમ આપણે પણ સ્વાર્થમુક્ત બનીએ. પોતાના સંતાન માટે એક માતાની જેમ આપણે પણ ઈર્ષ્યા ન કરીએ. આપણું સર્વસ્વ અર્પી દઈએ… આપણી સેવામાં ભેદભાવ ન રહે. ભારતીય સ્ત્રીનો ઉત્તમ જીવન પ્રત્યે આવો ભાવ હોય છે. તે પોતાનાં સંતાનોને આવી નૈતિક સંસ્કૃતિના વાતાવરણમાં રાખે છે.’

એ દિવસોમાં જ્યારે પશ્ચિમના લોકો પ્રાય: ભારતીય સ્ત્રીઓને અજ્ઞાની કે દલિત કહેતા અને ગણતા ત્યારે ભગિની નિવેદિતા એનું ખંડન કરતાં. મદ્રાસમાં ૧૯૦૨માં પોતાના એક ભાષણમાં એમણે આમ કહ્યું હતું: ‘આવું કહેનારાઓને મારો ઉત્તર એ છે કે ભારતીય સ્ત્રીઓ દલિત નથી. પશ્ચિમના યુવા દેશોની તુલનામાં અહીં સ્ત્રીઓ પર થયેલ અત્યાચાર બહુ થોડા અથવા પ્રમાણમાં ઓછા ક્રૂર છે. ભારતીય સ્ત્રીઓનાં સુખ, સામાજિક મહત્ત્વ, ઉચ્ચ ચરિત્ર, રાષ્ટ્રિય જીવનની સર્વોત્તમ સંપત્તિ છે. ભારતીય સ્ત્રીઓ અજ્ઞાની હોવાનો આરોપ તો સાવ મિથ્યા છે. આધુનિક દૃષ્ટિએ તેઓ નિરક્ષર હોઈ શકે છે, લખવાનું જાણતી નથી, બહુ ઓછું વાંચવાનું જાણે છે, તો શું તે અજ્ઞાની છે? જો એવું હોય તો રામાયણ, મહાભારત તથા પૌરાણિક કથાઓ જે માતાઓ અને દાદીઓ બાળકોને સંભળાવે છે તે સાહિત્ય નથી? પરંતુ યુરોપિય ઉપન્યાસ કે સ્ટ્રૈન્ડ (મારીમચડીને સ્થાપેલ) પત્રિકા છે; શું આપણામાંથી કોઈ પણ આ વિરોધાભાસનો સ્વીકાર કરશે ખરો?’ ત્યાર પછી તેમણે આગળ કહ્યું: ‘.. ભારતીય નારી જેને પોતાના ઘરમાંથી શિક્ષણ, ગરિમા, વિનમ્રતા, સ્વચ્છતા, મીતવ્યયિતા, ધાર્મિક પ્રશિક્ષણ અને મન તથા હૃદયની સંસ્કૃતિ મળે છે તે ભલે પોતાની ભાષાનો એક પણ શબ્દેય વાંચી ન શકતી હોય, પોતાના હસ્તાક્ષર પણ ન કરી શકતી હોય તો પણ તે સાચા અર્થમાં તથા સાહિત્યિક દૃષ્ટિએ પણ પોતાના આલોચકોથી કેટલીયે વધુ શિક્ષિત છે.’ આ મહિલાઓને મળ્યા પછી એમણે નવી શિક્ષણપ્રણાલીનાં માત્ર વાચન-લેખન શીખવાના મૂળ સિદ્ધાંતની આવશ્યકતાને નકારી દીધી. એમને આવો પૂર્ણ વિશ્વાસ થઈ ગયો – ‘કેવળ વાંચવું-લખવું એ જ પોતાની રીતે શિક્ષણ નથી. એનાથી ક્યાંય વધારે મહત્ત્વપૂર્ણ છે એમના પ્રયોગની શક્તિ. જે નારીમાં દયાભાવ જાગ્રત થયો હોય, જે રાષ્ટ્રિય ઇતિહાસને સમજે, કેટલાંક તીર્થોના ભ્રમણથી દેશનાં દર્શન કરી ચૂકી હોય, તે માત્ર વાંચનારી અને લખનારી મહિલા કરતાં વાસ્તવિક તેમજ ગહન રૂપે અધિક શિક્ષિત છે.’

પશ્ચિમમાં ભારતીય નારીઓ વિશે બોલવું ભગિની નિવેદિતા માટે સહજસરળ ન હતું. શ્રોતાઓ એમના પર નિરર્થક પ્રશ્નોની ઝડી વરસાવતા, એમની ઠઠ્ઠા મશ્કરી કરતા. આ બધું એટલા માટે કે એમણે ભારતીય નારીઓના એ રૂપને એમની સામે રાખ્યું કે જે રૂપ એ લોકો માટે પૂર્ણતયા નવું જ હતું. સાથે ને સાથે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોના વર્ણનથી એકદમ વિપરીત પણ હતું. જ્યારે તેઓ ડેટ્રોઈટની મહિલા ક્લબમાં ગયા ત્યારે એમને જટિલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ૧૬ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ પોતાના મિત્ર કુમારી મેક્લાઉડને લખેલા એક પત્રમાં છે : ‘અચાનક મેં મારી જાતને કાંટાની ઝાડીની વચ્ચે ઊભેલી જોઈ. હું ક્યારેય આવા પાગલોની વચ્ચે રહી નથી.’ 

બીજી એક વખતે સ્કોટલેન્ડના ‘એડિન્બર્ગ મહિલા વિક્ટોરિયા ક્લબ’માં એમને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. ત્યાં (ખ્રિસ્તી ધર્મના) પ્રચારકોના ભીષણ પડકારનો સામનો કરવો પડ્યો હતો. એ સભા વિશે ૭ માર્ચ, ૧૯૦૧ના રોજ એમણે કુમારી મેક્લાઉડને આ પ્રમાણે લખ્યું હતું: ‘એમણે ભારત અને એમની રીતિઓનું ભયંકર રૂપે વર્ણન કર્યું તથા મારી પાસે એક માત્ર વિરોધ કરવાનો સમય હતો, પછી હું ત્યાંથી ચાલી નીકળી. ત્યાર પછી એમણે પોતાની મનમાની કરી. એમણે એક ભારતીય ખ્રિસ્તીને બોલવાનું કહ્યું. તેમણે ઊભા થઈને કહ્યું કે મારી વાત બરાબર હતી અને યુરોપમાં આવીને તે પોતાને ખ્રિસ્તી કહેતા નથી. શું તમે ક્યારેય આવી પુરુષોચિત કે ઉત્તમ વાત સાંભળી છે ખરી?.. આ ક્લબમાં મને ઉત્તર દેવાની બાબતમાં રોકી રહ્યા છે, એમને ઘણો ભય હશે છતાં પણ કોઈને કોઈ રૂપે હું એ પ્રચારકોના મતનું ખંડન કરીશ અને ત્યારે જ હટીશ.’ ભારતની આ વિરાંગનાએ ‘વરુઓની વચ્ચે ઘેટાંનું બચ્ચું’ એ પુસ્તક લખીને એમને પ્રત્યુત્તર આપ્યો હતો.

ભગિની નિવેદિતાના કાર્યનો ઉદ્દેશ

જો ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ આટલી ઉચ્ચ હતી તો પ્રશ્ન એ ઊભો થાય છે કે અહીં ભારતમાં નિવેદિતાના કાર્યનું પ્રયોજન શું હતું? આ દેશની સહાયતા માટે સ્વામી વિવેકાનંદે ‘નારીઓ અને સામાન્ય જનોને ભૂલતાં નહિ’ એમ શા માટે કહ્યું? એમનો સંઘ ‘નારીઓ અને સામાન્યજનો’ માટે છે, એમ વારંવાર શા માટે 

કહ્યું? આ પ્રાચીન સંસ્કૃતિમાં ગહનતાથી પ્રવેશ કરીને પોતાનું કાર્ય નિવેદિતાને આવી રીતે સમજાયું હતું:

સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તોને વિશાળ અને વધુ ઉદાર આધ્યાત્મિક શક્તિ વિશે કહ્યું હતું. પરંતુ નવા યુગમાં એ શક્તિ નવા ઉપયોગો અને કલ્પનાતીત સંભાવનાઓમાં જોડાય એવી એમની ઇચ્છા હતી. પ્રાચીન તથા નવીન બંનેના સમન્વય માટે નિવેદિતા ચોક્કસપણે કંઈક ઉકેલ લાવશે એવી સ્વામીજીને આશા હતી. નિવેદિતાએ કહ્યું છે: ‘આધુનિકતાનું રાષ્ટ્રિયકરણ અને પ્રાચીનનું આધુનિકીકરણ કરવાનું છે.’ બીજા શબ્દોમાં કહીએ તો આધુનિક દૃષ્ટિકોણ અને બૌદ્ધિક સુદૃઢતામાં નારીઓની ઉન્નતિ એ રાષ્ટ્રની આવશ્યકતા હતી. રાષ્ટ્રના ઉન્નત જીવનમાં નારીઓએ સામાજિક તથા રાષ્ટ્રિય ધર્મ નિભાવવાનો હતો. ઘણા લાંબા સમય સુધી એમણે પારિવારિક આદર્શ પર ધ્યાન આપ્યું, હવે એમણે જનસેવાની ભાવના પર આધારિત નાગરિક આદર્શને અપનાવવાનો હતો. એટલે ‘આધુનિક ભારતમાં નારી’ નામના પોતાના લેખમાં એમણે લખ્યું છે: ‘આજે નારીકેળવણીનો વાસ્તવિક અર્થ છે સભ્યતા. ભારતમાં આપણે જેમ હંમેશાં કહ્યું છે, ભારત માટે આ યુગમાં સમસ્યા એ છે કે તે પરિવારની સીમાથી આગળ વધીને સામાજિક તથા રાષ્ટ્રિય એકતાની વાત વિચારે. એ કેવળ પુરુષો જ કરી ન શકે, નારીઓ દ્વારા પણ આ થાય એ વધારે આવશ્યક છે.’

ભારતીય નારીઓ પારિવારિક તેમજ નાગરિક આદર્શોનો સમન્વય કરે એમ નિવેદિતા ઇચ્છતાં હતાં. પોતાના ગૃહસ્થજીવનની જેમ એમણે સમાજના નાગરિક જીવનને પણ માન-આદર અને પરિશ્રમ કરીને સુરક્ષિત રાખવું પડશે. પરંતુ એમણે પશ્ચિમની નારીઓની આક્રમક વૃત્તિ અપનાવવી ન જોઈએ. એમણે પોતાની ભારતીય બહેનોને પૂછ્યું: ‘આપણી પ્રાચીન ભારતીય નારીઓએ પરંપરાગત શાલીનતા, માધુર્ય; સહૃદયતા અને પવિત્રતા, સહનશીલતા, બાળસુલભ ગહન પ્રેમ અને કરુણાને પશ્ચિમી સમજબૂઝને લીધે અને સામાજિક આક્રમણની પ્રથમ અપક્વ ઉપજના બદલામાં આ પ્રાચીન આદર્શોને શીઘ્રતાથી ત્યજી દેવા એ ભારતીય નારીઓ આપણા માટે શું લજ્જાજનક નથી?’

પોતાના પારિવારિક આદર્શોને પૂર્ણતયા છોડી દેવામાં સ્ત્રીઓના પથભ્રષ્ટ થવાનો ભય હતો. અત: પ્રાચીન તેમજ નવીનની વચ્ચે સમન્વય પથ પર ભગિની નિવેદિતાને આપણે પોતાની ભારતીય બહેનોને પ્રેમ અને સાવધાનીપૂર્વક લઈ જતાં જોઈએ છીએ. એમણે ઉત્સાહપૂર્વક ભારતીય બહેનોને દર્શાવ્યું હતું: ‘મારી બહેનો, તમારામાંથી દરેકને ભારતની આ સુંદરભૂમિની પુત્રી હોવાને કારણે હું ઘણો પ્રેમ કરું છું. સાથે ને સાથે દરેકેદરેકને આગ્રહ કરું છું કે પશ્ચિમી સાહિત્યના સ્થાને પોતાનું પૂર્વનું મહાન સાહિત્ય વાંચો. તમારું સાહિત્ય જ તમને ઉન્નત કરશે, એને જ પકડી રાખો. પોતાના પારિવારિક જીવનની સરળતા તેમજ ગંભીરતાથી સદા યુક્ત રહો. એ પવિત્રતાને જાળવી રાખો કે જે પ્રાચીનકાળમાં હતી અને આજે પણ તમારાં સાદગીભર્યાં ઘરોમાં મોજૂદ છે. પોતાની સન્માનજનિત વિનમ્રતા, પોતાના પ્રિયજનો પ્રત્યે વૃદ્ધોની સપ્રેમ શુભેચ્છા અને નાનેરાઓને એમના પ્રત્યે આદરભાવ, આજ્ઞાકારી ભાવ સાથે ભરેલ પોતાના પ્રિય પારિવારિક સંબંધોને આધુનિક વેશભૂષા, પશ્ચિમની અપવ્યયશીલતા અને આધુનિક અંગ્રેજી શિક્ષણ દ્વારા મલીન થવા ન દેતાં.’

આ રીતે નિવેદિતાએ ભારતની નારીઓને પોતાની માતૃભૂમિ પર ન્યોચ્છાવર થઈ જનાવો નિર્ણય એમના પર જ છોડી દીધો અને એમની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કર્યો. એમણે આગળ લખ્યું છે : ‘આજ એમના આંગણામાં પડછાયાનો અંધકાર જ છે. પરંતુ જ્યારે ભારતની નારી રાષ્ટ્રિયતાની મહા-આરતી કરી શકશે ત્યારે તે મંદિર જ્યોતિથી પૂરેપૂરું ભરાઈ જશે. એટલું જ નહિ. ત્યારે જ વાસ્તવમાં પ્રભાતનું આગમન થશે.’ આવાં હતાં ભગિની નિવેદિતાનાં આશા અને સ્વપ્ન. ભારતના પુનર્નિર્માણનું કાર્ય નિવેદિતાએ સમર્પિત ભાવનાવાળી ભારતીય નારીઓને સોંપી દીધું.

પવિત્ર નારીઓના આશીર્વાદ

બહારથી નિવેદિતાનો સ્વભાવ એક યોદ્ધા જેવો અદમ્ય તથા અવરોધી ન શકાય તેવો હતો. આમ છતાં પણ રામકૃષ્ણ સંઘના સાધુઓના સંગથી પ્રાપ્ત અજેય શાંતિ અને આનંદે એને સંતુલિત કરી દીધો હતો. સ્વામી વિવેકાનંદ, એમના ગુરુભાઈઓ તેમજ શિષ્યો સિવાય એમને શ્રીરામકૃષ્ણનાં પવિત્ર મહિલા શિષ્યોના સંપર્કમાં આવવાનો અવસર મળ્યો. પોતાના પુસ્તક ‘ધ માસ્ટર એઝ આઈ સો હીમ’માં એમણે એના પર એક પૂરું પ્રકરણ ‘કોલકાતા અને પવિત્ર મહિલાઓ’ લખ્યું છે. એમની ચર્ચા વિના ભારતીય નારીઓની વચ્ચે નિવેદિતાનું જીવન પૂર્ણ ન થઈ શકે. એ બધી મહિલાઓમાં ચોક્કસપણે શ્રીમા સારદાદેવી પ્રધાનતમ અને પ્રથમ હતાં. શ્રીમાએ પોતાની આ બાલિકા (શ્રીમા એમને ખૂકી-બાલિકા કહેતાં)ને જે પ્રેમ અને સમજના અતૂટ બંધનમાં બાંધી લીધી હતી તે ખરેખર અપૂર્વ હતું. ૧૭ માર્ચ, ૧૮૯૮નાં પ્રથમ દર્શન વખતે જ તે શ્રીમાના પ્રેમમાં બંધાઈ ગયાં. પોતાના મિત્ર નેલ હેમંડને પાંચ દિવસ પછી એમણે આમ લખ્યું હતું: ‘આટલાં સુશીલ, સ્નેહમયી તેમજ બાલિકા જેવાં હસમુખાં તેઓ (શ્રીમા સારદાદેવી) માધુર્યની મૂર્તિ છે. અને તેઓ કેટલાં કોમળ છે! મને ‘મારી પુત્રી’ કહે છે. તેઓ સદૈવ અત્યંત શાસ્ત્ર-પરાયણા છે. આમ છતાં પણ પ્રથમ બે પશ્ચિમની નારીઓ શ્રીમતી બુલ તેમજ કુમારી મેક્લાઉડને જોઈને જ એમનો રૂઢિવાદ જતો રહ્યો અને એમણે એ બંનેની સાથે ભોજન લીધું. જતાંવેંત અમને ફળો આપવામાં આવતા અને અમે એ ફળો શ્રીમાને ધરતાં અને તેનો તેઓ સ્વીકાર કરી લેતાં. ફરી તે ફળ (પ્રસાદીફળો) અમને આપવામાં આવતાં, આ બધાંને માટે અત્યંત આશ્ચર્યની વાત હતી. એનાથી અમે બધાં સન્માનીત થયાં તેમજ એમણે મારા ભવિષ્યનાં કાર્યને સંભવત: બીજું કોઈ ન કરી શકે એટલું બધું સરળ બનાવી દીધું. અત્યંત સરળ અને અત્યંત સામાન્ય પોશાકમાં તેઓ વાસ્તવમાં એક પરમ શક્તિવાન અને મહાનતમ નારી છે.’

ગોપાલમા અને યોગીનમા શ્રીરામકૃષ્ણનાં અન્ય બે વૃદ્ધ શિષ્યા હતાં. જ્યારે શ્રીમા નિવેદિતાના વિદ્યાલયનું ઉદ્‌ઘાટન કરવા ગયાં ત્યારે એ બંને સાથે હતાં. એમના વિદ્યાલયના ‘મહિલા વિભાગ’માં યોગીનમા ભણાવતાં પણ ખરાં. આ મહિલાઓએ પ્રેમ-સેવાના જે અપૂર્વ બંધને નિવેદિતાને જોડી દીધાં હતાં તે ગોપાલની મા સાથેના એમના સંબંધથી વ્યક્ત થાય છે. ૮૦ વર્ષથી વધુ ઉંમરનાં આ બંને વૃદ્ધા શ્રીમાના પરિવારમાં એક વિદેશી મહિલાને પ્રથમવાર જોઈને ઉદ્વિગ્ન થઈ ગયાં હતાં. પરંતુ પછીથી આ ‘નરેન્દ્રની પુત્રી’ પર સ્નેહવર્ષા કરવામાં ક્યારેય ખચકાયાં નહિ. તેઓ નિવેદિતાને ‘નરેન્દ્રની પુત્રી’ કહ્યા કરતાં. જ્યારે ગોપાલના મા ૯૦ વર્ષનાં થયાં ત્યારે એમનાથી હાલી-ચાલી પણ શકાતું ન હતું. એ વખતે ૧૯૦૩માં તેઓ નિવેદિતાના ઘરમાં રહેવા લાગ્યાં. પોતાની ‘પ્રિય દાદી’ તેમજ ‘પરમપ્રિય સંપદા’ની સેવા માટે નિવેદિતાએ એક સેવિકા પણ રાખી દીધી હતી. પોતાનાં અનેક કાર્યોની વચ્ચે પણ એમની પાસે બેસવા અને એમની સેવા કરવા માટે નિવેદિતા સદૈવ સમય કાઢતાં. ગોપાલની માનો દેહાંત ૬ જુલાઈ, ૧૯૦૬ના રોજ થયો અને નિવેદિતાએ એમની સેવા અંત સમય સુધી કરી. 

જેમની સાથે તેઓ ઘણો ઓછો વાર્તાલાપ કરી શકતાં એવી આ બધી મહિલાઓ વિશેના ગૌરવ અને આદર્શ માટે ભગિની નિવેદિતાએ લખ્યું: 

‘… પ્રેમને સપ્રેમ તથા શ્રદ્ધા-વિશ્વાસ સાથે સ્વીકાર કરવાની આ પૂર્વની નારીઓની તત્પરતાને વ્યક્ત કરવા ભાષાની આવશ્યકતા ન હતી. એમ ને એમ જ આવાં કોઈ રૂપે ભારતીય લોકોની વાસ્તવિક અપૂર્વ બુદ્ધિનો તાગ મળી શકે છે, કેવળ આટલું હું વિચારી શકું છું.’

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.