(અનીસ યુંગે પોતાની કારકિર્દીની શરૂઆતયૂથ ટાઈમ્સના તંત્રી તરીકે કરી હતી અને તેઓ ૨૦ વરસથી લખતાં રહ્યાં છે. તેમનાં પુસ્તકો છે:અનવેઈલિંગ ઈન્ડિયા’, ‘અ વુમન્સ જર્ની’, ‘નાઈટ ઑફ ધ ન્યૂ મૂનઅને તાજેતરમાં જ પ્રકાશિત થયેલસેવન સિસ્ટર્સ અમંગ ધ વીમેન ઑફ સાઉથ ઍશિયા’. થોડાક મહિના પહેલાં તેમની નિયુક્તિ પૅરિસમાં યુનેસ્કોના ડાયરેક્ટર જનરલના ખાસ સલાહકાર તરીકે થઈ છે. તેઓ યુનેસ્કોનો એક અહેવાલ તૈયાર કરવામાં કાર્યરત છે. તે અહેવાલનું કામચલાઉ શીર્ષક છેવ્હેન હાફ ધ વર્લ્ડ સ્પીકસએક રૂઢિભંજક શ્રદ્ધાળુ યુવતીનું આ અભિનવ સર્જન છે. – સં.)

કેટલાંક વરસ પહેલાં હું મધ્યપ્રદેશના શહે૨ રાયપુરની મુલાકાતે ગઈ હતી. ત્યાં મને બાબુખાન નામના એક માણસ વિષે સાંભળવા મળ્યું. તેણે એક શિવમંદિર બંધાવ્યું હતું. એક માણસની શ્રદ્ધાનું આ કાર્ય હતું અને એ વખતે મહત્ત્વના સમાચાર બની રહે તેવું પણ એ ન હતું. આજના સંદર્ભમાં એ સમાચારરૂપ છે. તેથી હું તે માણસની વાત અને તે મંદિર બાંધવાની પ્રેરણા તેને શાને લીધે મળી તે કહીશ.

બાબુખાન ચરોડામાં રહે છે. આ ગામ રાયપુરથી ૨૫ કિલોમીટર દૂર છે અને પ્રવાસીઓ આવજા કરતા રહેતા હોય તેવા માર્ગ પર આવેલું છે. એક દિવસ સૂર્યાસ્ત વેળાએ હું ત્યાં જઈ ચડી અને મેં જોયું કે ગામ અંધકારભરી, ભૂખરી જમીનની સોડમાં વસવાટ કરી રહ્યું હતું. જેવું ગામ હતું, તેવા જ ગ્રામવાસીઓ પણ હતાં. કાળાં, નમ્ર, કામથી કામમાં માનનારાં અને ઉનાળાની રાતે રમકડાં જેવાં આંગણામાં પડ્યાં હતાં. બાબુખાનના વાડામાં આંબાના ઝાડની ડાળીઓમાં અર્ધ-ચંદ્ર ઝડપાઈ ગયો હતો. તેનો પ્રકાશ ભૂરા રંગનાં બારણાં અને સફેદ દીવાલો પર પડતો હતો. ત્યાં મુસ્લિમ દંતકથાઓનાં ચિત્રો લટકતાં હતાં. અંદરના ભાગમાં તેનાં ૨૦૦૦ મરઘાં, ગાયો, સાથીઓ અને ઘરની સ્ત્રીઓ રહેતાં હતાં. છત્તીસગઢની સ્ત્રીઓના જેવી તેમની વેશભૂષા હતી. દેશના બીજા ભાગોમાં મુસ્લિમ સ્ત્રીઓની જેવી વેશભૂષા જોવામાં આવે છે, તેવી તે ન હતી.

મજલીનનું ધોતિયું અને કુર્તું પહેરતો બાબુખાન પણ ગામડાના બીજા રહેવાસીઓ જેવો જ દેખાતો હતો. મેં તેને કહ્યું: “તમે મુસ્લિમ જેવા લાગતા નથી.’’ પંડિત જેવી અસ્ખલિત હિન્દી ભાષામાં તેણે મને સણસણતો જવાબ આપ્યો: ‘‘વેશભૂષા કે કપડાં મુસ્લિમ બનાવતાં નથી.’’ બાબુખાનનો જન્મ છત્તીસગઢમાં થયો હતો અને તેને જે સંસ્કૃતિ વારસામાં મળી હતી, તેનો તેને ગર્વ હતો. ઈસ્લામ ધર્મ ૫૨ની તેની શ્રદ્ધા વિરુદ્ધ એ સંસ્કારોનું આગમન થયું ન હતું. માણસની જીવનપદ્ધતિને તેના ધર્મ સાથે કશી લેવાદેવા નથી હોતી. ‘‘હું મુસ્લિમ છું, હું મસ્જિદે જઉં છું, પણ મારો ખુદા મંદિરમાં પણ બિરાજે છે. આપણને વરસાદ મોકલનારો અને હિન્દુ તથા મુસલમાનનાં ખેતરોમાં પાકરૂપે ખીલી ઊઠતો ભગવાન એક જ છે.’’ તેને સાંભળતાં મને નવાઈ એ લાગતી હતી કે પોતાનું ગામડું છોડીને કદી બહાર ન નીકળેલા અને નિરક્ષ૨ માણસે આવો દૃષ્ટિકોણ કઈ રીતે કેળવ્યો હશે?

ખૂબ ગરીબ કુટુંબમાં જન્મેલો બાબુખાન જમીનના એક નાનકડા ટુકડા પર વરસોથી રહેતો હતો. તેના પિતા

ગરીબ હોવા છતાં તેમણે પોતાના દીકરાને ભણાવવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. નિશાળમાં હાજરી આપવા જવા માટે બાબુખાને દરરોજ ચાર માઈલ ચાલીને જવું પડતું હતું. સાતમા ધોરણમાં પાસ થયા પછી તેનું નિશાળે જવાનું બંધ થઈ ગયું ત્યારે તેણે ગામના ચોકમાં જઈને બીજા લોકોના દાણા વેચવાનું શરૂ કર્યું. આ રીતે તે દરરોજના બે રૂપિયા કમાતો હતો. તે સારી રીતે વેચાણ કરતો હતો અને ગામડાના બીજા છોકરાઓમાં ન હોય, તેવો વિશ્વાસ તેણે ગ્રામજનોમાં ઊભો કર્યો હતો. થોડા વખતમાં તેણે ગ્રામમંડળી ઊભી કરી, ઉપસરપંચ તરીકે ચુંટાયો અને પછી ગામનો સરપંચ પણ થયો. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે, ‘હું મારા ગામમાં નિશાળ લાવીશ. પાણી, વીજળી અને રામકોઠીની સગવડો ઊભી કરીશ. મારા ગામમાં દરેક દેવનું મંદિર હશે,’ અને તેણે એ પ્રતિજ્ઞા થોડાં વરસોમાં પૂરી કરી.

તેણે કહ્યું: “હું મારી સાથે સો માણસોને લઈ જઈ શકું નહીં. છતાં ય હું બને તેટલા વધારેને લઈ જઉં છું.’’ એ ગામમાં હિંદુઓના ૩૦૦ ઘર અને મુસલમાનોનાં ૨૫ ઘર હતાં. “નેતાઓ દાવો કરતા હોય છે કે તેઓ દરેકને પોતાની સાથે લઈ જાય છે. તેઓ લોકોને ઉપદેશ આપે છે અને ટોળાં એકઠાં કરે છે. હું એ બેમાંથી કાંઈ કરતો નથી. ગામની હું જે કાંઈ સેવા કરું છું તે કર્તવ્યરૂપે કરું છું. મારો તે ધર્મ છે.’’

હવે ચરોડાનાં બાળકોને બીજે ગામ ચાલતા જવું પડતું ન હતું. લોકો હવે દુકાળના ઓથાર નીચે જીવતા ન હતા. રામકોઠીમાં પુષ્કળ ધાન્ય સંગ્રહી રાખવામાં આવતું હતું અને મુશ્કેલીના સમયે તેનું વિતરણ કરવામાં આવતું હતું અને વરસો સુધી જે દેવો તડકા અને વરસાદમાં ખુલ્લામાં રહ્યા હતા, તેમને હવે છાપરું પૂરું પાડવામાં આવ્યું હતું. બાબુખાનને ખાતરી થઈ ગઈ હતી કે માત્ર ઈન્સાનને જ નહીં, ભગવાનને પણ આશરો જરૂરી હતો. તેણે ગણીને પાંચ આવાં આશ્રયસ્થાનો બંધાવ્યાં. તેમાં મસ્જિદ અને શિવાલયનો સમાવેશ થતો ન હતો. શિવાલયનું નિર્માણ તો પ્રાચીન શિવલિંગ જે સ્થળેથી મળી આવ્યું હતું, તેના પર જ થયેલું હતું. ગામે બન્નેના નિર્માણ માટે પૈસા ઊભા કર્યા હતા. પ્રત્યેક ગ્રામવાસી – હિન્દુ અને મુસ્લિમે – તેના નિર્માણમાં શ્રમ ઉઠાવ્યો હતો. કોમકોમ વચ્ચે જે સુસંવાદ પ્રવર્તતો હતો, તેનું અભિમાન બાબુખાનને હતું.

“મારા બાળપણથી મારી પાસે બીજું કશું નથી. મુલ્લાંઓ અને પંડિતોએ મતભેદો ઊભા કર્યા છે. મુલ્લાંઓ કહે છે કે મંદિરોમાં ન જાઓ. પંડાઓ કહે છે કે મસ્જિદનો ત્યાગ કરો. ઈશ્વ૨ના કયા પુસ્તકમાં આમ ક૨વાનું કહેવામાં આવ્યું છે? કેટલીક વાર મને નિરાશ આવી જાય છે અને હું હેરત પામું છું કે ભગવાનનું અસ્તિત્વ છે ખરું? પણ તરત જ ભાન થાય છે કે કુદરતનો કાયદો માનવીની પહોંચ બહારનો છે. એ તો ઘડિયાળના કાંટા જેવું છે, ફરતા હોય છતાં ન ફરતા હોય એવું લાગે. માણસ રાહ જોઈ જોઈને ભલે થાકી જાય, પણ અભિવ્યક્ત થવા માટે ભગવાન પોતાનો સમય પસંદ કરે છે.”

બાબુખાનની ભક્તિના પાયામાં રહેલ છે તેણે મેળવેલ ઈશ્વર વિષેનું જ્ઞાન અને જાગરૂકતા. અને તે ભગવાનને સમજતાં શીખ્યો હતો પોતાની મથામણો, સફળતાઓ, નિષ્ફળતાઓ અને જીવન પાસેથી. આ જીવન કાંઈ ઈંટ અને પથ્થ૨નું મંદિર નથી; એ તો આગળ વધતું રહે છે, શ્વાસોચ્છ્વાસ લેતું રહે છે અને વિસ્તરતું રહે છે. એને મળતાં મને ખાતરી થઈ ગઈ કે ખોટા ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. પરમ તત્ત્વ અમર્યાદિત છે અને મન-વાણીથી ૫૨ છે, તેથી તેને જાણવા માટેના આપણ માર્ગો પણ ઘણા છે – પ્રેમનો, જ્ઞાનનો અને કર્મનો.’’

વર્તમાનપત્રમાં આવેલો અહેવાલ વાંચતાં મને દિલગીરી થઈ કે આ વર્ષે આતંકવાદીઓની ટોળકી અમરનાથની યાત્રામાં વિઘ્ન નાખવાની યોજના ઘડી રહી છે. હું માનું છું કે યાત્રા તો ‘‘૫૨મ તત્ત્વ’’ને પામવાનો દરેક મનુષ્યનો વ્યક્તિગત અધિકાર છે. કમભાગ્યે આ ‘‘પરમ તત્ત્વ’’ સમયની સાથે કર્મકાંડનો ભોગ બની ગયું છે. ટોળકીમાં ખોવાયેલ આ વ્યક્તિ આ ‘‘પરમ’’ને અત્યારે ધર્મના અંચળા હેઠળ શોધે છે. આ શોધને ધર્મનું પ્રમાણપત્ર છે, આજની દાસી રાજનીતિ એને આવકારે છે. તેનાથી મળતા પુણ્યની પ્રતીતિમાં વ્યક્તિ રાચે છે, કારણ કે જ્યારે જીવનના શુષ્ક વ્યવહારોમાં એ પાછી ફરે છે, ત્યારે યાત્રા દૂરની પણ સંતોષજનક સ્મૃતિરૂપે દૂર દૂર છૂટી ગઈ હોય છે. મને નવાઈ લાગે છે શું આ જ યાત્રા છે? મેં કેટલાંક માણસોને યાત્રા કરતાં અને પાછા ફરતાં લગભગ કશું જ પરિવર્તન ન આવ્યું હોય તેવાં જોયાં છે. યાત્રા કરવાથી તેજસ્વિતા આવે છે, એવી અપેક્ષા મનુષ્ય રાખતો હોય છે, પણ આવું તેજોવર્તુલ લઈને કોઈ પાછું આવતું નથી, પછી ભલે તે મક્કાની લાંબી યાત્રા હોય કે વૈષ્ણવદેવીનાં આકરાં ચઢાણ હોય.

‘‘કાં કેમ છો, સંધ્યાબહેન”, મેં મારી કામવાળી બાઈને પૂછ્યું. તે દૂબળી પાતળી સ્ત્રી છે. વૈષ્ણવદેવીનાં સીધાં ચઢાણ ચડીને તે થાકી પાકી પાછી ફરી રહી હતી અને હાંફી રહી હતી. તેણે સીધોસીદો જવાબ આપ્યો: “મને સંતોષ છે કે મને દર્શન થઈ ગયાં.” મેં તેને હિંમતભેર પૂછી નાખ્યું, ‘‘તેનાથી તારામાં કાંઈ ફેર પડ્યો છે ખરો?” પ્રશ્નથી છેડાઈ જઈને લગભગ ગુસ્સે થયેલી હોય તેમ ઠાવકાઈથી તેણે સામો પ્રશ્ન કર્યો:

“તે મારામાં શા માટે ફેર પાડે?” મને પૂછવાની મરજી થઈ ‘‘શું યાત્રાનો આ જ હેતુ નથી હોતો?’’ મને ખાતરી છે કે કામથી અળગા રહેવું એ જ એને મન છુટકારો હતો. આ સિવાય ૨જાની તેને કલ્પના પણ નહીં હોય. આ યાત્રાએ તેને પુણ્ય પ્રદાન કરેલું હતું.

હું સંધ્યાબહેન જેવી હજારો સ્ત્રીઓને મળી છું. તેઓ યાત્રાઓની યોજના ઘડતી રહે છે અને કદી કહેતી નથી કે ઘરકામની એકવિધતા અને લાવલાવ કરતાં બાળકો અને પતિ પાસેથી તે છુટકારો ઈચ્છે છે. પણ આ છુટકારો એ જ એક પ્રકારનું પુણ્ય છે. યાત્રા એ આપે છે. પણ શું આ પ્રકારનું પુણ્ય કમાવું એ જ યાત્રાનો હેતુ છે?

ચતુર્વેદી બદરીનાથે ‘‘માનવજીવનમાં ધર્મના ગર્ભિત અર્થો” વિષે ઊંડું સંશોધન કર્યું છે. મહાભારતમાંથી ઉદાહરણ ટાંકીને તેમણે ટૂંકમાં દર્શાવ્યું છે કે યાત્રાનો હેતુ પુણ્ય મેળવવાનો નથી પણ જગત સાથેના માણસના સંબંધોનું જ્ઞાન મેળવવાનો છે. ટૂંકમાં કહીએ તો જગત સાથેનો માણસનો સંબંધ એટલે માણસનો પોતાની જાત સાથેનો અને અન્ય સાથેનો સંબંધ. મહાભારત દર્શાવે છે કે જ્યાં સુધી માણસનો પોતાની સાથેનો સંબંધ સાચો નહીં થાય ત્યાં સુધી અન્ય સાથેનો સંબંધ પણ બરાબર નહીં થઈ શકે. આ સાચો સંબંધ પોતે જ તીર્થ છે, યાત્રા છે.

મહાભારતમાંથી ઉદ્ધરણ આપીને તેઓ જણાવે છે કે યાત્રાનો સાચો સાર કેટલો સુંદર છે. સત્ય દરેક યાત્રાને પવિત્ર બનાવી દે છે, તપસ્યા એ યાત્રા છે, કરુણા એ યાત્રા છે. સંતોષ એ યાત્રા છે, સન્નારી એ યાત્રા છે. બીજાના ભગવાન પ્રત્યે ભક્તિ દાખવનારા લોકો યાત્રા છે અને સાચી વસ્તુના તત્ત્વને સમજવાનો પ્રયત્ન કરે છે, તે પણ યાત્રા છે. જે રક્ષણ કરે છે અને અભય પ્રદાન કરે છે, તે પણ યાત્રા કહેવાય છે. આમ તીર્થ એ સ્થળ જ હોવું અનિવાર્ય નથી.

માણસ પણ તીર્થ હોઈ શકે. જીવનજાગૃતિના બધા ગુણોને સાકાર કરનાર માણસ તીર્થરૂપ છે. આ રીતે યાત્રાને શારીરિક અને સાથે સાથે આધ્યાત્મિક પ્રક્રિયા તરીકે પણ વર્ણવી શકાય.

આજે જ્યારે હું આ શબ્દો વાંચું છું ત્યારે મને મારી પોતાની ઘણી બિનઆયોજિત મુસાફરીઓ અને અનામી લોકો સાથેના મેળાપો યાત્રા જેવા લાગે છે; કેમકે તેમનાં જીવન અને સમજદારીમાં મને ઘણું બધું સામ્ય જોવા મળ્યું છે. એક મિત્રે કહ્યું હતું: ‘‘પ્રત્યેક યાત્રા પછી તમે તેજસ્વી થઈને પાછા ફરો છો.” અન્ય લોકોને કાળજીપૂર્વક જોતાં મારા જીવનમાં જે જણાયું છે, તે મને મારા જીવનની ઘટમાળમાં દેખાઈ શક્યું નથી પણ જ્યારે જ્યારે હું યાત્રા માટે બહાર ગઈ છું ત્યારે મળી આવ્યું છે.

એ વખતે મેં બદરીનાથનું લખાણ વાંચ્યું ન હતું. પરંતુ એક નાની એવી સહજવૃત્તિ મને કહી રહી હતી કે કોઈ પણ જગ્યાને માણસ સાર્થક બનાવે છે, પવિત્ર બનાવે છે. યાત્રાને સાકાર કરનારાં તથા વિશિષ્ટ બનાવનારાં લક્ષણો જેવા કર્મકાંડમાંથી હું પસાર થઈ છું.

તમને ભલે ન માનવા જેવું લાગે, પણ મેં જાણીતાં મંદિરોવાળાં ગામોની મુલાકાત લીધી છે. પુરીમાં જગન્નાથ ભગવાનની મોટી મોટી અને કાળી આંખો સાથે નજર મિલાવી છે; મીનાક્ષી મંદિરના આધારરૂપ વિશાળ સ્તંભોની વચ્ચે બેસીને કલાકો પસાર કર્યા છે; આખા દેશમાં ફરીને નાનાં મોટાં મંદિરોમાં ઉતારવામાં આવતી આરતીનાં વિભિન્ન દૃશ્યોનું અહોભાવથી નિરીક્ષણ કર્યું છે. યુગો સુધી સમાજને મુગ્ધ કરી દેનાર અને એકતાના બંધનમાં બાંધી રાખનાર કર્મકાંડની જાદુભરી મોહનીથી પ્રભાવિત થતી રહી છું. દર્શન કે દીદારથી મને કદી સંતોષ થયો નથી; સંધ્યાની વાત જુદી છે.

ઓછામાં ઓછી અપેક્ષા રાખી હોય તેવા સ્રોતોમાંથી, રસ્તે ચાલતાં ચાલતાં થયેલા મેળાપોમાંથી, છાનામાના સાંભળી લીધેલા વિધાનોમાંથી, ગલીએ ગલીએ ગાવામાં આવતાં ગીતો દ્વારા – સત્ય ટપકી પડ્યું છે. પુરીનું સૌથી શ્રેષ્ઠ સંભારણું મેં જોયેલી મહાન ઘટનારૂપ રથયાત્રા નથી, પણ એક નિરક્ષર ભોમિયા સાથે ત્યાં કરેલો પ્રવાસ છે: તેના પ્રત્યેક શબ્દમાં ભગવાન જગન્નાથનું જાદૂ અનુપ્રાણિત થતું હતું. મને તેના શબ્દો બરાબર યાદ છે. હું પ્રશ્ન પૂછું તેના કરતાં અનેક ગણી મોટી પ્રતિમાનું નિર્માણ એના શબ્દો કરતા હતા. મેં પૂછ્યું હતું: “આ મંદિરનો આધાર શેના ૫૨ છે?’’

તેણે કહ્યું હતું: ‘‘બહેન, જગન્નાથ પાસે પોતાની જમીન છે.” તેણે જગન્નાથને ચડિયાતા જમીનદાર તરીકે વર્ણવી દીધા. તેમની જમીન ઘણી વિશાળ છે, તેની ડાંગરમાંથી ભક્તોનો છ મહિનાનો ગુજારો થઈ જાય. તેને પણ પોતાનો ખોરાક અને વેશભૂષા ગમે છે. તેની પાસે ૩૬ જાતના વાઘા હોય છે. દ૨રોજ તેનો ખોરાક બદલતો રહે છે. કેટલીક વાર અન્નકૂટ કરવામાં આવે છે. દર બાર વરસે તે નવું સ્વરૂપ ધારણ કરે છે. દરિયાકાંઠે આગળ વધતાં તે એક ઠેકાણે બેઠો અને બાળકની જેમ દૂર દૂર નજર નાખીને કહેવા લાગ્યો: ‘‘અને બહેન, જગન્નાથનું આ પ્રવાહીરૂપ છે.’’ જ્યારે જ્યારે હું સમુદ્રનું દર્શન કરું છું ત્યારે ત્યારે મારા ચિત્તમાં તેની આંખો ચમકી ઊઠે છે અને સમુદ્ર ચમકારા કરવા લાગે છે.

એ જ રીતે હું પહેલી વખત જે પર્વત પર ચડી હતી, તે પણ એક કિસાન સાથેના મારા સંસ્મરણથી જીવંત થઈ ઊઠે છે. તેણે એ પર્વતને ઘર બનાવી દીધો હતો. હૈદરાબાદ પાસે આવેલી સીધાં ચડાણવાળી એક લીલીછમ ટેકરી છે, ત્યાં સૂફી સંત બાબા શર્ફુદીનની કબર આવેલી છે. ત્યાં હું આ કિસાન ઈલય્યાહને મળી હતી. તેના માથા પર લાલ તેલિયા રૂમાલ બાંધેલો હતો. તેણે પર્વત ૫૨ બે વરસ સુધી નિવાસ કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું: ‘‘તમારું ખાવાપીવાનું શું થાય છે?’’ તેણે જવાબ આપેલો ‘‘બાબા એ વ્યવસ્થા કરે છે.” મેં પૂછ્યું: ‘‘તમારાં કપડાંલત્તાં અને બીજી વસ્તુઓ?” ‘‘બાબા બધાની કાળજી રાખે છે” તેણે જવાબ દીધો. “તમે તમારે ગામ ક્યારે જશો?” તેણે મીઠાશથી જવાબ આપ્યો “બાબાની આજ્ઞા થાય ત્યારે.” આ પર્વત જ તેના માટે તીર્થરૂપ – યાત્રાસ્થળ – હતો.

ભારતમાં પ્રવાસ કરવાનો અર્થ ઘણી વાર એમ કરવામાં આવે છે કે મનના પ્રદેશની અંદર પ્રવેશ ક૨વો અને બહાર જવું. તીરુવનન્તપુરમમાં આવેલા પદ્મનાભ સ્વામીના મંદિરમાં લાગે છે કે સમયે કશી જ ગતિ કરી નથી. ત્રાવણકો૨ના જૂના રાજવંશના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ જે પવિત્ર નાગદેવતા પર શયન કરે છે, તેના નામ પરથી આ ગામનું નામ પાડવામાં આવ્યું છે. સૂર્યાસ્ત વેળાએ જેવા આપણે મોટા દરવાજામાં થઈને અંદ૨ પગ મૂકીએ ત્યાં જ બીજી દુનિયા ખુલ્લી થતી લાગે છે. પથ્થરના આધારસ્તંભોવાળી જગ્યાઓ, દરિયાની રેતીથી ઢંકાયેલા વાડા; લાઈનબંધ ગોઠવાયેલાં કાળા પથ્થરનાં લિંગોવાળી ચાલીઓ; અને ખુલ્લા શરીરવાળા અને સફેદ ધોતિયાં જમીન પર ઢસડાતાં હોય તેવા માણસો નાટકના શૉ માટે આવજા કરતાં નટનટીઓ જેવાં – જોવા મળે છે. મને લાગે છે કે બધા કાંઈ પુરોહિતો નથી હોતા. દરેક પુરુષ ભક્તે ભગવાનનાં દર્શન કરવા જતાં પહેલાં પોતાનું પહેરણ કાઢી નાખવું પડે છે.

હવે આરતીનો સમય થયો છે. નિદ્રાધીન ભગવાનનાં ઘણા અંગો પર પ્રકાશ પાથરવાનો આ સમય છે અને ૫૦૦૦ વરસ પ્રાચીન હોવાનો દાવો કરતા મંદિર માટે આ કાંઈ નાનુંસૂનું કામ નથી. શતાબ્દીઓથી આ જ વખતે કરવામાં આવતી પ્રક્રિયા માટે આ જ સમય સંપૂર્ણ ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં આવેલું પરિણામ હોવું જોઈએ. કલિયુગની શરૂઆતમાં આ મંદિરનું ઉદ્ઘાટન ક૨ના૨ પૂજારી કરતાં, વિશાળ પથ્થરની સુંદ૨ કોતરણીવાળી છત નીચે બેસતા આજના પૂજારી જુદા નથી લાગતા. ચાલીમાંથી માણસ પસાર થાય ત્યારે તેને રેતી પર ટોળાબંધ બેઠેલા મૂંગા અને માત્ર દર્શનની પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળે છે.

રાત્રીના આગમનના સૂચક તેલના દીવાનો સમૂહ પેટાવવામાં આવે છે ત્યારે આકાશમાંનો ચંદ્ર ઝાંખો પડીને પીછેહઠ કરી લે છે. નાદ-સ્વરમ્ના ઘંટારવથી શાન્તિનો ભંગ થાય છે. દરેકનું ધ્યાન ખેંચતો આ પ્રાચીન નાદ છે. આ નાદને લીધે પુરુષો એક કતારમાં ગોઠવાઈ જાય છે અને સ્ત્રીઓ બીજી કતારમાં. એક ખૂણામાં ઊભેલી ખુલ્લી છાતીવાળા શ્યામવર્ણના ગંભીર મુખમુદ્રાવાળા પુરુષોની એક મંડળી સૂતેલા દેવને જગાડી મૂકે એવો મોટો નાદ કરી મૂકે છે. અને પછી તેઓ અપેક્ષા સાથે વિવેકપૂર્ણ ઉત્સાહથી રાહ જોતાં ઊભા રહે છે. આટલા બધા માણસો અને આવી અદ્ભુત શાન્તિ!

જ્યારે ત્રણેય દરવાજા એકસાથે ખોલવામાં આવે છે, ત્યારે કદાવર મૂર્તિના ત્રણેય ભાગોનાં દર્શન થાય છે, તેલના દીપકોની વચ્ચે ભગવાન આડા પડીને આરામ કરી રહ્યા હોય છે. ઘણી બધી વાટોવાળી આરતી લઈને મુખ્ય પૂજારી ભગવાનનાં વિવિધ અંગો પર પ્રકાશ પથરાય એ રીતે ગોળગોળ ફેરવે છે, એના હાવભાવ લાંબા સમયથી ઘડાયેલા હોય છે.

તે જુદા જુદા દીપકો સાથે સાત વખત આ પ્રક્રિયા કરે છે. તે દીવેટની સંખ્યા ઘટાડતો જાય છે; અંતે એક જ શિખા જોવામાં આવે છે. મેં તેને પૂછ્યું: “આ સાત શા માટે?” તેણે રણકતા અવાજે જવાબ આપ્યો ‘‘સંપૂર્ણ અલંકાર (દર્શન) માટે.” જ્યારે તે સાતમો ફેરો પૂરો કરે છે ત્યારે પથ્થરના સર્પ પર આરામ કરી રહેલા મહાન દેવનું સંપૂર્ણ દર્શન થાય છે. તેમના એક હાથમાં શંખ અને બીજા હાથમાં ખીલેલું કમળ હોય છે. આવું જ કમળ દરેક ભક્ત ભગવાનને અર્પણ ક૨વા માટે લાવ્યો હોય છે. આવું દિવ્ય પુષ્પ આજના દિવસ સુધી મોટા પ્રમાણમાં ખીલતું રહે છે, ખરીદાય છે, વેચાય છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. મને આ તથ્યનું ભાન સ્તબ્ધ બનાવી દે છે. આ સાતત્યની અસર લોકોની પ્રકૃતિ ૫૨ કેવી થાય છે? મને નવાઈ લાગે છે. હું ટોળાની વચ્ચે ઊભી છું અને તે ટોળાના ચહેરા પર ઉષાના ઉદય વેળાની ઝાકળ જેવી તાજી ઉત્સુકતા દૃષ્ટિગોચર થાય છે.

હું મંદિર છોડી જઉં છું. મને લાગે છે કે મને દિવ્ય ક્ષણની અનુભૂતિ થઈ છે. આ અનુભૂતિ મને જાગૃત કરે છે અને પ્રતીતિ કરાવી દે છે કે માણસ પોતે જીવનના મહા દૃશ્યનો જીવતો અને સક્રિય અંશ છે.

“આ વિષ્ણુનો શંખ લઈ જાઓ,” પચાસ વરસથી મંદિરને આંગણે શંખ વેચવા બેસતો એક વેપારી સાદ પાડી પાડીને ઘરાકોને બોલાવતો હતો. તેણે એક મોટો શંખ મારા જમણા કાન પર ધર્યો.

“તમને શું સંભળાય છે?” બાળક જેવી રીતે તેણે મને પૂછ્યું.

હું તેને જવાબ આપું છું: ‘‘જાણે કે શંખમાં પુરાયેલો હોય તેવો સુ….સુ અવાજ.”

તે માથું હલાવીને ગંભીરતાથી કહે છે: ‘‘ના, ના; પૃથ્વી અસ્તિત્વમાં આવી તે પહેલાં જે સર્વપ્રથમ નાદ સંભળાયેલો હતો, તે મહાસાગરનાં મોજાંનો એ અવાજ છે.”

હું શંખ ખરીદું છું. મારી નોકરાણી સંધ્યા ઘરમાં તે શંખની હાજરીથી રોમાંચ અનુભવે છે, તે માહિતી આપે છે: ‘‘બંગાળમાં અમે બધા શુભ પ્રસંગોની શરૂઆતમાં શંખ ફૂંકીએ છીએ અને દ૨રોજ દિવાબત્તી તથા ધૂપ કરતાં પહેલાં પણ શંખનાદ કરીએ છીએ.’’

હું તેને કહું છું: ‘‘સ્વસ્થ થઈ જા.’’

હવે મારા ઘરમાં દરરોજ સાંજે શંખનાદ કરવામાં આવે છે. તે પેલા વૃદ્ધ વેપારીને આભારી છે. પછી શાન્તિ પ્રસરી જાય છે; મગરિબનો સમય થયો હોય છે, ત્યારે મારા સંગીત શિક્ષક જરા વા૨ માટે વીણાના તાર બજાવવાનું કાર્ય સ્થગિત કરી’દે છે. તેઓ કહે છે કે બે સમય ભેગા થાય છે. આ વખતે વહેતાં પાણી પણ શાન્ત બની જાય છે.

સંધ્યા અગાશી ૫૨ છોડને પાણી પાવા માટે જાય છે, ત્યારે ખાનસાહેબ બંદગી કરવા માટે ઘૂંટણિયે પડતા હોય છે. મારી પશ્ચિમની બારી બાજુ તેમનું મોઢું હોય છે. તેમનું કાબા પેલે પાર રહેલું છે. તેમના ગીતની જેમ તેમના હલનચલનમાં પણ લય રહેલો હોય છે. પેલા લાંબા અને દૂબળાં હાથે વિષ્ણુની આરતી ઉતારવા માટે હાથનાં હલનચલન કરતા પૂજારી કરતાં આ જુદું નથી હોતું.

હું મનમાં વિચાર કરું છું: “પેલી, પ્રેરિત ક્ષણમાં બધો કર્મકાંડ ભાગ લઈ રહ્યો હોય છે. માત્ર પ્રાર્થનામાં જ નહીં પણ જીવનના પ્રત્યેક કાર્યમાં.”

અનુવાદ: શ્રી ચંદુભાઈ ઠકરાલ

(‘વેદાંત કેસરી’ નવેમ્બર ’૯૪માંથી સાભાર)

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.