‘એ જ્ઞાનદાયિની છે, શારદા – સરસ્વતી છે. લોકોને જ્ઞાન આપવા માટે આવ્યાં છે. પણ પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી મનુષ્યનું અકલ્યાણ ન થાય.’ શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીને જ્ઞાનદાયિની સાક્ષાત્ સરસ્વતી રૂપે ઓળખાવ્યાં છે. પણ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ તો રાખમાં ઢંકાયેલી બિલાડી જેવાં છે. એટલે કે રાખમાં ઢંકાયેલી બિલાડી જોઈ શકાતી નથી. એનો રાખોડી રંગ રાખ સાથે ભળી જાય છે. એ જ રીતે માયાના આવરણથી પોતાની પરમ શક્તિને ઢાંકીને આવેલાં શ્રીમા શારદાદેવીને ઓળખવાં અતિ મુશ્કેલ. એ તો તેઓ સ્વયં કૃપા કરે તો જ એમના સાચા સ્વરૂપને જાણી શકાય.
શ્રીમા શારદાદેવી દુન્યવી દૃષ્ટિએ જોતાં કંઈ જ ભણેલાં નહોતાં. આથી ગામડામાં ઉછરેલાં શ્રીમા જ્ઞાનદાયિની, શક્તિદાયિની, મોક્ષદાયિની છે, એ તો શ્રીમાના અંતરંગ સંપર્કમાં આવ્યા પછી, એમના કૃપાપાત્ર બન્યા પછી જ, આંતરદૃષ્ટિ ખૂલતાં, જાણી શકાતું હતું. આ સંદર્ભમાં સ્વામી પ્રેમાનંદે કહ્યું હતું; ‘શ્રીમાને કોણ સમજી શક્યું છે, ઐશ્વર્ય લેશમાત્ર નથી, ઠાકુરમાં તો વિચારનું ઐશ્વર્ય હતું, પણ મા? તેમનું વિદ્યાનું ઐશ્વર્ય પણ ગુપ્ત હતું. આ કેવી મહાશક્તિ!!’ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ‘માના અપૂર્વ જીવનની વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહીં. ધીમે ધીમે બધાં જાણશે. જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે તેઓ અવતીર્ણ થયાં છે. તેમના આગમનથી ફરી એકવાર આ જગતમાં ગાર્ગી-મૈત્રેયી રૂપે સ્ત્રી રત્નો ઉત્પન્ન થશે. તેઓ કોણ છે, એ તમારામાંથી કોઈ સમજી શક્યો નથી. પણ ધીરે ધીરે સમજી જશો. મારી આંખો ખુલી ગઈ છે. દિવસે દિવસે બધું સમજતો જાઉં છું. મારા ઉપર માની કૃપા પિતાની (રામકૃષ્ણ) કૃપાથી લાખ ગણી અધિક છે… માની આજ્ઞા થતાં જ આ ભૂત વીરભદ્ર કંઈ પણ કરી શકે છે. અમેરિકા જતા પહેલાં માત્ર પત્ર લખીને મેં મા પાસેથી આશીર્વાદ માગ્યા હતા. માએ આશીર્વાદ આપ્યા કે બસ હું છલાંગ લગાવીને સાગર પાર થઈ ગયો!’
અને સ્વામીજીની આ છલાંગે સમગ્ર વિશ્વનાં જડતા, તમસ અને અજ્ઞાનના આવરણને ભેદીને વેદાંતના જ્ઞાન સૂત્રનો ઉદય કર્યો.
પણ આ છલાંગનું પ્રેરકબળ તે મા.
શ્રીરામકૃષ્ણ સંઘનું ચાલકબળ તે મા.
શ્રીરામકૃષ્ણના સર્વસંતાનોને પ્રેમસૂત્રથી બાંધી રાખનાર શક્તિ તે મા.
અરે, ખુદ શ્રીરામકૃષ્ણની સાધનાનું પ્રેરક બળ અને સાધનાની શક્તિ તે મા.
ત્યાગ, સંયમ, સેવા, સમર્પણ અને સાધનાનું પવિત્ર ઉજ્જવલ રૂપ તે મા.
ભગિની નિવેદિતા કહે છે તેમ, અપાર્થિવ પ્રેમ, સૌમ્ય શાંતિ, સહુનું કલ્યાણ કરતી, કોઈનું ય અમંગળ ન વાંછતી લીલાથી પરિપૂર્ણ સ્વર્ણમયી આભા તે મા.
આવાં જ્ઞાન, શક્તિ, પ્રેમ અને સૌંદર્યના મૂર્તિમંત સ્વરૂપ સમાં શ્રીમા શારદાદેવી બાહ્ય દેખાવે તો અત્યંત શરમાળ, ઘૂંઘટમાં ઢંકાયેલાં, ધીમા અવાજે વાત કરતાં, સીધાં સાદાં ગ્રામ્ય નારી જ લાગે. આથી જ સુપ્રસિદ્ધ નાટ્યકાર ગિરીશચંદ્ર ઘોષે શ્રીમાને કહ્યું હતું; ‘મા, તમે જ અમારી સેવા કરો છો ને અમે કંઈ જ કરતા નથી. તમે જયરામવાટી જાઓ છો, ત્યાં ચૂલા પાસે બેસીને સૌ ભક્તો માટે રાંધશો અને તેમની સેવા કરશો.
ગિરીશચંદ્ર ઘોષ ફરી કહે છે : ‘હું તમારી કેવી રીતે સેવા કરી શકું? અને મહામાયાની સેવા કરતાં મને આવડે છે પણ ક્યાં?’ અને પછી રૂંધાયેલા કંઠે ત્યાં હાજર રહેલાંઓને કહેવા લાગ્યા; ‘ભગવાન બરાબર આપણા જેવું જ મનુષ્યરૂપ લઈને અવતરે છે, એ માનવું માણસને માટે કઠણ છે. શું તમે કલ્પી શકો છો કે તમારી સામે જગદંબા એક ગ્રામ જનેતાના રૂપમાં ઊભાં છે કે મહામાયા પોતે જ સાધારણ સ્ત્રીની માફક ઘરનું બધું કામકાજ કરી રહ્યાં છે. છતાં ય એ જ જગદંબા છે! મહામાયા, મહાશક્તિ જગતમાં માતૃત્વનો આદર્શ સ્થાપવા માટે, બધાંને મુક્તિ આપવા માટે આવ્યાં છે.’
માનું આ ગ્રામ્ય નારીનું સ્વરૂપ જોઈને કાશીમાં માને ખાસ મળવા આવેલી એક સ્ત્રી સાવ ભૂલાવામાં પડી ગઈ હતી. તે વખતે શ્રીમા કાશીમાં લક્ષ્મીનિવાસમાં રહેતાં હતાં. મા સાથે ગુલાબમા પણ રહેતાં હતાં. એક દિવસ મા વરંડાના ખૂણામાં બેઠાં હતાં. ગુલાબમા પણ ત્યાં જ હતાં. ત્યારે ત્રણ ચાર સ્ત્રીઓ માનાં દર્શન માટે ત્યાં આવી. તેમાંની એક સ્ત્રી માને ચરણ સ્પર્શ કરવા આતુર હતી. પણ તેણે કદી માને જોયાં ન હતાં. તે મનમાં વિચારવા લાગી કે ‘અહીં બે સ્ત્રીઓ છે, એમાંથી માતાજી કોણ હશે? જે સામે બેઠાં છે, એ તો સાવ સાદાં લાગે છે. એમાં કોઈ રૂઆબ નથી. એટલે એ તો માતાજી નહીં જ હોય! આ બાજુ છે, તે કેવાં પ્રભાવશાળી છે. પાછાં રૂઆબદાર છે, એ જ માતાજી છે.’ એમ માનીને તે સ્ત્રી સીધી ગોલાપમા પાસે ગઈ અને બોલી : ‘મા, કેટલાય દિવસથી મનમાં તમારા દર્શનની ઇચ્છા હતી. કોલકાતા તો કેટલું દૂર. ત્યાં તો આવી શકાય તેમ નહોતું. સાંભળ્યું કે આપ અહીં પધાર્યાં છો, તો અહીં ઘરે બેઠાં, આપના દર્શનનો લાભ મળી ગયો. આમ કહીને તે નીચી નમવા જતી હતી. ત્યાં ગોલાપમાનો ભારે અવાજ તેને સંભળાયો. ‘રહેવા દે, રહેવા દે. જો માતાજી ત્યાં સામે બેઠાં છે, જા ત્યાં જઈને પ્રણામ કર.’ તે સ્ત્રી પછી માતાજી પાસે ગઈ. પણ તેના મનમાં તો થતું જ હતું કે શું આવાં સીધા-સાદાં તે કંઈ માતાજી હોય? તો પણ ત્યાં પ્રણામ કરવા ગઈ. માને પણ ગમ્મત સૂઝી. ‘અરે, અરે, રહેવા દે. હું નહીં એ જ માતાજી છે, જા ત્યાં જઈને પ્રણામ કર.’ પેલી સ્ત્રી ભારે મૂંઝવણ અનુભવવા લાગી. આ તો ભારે કૌતુક કહેવાય! બંને બીજાંને જ માતાજી કહે છે. તો આમાં સાચાં માતાજી કોણ હશે? મૂંઝાયેલી તે ફરી ગુલાબમા પાસે આવીને પ્રણામ કરવા લાગી. તો હવે ગુલાબમા તાડુક્યાં, ‘તારામાં અક્કલ છે કે નહીં? જોતી નથી, એ દેવતાઈ મુખ? કેવું તેજથી ઝગારા મારે છે! કોઈ મનુષ્યનું આવું તેજવાળું મુખ હોય? જા જઈને એમનાં ચરણ પકડી લે. તારો ઉદ્ધાર થઈ જશે.’ ગોલાપમાની આવી દૃઢ વાણીથી તે સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે સાચ્ચે જ સાદા નારી વેષમાં એ જ સાક્ષાત્ દેવી છે અને તેણે જઈને માનાં ચરણ પકડી લીધાં! અને માએ પણ તેને પછી પ્રેમપૂર્વક સ્વીકારી. આમાં કંઈ એ સ્ત્રીનો દોષ નથી. માના નિકટનાં સગાં – એમનાં ભાઈ – ભત્રીજી પણ એમને ઓળખી શક્યાં નહોતાં. તો પછી જેમણે કદી માને જોયાં ન હોય એવા લોકોનું તો શું ગજું?’
પરંતુ એકવાર પણ એમનો કૃપા – સ્પર્શ પ્રાપ્ત થઈ જાય પછી એ વ્યક્તિ કયારેય પણ શ્રીમાને ભૂલી શકતો નહીં. લાંબા લાંબા જપ – ધ્યાન કરવાથી, પણ જે મનની શાંતિ ન મળે તે શ્રીમાના સાંનિધ્યમાં આવવાથી અનેક લોકોએ પ્રાપ્ત કરી હતી. શ્રીમાનો કૃપા – સ્પર્શ; એમની દિવ્યકરુણા અને એમની પાસે આવનારના કલ્યાણની એમની ભાવનાથી જ એમની સમીપ આવનાર, પછી તે ભલે ગમે તે જાતિ, ધર્મ, વય કે કક્ષાની વ્યક્તિ હોય, પણ એનો ઉદ્ધાર થઈ જતો. એનાં અસંખ્ય ઉદાહરણો આપણને શ્રીમાની જીવનકથામાંથી મળે છે, થોડાં ઉદાહરણો આપણે જોઈએ.
વિનોદ વિહારી સોમ, માસ્ટર મહાશયની સ્કૂલના વિદ્યાર્થી હતા. માસ્ટર મહાશય સાથે શ્રીરામકૃષ્ણના દર્શન કરવા ગયા અને તેમના શિષ્ય બની ગયા. પણ પછી નાટક કંપનીમાં જોડાયા અને ત્યાં દારૂ પીતા શીખ્યા. બહુ દારૂ પીતા એટલે ભક્તો તેને પદ્મવિનોદ કહેતા. પદ્મવિનોદ સ્વામી શારદાનંદને પોતાના મિત્ર માનતા. રાત્રે જ્યારે શ્રીમાના નિવાસ પાસેથી નીકળે ત્યારે જોરશોરથી મિત્રને બૂમો પાડતા – ‘ઓ દોસ્ત, બારણું તો ખોલ, અર્ધી રાતે શું કરે છે? આ તારો દોસ્ત તને બોલાવે છે, મળવા તો આવ.’
‘ખબરદાર, જો કોઈએ બારણું ખોલ્યું છે તો, દારૂ પીને આમ અર્ધી રાત્રે બરાડા પાડીને શેરી ગજવે છે. એને એટલુંય ભાન નથી કે શ્રીમા સૂતાં છે. આવા બૂમબરાડાથી તેઓ જાગી જશે અને તેમની ઊંઘ બગડશે.’
આમ સ્વામી શારદાનંદે બધાંને ચેતવણી આપી હોવાથી કોઈ બારણું ખોલતું નહીં.
‘કોઈ બારણું ખોલતું નથી બધાય સંપી ગયા છે.
પણ કંઈ નહીં મા તો છે ને? ‘દારૂના નશામાં પદ્મવિનોદ લવારા કરવા લાગ્યા અને પછી તો મોટે મોટેથી ગીત ગાવું શરૂ કર્યું.
ઊઠો ઓ કરુણામયી, ખોલો કુટિર દ્વાર.
અંધારે કંઈ ભાસતું નથી, થડકે હૃદય અનિવાર…
શિશુને બહાર મૂકી તું સૂતી છે અંત:પુરે
દયામયી થઈને આ તારો કેવો વ્યવહાર?
ગાઉં છું તારું નામ, તો ય ન ભાંગે નિદ્રા તારી!
સંસારની રમતમાં ડૂબ્યો એથી તેં શું રીસ કરી?
મા એકવાર કૃપા દૃષ્ટિ કર. નહીં જાઉં રમતમાં ફરી
તને ત્યજીને કોની પાસે જાઉં હવે?
મા વિના કુપુત્રને જગતમાં સંઘરશે કોણ?
ગીત પૂરું થાય એ પહેલાં તો માના ઓરડાની બારીઓ ખૂલી ગઈ.
‘ઓ મા, સાચ્ચે જ તમે આ કુપુત્રનો પોકાર સાંભળ્યો! મા, મા, તમે ઊઠી ગયાં? જુઓ આખા ઘરમાંથી બીજું કોઈ આવ્યું નહીં! પણ મા, તમે જાગી ગયાં? તમે મા છો ને એટલે. મા, મા, હવે મારાં પ્રણામ સ્વીકારો’ – આમ કહીને તે જમીન પરની ધૂળમાં આળોટવા લાગ્યો. એ ધૂળને મસ્તક પર ચઢાવવા લાગ્યો. બારીમાંથી કરુણામય માની અમી દૃષ્ટિ તેના આ દારૂના ઘેનમાં પણ માને પોકારી રહેલા બાળક ઉપર એકાગ્ર બની અને દારૂડિયો ધૂળમાં આળોટતાં આળોટતાં ગાવા લાગ્યો; ‘શ્યામા માને હૃદયમાં રાખ રે મન, તું માને જ જોજે, બીજા કોઈનેય નહીં અને પછી ફરી તેમાં એક કડી ઉમેરી – ‘મા ફક્ત હું જ તને જોઈશ. પણ મારો દોસ્ત (શારદાનંદ) નહીં જુએ.’ એ રાત્રે શ્રીમાની કૃપા પામીને વિનોદવિહારી ધન્ય થઈ ગયો. વળી બે ત્રણ દિવસ પછી શ્રીમાનાં દર્શન કરવાની તેને તાલાવેલી ઉપડી. ફરી એ જ મધ્યરાત્રિના સમયે આવીને પોકારવા લાગ્યો અને શ્રીમા ઊઠ્યાં. બારીઓ ખોલીને તેને દર્શન આપ્યાં. તે ધન્યતા અનુભવતો પાછો ફર્યો, પણ પછી શ્રીમાને સેવકોએ કહ્યું; ‘આવી રીતે મોડી રાતે જાગવાથી પછી તબિયત બગડશે. મા, એ તો દારૂડિયો છે, એને તો આવી રીતે રાત્રે ફર ફર કરવાની ટેવ છે. હવે તમારે ઊઠવું નહીં. પણ શું કરું એના પોકારને હું પાછો ઠેલી શકતી નથી.’ એમ કહીને મા તેને દર્શન આપતાં. આમ થોડો વખત ચાલ્યું. પછી પદ્મવિનોદને જલોદર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. છેલ્લે તેમને શ્રીરામકૃષ્ણ કથામૃત સાંભળવાની ઇચ્છા થઈ. શ્રીરામકૃષ્ણની વાતો સાંભળતાં સાંભળતાં એમની આંખોમાંથી આંસું નીકળવા લાગતાં અને એમનું જ નામ લેતાં લેતાં એમણે શરીર છોડ્યું. શ્રીમાની કેવી કૃપા કે દારૂના ઘેનમાં પણ માનું શરણ લીધું તો અંત સુધરી ગયો!
શ્રીમાના ઘરે જે કોઈ આવતું, તેને શ્રીમાનો અહેતુક પ્રેમ મળતો. પછી તે સામાન લાવનાર કુલી હોય કે ગાડીવાળો હોય કે પાલખી ઉંચકનારા હોય, ફેરિેયા, માછીમારો, વણકર, જે કોઈ પણ હોય; બધાં તેમનાં સંતાનો જ હતાં. શ્રીમા બધાંને એટલો જ પ્રેમ આપતાં જેટલો શ્રીરામકૃષ્ણનાં ત્યાગી – સંન્યાસી પુત્રોને આપતાં. એક દિવસ ખરે બપોરે એક વૃદ્ધા માથે ઘીની હાંડી અને બીજો સામાન લઈને શ્રીમા પાસે આવી. ‘મા, મયનાપુરથી આવી છું. અક્ષયબાબુએ આપને માટે આ ઘી મોકલાવ્યું છે.’ મયનાપુરનું માખણ જેવું સફેદ શુદ્ધ ઘી મા પોતાનાં સંતાનોને ભાત ઉપર પીરસતાં અને કહેતાં ‘અક્ષય માસ્ટરે મોકલ્યું છે! ખાઈને જુઓ તો ખરા? કેવું સ્વાદિષ્ટ છે!’ આમ શ્રીમા માટે ખાસ મોકલાવાયેલું ઘી મા તો પોતાનાં સંતાનોને જ ખવડાવી દેતાં. એમાં એમને ખૂબ જ આનંદ આવતો. તે દિવસે એ સ્ત્રી ઘી અને બીજી વસ્તુઓ ઊંચકીને લાવી હતી, તે તેણે માને પહોંચાડી દીધી. માએ તેને કહ્યું; દીકરી, આટલો ભાર ઉપાડીને આવી છે. થોડો આરામ કર. ખાઈ – પીને નિરાંતે જજે.’ એ મજૂરણ માની પાસે રોકાઈ ગઈ. તેલ ચોળીને નહાઈ. ભરપેટ ભોજન કર્યું. અહા કેવું મધુર ભોજન! કેટલા દિવસે આવું ભોજન મળ્યું? વિચારી રહી. સાંજે મોડું થયેલું જોઈ માએ કહ્યું; ‘અત્યારે અંધારું થઈ જશે. અહીં રાત રોકાઈ જા. વહેલી સવારે તડકા પહેલાં નીકળી જજે.’ માના પ્રેમાગ્રહને કોણ ઠેલી શકે? તે રોકાઈ ગઈ. માએ તેના સૂવાની વ્યવસ્થા ઓસરીમાં દરવાજાની સામે જ કરી દીધી. તે મેલેરિયાની દરદી હતી. માથે આટલો ભાર મૂકીને પગે ચાલીને આવી હતી. વળી ઉંમર મોટી હતી. રાતે તાવ આવી ગયો. બેહોશ જેવી પડી હતી. મા તો વહેલી સવારે સહુથી પહેલાં ઊઠી જતાં. એમણે જોયું તો બેહોશીની હાલતમાં તે મજૂરણે પથારી ગંદી કરી નાખી હતી. ‘અરેરે, બીચારીની તબિયત સારી નથી, બેહોશીમાં તેણે બધું ગંદુ કરી નાખ્યું, હવે સવારે બધાં ઊઠશે અને તેને આ રીતે જોશે તો તેની કેવી ફજેતી થશે. બીચારી દુ:ખી તો છે જ. એમાં વળી માંદી છે અને ઉપરથી બધાંનો તિરસ્કાર સહેવો પડશે!’ આમ વિચારીને મા વ્યગ્ર થઈ ગયાં. તેની પાસે ગયાં જોયું એ તો એવા ગંદામાંય ઊંઘતી હતી!’ માએ તેને થપથપાવી ધીરેથી કહ્યું; દીકરી સવાર પડી ગઈ છે. ઊઠ.’ તેને ઊઠાડી. તેના હાથમાં નાસ્તા માટે મમરા અને ગોળ આપ્યાં ને કહ્યું, ‘દીકરી હજુ તડકો નથી ત્યાં તું જલદી નીકળી જા.’ માનાં ચરણ સ્પર્શ કરી તે જતી રહી. પછી તેની ગંદી પથારી માએ પોતાના હાથેથી સાફ કરી. ગાયનું છાણ અને માટીથી લીંપીને તે જગ્યા સાફ કરી. ઉપરની ચાદર ધોઈને તળાવની પાળે સૂકવી દીધી! માએ શું કર્યું તેની કોઈનેય ત્યારે તો ખબર ન પડી. નોકરાણીએ જોયું કે વરંડો તો લીપેલો છે, એથી તેને આનંદ થયો. પણ એક બુદ્ધિમાન સ્ત્રી માને ત્યાં રાત રોકાઈ હતી. તેણે આ વાત જાણીને બધાંને કરી ત્યારે શ્રીમા એક મજૂરણ ઉપર પણ કેવી કૃપા ને કરુણા વરસાવે છે, તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત મળતાં – ‘હું સત્ની પણ મા છું અને અસત્ની પણ મા છું, અરે પશુપક્ષીની પણ મા છું.’ એ વાતની વધુ પ્રતીતિ થઈ.
રાધુએ બિલાડી પાળી હતી. જ્યારે એ બિલાડીને કયાંયથી પણ ભય જેવું લાગે ત્યારે તે દોડતી આવીને શ્રીમાના પગ પાસે બેસી જતી. ‘અરે જા. અહીં તારું શું કામ છે?’ બધાં એને ભગાડવા કોશિષ કરતાં તો પણ તે માના પગ વચ્ચે એકદમ ભરાઈ જતી. નીકળવાનું નામ જ ન લેતી. મા પાસે તેને અભય મળતું હોવાથી તે ગમે ત્યારે મા પાસે આવી પહોંચતી. ચોરીછૂપીથી દૂધ પી જતી એટલે જ્ઞાન મહારાજે એને લાકડી ફટકારી એટલું જ નહીં. તેને પકડીને જમીન પર પછાડી. ત્યારે મા બોલ્યાં; ‘દીકરા, એનો સ્વભાવ જ ચોરી કરીને ખાવાનો છે. એમને પ્રેમથી કોણ ખવડાવે?’ માએ બિલાડીને માટે પાશેર દૂધની વ્યવસ્થા કરી હતી.
જ્યારે તેઓ કોલકાતા જતાં હતાં ત્યારે કહ્યું; ‘જ્ઞાન, તું એને ભાત રાંધીને ખવડાવજે, જેથી એને બીજાંને ત્યાં નહીં જવું પડે, નહીંતર આપણને ગાળો ખાવી પડશે.’ આ તો શ્રીમાએ વ્યવહારુ વાત કરી. પણ એથી કંઈ જ્ઞાન મહારાજ એને પ્રેમથી ખવડાવવાના નહોતા. એટલે શ્રીમાએ પછી કહ્યું; ‘જ્ઞાન; જોજે બિલાડીને મારતો નહીં. એમની અંદર પણ હું જ છું.’ બસ આટલું જ જ્ઞાન મહારાજ માટે પૂરતું હતું. પછી તેઓ કયારેય બિલાડીને મારી શકયા નહીં. પોતે શાકાહારી હોવા છતાં પણ બિલાડીઓ માટે માછલી રાંધી દેતા! કેમકે શ્રીમાએ હવે એમની દૃષ્ટિ બદલી નાખી હતી! આથી જ એક શિષ્યે માને પૂછ્યું હતું, ‘શું મા તમે બધાંનાં મા છો?’ એમણે કહ્યું ‘હા’. ફરી પ્રશ્ન પૂછાયો, ‘આ બધાં જીવજંતુઓના પણ?’ જવાબ મળ્યો, ‘હા. એમની પણ.’
જયરામવાટીના પાસેના ગામમાં અમજદ મુસલમાન રહેતો હતો. સેતૂરના કામધંધા પડી ભાંગવાથી ચોરીના રવાડે ચડી ગયો હતો. એકવાર જેલમાં પણ જઈ આવ્યો હતો. શ્રીમાનું જયરામવાટીમાં મકાન ચણાતું હતું ત્યારે મજૂરી કરવા આવ્યો હતો. ત્યારથી તેને શ્રીમા પ્રત્યે ખૂબ જ ભક્તિ થઈ ગઈ હતી. તે અમજદ એકવાર જયરામવાટીમાં આવ્યો. શ્રીમાએ તેને ભોજનપ્રસાદ આપ્યો અને પાસે બેસાડી ખવડાવવા લાગ્યાં. પરંતુ, શ્રીમાની ભત્રીજી નલિની તેને સરખી રીતે પીરસતી ન હતી, તેથી શ્રીમાએ કહ્યું:
‘અરે, નલિની, તું આમ ઓસરીમાં ઊભી ઊભી ખાવાનું ફેંકે છે, તો પછી માણસ કેવી રીતે ખાઈ શકે?’
‘પણ ફોઈબા, એ તો સેતુર મુસલમાન છે. હું એને પાસે જઈને પીરસું તો મારી જાત જ જાય.’
‘તારાથી ન પીરસાય તો લાવ મને દે, તું એને પીરસીને જમાડીશ.’
‘લે બેટા, પ્રેમથી ખા’, નલિની (પોતાની ભત્રીજી)ના હાથમાંથી ખાવાનું લઈને મા એ મુસલમાનને પીરસવા લાગ્યાં તેને આગ્રહ કરીને ભરપેટ જમાડ્યો. પછી તેની એંઠવાડી જગ્યા પણ મા એ પોતાના હાથેથી સાફ કરી નાંખી.
‘અરેરે, ફોઈબા, તમારી તો જાત જ ગઈ! મુસલમાનની એંઠવાડી જગ્યા તમે બ્રાહ્મણ થઈને સાફ કરી?’
‘જો નલિની જેવો શરત્ મારો દીકરો છે, તેવો જ આ અમજાદ પણ છે.’
નલિની તો ફોઈબાની સામે આશ્ચર્યથી જોઈ જ રહી. કયાં શરત્ મહારાજ અને કયાં આ લૂંટફાટ કરનારો અમજદ છતાં ફોઈબા એને સરખા માને છે! શું કહેવું એમને!
પણ મા તો સહુનાં મા હતાં. એમને કોઈ જ ભેદભાવ નહોતા. આ અમજદ તો વારંવાર માની પાસે આવતો, પોતાનાં સુખદુ:ખની વાત કરતો. એકવાર એક ભક્ત સ્ત્રીએ કહ્યું કે આ લોકો તો ચોર છે, એમની આપેલી વસ્તુઓ ઠાકુરને ધરાવાય? ત્યારે માએ કહ્યું હતું ‘કોણ સારું ને કોણ નરસું તે હું જાણું છું. ભૂલ કરવી એ તો માણસનો સ્વભાવ જ છે પણ ભૂલ કરનારને કેવી રીતે સારો કરવો એ ફક્ત થોડા લોકો જ જાણે છે.’ માની પાસેથી દરેકને એવો નિર્વ્યાજ પ્રેમ મળતો કે તેમને એમ થતું કે આ મારાં સાચાં મા જ છે. માના આવા પ્રેમે તો પતિતોને પવિત્ર બનાવી દીધા એટલું જ નહીં પણ એવો ને એવો જ પ્રેમ વહી રહ્યો છે. એમની સમીપ જનારને આજે પણ મા અભય આપતાં કહે છે કે ‘તમે દુ:ખમાં હો, મુશ્કેલીમાં હો, ત્યારે હંમેશા યાદ રાખો કે મારે પણ એક મા છે.
Your Content Goes Here




