પ્રખ્યાત સમાજસેવક શ્રી અણ્ણાસાહેબ હઝારેએ પોતાની અનન્ય સેવા દ્વારા સ્વામી વિવેકાનંદ સેવા પુરસ્કાર, વૃક્ષમિત્ર પુરસ્કાર, પદ્મભૂષણ વગેરે અનેક પુરસ્કારો મેળવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ તેમના પોતાના ગામ રાલેગાંવ સિદ્ધિને તેમણે ૧૫ વર્ષની અંદર એવું આદર્શ ગ્રામ બનાવ્યું કે હવે તેમને મહારાષ્ટ્રમાં આવાં ૩૦૦ આદર્શ ગ્રામો બનાવવાના પ્રકલ્પની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના આ અનન્ય સેવાયજ્ઞના પ્રારંભમાં તેમણે કેવી રીતે સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી, કેવી રીતે તેમણે દિલ્હી સ્ટેશન પર આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો અને કેવી રીતે તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકથી નવજીવન પામ્યા એ બધું રોમાંચક વર્ણન વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
અન્યાયનો પ્રતિકાર
મારા કાકાની આર્થિક સ્થિતિ નબળી હતી. એટલે મારી આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હોવા છતાં ધો.૭ પછી મારે શાળા છોડી દેવી પડી. મુંબઈના એક ફૂલના વેપારીને ત્યાં નોકરી કરવા માંડ્યો. સારો એવો અનુભવ મેળવ્યા પછી મારી પોતાની ફૂલની દુકાન શરૂ કરી. ધંધાની સફળતા સાથે પૈસો થયો અને પૈસો થતાં મિત્રો મારી આસપાસ વીંટળાવા લાગ્યા. એ દિવસોમાં અમને ચલચિત્રો જોવાની લત પડી ગઈ. અમે કોઈ નવી ફિલ્મનો પ્રિમિય૨ શૉ ભાગ્યે જ ચૂકતા. આ સમયે કોઈ ગરીબને ભોગ બનાવે એવા અન્યાયભર્યા કાર્ય સામે હું મારા હૃદયમાં ઊંડેથી ઘૃણાની લાગણી અનુભવતો. આવા હીણાયેલા લોકોને સહાય કરવા હું શારીરિક પીડા કે આર્થિક બોજાનો વિચારેય ન કરતો. અને જરૂર જણાય તો એવા લફંગાઓ સામે ઝઘડી યે લેતો. એક હોટેલ ચલાવતા મિત્ર સાથે હું સિનેમા જોવા ગયો. સિનેમા પૂરું થયા પછી એક ખિસ્સાકાતરુએ મારા મિત્રનું ખિસ્સું કાપવાનો પ્રયાસ કર્યો, મેં પકડ્યો અને એક લાફો પણ ચોડી દીધો. એના સાથીઓએ મને ઘેરી લીધો અને મારા પર હુમલો કરવા જતા હતા ત્યાં મેં મારા અપંગ મિત્ર પાસેની લાકડી લઈને મારો બચાવ કર્યો અને તે લફંગાઓ ભાગી ગયા. અમે આ અંગે પોલિસમાં ફરિયાદ કરી અને ઓળખપરેડમાં મેં એ લફંગાઓને ઓળખી બતાવ્યા. આનાં માઠાં ફળ ભોગવવાની ભયંકર ધમકીઓ પણ આવી પણ હું ડર્યો નહીં. એક બીજા પ્રસંગમાં એક પોલિસમૅન ફૂટપાથ ૫૨ શાકભાજી વેંચતા શાકવાળા પાસેથી ઉઘરાણું કરતો અને એક ગરીબ શાકવાળા પાસે એને આપવા પૂરતા પૈસા નહોતા તેથી તે તેને મારવા માંડ્યો એટલે મેં પોલિસ ૫૨ હુમલો કર્યો. પોલિસને ગંભીર ઇજા થઈ. મારી સામે વૉરન્ટ નીકળ્યું અને મારે ભૂગર્ભમાં ચાલી જવું પડ્યું. આ સમાચાર રાલેગાંવમાં પહોંચતા હું ખરાબ સોબતમાં પડી ગયો છું એવો દુર્ભાવ ત્યાંના લોકોના મનમાં જાગ્યો. પણ આ ગરીબ પ્રત્યેના અન્યાયની સામે થવામાં મેં કંઈ ખોટું નથી કર્યું એવું હું સ્પષ્ટપણે માનતો હતો. થોડો સમય વીત્યો, સાચી હકીકત બહાર આવી અને ગેરસમજણ દૂર થતાં રાંલેગાંવના લોકો મારા તરફ માનની લાગણી રાખવા લાગ્યા. આ પરથી મને બોધ પાઠ મળ્યો કે લોકો ભલે ગમે તેમ ધારે કે કહે પણ આપણને આપણા મનથી જે સાચું લાગે તે કાર્ય કરવું જ જોઈએ. આપણે અંતરથી શુદ્ધ હોઈએ તો જ આપણે નિર્ભય બની શકીએ.
લશ્કરમાં જોડાયો
૧૯૬૨માં ચીને વિશ્વાસઘાત કર્યો, આપણા દેશનો કેટલોક ભાગ પચાવી પાડ્યો, આપણા લશ્કરને ભારે ખુવારી સહન કરવી પડી અને કટોકટીભરી પરિસ્થિત ઊભી થઈ. આપણા દેશના સંરક્ષણ માટે યુવાનોને લશ્કરમાં જોડાવા માટે સમાચારપત્રોમાં અપીલ કરવામાં આવી. લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાની તીવ્ર ઇચ્છા મારા પર છવાઈ ગઈ. જો કે મારું સ્વાસ્થ્ય લશ્કરમાંઈ જોડાવા જેટલું સારું ન હતું. છતાં ય ભરતી કાર્યાલયમાં મેં મારી નામનોંધણી કરાવી લીધી. જોગાનુજોગ મારી પસંદગી થઈ ગઈ અને મને મિલિટરીના ટ્રક ચલાવવા અને ટૅકનિકલ અભ્યાસ માટે બેએક મહિના મુંબઈ મોકલવામાં આવ્યો. મેં પરીક્ષાઓ પાસ કરી. તેર વ્યક્તિની એક ટુકડીના નેતા તરીકે મને ઔરંગાબાદ મોકલવામાં આવ્યો. પ્રથમ વખત મને લશ્કરી કડક શિસ્ત અને સખતાઈનો અનુભવ થયો. આખા દિવસનું સખત કામ-તાલીમ અમને થકવી દેતાં, અમને છોડી દેવાની ઇચ્છા થઈ.
અમારા કંપની કમાન્ડર ઘણા કુશળ અધિકારી હતા. આપણા જીવનમાં ફરજ ભાવના વિશેના થોડા પ્રસંગોનું વર્ણન કરીને અમને અમારો નિર્ણય બદલવા સમજાવ્યા. જીવનમાં મુશ્કેલીઓ – વિઘ્નોથી હતાશ-નિરાશ ન થવું અને પોતાના પથ પર આગેકૂચ કરવી એ કેટલું મહત્ત્વનું છે એ વાત પણ અમને એમણે સમજાવી. તેમણે કહ્યું, ‘જે લોકો ઝઝૂમે છે એ ફળ પામે છે અને મેદાન છોડી દેનારાને નિષ્ફળતા સાંપડે છે.’
એમની આ શાણી સલાહની અમારા યુવાનોના મન પર ઘેરી અસર થઈ અને અને દેશ માટે કરેંગે યા મરેંગેનો નિર્ણય કર્યો. હથિયારો, વાહન-ચાલન અને તેની જાળવણીની તાલીમ પછી અમારી નિમણૂક અંબાલા કેન્ટમાં થઈ. પ્રથમ થોડા મહિનાઓ સુધી અમે સુરક્ષા વ્યૂહાત્મક પર્વતીય પ્રદેશોમાં ટ્રક ચલાવવાનો મહાવરો કર્યો અને લશ્કરની સાધન-સામગ્રીના પરિવહનનું નિયમિત કાર્ય શરૂ કર્યું. પર્વતીય પ્રદેશનાં લોકોની જીવનરીતિ અને હિમાલયની ભવ્યપ્રકૃતિનો અમને ખ્યાલ આવ્યો.
આપઘાત કરવાનો મારા મનમાં આવેલો વિચાર
હિમાલય પર્વતમાળાની ભવ્યતાએ મને ધ્યાન અને જીવનના સામાન્ય હેતુ વિશે ચિંતન કરવાની ટેવ પાડી દીધી. બધા માનવીઓ, પછી તે ગરીબ હોય કે લક્ષાધિપતિ પણ તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી વધુને વધુ ધન-દોલત મેળવવા મથે છે. પણ એને ક્યારેય મનની શાંતિ કે સંતોષ મળતાં નથી. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. વિશ્વ વિજેતા સિકંદર હોય કે બીજા રાજા-મહારાજાઓ હોય, એમણે એ જ રસ્તે જવું પડ્યું હતું. માનવને મૃત્યુનો ભય છે, પણ એ મૃત્યુને નિવારી શક્તો નથી અને અંતે બધું જ છોડીને જવું પડે છે. જો એને આ કંઈ મળવાનું ન હોય – એની સાથે આવવાનું ન હોય તો પછી માણસ જીવે છે શા માટે? હું જીવનનો અર્થ કે હેતુ સમજી ન શક્યો. અને મેં જ્યારે જ્યારે કોઈને ય આ વિશે પૂછ્યું ત્યારે તેમના તરફથી સંતોષપ્રદ ઉત્તર પણ ન સાંપડ્યો, જીવન પ્રત્યેની શ્રદ્ધા મેં ગુમાવી દીધી, માનવે ગમે તે રીતે અંતે મરવાનું તો છે જ, તો હવે શા માટે રાહ જોવી? આ વહેલું ઊઠવું ને આખો દિવસ વેઠવારો કરવો અને આવા હિમ વચ્ચે રહેવું એ બધું શાના માટે? તો પછી ઇચ્છાપૂર્વક મૃત્યુને આમંત્રીને આ બધાંથી વહેલાં કેમ મુક્ત ન થવું? આ બધા વિચારોએ મારા મનમાં ઘેરો ઘાલ્યો હતો.
અંતે મેં મારા જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. મારે ન તો કોઈ કુટુંબની જવાબદારી હતી કે ન કોઈ શારીરિક અને માનસિક પીડા હતી. મને જીવન હેતુ વિહીન – અર્થહીન લાગ્યું એટલે મેં આવો નિર્ણય કર્યો. કોઈ બીજું મુસીબતમાં ન આવી જાય, કોઈના પર આની જવાબદારી ન આવી પડે તે હેતુથી હું સ્વૈચ્છિક રીતે – મારી મેળે આપઘાત કરું છું એવી નોંધ પણ લખી મૂકી.
હું કેટલીક સામગ્રી પઠાણકોટ લઈ જવા માટે દિલ્હી સ્ટેશને ગયો. મૂળ તો મેં ત્યાં જ આ જીવનનો ખેલ ખતમ કરવાનું નક્કી કર્યું હતું. પણ મારી બહેનનાં લગ્ન થવાનાં હતાં એ યાદ આવતાં અને એ લગ્ન પર કોઈ માઠી અસર ન પડે તે હેતુથી મેં આપઘાત કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો. પ્લેટફોર્મ પર હરતાં ફરતાં આકર્ષક મુખપૃષ્ઠ સાથેનું સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક મારી નજરે પડ્યું. ખરીદીને આખું પુસ્તક હું વાંચી ગયો. જેની હું શોધના કરતો હતો એ ‘જીવનના હેતુ’ વિશે મને બધું મળ્યું. મેં સ્વામીજીના બીજાં પુસ્તકો પણ વાંચ્યાં અને જીવન – વિશેની મારી જટિલ સમસ્યાનું મને સમાધાન મળી ગયું. જીવનને આધાર આપતો સંદેશ મને સાંપડ્યો: “માનવ સેવા કરવી એ છે માનવજીવનનો ઉદ્દેશ્ય.”
ક્ષિતિજો વિસ્તરે છે
સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારોથી મારા જીવન દૃષ્ટિકોણ વિશાળ બન્યા. દરેક સજીવમાં એક સમાન જીવતત્ત્વ – આત્મા રહેલો છે. જ્યાં સુધી આ આત્મા શરીરમાં હોય છે ત્યાં સુધી શરીરની બધી પ્રક્રિયાઓ – પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. લોકો બોલે છે, વાતો કરે છે, પોતાના કુટુંબીજનોને સહાય કરે છે. અને પોતાના સ્વજનોનો વિયોગ એક પળ માટે પણ એમને માટે અસહ્ય બની જાય છે. જેવું આ પ્રાણપંખેરું ઊડી જાય કે આ દેહની કિંમત કોડીની યે નથી રહેતી. જેને લોકો અત્યંત ચાહતા હોય એના મૃતદેહને બાર કલાકથી વધુ સમય પણ ઘરમાં રાખવા તૈયાર નથી. માનવ અસ્તિત્વના ગૂઢ રહસ્યનું મૃત્યુ દ્વારા જ નિરાકરણ થાય છે. શરીરનાં પંચતત્ત્વો અંતે તો બ્રહ્માંડમાં ભળી જાય છે અને શેષ કંઈ રહેતું નથી. આ આત્માના મર્મની અનુભૂતિ કરવી એ દરેક વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે. સ્વામી વિવેકાનંદના આ સંદેશની મારા મન પર ઘેરી છાપ પડી. શરીરના આ જીવ તત્ત્વને આપણે આત્મા કહીએ છીએ. આત્માને સાર્થક કરવા માનવ શરીર ધારણ કરે છે. આ આત્માના મર્મને કેમ જાણવો અને આત્માને કેવી રીતે પ્રમાણવો? એનો સાક્ષાત્કાર કેમ કરવો? ભારતીય તત્ત્વજ્ઞાન કહે છેઃ “નિઃસ્વાર્થ સેવા એ જ માનવ જીવનનું લક્ષ્ય છે.” આ સેવા-પૂજા મંદિરમાં રહેલા પ્રભુની ભક્તિ, રાષ્ટ્રસેવા, સમાજસેવા, ગ્રામસેવા, માંદા-પીડિતોની સેવા, અક્ષર-જ્ઞાન – શિક્ષણસેવા જેવાં માધ્યમો દ્વારા કરી શકાય. સેવાનું માધ્યમ ગમે તે હોય પણ નિઃસ્વાર્થ સેવા એ માનવ જીવનનો હેતુ અને ઇતિકર્તવ્ય છે. તમે કરોડો રૂપિયા ખર્ચીને ભવ્ય મંદિર ઊભું કરી દો, કેટલાંક સુંદર ચિત્રો અને શિલ્પકૃતિઓથી શણગારી દો પણ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિના એ બધું નિરર્થક છે. લોકો મંદિરમાં બાહ્ય સૌંદર્યભર્યા ઉઠાવની પ્રશંસા જરૂ૨ ક૨શે પણ પ્રભુજી વિના એમનાં મસ્તક ભક્તિ ભાવથી ઝૂકી નહીં પડે. એવી જ રીતે આ માનવ દેહ રૂપી મંદિરમાં સેવાભાવના રૂપી પ્રભુની પ્રતિમા વિના માનવજીવન ધ્યેયહીન, અર્થહીન બની જાય છે.
એમ કહેવાયું છે કે આત્મા તો અમર છે. પણ માણસ મૃત્યુ પામે પછી એ ક્યાં જાય છે? એનું શું થાય છે? કોઈ પણ એને કેમ જોઈ શક્તો નથી? એને – એ આત્માને – કોઈએ જોયો છે ખરો? શ૨ી૨ની શલ્ય-ચિકિત્સા કરીને કે આખું શરીર ખોલીને પણ એ આત્માને કોઈ જોઈ શક્યું નથી. કુરાને શરીફ અને બાઈબલ આ અસ્તિત્વ અને આત્માની અનશ્વરતાનો સ્વીકાર કરતાં નથી. આ બધા પ્રશ્નો આપણી સામે ઊભા થાય છે. હવાની જેમ એવા કેટલાય પદાર્થો છે કે જેને આપણે જોઈ ન શક્તા હોઈએ તો ય તેઓ અસ્તિત્વ ધરાવે છે. આપણે એમને અનુભવીએ છીએ અને એમના અસ્તિત્વને સ્વીકારીએ પણ છીએ. વિદ્યુત પ્રવાહ વીજળીના તારમાંથી પસાર થાય છે. આપણે એ જોઈ શક્તા તો નથી પણ જ્યારે બલ્બને પ્રકાશિત કરે છે ત્યારે આપણે તેના અસ્તિત્વને સ્વીકારીએ છીએ. આ જ વાત આત્મા માટે એટલી જ સત્ય છે. આત્માની હાજરી વિના પંચતત્ત્વોનું બનેલું આ શરીર જીવનશક્તિ મેળવી શક્યું નથી. આત્મા એ કોઈ દૈહિક રૂપ નથી કે જેને જોઈ શકાય; એને તો સમજવો – જાણવો પડે કે એની અનુભૂતિ કરવી પડે. ભગવદ્ગીતાએ આ ‘આત્મા’નો આપણને પરિચય કરાવ્યો છે, અને આ જીવન જીવવાનો સાચો રાહ પણ ચીંધ્યો છે. આપણે આપણી માતા પર વિશ્વાસ રાખીએ છીએ. તેવી જ શ્રદ્ધા આ ગીતાના સંદેશ પર રાખવી જોઈએ. આ બધું હું સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી સમજ્યો છું. અને જેઓ આત્મામાં ન માનતા હોય કે તેનું અસ્તિત્વ પણ સ્વીકારવા તૈયાર ન હોય તેમના અજ્ઞાનને કેમ દૂર કરી શકાય તે વિશેની તાર્કિક ચર્ચા પણ મને એમના ગ્રંથોમાંથી સાંપડી છે.
સેવા દ્વારા સ્વની પરિપૂર્ણતા – સિદ્ધિ
આ ધરતી પરનો દરેક માણસ પોતાના જીવનની સુખ સગવડો અને વૈભવભર્યું જીવન જીવવા ઇચ્છે છે. ભૌતિક સંપત્તિના નજરે પડતા વિવિધ ઐહિક પદાર્થો મેળવીને – તેમના પર પોતાનો અધિકાર સ્થાપીને દરેક માનવ સુખ, શાંતિ અને પૂર્ણ સંતોષ શોધે છે – ઝંખે છે. પરંતુ આવા માણસો દુઃખી જ હોય છે અને ઊંઘની ગોળી વિના ઊંઘી યે નથી શક્તા. આ બાહ્ય સુખવાળા ભૌતિકપદાર્થો દ્વારા સુખ કે સંતોષ મેળવી ન શકાય. આ સત્યની-વાતની અનુભૂતિ થવી જોઈએ. એમાંથી મળતો સંતોષ તો ક્ષણિક હોય છે. શાશ્વત શાંતિ અને સુખનું મૂળ સ્રોત તો આપણી ભીતર છે. સત્ય-સદાચારના માર્ગે ચાલીને કોઈ ભલે ધન મેળવે પણ ધન પ્રાપ્તિ માટે લોભ મોહ ન હોવો જોઈએ. અને મેળવેલ બધી ધન-સંપત્તિ માત્ર પોતાના જ સુખ-કલ્યાણ માટે ન રાખવી જોઈએ. આ ધન સંપત્તિનો, કમાણીનો થોડો ભાગ સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરવાની તૈયારી આપણા આત્માને સંતોષ આપે છે આ સંતોષની ઝલક આપણા ચહેરા પર ચમકી ઊઠે છે. આવો ધનનો સદુપયોગ જ આપણને જોઈતી સાચી શાંતિ આપે છે નિઃસ્વાર્થ સેવાભાવના જ આ ઇચ્છિત શાંતિ મેળવવાનો સાચો અને પાકી ખાતરીવાળો માર્ગ છે. કોઈ માણસ ફળઝાડ વાવે-ઉછેરે અને એને ફળ આવે અને કોઈ ભૂખ્યો વટેમાર્ગુ આ ફળ ખાઈને આનંદ અનુભવે એનાથી જ સંતોષ મળે છે. કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીને શ્રેષ્ઠ ગુણાંક સાથે સફળ થતો અને જીવનમાં ઊંચ ક્ષેત્રે સિદ્ધિ મેળવેતો જુએ એ આનંદ અને સંતોષ અવર્ણનીય સંતોષ-આનંદ છે. એમના પ્રયાસો સફળ થયા, સાર્થક રહ્યા એવી અનુભૂતિ એમને થાય છે. આ આનંદ-સંતોષ તો ભીતરમાંથી પ્રગટે છે અને એ પોતાની નિઃસ્વાર્થ સેવાનું સુભગ પરિણામ છે. બાહ્ય સુખ આપતા પદાર્થો દ્વારા આનંદ- સુખ મળે છે તે ક્ષણિક હોય છે એટલું નહીં પણ એ બધા આ પદાર્થો જેવા નાશ પામે કે ક્ષીણ – જીર્ણ બની જાય તેવા જ તે બધાં દુઃખ દર્દનું, વિષાદનું મૂળસ્રોત બની જાય છે. આપણા મહાન સંતોએ ક્યારેય આ બાહ્ય સુખ વૈભવ કે આનંદની ખેવના કરી નથી. એમનાં ઠામ-વાસણ-હાંડલાં ખાલીખમ રહેતાં, એમના મકાનના છાપરામાંથી પાણીએ ટપકતું રહેતું, પણ એમનાં આનંદ અને મનની શાંતિ અસીમ અને શાશ્વત હતાં. આવાં ઉચ્ચ આનંદ – શાંતિનું સ્રોત ક્યાં છે? એ બધું તો પોતાની ભીતરથી જ આવે છે. બીજાની સેવા દ્વારા મળતા આ આત્માના આનંદને મેળવવાની વાત મને સ્વામી વિવેકાનંદના ગ્રંથોએ શીખવી છે.
નવજીવન
૧૯૬૫ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાન હુમલાખોર હતું. અમારું ટ્રાન્સપોર્ટ એકમ ક્ષેમકરણ સેક્ટરમાં કાર્યરત હતું. યુદ્ધ માટેનો સાધન-સરંજામ, પેટ્રોલ, ડિઝલ, અનાજ અને શાકભાજી વગેરેનો આવશ્યક જથ્થો યુદ્ધ હરોળથી ૧૨૦-૧૫૦ કિ.મિ. દૂર રાખવાનો હતો. અમે બપોર સુધીમાં માલ સામાન ભરીને ઉપડતા અને યુદ્ધ હરોળની પાછળના ડૅપોમાં સાંજના છ વાગ્યે પહોંચી જતા. પૂરેપૂરું અંધારું છવાઈ જાય પછી અમે યુદ્ધ – હરોળ તરફ ઉપડતા. હૅડલાઈટ, બેટરી ટોર્ચ કે દીવાસળીના પણ પ્રકાશ વિના આગળ વધવાનું હતું. દુશ્મનોએ ક્યાંય સુરંગ દાબી હોય એને માટે પણ સચેત રહેવું પડતું. આ એક જોખમભર્યું સાહસ-કાર્ય હતું. પણ અમને પંજાબના ગ્રામજનોનાં, સામાન્ય લોકોનાં પ્રેમ અને લાગણીથી આ કાર્ય કરવામાં અતિ ઉત્સાહ – જોમ રહેતો. તેઓ અમને જમાડતા અને અમારી મારફતે યુદ્ધ-હરોળ પરના સૈનિકો માટે ભોજનસામગ્રી તેમજ શુભેચ્છાઓના સંદેશા પાઠવતા. અમને આ લાગણીભર્યા વાતાવરણની યાદ આવે છે અને આજની એ રાજ્યની પરિસ્થિતિની તુલના કરીએ ત્યારે અમારું મન વિષાદથી ભરાઈ જાય છે. આ વર્ષની ૧૧મી ઑક્ટોબરે અમારું સંરક્ષણદળ ૧૭-૧૮ વાહનો સાથે ઉત્તર-દક્ષિણ દિશામાં પટ્ટી સેક્ટરમાન આગળ વધી રહ્યું હતું. એકાએક બે સૅબર જૅટ વિમાન અમારી દિશા તરફ નીચે ઊડતાં આવ્યાં. અમને તો એમ કે આ વિમાનો આપણાં છે. પણ એમણે તો અમારા વાહનો ૫૨ બોમ્બમારો શરૂ કર્યો. હું તો સ્ટીયરીંગ વ્હીલની નીચે ટૂંટિયુંવાળીને બેસી રહ્યો. પણ બીજો હાથ બ્રેક ૫૨ રાખીને મેં તો વાહનને આગળ ચલાવવાનો પ્રયત્ન કર્યો. વાહને રસ્તો ચાતર્યો અને ટકરાઈને ટૅલિફોનના થાંભલા પાસે ઊભું રહ્યું. દુશ્મનનાં વિમાનોના પ્રારંભિક હવાઈ હુમલા પછી હું વાહનમાંથી બહાર નીકળતો હતો ત્યાં તો બીજો બોમ્બમારો શરૂ થયો. હું તો મારા વાહનથી ૧૫-૨૦ ફૂટ દૂર જમીન ૫૨ હલ્યાચલ્યા વિના પડ્યો રહ્યો. અમારી ટુકડીમાંથી કેટલાય જવાનો ગંભીર રીતે ઘવાયા કે શહીદ થયા. ટાયરમાં પંક્ચર થવાથી મારું વાહન તો ચલાવી શકાય તેમ ન હતું. પણ હું એક જ એવો સૈનિક હતો કે જે હલન ચલન કરી શકે, જો કે, એક ગોળી મારા માથામાં ઉઝરડો તો કરતી ગઈ હતી. મેં એક અન્ય ટ્રકમાંથી સામાન ઉતારી લીધો અને તેમાં ઘવાયેલા સૈનિકોને લઈને એક બિનલશ્કરી ઇસ્પિતાલમાં ગયો., પ્રાથમિક સારવાર બાદ એમને ૮૦ કિ.મિ. દૂર મોગાની મિલિટરી હૉસ્પિટલમાં લઈ ગયો. આ ઇસ્પિતાલની સંભાળ લેતા કર્નલ ડૉક્ટરે તાત્કાલિક સારવાર – સહાય આપી અને ઘાયલ સૈનિકોના જીવન બચાવવા ત્યાંના ચાર-પાંચ દાક્તરોએ પોતાનાથી બનતા બધા પ્રયાસો કર્યા. પણ તેઓ મારા સાથીમિત્ર જયરામને બચાવી ન શક્યા. એ બોમ્બ હુમલામાં એણે ગોઠણ નીચેના બેય પગ ગુમાવ્યા હતા અને લોહી પણ ખૂબ વહી ગયું હતું, તેથી એ ન બચી શક્યો.
અમારી ટુકડી પરના હવાઈ આક્રમણના સમાચાર મળતાં જ અમારા લશ્કરી અધિકારીઓ એ સ્થળની મુલાકાતે આવ્યા. કેટલાક સૈનિકોને તો એમ હતું કે હું ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. પણ આ સ્થળે આક્રમણની વિગતો આપવા પાછો ગયો ત્યારે મને સહી-સલામત જોઈને તેઓ રાજી થયા. વાહનોની સંભાળ કરીને અમે અમારી મૂળ છાવણીમાં પાછા ફર્યા.
મારે મન આ મારો વાસ્તવિક પુનર્જન્મ હતો. એક રીતે મારું પૂર્વ જીવન પૂરું થયું. સ્વામી વિવેકાનંદના આદર્શોને અમલમાં મૂકવાનો મને ભગવાને એક અવસર આપ્યો. કુટુંબના ભરણપોષણ માટે મને આ ઊછીની મળેલી જિંદગી વેડફાઈ ન જાય તે માટે મેં અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા કરી. મારા કુટુંબીજનોની આર્થિક સ્થિતિ કંઈ સારી ન હતી. એટલે હું એમને બોજા ન બનું તેવી મેં અગમચેતી – સાવચેતી કરી લીધી હતી. મને પેન્શન મળી રહે તેવે તબક્કે મેં ૧૯૭૫ના ઑગસ્ટમાં લશ્કરમાંથી નિવૃત્તિ લઈ લીધી. મેં ૧૯૬૫માં જ અપરિણીત રહેવાનો નિશ્ચય કર્યો હતો અને ૧૯૬૫-૭૫નાં વર્ષો દરમિયાન આ નિશ્ચયને ડગાવતાં ઘણાં પ્રલોભનો પણ આવ્યાં પણ હું મારા મનને ધીર-સ્થિ૨ ક૨વા સ્વામી વિવેકાનંદનાં લખાણો ફરીથી વાંચવા લાગ્યો. આ દશ વર્ષ સુધી મારા મનમાં આ ગડમથલ ચાલતી રહી. પણ અંતે ખાતરી થઈ કે મારો નિશ્ચય જ સાચો છે અને હું મારું પ્રણ પાળી શક્યો. ૧૯૭૫માં નિવૃત્તિ લઈને હું રાલેગાંવ આવ્યો અને ત્યાં વિકાસલક્ષી – કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ આરંભી દીધી. આમ આવા નાટ્યાત્મક ઘટના-પલટાઓ અને દિવ્યભાવ સાથેના અવરોધોની મદદથી હું સમાજસેવાના કાર્યોમાં લાગી ગયો.
– અનુવાદક : શ્રી મનસુખભાઈ મહેતા
(રાલેગાવ સિદ્ધિ પરિવાર પ્રકાશન દ્વારા પ્રકાશિત અણ્ણાસાહેબ હઝારેના પુસ્તક – ‘Ralegaon Siddhi – Veritable Transformation’માંથી સંકલિત)
Your Content Goes Here




