મૂળ અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં ભારતનાં ભૂતપૂર્વ સન્માનનીય પ્રધાનમંત્રી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

આપણા રાષ્ટ્રીય પુનર્જાગરણ માટે સ્વામી વિવેકાનંદે કરેલા પ્રદાનનું મૂલ્યાંકન કરવું સહજસરળ નથી. તેઓ આપણા આધ્યાત્મિક વારસા માટે એક નવી જાગૃતિ લાવ્યા. ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત પ્રાચીન સત્યોને આધુનિક અર્થમાં એમણે રજૂ કર્યાં અને આજની સમસ્યાઓના સંદર્ભમાં પ્રાસંગિક નીવડે તેવી રીતે વ્યક્ત કર્યાં. એમની દૃષ્ટિએ સાચો ધર્મ માત્ર બાહ્યપૂજામાં નહીં પણ લોકકલ્યાણનાં કાર્યોમાં કાર્યરત રહેવું તે છે. તેમણે ‘દરિદ્રનારાયણ’ની સેવાની વાત કરી છે અને લોકોને ગરીબીમાંથી ઉન્નત કરવાના મહત્ત્વ પર ભાર દીધો છે. પોતાના જીવનકાળ દરમિયાન એમના ઉપદેશોએ રાષ્ટ્રને જગાડ્યું અને પ્રેર્યું છે. આજે પણ એમના ઉપદેશો આપણને માર્ગદર્શન આપે છે અને આવતી ભાવી પેઢીઓ પણ એને સ્વીકારશે.

સ્વામી વિવેકાનંદની મહાનતા એમની મહાન બુદ્ધિ પ્રતિભા શક્તિ કે વિવેકબુદ્ધિને કારણે તો હતી. પણ સમગ્ર ભારત માટે અને અખિલ વિશ્વ માટે કંઈક કરી છૂટવાની હૃદયની ધગશને કારણે પણ તેઓ મહાન હતા. મારી દૃષ્ટિએ એમની મહાનતા આપણા પ્રાચીન જ્ઞાનને અને સત્યોને બંધનમુક્ત કરવામાં અને વ્યક્તિગત હેતુલક્ષી ભાવ કેળવવામાં તેમજ સમાજનું યોગક્ષેમ અને સામૂહિક પ્રગતિ કે ઉન્નતિ લાવવામાં હતી. એમની વિશેષ બુદ્ધિપ્રતિભાની ભેટ એ હતી કે તેઓ આધુનિક જગતમાં કામ કરતાં બધાં પરિબળોથી અત્યંત વાકેફ હતા…. આધુનિક યુગમાં કાર્યરત વલણોથી પૂરેપૂરા જાણકાર રહીને તેઓ આધુનિક જગત સમક્ષ પોતાની જાતને અને પોતાના આદર્શ અને વિચારોને અભિવ્યક્ત કરી શક્યા હતા, એ વાત કેવી સ્મરણીય છે…. આપણને સ્વામી વિવેકાનંદ અને બીજી આધ્યાત્મિક વિભૂતિઓની વાણી અને જીવનમાંથી ઘણું જ્ઞાન અને સત્યસમૂહ તેમજ માર્ગદર્શન સાંપડે છે.

રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદનાં જીવન, ઉપદેશ અને લખાણોથી સુમાહિતગાર થવાનો મને વિશેષ લાભ મળ્યો છે અને આ લાભ પણ મને જ્યારે સાવ નાની હતી ત્યારે સાંપડ્યો હતો. વાસ્તવિક રીતે મારાં માતપિતા અને તેમાંય વિશેષ કરીને મારાં માતાને રામકૃષ્ણ મિશન સાથે નિકટનો સંબંધ હતો. અને હું ખરેખર કહી શકું કે સ્વામી વિવેકાનંદની વાણીએ મારા આખા કુટુંબને, અમારા રાજનૈતિક કાર્યકલાપોમાં તેમજ અમારાં દૈનંદિન જીવનમાં પ્રેરણા આપી છે.

Total Views: 366

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.