—-ની સંખ્યા, જેમાં માનવજન્મ મળવો દુર્લભ મનાયો છે એવા આપણા આ ભારત દેશમાં, બાવન લાખની ગણાય છે. આ આંકડો દાયકાઓથી પ્રચલિત છે. તેથી ઘણાઓ કહે છે તેમ જો હવે એ ૭૨ લાખે પહોંચ્યો હોય તો નવાઈ નહિ.
હિંદુઓમાં જેટલી નાતજાત ને વાડાવંડીઓ છે તેટલી જ એની દુનિયામાં છે. હિંદુચારિત્ર્યની તમામ નબળાઈ, ચુસ્તાઈ, સનાતની ચવડાઈ (tenacity)નો એ ચોકીદાર અને ભંડારી છે. છતાં આ દેશની સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રતિનિધિ અને ત્યાગતિતિક્ષાના મેરુ પણ એમનામાં પડયા છે. ભારતવર્ષની સાંસ્કૃતિક એકતાનું એ સીમેન્ટ છે. આંતરપ્રાન્તીય જનસંસ્કૃતિનો એ વણજારો છે. હિંદુસ્તાનની ભૂગોળ, સામાજિક રીતરસમો, પુરાણ-ઇતિહાસ, કથા દંતકથા, ભૂતપ્રેત વહેમોનો એ વિશ્વકોશ છે. ઉગ્રતાનો ઈજારદાર છે. વગડાના વાયરા જેવો આઝાદ છે. જવાબદારી શબ્દ એની દુનિયામાં બીનઓળખીતોછે.
એ માગી ખાય છે. ક્યાંક ઠાકુરદ્વારો થાપીને ‘જે સિયારામ’ બોલાવવા પણ બેસી જાય છે. હાર્ડવેરના ધંધામાં વોરાની તેમ આ ઠાકુરદ્વારના વ્યવસાયમાં એની દેશ આખામાં મૉનૉપૉલી છે. ક્યારેક વળી એ કોઈ મઠમંદિરનો મહંત જાગીરદાર બની દુરાચારમાં ય ડૂબી જાય છે. કાં કૉરટ-કજિયા, ચોરીડકાટી, ગાંજાઅફીણ, દાણચોરીના ગુના પણ કરે છે. ભલો હશે તો હવે ક્યાંક પાકિસ્તાન-હિંદુસ્તાન વચ્ચે સોનાચોરીમાંય આડત-એજન્સી કરતો હશે.
આધુનિક જમાનાએ સનાતનીઓના તેમ આ સાધુઆલમના પણ ભુક્કા કર્યા. સાધુઓને મેં સૅંટ-પોમેટમ વાપરતા અને શહેરોના મવાલી કે મીલમજૂરો જોડે પિયાબાલમની ફિલમો જોવા સીનેમાની ટિકિટબારીઓ ઉપર પિટકલાસની કતારોમાં ઉભતા પણ જોયા.
આ બધું છતાં દેશના બીજા કેટલાક ઈજતદારમાં ખપતા દ્રોહી (anti-social) વર્ગોની સરખામણીમાં સરવાળે એ સમાજને ઓછો ભારરૂપ છે એવું મારું માનવું છે. મોટે ભાગે સમાજની નકરી good-will ઉપર જીવે છે. એનાથી સમાજની સેવા કે ઉપદ્રવ જે કંઈ થતું હોય, તે બધાને સારુ સમાજ પ્રમાણમાં ઓછામાં ઓછી કિંમત ચૂકવે છે.
એ માગી ખાય છે, પણ ‘પરાન્નભોજી પરાવસથશાયી’ વર્ગનો પરોપજીવી પામર નથી. મગજમાં પાવર રાખીને ફરે છે. ‘આહ્મીં કાય કુણાચેં ખાતો રે, તો રામ આહ્માંલા દેતો’ એવું એની આસ્થાનું ચણતર છે. સમાજની શ્રદ્ધાનો એ પડધો છે. જ્યાં ભણેલા આધુનિકો એને નથી દેતા, ત્યાં એવા ભણેલાઓની મા, માસીઓ, બહેન ભાભી, ફોઈ, કાકીઓ એને દે છે; અને બદલામાં આ હડહડતા કળજુગમાં માઈ લોકે જ ધર્મની રક્ષા કર્યાના સર્ટિફિકેટો મેળવે છે!
સાધુઓને પામર, ધુતારા, ચોર, મફ્તખોર અને વહેમ પોષનારા કહી હીણવનારા આધુનિકોને તેમ જ દાક્તર ઇજનેરોને મેં જોયા છે જે પારકે ઘેર પોતાનાં બુદ્ધિવિજ્ઞાનની લાયરી કરતા હોય છે, પણ પોતાના ફરજંદની માંદગી વેળાએ બધું જ્ઞાનવિજ્ઞાન કોરે મેલી ભુવાજતને ઘેર દોડે છે. અને મંત્રેલ દોરાધાગા માંદાના ઓશીકા તળે મૂકતાં, અગર તો સંધ્યા વીષે ચારરસ્તાના ચૉકમાં મેશ કંકુનાં કૂંડાળા કરી ભાતબાકળા ને મંત્રેલ લીંબુ કાપીને મૂકી આવતાં અચકાતા નથી; જેથી અંધારે જતા આવતાનો પગ તેમાં પડી બાબર-હુમાયુ ન્યાયે પોતાના દીકરાની માંદગી પેલા રસ્તે ચાલનારને ફાળે ટ્રાન્સફર થાય!
પણ મારે મારા પિતરાઈકુળનો બચાવ નથી કરવો. એમને એની જરૂર નથી. કુદરતની યોજનામાં પ્રયોજન વગર કોઈ ચીજ ટકતી નથી. એ પ્રયોજન પૂરું થયે કૌરવ-જાદવની જેમ મારું કુળ પણ ખતમ થાય તેનો મને હરખશોક નથી.
નુકતાચીની દરકિનાર (કોરે રહી) મારે તો અહીં મારા એ પિતરાઈઓના થોડાક નમૂના જ વાનગી દાખલ જાતઅનુભવમાંથી વીણીવીણીને વર્ણવવા છે. સારામાઠા બેય. જિંદગી આખી મારે એમની જોડે ઠીકઠીક ભેળીસારો રહ્યો.
નમૂના વીણવા બેસું તોય ગણ્યા ગણાય નહિ ને વીણ્યા વીણાય નહિ એટલા સ્મૃતિપટલ ઉપર ગીરદી કરે.
*
એવો એક, મારી ૧૦ વરસની ઉમ્મરે “ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું,” કહીને માધવબાગ સી.પી. ટૅંક ઉપરથી મને ઉપાડી ગયો, દાદર લગી પગે ને પછી વગર ટિકિટે રેલમાં નાશક થઈ ગયો. ગાંજો પીતો ને ગંદો. સાવ અઘોરી.
ત્રીજે દિવસે કાનખજૂરાની જેમ મેં એને ફેંક્યો, પણ તે બીજા બાવા જોડે જવા. એમ તો હું થોડા જ મહિના અગાઉ બોરીબંદર પર આખા હિંદુસ્તાનની રેલ્વેનાં ટાઈમટેબલ અને માઈલેજ આંકની પઠેમ ગોખી કાઢીને કલકત્તા સુધી એક્લો (સંગાથ હતો) જઈ આવેલો. પણ ઘરવાળાંનો ધાક ને ફજેતીની બીક. તેથી ઘેર પાછા જવાનો વિચાર ન જ કર્યો.
આ બીજો બાવો થોડું ભણેલો. ગંદો નહોતો. નહાય ધુએ ચાળીને રાખ ચોળે. ટીલાંટપકાં કરે. ગુટકો વાંચે. રામાયણ, દોહાચોપાઈ ગાય. એ મને બનારસ લઈ ગયો.
પણ એની જોડેય મારું ગાડું ન ગબડ્યું. એક દિવસ કહે, “ગુટકો ભણ.” મેં ના પાડી. એણે મને જોસથી તમાચો માર્યો, પછી પોતે જ પોક મેલીને રડ્યો ને મારે ગાલે ગોપીચંદનો લેપ કર્યો.
બે દિવસ રહીને એનેય મેં છોડ્યો.
ત્રીજો નાગો. તે વખતે તો હું ખાસો કિશોર વય વટાવી જવા આવેલો. નાગાબાવાઓની જમાતમાં ભળીને પહાડી જાત્રામાં ગયો. અલબત્ત એ બધાની જેમ જ સાવ ઉધાડો. નીકર મને એ લોકો જમાત જોડે ચાલવા શેના દે? મગજમાં દેવદર્શન સેવાયાત્રાનો નિશો.
સૌની સેવા કરું. મુકામની જગાએ જઈ એકથી વધુની ધૂણીઓ ચેતાવી દઉં. પાણી ભરી લાવું. રાખ ચાળું. મોટેરાંઓની પગચંપી પણ કરું. નાગાઓ દેશ આખામાં અતિ ઉગ્ર અને ઝનૂની તરીકે જાણીતા. કહે છે કે મૂળ આરંભે પરધર્મીઓ કે સત્તાધીશો જોડે ખૂનખાર લડાઈઓ લડવા સારુ જ એમની જમાતો કોઈએ ઊભી કરેલી. પણ હું નાનો ને કંઈક બુદ્ધિશાળી જેવો લાગું તેથી નાગાઓ મારી જોડે ઠીક વર્તે. એક સાંજે એક નાગાની મેં ધૂણી જલાવી આપી. પેલો કહે:
“ચલમ (ગાંજાની) ભર.”
“ના જી, એ નહિ કરું. બીજું કંઈ કામ હોય તો કહો.”
“ક્યો નહિ ભરતા?”
“ગાંજા પીના ગંદી ચીજ હૈ.”
પેલાનો પિત્તો ફાટ્યો.
“સાલે સુસરે! શિવજી બમ્ભોલે કી ચીજ કો તૂ ગંદી કહતા હૈ?”
“હાં.”
“તૂ આરિયા (આર્યસમાજી) હૈ?”
“વૈસા હી સમઝો.”
પેલો મારાથી આઠેક ફૂટ દૂર બેઠેલો. એણે એના હાથમાંથી વેંત લાંબી ચલમ મારું કપાળ નોંધીને છુટ્ટી લગાવી. સીધી આવીને કપાળને ઉપરવાડે ચોંટી. અરધા ઈંચનો જખમ. લોહીથી વાળ ભીના થયા. ટપકવા લાગ્યું.
“ઔર ભી માર સકતે હો. ફિર ભી કહૂંગા, ગાંજા પીના ગંદી આદત હૈ.”
પેલો ધટીંગણ મને બગલ તળે દાબીનેય ડોક ખેડવી નાંખે એવો અલમસ્ત. પણ માથામાંથી લોહી ટપકતું જોતાં જ આસપાસના નાગાઓ મારી તરફ થઈ ગયા. પેલો ખવીસ ક્રોધી તરીકે નામચીન હતો જ. “છોટા હૈ ઈસ વાસ્તે તું એને સતાવે છે? હરામખોર! બિચારાનું માથું ફોડી નાખ્યું.” કહીને ફરી વળ્યા. ને એને કૂણો કર્યો.
પછી એની જ સાફી ચિમટા વડે ધૂણીપર બાળીને મારા ઘા ઉપર દાબી. નાગાઓની જમાતમાં બીજું કપડું ચીંદરડું ક્યાંથી લાવે?
આ નાગાએ મારે માથે જિંદગીભરને સારુ એના સંભારણાની મહોર મારી. વર્ષો પછી એક દાક્તરે ઘાની નિશાનીવાળી જગા જોઈને કહેલું કે ઘા સળીપૂર વધુ ઊંડો ગયો હોત તો તત્કાળ મૃત્યુ નીપજ્યું હોત.
પણ મારે અહીં મારી આપવીતી નથી લખવી. મોટપણના બીજા અસંખ્ય અનુભવોમાંથી થોડાક જ આપીને આ વર્ગને રૂખસદ દઈશ.
*
મારા બચપણને કાળે એકજથ્થે રહેતાં અમારાં કુટુંબોમાં ઘણા સાધુસંન્યાસી દંડી ભિક્ષાએ આપતા. એમાં એક જેઠીસ્વામી હતા. એમની રીતભાત ને જીભનો ચટાકો પ્રખ્યાત.
ચાર છ મહિના કાશી જગન્નાથ કરી આવે, ને ઊંટ મારવાડ સામું જોઈને મરે તેમ વરસમાં બે વાર વતનની દિશા સાંધે, કહેશે, “પશ્ચિમના પિંડને પૂરવ ઉત્તરનાં પાણી ઝાઝાં ન સદે.” મૂળ મુશ્કેલી એ તરફનાં ભિક્ષાન્નની.
આવતાંવેંત ભિક્ષા માટે નિમંત્રણો આપવા આવનારાઓની ગિરદી થાય. સ્વામીની એ વિષયમાં ભારે ચીવટ ને તકેદારી. “ક્યો દિવસ કહ્યો, મંગળવાર? ને તમારો? બુધવારને? જરા નોટ કરી લઉં. શરીર ને સ્મરણશક્તિ બેઉ હવે જીરણ થયાં. ને તમેય લખી લ્યો. લખાયું તે વંચાયું. માણસને એની યાદદાસ્ત ક્યારે દગો દે, ભલું પૂછો. ભગવાન, તારી માયા!
“હા. અને બાકી તો સમજ્યા ને? આ શરીરને ગળપણ તો મૂળે જ ભાવે નહિ. માટે લાંબી લપમાં પડવું નહિ. બસ બશેર દૂધ બાળીને વાડકું દૂધપાક કરી મેલજો. એમાં જાયફળની છૂટ. ને ભેળાભેળી પાશેર બુંદી પાડીને બે લાડુડીઓ વાળી મૂકજો. કમોદ રાંધો તેમાંથી કડછી ભાત કોરે કાઢી ઘીમાં રાંધી બીરંજ બનાવજો ને શરધા હોય તો રાતે લગાર દહીં બાંધી વાડકી શીખંડ કરજો. કેસર ચારોળી એમાં શોભે, ને વળી જરા ખટમધુરૂં. નરૂં ગળપણ સારું નહિ ને લાંબી લપ નહિ, થોડે પત્યું. સાધુસંન્યાસીને વળી જીભનો લલોપતો શો? લખી લ્યો, લખી લ્યો. લખાયું તે વંચાયું. આપણે ને સામાને, બેઉ કોઠે નિરાંત. ભગવાન, તારી માયા!”
પાંચ પકવાન, લચકો દાળ, પાતળી દાળ, શાકસંભાર, ચટણીઓ, અથાણાંરાઈતાં, વડાંપકોડાં, દાળઢોકળી, કઢી, વડીપાપડ, ખેરાચીકી, ઝીણામાં ઝીણી વાનીઓ અને વિગતો લખાવે. યાદ કરી-કરીને પૂરવણીઓ ઉમેરે. “જુઓને, બચરવાળના ઘરમાં રાતની ખીચડી તો સવારે છોકરાંનાં શીરામણ સારુ બચે જ. એ વાસી ખીચડીનાં ભજિયાં ઓહો થાય. બાકી તો આ શરીર હવે જીરણ થયું. સાધુસંન્યાસીને વળી સવાદ શા? ભગવાન, તારી માયા!”
આમ ‘બત્રીસ ભોજન, તેત્રીસ શાક’ની આજ્ઞાપત્રિકાઓ અપાય. ‘લાંબી લપમાં પડવું નહિ’, ‘ઝાઝી ખટપટ કરવી નહિ’, ‘લખી લ્યો’, ‘નોટ કરી લ્યો’, ‘લખાયું તે વંચાયું’, ‘પછી ઉજાગરો નહિ’, ‘બેઉ કોઠે નિરાંત’ વગેરે ધ્રુપદના ગડિયા ગોખાય. બધું લખી નોંધી નોટ કરી લઈને જવા નીકળનારને ઊંબરેબારણેથી પાંચ વેળ પાછો બોલાવે, પૂરવણીઓ પૂરાવે ને નવી-નવી નોંધો કરાવે!
અમારાં ઘરમાં કોઈ શું રાંધ્યું છે એવી પૃચ્છા કરે, તો વડીલોની અચૂક ડાંટ ખાય. કહેશે, “વરણાગી મેલ, ખાઈ લે ભાણામાં આવે તે. નીકર જેઠીસામીનો અવતાર આવશે. સંન્યાસી થઈને વૉય મા, વૉય કરતા મૂઆ ’તા!”
કહે છે કે ખાઉધરા લોકને ગાઉટનો વ્યાધિ થાય. જેઠી સ્વામીને અંત વરસોમાં એ થયેલો.
ગંગોત્રીમાં એક મસમોટા ‘મહાત્મા’ રહેતા. ઉપલા નમૂનાને મુકાબલે સાવ અશરાફ. પણ નિર્દોષ મિથ્યાભિમાન પૂરેપૂરું. કિંમતી શાલદુશાલામાં ટિપટોપ રહે. સાંજસવાર બોલે, બપોરે મૌન રાખે. મૌન દરમ્યાન ભૂલમાં બોલાઈ ન જવાય તે સારુ તારની જડક (clip) દાંતની બત્રીશી વચ્ચે રાખે.
પણ બોલ્યા વિના રહેવાય નહિ, તેથી કોઈ આવી ચડે તેની જોડે બત્રીશી ઉધાડ્યા વગર હોઠનો ખૂણો વાંકો કરી વિકૃત ઉચ્ચારથી અનુનાસિક (ગૂંગણું) બોલે.
સવારને પહોર તડકે બેસી હજામત કરે. તેલકુલેલ માથે મોઢે ચોળે. કુટિયા સામે થઈને જતા આવતાને આવકારે, બોલાવે:
“આઈયેં જી, આઈયેં બૈઠિયેં. ઠંડી જગહ હૈ. (ગંગોત્રીની ઊંચાઈ ૧૦,૩૦૦ ફીટ) સુબહ કે વક્ત ધૂપ સેકના અચ્છા હૈ.”
પેલા આવે બેસે. પછી એક-બે આડીઅવળી વાત કરીને હળવેક રહીને એને કહેશે: “લોગ કહતે હૈં, મેરી સૂરત ઠીક વિવેકાનંદ સ્વામી સી હૈ. ક્યા આપ કો ભી ઐસા હી લગતા હૈ?”
બપોર વેળા એક જુવાન સાધુ એમની પાસે સત્સંગ કરવા જાય. તેને કહેશે:
“દેખો બ્રહ્મચારીજી? પ્રાત:કાલ ઊઠના, નારાયણ કા નામ લેના. શૌચાદિ સે નિબટ કર કુછ બાદામ, કુછ પિસ્તા, શર્કરામિશ્રિત દુગ્ધમેં રગડકર લોટાભર પાન કરના. ચિત્ત પ્રસન્ન રહતા હૈ.”
લોટો દોઢ શેર બંગાળી માપનો. ને જુઓ તો રોજ સવારે એમની કુટિયાને બારણે બે ખોબા બદામપિસ્તાનાં છાલાંનો ઢગ પડ્યો હોય! ચિત્ત પ્રસન્ન કેમ ન રહે?
(ક્રમશ:)
(‘ધરતીની આરતી’માંથી સાભાર)
Your Content Goes Here




