(*આ લેખ લગભગ ૪૫ વર્ષ પૂર્વે લખાયો હતો -સં.)

(ગતાંકથી ચાલુ)

‘૧૦૦ મણ રાઈ = ૧ પિતરાઈ’વાળાં નંગનમૂના ચૂકવ્યાં. હવે બીજા, જેની જાત જુદી, પોત જુદાં.

ગંગોત્રી-કેદારનાથ રસ્તો મારી વહેલી વયને કાળે અતિ દુર્ગમ. હજીયે ઝાઝો ફેર નથી પડ્યો. આ રસ્તે પંવાલીનો ૧૨,૦૦૦ ફીટ ઊંચાઈનો પહાડ ઓળંગવો પડે છે. ૨૦ માઈલનાં જીવસટોસટનાં ચડાણ-ઉતરાણ એક જ મંજલે મૂઠીમાં જીવ લઈને કાપવાનાં. વાટમાં આડશ-આશરો કંઈ ન મળે (હવે માથે ધરમશાળા બંધાઈ છે.) માથે પહોંચ્યા પછી પહાડને બરડે-બરડે માઈલો સુધી ઠેરઠેર બરફ ખૂંદીને ચાલવું પડે. વાવાઝોડાં ને લીંબુસોપારી જેવડા કરાનાંય જોખમ. આ ભેંકાર પહાડ જાત્રાળુઓનું પાણીપત લેખાય. વીસમા સૈકાની પહેલી વીશીમાં ‘પઁવાલી કી ચડાઈ ઔર જર્મન કી લડાઈ’ એવી કહેવત જાત્રાળુઆલમમાં પડેલી.

આ પહાડ-તળેટીએ ચટ્ટી (જાત્રાળુઓ માટે રસોઈ-રાતવાસાનું વિશ્રામસ્થાન), સીધાસામાનની દુકાન, બાબા કાલીકમલીવાળાનું સદાવત. જાત્રાળુઓ અહીં પહોંચે ને અભેમન્યુના કોઠા વીંધવા હોય તેમ એકોએક જણ ચિંતાથી ઘેરાઈને વળતી સવારની તૈયારીમાં રોકાઈ જાય.

અમે ત્રણ સાધુ. અમારી પણ એ જ દશા. અમે સોગિયાં-દિવેલિયાં મોં કરી વળતા દિવસનાં જોખમ-હાડમારીઓની ગણતરીઓ કરવામાં ગૂંચાઈ ગયા હતા.

બપોર વેળા. એક સાધુ સદાવ્રત ચિઠ્ઠીનો આટો ચટ્ટીના ચોકીદાર પાસેથી લઈ અમારા જ માંડવામાં થોડે દૂર બે ટિક્કડ (જાડી રોટી) શેકી ખાઈને ચાલી નીકળ્યો. થોડાં ડગલાં ગયો હશે ને સદાવ્રતવાળાએ ટપાર્યો:

“બાબાજી, આગે પંવાલી હૈ. બે પડાવનો આટો અહીં અપાય છે. લેતા જાઓ. ચડાઈમાં સાંજે ક્યાંક બે ટિક્કડ ‘પાઈ’ લેજો.”

પેલો થોભ્યો. મોં ફેરવીને કહે: “પ્યારે! સાધુ શામ કી ફીકર નહિ કરતા.” ને ચાલ્યો ગયો! અમે ત્રણે દિઙ્મૂઢ. એક વાર હું ગંગાસ્નાન કરું ને કાંઠાના ગોળ પથરામાં બેઠા બે સાધુ ભિક્ષાનું આણેલું ખાય. બાજુમાં જ લંગર. એકે બીજાને પૂછ્યું: “વધુ લઈ આવું?” “ના. ઘણું થયું.” પછી જાણે સ્વગત બોલતો હોય તેમ કહે, “સંસાર જળપ્રવાહ જેવો છે. આ ગંગાનાં જળ અવિરત દોડી રહ્યાં છે તેના જેવો. નહાયા તેટલું પુન્ય પણ ખાધું તેટલું પુન્ય નહિ. ગંગા નહાયે શરીર-મનના મેલ ધોવાય; ને ખાધેલું તો નરક થાય. માટે વધુ ન ખાવું. ભજનમાં ભંગ પડે.”

કુંભમેળો એટલે વિરાટ દર્શન. શ્રેષ્ઠ કોટિનાથી માંડીને પિટક્લાસ સુધીના સાધુ ઊમટે પણ વિરક્ત-વીતરાગના કૅમ્પો બધા બજારબગદાથી ચારપાંચ માઈલ દૂર ગંગાકાંઠની કાંટ્ય-ઝાડીઓમાં હોય. રાતદિવસ ગંગા-દર્શન, સ્નાનધ્યાન ને જ્ઞાન (ગોષ્ઠિ). આ જ્ઞાનીધ્યાની જોગીજતિસંન્યાસી બધા છ બાર વરસે એકવાર હરદ્વાર કુંભમાં એકબીજાનાં દર્શન-સમાગમને લોભે આવે. ટૂંટિયાં વાળીને માંડ સૂવાય એવડી ઘાસફૂસની કુટિયાઓ ઊભી કરી લે, ને માંય રહે. કેટલાક વળી તેટલીયે પળોજણમાં ન પડે. ઝાડ નીચે રહે. ‘બે રોટી એક લંગોટી’ના જ ધણી. લગાટીયે ભોજપત્તરની. (ભૂર્જપત્ર. આ ઝાડની છાલનાં પડ કાગળની જેમ ઉખડે ને તે પર શાઈ ફેલાયા વગર લખી શકાય. જૂના લોક તે પર લખતા. તેનો કપડાની જેમ પણ સીવીને ઉપયોગ થાય. ગંગોત્રી ગોમુખ નજીક આનાં જંગલો છે.)

નજીકમાં ઠેરઠેર લંગરો (અન્નછત્રો) હોય. પણ ઘણીવાર તેટલેયે ન જાય. અનાસુરતે આવી મળે તો ખાય. તેવાનેય ઘણીવાર ના કહે.

એક સાંજે કોઈ એક માતા આ વિરક્તોના કૅમ્પોમાં વૃદ્ધ સાધુઓને અકેક-બબ્બે બુંદીના લાડુ વહેંચતી હતી. એક વૃદ્ધ વેંતની કુટિયામાં સૂતેલા.

“મહારાજ, આ એક લાડુ લ્યો. રાતટેકો થશે.”

“છમા કીજિયે. સુબહ ભીક્ષા કી થી. રાત કો ખાને કા અભ્યાસ નહીં. શરીર ભી જીરણ હુઆ. હજમ નહીં હોતા.”

“અહીં કુટિયામાં મૂકી જાઉં. સવારે ખાજો.”

“નહિ નહિ. સુબહ કી ફિકર કરનેવાલે ભગવાન હૈ. કલ કી કો જાને?”

સીઆલકોટ ગુરુદાસપુર બાજુના ત્રીસેક ઉમ્મરના એક જુવાન તેજશ્વી સાધુને મેં જોએલો. ‘કરમ છિપે નહિ ભભુત લગાયો’નો નમૂનો. નામઠામ કોઈ ન જાણે. કોઈને બારણે ‘હરિ નારાયણ’ કહીને ઊભો રહે, તેથી હરિજી કે હરિનારાયણજીને નામે ઓળખાય. ડાબા હાથની હથેળીપર રહે તેટલી ‘કરતલ ભિક્ષા’ લે. તુંબીપાત્રનોય પરિગ્રહ ન રાખે.

ત્રણ દિવસ હું જોડે ફરેલો. વ્યસન આદત કશું નહિ. બહુ ઊંચી વિરક્ત દશા. આ સાધુને હું કદી ભૂલ્યો નથી.

જમ્મુ બાજુ લોકટોળાં પાછળ લાગ્યાં તે પછી પહાડોનાં ઊંડાણોમાં ગૅબ થઈ ગયો.

એવા જ બીજા એક સત્પુરુષને મેં પહાડમાં જોએલા. બહુ ઊંચી સાધક દશા. સવાર-બપોર-રાત્રિ જ્યારે જુઓ, સંતોની વાણી મુખેથી અવ્યાહત સ્રવતી હોય. ને ઘણીવાર આંખેથી આંસુ. પ્રેમ અને મનની કોમળતા સ્ત્રીના જેવી. માનવ, પશુ, પ્રાણી – કોઈનું પણ દુ:ખ દેખી ગળી પીગળી જાય. માંદાંની માવજતમાં, જાણે ઉમ્મર ગાળવી હોય એવી, લીનતાથી રોકાઈ જાય.

વર્ષો પછીનો પ્રસંગ છે. કોઈ ગૃહસ્થીના ઘરમાં બેઠેલા. ઘરધણીને ત્યાં પાછલે બારણે પાડોશની કોઈ મજૂરણ બાઈ છાશ લેવા આવી. ઘરની બાઈઓએ કહ્યું: “આજે નથી કરી.” પેલી ન માને. ઘરધણી સંત આગળ બેઠેલા તે દીવાનખાનાને બારણે અપીલ નોંધાવવા આવી ઊભી. વારે-વારે આજીજી કરે. બહુ સમજાવી પણ માને નહિ.

અંતે ઘરધણી ઊઠ્યા, ને ખૂણામાં લાકડી પડી હતી તે ઉઠાવી. કૂતરું નાસે તેમ પેલી બાઈ નાસી ગઈ! સંતની મુદ્રા શિયાંવિયાં. ઘરધણી ગભરાયા. કહે, “મહારાજ, મારે એને મારવી થોડી જ હતી! પણ આ તરફનું લોક અજડ. બીજી ભાષા સમજે જ નહિ. એટલે પછી એમને સમજાવવું હોય તો એ સમજે એ ભાષામાં જ બોલવું પડે ને?” સંતની આંખે શ્રાવણ-ભાદરવો. આ ઘરધણી ખાસા ભણેલગણેલ ઊંચી વિલાયતી કેળવણી પામેલ હતા.

એ જ સંતનો બીજો એક પ્રસંગ. સાધુઓની ઊંચી શ્રેણીઓમાં પણ કોક પિટક્લાસવાળો પાકે. તે ભૂંડી ગાળ દે તોયે ‘ક્લાસિક’ ભાષામાં જ દે. આવા કોઈ પિટક્લાસે એકવાર એમને ‘કુલટાપુત્ર’ કહ્યા. સંતે કરુણા નીંગળતી આંખે પેલાને ખભે હાથ મૂક્યો. ગળગળા થઈ આર્જવભરી વાણીએ કહે:

“મારી માવડી બચાડી ક્યાંક ભૂલીભટકાઈ ગઈ હશે. પણ સાધો! તમને આટલે સુધીની જાતમાહિતી છે, તો એ ગંદકી ભવ બધો હૈયે સંઘરી રાખી તે કરતાં એ બાપડીને સમજાવીને સન્માર્ગે વાળી હોત તો એનો માનખ્યો સુધરી જાત. બચારી ઉમર આખી તમને દુઆ દેત. ને ભગવાન પણ તમારા ઉપર કેટલો રાજી થાત!”

આ સત્પુરુષના સમાગમથી મેં મારી જિંદગીમાં અનન્ત ઉપકાર મેળવ્યો.

પચાસેક વર્ષ અગાઉ મદ્રાસમાં સી. અખિલાંડય્યા કરીને એક તેલુગુ બારિસ્ટર રહે. ધર્મે ઘણું કરીને ખ્રિસ્તનું કે હતા. ૬૫ જેટલી ઉમ્મર. વિધુર. બે પુખ્ત ઉમ્મરના મોટામોટા દીકરા. એક ગ્રેજ્યુએટ થયેલી દીકરી. કલકત્તામાં કોઈ બંગાળીને પરણાવેલી.

ઘરના ખૂબ શ્રીમંત. મદ્રાસમાં મોટાં-મોટાં મકાનો. નીલગિરીના ડુંગરોમાં મોટાં કૉફી પ્લાન્ટેશન્સ. દખ્ખણ હૈદ્રાબાદમાં મીલ કે એવી કંઈક ગિરણી. પોતે પંદરેક વરસ વિલાયતમાં જ રહેલા. જીવન આખું લક્ષ્મી અભખે પડે એટલાં સુખચેનમાં વીતેલું.

એક સાંજે બીચ ઉપર ફરતાં ફૂટપાયરી પર આને-બે-આને જૂની ચોપડીઓ વેચનાર પાસેથી ‘લલિતા સહસ્રનામ’નું ટચુકડું પુસ્તક ખરીદ્યું. રાત્રે ઘેર સૂવા અગાઉ વાંચતાં દેવીએ કેમ જાણે બાવડું ઝાલીને ઉઠાડે તેમ ઉઠાડ્યા. અરધી રાતે ડોસાએ ગૃહત્યાગ કર્યો. સંન્યાસી થઈ ગયા!

છોકરાઓને ડોસા કરતાં એની મિલ્કતમાં જ વધુ રસ હશે. ‘મદ્રાસ મેલ’માં બાપા ખોવાયાની જાહેરખબર મોકલીને પોતપોતાના વ્યવસાયમાં મશગુલ થઈ ગયા.

પણ જાતવંત ઘોડા કે કૂતરાની વફાદારીથી ૨૫-૩૦ વરસ સુધી ડોસાની ચાકરી કીધેલ રસોઈયા અનંતરામને માલીકની પાછળ ઘર છોડ્યું. વૉલ્ટેર, જગન્નાથ, દેવધર, કાશી, પ્રયાગ, હરદ્વાર ખોળતાં-ખોળતાં નૈનીતાલ, આલ્મોરા થઈને માયાવતી નજીકના એક ટચૂકડા ગામમાં એણે સ્વામી દિવ્યાનંદને ખોળી કાઢ્યા. એકમાત્ર ‘લલિતા’ સિવાય કોઈને જ ઓળખવાની ધસીને ના કહેનાર ડોસા ગુરુદેવના ‘મોર પુરાતન ભૃત્ય’ કેષ્ટા(કૃષ્ણો)ની નાતના અનંતરામનને તગેડી ન શક્યા.

દેશપરદેશ દુનિયા આખીમાં અરધી ઉમ્મર સુધી ડોસાને સાચવનાર અનંતરામને જંગલી પહાડી વનસ્પતિ ફળફૂલ વેલામાંથી ઇંદ્રને અદેખાઈ આવે એવી વાનીઓ બનાવી બનાવીને ડોસાને સાચવવા માંડ્યા. કલકત્તાવાળી દીકરીનો સંપર્ક પણ ડોસાથી છૂપો કાગળ મારી મારફત લખાવીને સાધ્યો.

મને યાદ છે ત્યાં સુધી હૈદ્રાબાદની વડી અદાલતમાં ડોસાનો એક મોટો દીવાની દાવો વર્ષોથી ચાલતો હતો. સી. અખિલાંડય્યાની તરફેણમાં લાખોની ડીક્ર થઈ. અદાલતમાં હાજર ન થાય, અગર તો જિલ્લા મેજીસ્ટ્રેટ આગળ હાજર થઈને કાયદેસરની પાવર કે મુખત્યારનામું દીકરાઓને નામે ન આપે, ત્યાં સુધી ડિક્રીની બજાવણી કોઈ રીતે ન થાય એવી કાયદાની ગૂંચ પડી.

એક સાંજે માયાવતીવાળા ડુંગરની તળેટીએ આવેલ લોહાઘાટના ડાકબંગલાનું કમ્પાઉન્ડ ટટ્રુ-ડોળીઓ અને સામાન ઉંચકનારા કુલીઓના ટાંડાથી ખદબદી ઊઠ્યું. બેઉ દીકરા ને કલકત્તાવાળી દીકરી – આખું રાવણું ઉત્તરી પડેલું. હૈદરાબાદ કોરટમાં હાજર થવા, નહિ તો છેવટ આલ્મોરાના જિલ્લા મેજીસ્ટ્રેટ આગળ જઈને મુખત્યારનામું લખી આપવા ડોસા આગળ બધાંએ પેરેપેરે મથામણ કરી.

બધું ફોક. ડોસાનો એક જ જવાબ:

‘રસ્તે પડો. હું તમને ઓળખતો નથી. સી. અખિલાંડય્યા તો કે’દાડાનો મરી ગયો. અહીં તો સ્વામી દિવ્યાનંદ છે. સંન્યાસીને વળી દીકરાદીકરી, કોરટઅદાલત, હુકમનામાં કેવાં?”

“અમારે કોઈને તમારો પૈસો ન ખપે. તમે તમારાં મનગમતાં કામોમાં ધરમાદા કરો. સખાવતમાં વાપરો. તમારી ‘લલિતા’નું ભવ્ય મંદિર બંધાવો.”

Get thee behind me, satan! *

મને સ્મરણ છે ત્યાં સુધી છેવટ લગી ડોસાએ મચક ન આપેલી. દીકરા-દીકરી બધાં હતાશ થઈને પાછાં ગએલાં.

ઘણેભાગે વળતે કે તે પછીને શિયાળે આ વૃદ્ધ સંન્યાસીનો દેહ હિમાલયમાં જ પડ્યો. ડિક્રીવાળી રકમનું શું થયું તે હું જાણવા પામ્યો નહિ.

(ક્રમશ:)

(‘ધરતીની આરતી’માંથી સાભાર)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.