તુલસી, મીરાં, સુરદાસ, કબીર – આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે? તેમના વિષે માણસોએ મુખે-મુખેથી કેટલી બધી વાર્તાઓ વહેતી મૂકી છે! તેમના સાધક જીવનનું અનુપમ વૃત્તાંત અવશ્ય આંખની આડશે પડી રહ્યું છે. મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે તેમનો મહિમા જાણવા – સમજવા ઇચ્છે છે. આ પુણ્યલોક નામમાં ધર્મની સમન્વયવાણી – ભારતની સનાતન ઉદાર ધર્મભાવના રહેલી છે.
શ્રી રામચંદ્રના ઉપાસક તુલસીદાસ – જેમની રામાયણ આજે પણ ઉત્તર ભારતમાં ઘરે ઘરે મનુષ્યનાં હૃદય-મનને મુગ્ધ કરે છે. મીરાંબાઈ રાજસ્થાનનાં રાજકુળવધૂ – તેમનાં ભજનોમાં ભગવાનને પામવાનો પરમ પ્રેમ અને ભક્ત-હૃદયની સંપત્તિ જોવા મળે છે. અંધ કવિ સુરદાસ બાલકૃષ્ણના સેવક હતા. તેમના કૃષ્ણભક્તિનાં વાત્સલ્યપૂર્ણ પદો નાયકોનાં કંઠે કંઠે આજે પણ ગવાય છે. કબીર નિરાકાર સાધક હતા. તેમનાં ભજનમાં ‘ચૈતન્ય જાગી ઉઠે’ – ચૈતન્યસ્વરૂપ – જ્યોતિસ્વરૂપ પરબ્રહ્મની ઝાંખી મળે છે.
અધ્યાત્મ ભાવ જગતમાં એમના પ્રદાનની કોઈ તુલના ન થઈ શકે. તુલસી, મીરાં અને સુરદાસ. આ ત્રણ શક્તિઓ માટે કેટકેટલી વાર્તાઓ છે. એ બધી વાતોની ઐતિહાસિક ખરાઈ વિષે ન વિચારીએ તો પણ માણસમાં અધ્યાત્મ ભાવનું સિંચન થાય છે. આ વાર્તામાં એવો જ એક પ્રસંગ વર્ણવું છું. જેમાં એક સુવિખ્યાત ઐતિહાસિક ચરિત્ર પણ સંકળાયેલું છે.
એક દિવસ મંત્રી બૈરામખાં અને સમ્ર્રાટ અકબર એકાંતમાં બેસીને વાતચીત કરે છે. અકબરના મનમાં હિંદુ સાધકો માટે કેટલીય જિજ્ઞાસા અને કુતૂહલ રહેતું. ધર્મની સાંકળી સીમાને તેમણે ઓળંગી હતી. અકબરે બૈરામખાંને પૂછ્યું : અચ્છા, તુલસીદાસ અને સુરદાસ બંને મહાન સાધક. પરંતુ તમને કોણ વધારે ઉચ્ચ કોટિના લાગે?
બૈરામખાં ચૂપ રહ્યા. તેમની બુદ્ધિ ઊંડી અને અગાધ હતી. તેથી એટલી સહેલાઈથી મત આપે નહિ. બૈરામખાં આસ્તેથી બોલ્યા : મહારાજ, એ લોકો તો અધ્યાત્મ જગતના મહાનુભાવો, તેમને સમજવાની આપણા જેવા માણસની શક્તિ નથી. તેથી તેમના વિષે કોઈ પણ જાતનો સ્પષ્ટ મત બાંધવો મુશ્કેલ. તો પછી મહારાજ તેઓને આમંત્રણ આપીને આંખ-કાનનો વિવાદ દૂર કરોને.
– તેઓ શું આમંત્રણ સ્વીકારશે?
– સાચો પરિચય આપ્યા વિના બંનેને લઈ આવો.
ગુપ્ત રીતે વ્યવસ્થા કરવામાં આવી. બંને સાધકોને તેડવા એક એક પાલખી મોકલી. પાલખી માર્ગ પર ચાલે છે. ત્યાં અચાનક એક આકરી ઘટના ઘટી – એક ગાંડો હાથી તે માર્ગ પર દોડ્યો આવે છે. થોડીવારમાં તો તે માર્ગ પર સૂનકાર છવાઈ ગયો. પાલખી ઉપાડનારા શ્રમિકો પાલખી મૂકી નાસી છૂટ્યા.
હાથી દોડ્યો આવે છે, ત્યારે પાલખીમાંથી અંધ સાધક સુરદાસ પોતાના બંને હાથ છાતી સરસા ચાંપીને દોડવા લાગ્યા. આંખની દૃષ્ટિ નથી. તેથી થોડેક દૂર ગયા ત્યાં તો ઠેસ આવતા પડી ગયા. હાથી તેમની ઉપેક્ષા કરી આગળ ચાલ્યો ગયો. વળી બીજી એક પાલખી સામે હતી, પાગલ હાથીએ સૂંઢ ઊંચી કરીને અવાજ કર્યો – જાણે સાવધાન કરે છે! મુહૂર્તમાં પરંતુ દૃશ્ય બદલાયું. પાલખીની અંદરથી સાધક તુલસીદાસ બહાર આવ્યા. સુંદર સુડોળ દેહ! હાથીની સામે કોઈ અસ્ત્ર વિના નિર્ભયતાથી ઊભા રહ્યા. ચમત્કાર થયો! હાથીએ તેમને સલામ કરી અને પાછા પગલે પગલે ચાલ્યો ગયો. હાથી શાંત થઈને પોતાના માર્ગે ચાલ્યો ગયો. હવે તેનામાં કોઈ જોશ કે ઉન્મત્તતા ન હતી.
દૂરથી ભયભીત પ્રજા આ બધું જુએ છે. પ્રત્યક્ષદર્શી સેવકોએ અકબરને આ સમાચાર આપ્યા. ત્યારબાદ બંને સાધકોને પરમ આદર સત્કારથી બોલાવ્યા. બંને પોતપોતાની કુટિરમાં પાછા ફર્યા. અહીં જ વાર્તા સમાપ્ત થતી નથી. પરંતુ બૈરામખાંના મનમાં કેટલાય પ્રશ્નો હતા. આ બનેલ ઘટના શું દર્શાવે છે? નવાબ બોલ્યા : વિચાર તો માર્ગમાં જ સમાપ્ત થયો છે. હવે તર્કવિતર્કની શી જરૂર છે?
– ના, જહાંપના, મહાપુરુષોનો વિચાર તો મહાપુરુષ જ સમજી શકે. સામાન્ય માણસ ન સમજી શકે.
– પરંતુ મહાપુરુષ આપણને મળશે કયાં, બૈરામખાં? મહાપુરુષ મારી જાણમાં છે પરંતુ તેઓ એક મહિલા છે. રાજરાણી મીરાંબાઈ.
– વ્યવસ્થા કરો. સંદેહનું સમાધાન કરવું સારું.
– કઠણ સમસ્યા છે. આપણે બંનેએ વૈષ્ણવભક્તનો વેષ ધારણ કરવો પડશે.
– ચિંતા શા માટે કરો છો? આપણે છૂપા વેષે મીરાંબાઈ પાસે જઈશું.
કઈ રીતે તેમનાં દર્શન થશે ખબર નથી. તેઓએ અસાધ્ય સાધન અપનાવ્યું અને મીરાંબાઈનાં દર્શન પામ્યા. મીરાંબાઈને નિહાળીને બંને સ્તબ્ધ થઈ ગયા. આ તો જાણે મર્ત્યલોકની દેવી!
વિનંતી કરીને તેઓએ કહ્યું : અમે એક વિશેષ સમસ્યા લઈને આવ્યા છીએ.
કહો.
પહેલા ઘટના સાંભળો. તુલસીદાસ અને સુરદાસમાં કોણ શ્રેષ્ઠ?
બંનેને મીરાંબાઈએ પ્રણામ કર્યા અને બોલ્યા : બંને મારા પ્રણામ અને પૂજાને પાત્ર છે. નાના મોટા એવો કોઈ ભેદ મને દેખાતો નથી. તે વિષે વિચારવાનો મારો કોઈ અધિકાર પણ નથી.
ત્યારે તેઓએ તે દિવસની ઘટના કહી સંભળાવી. મીરાંએ ધ્યાનપૂર્વક વાત સાંભળી. ત્યારબાદ બોલ્યા :
– તેઓ બંને પોતપોતાના ભાવમાં શ્રેષ્ઠ છે.
– કઈ રીતે?
– આપે તો બાહ્ય ઘટના જોઈને જ મત આપ્યો છે. પરંતુ આપે તો આંતરિક ભાવને નિહાળ્યો નથી. સુરદાસ હતા બાળકૃષ્ણના સાધક. તેમનો વાત્સલ્યભાવ તેઓએ હાથી આવે છે એમ સાંભળીને, કોમળ બાળકૃષ્ણ ભયભીત થશે તેથી તેને લઈને જલદીથી સ્થળ છોડવું હિતાવહ માન્યું. તેથી તેઓ બાળકૃષ્ણને બંને હાથમાં પકડીને દિક્શૂન્ય થઈને દોડવા લાગ્યા. બીજી બાજુ વીર કિશોર રઘુવીરના ઉપાસક તુલસીદાસ તેથી વિપત્તિના સમયમાં તેની અંદર તે નિર્ભય કિશોર ઊભો થઈ હાથી સામે નિર્ભયતાથી ઊભો રહ્યો. વાસ્તવમાં સાધક તો ઇષ્ટમય. ભાવના રાજ્યમાં નાનો મોટો એવો કોઈ ભેદ કયાં છે? માથું નમાવી અકબર અને બૈરામખાં પાછા ફર્યા. પરંતુ બંને અંતરથી ખૂબ રાજી થયા કે તેમને સાચો જવાબ મળ્યો છે.
(અનુ. કુસુમબહેન પરમાર)
Your Content Goes Here




