બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને પ્રોવિડન્સ વેદાંત સોસાયટીની સ્થાપના કર્યા બાદ તેઓ અમેરિકાના સુવિખ્યાત વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેમના અનેક સુપ્રસિદ્ધ પુસ્તકોમાંના એક – રામકૃષ્ણ વેદાંત સોસાયટી બૉસ્ટન દ્વારા પ્રકાશિત “Hindu Psychology & Its Meaning for the West”નો અનુવાદ ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ, ગુજરાત દ્વારા પ્રકાશિત આ પુસ્તકના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.- સં.

આપણા આવેગો, ઈરણો અને સહજવૃત્તિઓ આપણી સંકલ્પશક્તિ સાથે અભિન્નપણે સંકળાયેલા છે. સક્રિય બની ગયેલા સંપૂર્ણ મનને ‘સંકલ્પશક્તિ’ કહેવાય છે. આ સંકલ્પશક્તિ વિના આપણા વિચારો કે આવેગોને આપણે કાર્યાન્વિત કરી શકીએ નહીં. પરિણામે, આપણી અંદર ઉચ્ચ વિચારો અને આદર્શો તેમ જ ઉમદા આવેગો હોવા છતાં તેઓ આપણા રોજિંદા જીવનમાં અસરકારક બનતા નથી. પ્રત્યેક વ્યક્તિને માટે સંકલ્પશક્તિ ખૂબ જ મહત્ત્વની છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ, કે જ્યારે અવચેતન મનમાં સંઘર્ષ અને ગૂંચવાડો હોય, ત્યારે સંકલ્પ પૂરો થતો નથી. સંઘર્ષને પરિણામે ઈરણો ક્યારેક એક દિશામાં પેદા થાય છે અને ક્યારેક બીજી દિશામાં. આથી કોઈ એક ઈરણ યા ઈરણોનો સમૂહ પૂરેપૂરી રીતે સંતોષી શકાતો નથી. પરિણામે સંકલ્પ અધૂરો રહી જાય છે, અને પોતાનો પ્રભાવ ગુમાવી દે છે. આપણામાંના બહુ ઓછા એ સમજે છે, કે આપણા જીવનની નિષ્ફળતાઓ અધૂરા સંકલ્પનું પરિણામ છે. સામાન્ય રીતે પ્રચલિત માન્યતા એ છે, કે “આ માણસની અંદર સંકલ્પશક્તિ નથી.” જો કે આપણામાં સંકલ્પશક્તિ હોતી નથી, એમ વિચારવું ભૂલભરેલું છે. જ્યારે વાસ્તવિકતા એ છે, કે તે સુગ્રથિત કે પૂર્ણ કરવામાં આવી નથી. મન વિઘટિત છે, માટે આપણે નિષ્ફળ જઈએ છીએ. આપણામાં જો સુગ્રથિત સંકલ્પ ન હોય, તો આપણે કશું જ સિદ્ધ કરી શકતા નથી. આથી તે કેળવવો અત્યંત જરૂરી છે.

કેટલાક કિસ્સાઓમાં માનસિક સંઘર્ષો વ્યક્તિના વ્યક્તિત્વને પૂરેપૂરું વિઘટિત કરી નાખતા હોય છે. પહેલાં આવા કિસ્સાઓની સારવાર થવી જોઈએ. આપણામાંના કેટલાકને એવા લોકો જોવાનો પ્રસંગ પડ્યો હશે કે જેઓ રસ્તો ઓળંગતાં ઘણા ગભરાય છે. થોડાં વર્ષ પૂર્વે મારા એક મિત્રે મને એક એવી વ્યક્તિનો પરિચય કરાવ્યો, કે જે રસ્તો ઓળંગતાં ખૂબ જ ગભરાતી હતી. તે એટલી તો વિક્ષુબ્ધ અવસ્થામાં હતી, કે પોતાના રોજિંદાં કાર્યો પણ કરવા તે સમર્થ નહોતી, એવી શોચનીય અવસ્થામાં તે હતી. અન્ય સાથેના વ્યક્તિગત સંપર્કને લીધે તથા કેટલાક મારા ડૉક્ટર મિત્રોના અનુભવોને આધારે હું જાણું છું, કે આ કિસ્સાને મળતા બીજા અસંખ્ય કિસ્સાઓ હોય છે. જેમાં વ્યક્તિ સાધારણ કાર્યો કરવાને પણ સમર્થ હોય, એમ જણાતું નથી. સાધારણ રીતે મનોચિકિત્સકો આવા દર્દીઓના સંઘર્ષોને બહાર લાવવામાં મદદ કરે છે અને સંઘર્ષનું નિવારણ થતાંની સાથે જ મનને યોગ્ય રીતે કાર્ય કરવાની તક મળે છે. મનનું ક્રિયાત્મક પાસું સક્રિય બનતાં જ વ્યક્તિ રોજિંદાં સાધારણ કાર્યો કરવાને સમર્થ થઈ જાય છે.

જો કે આપણને માત્ર આટલાની જ જરૂર નથી. જીવન પાસેથી આપણને સાધારણ માણસ કરતાં કંઈક વિશેષની અપેક્ષા છે. એ સાચું છે, કે સાધારણ સ્ત્રી-પુરુષો પોતાના જીવનનાં સામાન્ય કાર્યો કરી શકે છે. પરંતુ તેમના આદર્શોની અભિવ્યક્તિ અંગે તેઓ સંપૂર્ણપણે નિરૂપાય જણાય છે. પોતે ધાર્મિક દર્શનની પૂરેપૂરી સૈદ્ધાંતિક સમજણ ધરાવતા હોવા છતાં ઉચ્ચતર આવેગો તથા આધ્યાત્મિક આદર્શોને પોતાના જીવનમાં તથા કાર્યોમાં વણી લેવામાં તેઓ કમભાગ્યે નિષ્ફળ નીવડ્યા છે. ખ્રિસ્તીઓએ ઈશુના ઉપદેશનો સાંગોપાંગ અભ્યાસ કર્યો છે. અન્ય ધર્મોના અનુયાયીઓએ પણ તેના ઉપદેશોનો અભ્યાસ કર્યો છે. એવું એક પણ બાળક હોય જે ઈશુ તથા અન્ય મહાન ધર્મોપદેશકોના ઉપદેશના મૂળભૂત સિદ્ધાંતો ન સમજતું હોય, એવું હું માનતો નથી. બધા જ જાણે છે કે : “ઘૃણાને ઘૃણાથી જીતી શકાય નહીં, તેને પ્રેમથી જીતવી જોઈએ.” આ મહાન સિદ્ધાંતોથી બધાય લોકો પરિચિત છે, છતાં તમે જુઓ છો કે તેઓ આ આદર્શોને અસરકારક બનાવી શક્તા નથી. શા માટે? કારણ કે તેઓ સંકલ્પશક્તિ ધરાવતા નથી. તેમની સંકલ્પશક્તિ પૂરેપૂરી વિઘટિત થયેલી હોવાથી તેઓ પોતાનાં ધ્યેયો અને આદર્શોને અમલમાં મૂકી શકતા નથી.

બાળકનું નિરીક્ષણ કરતાં તમને ખ્યાલ આવે છે કે જુદા જુદા સમયે તે જુદા જુદા આદર્શો સેવતું હોય છે. ક્યારેક તે શાળાના શિક્ષકની પ્રશંસા કરે છે, તો ક્યારેક રવિવારીય ચર્ચના ધર્મોપદેશકની, ક્યારેક પોતાના મા-બાપમાંથી કોઈકનો તે ચાહક બને છે. તો ક્યારેક અન્યનાં મા-બાપનો પ્રશંસક બનીને તેમનું અનુકરણ કરવાની તે કોશિશ કરે છે. આમ તેની અનુકરણીય આદર્શરૂપ વ્યક્તિઓ સતત બદલાતી રહે છે. આ આદર્શો બાળકના જીવનમાં સંપૂર્ણપણે, સક્રિય રીતે લાગુ પડેલા નહીં હોવાથી તેના આવેગો પણ સુગ્રથિત થયેલા હોતા નથી. વ્યક્તિને જો પોતાના આદર્શોનું સુગ્રથન કરવાની તાલીમ આપવામાં આવી ના હોય, તો વ્યક્તિ તરુણાવસ્થાએ પહોંચતાં જ તેની અંદર આવેગોનું ધમસાણ મચી જાય છે. અને આ ધમસાણ તેની અંદર સંઘર્ષો જન્માવે છે. આ પ્રકારની તાલીમને અભાવે વર્તમાન તરુણ યુવક-યુવતીઓની કરુણ હાલત આજે આપણે જોઈએ છીએ. તેમને જે કરવું ગમતું હોય, તેવી બાબતો તેઓ અમલમાં મૂકી શકતાં નથી. પોતે જે જે લોકોને મળે તેમના પ્રભાવ હેઠળ સહેલાઈથી આવી જવાને કારણે તેઓ અસ્થિર અને ચંચળ મનના બની જાય છે. પરિણામે પોતાના મનનું સંતુલન પણ તેઓ ખોઈ બેસે છે. આથી જો આપણે સુગ્રથિત આવેગો અને મજબૂત આદર્શો જોઈતા હશે તો સંકલ્પશક્તિ કેળવવી જ જોઈશે. આમ નહીં કરીએ, તો આપણે આપણી પોતાની ઈચ્છાઓ તથા આવેગોના જ નહીં, પરંતુ બીજા લોકોના આવેગો અને સંકલ્પોના પણ ગુલામ બની જઈશું. ઘણાના મનમાં સંકલ્પશક્તિના સ્વરૂપ અંગે ગૂંચવાડો પ્રવર્તે છે. તેઓ સંકલ્પશક્તિ અને ઈચ્છાનો ભેદ સમજ્યા હોતા નથી. સંકલ્પની પૂર્તિ થશે કે કેમ, તે અંગે શંકા પ્રવર્તે છે. હું ધનાઢ્ય બનવાની ઈચ્છા ધરાવું છું, પણ મારી આ ઈચ્છા ફળશે કે કેમ, તેની મને ખાતરી નથી. હું સંત બનવા ચાહું છું, પણ હું તે બની શકીશ કે કેમ, તેની મને ખાતરી નથી. મારા આવેગોને સુગ્રથિત કરીને મારા આદર્શોને હું ક્રિયાન્વિત કરી શકીશ કે કેમ, તેની મને ખાતરી નથી. આમ ઈચ્છામાં અચળ નિષ્ઠાનો અભાવ છે, જ્યારે સંકલ્પની પહેલી શરત છે અચળ, દૃઢ નિષ્ઠા. બ્રાઉન, મૅકડુગલ અને મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો એમ માને છે કે સંકલ્પનો વિકાસ કરવા માટે વ્યક્તિની અંદર પોતાની જાત પ્રત્યેની શ્રદ્ધા અર્થાત્ સ્વમાં શ્રદ્ધા કે સક્રિય એવી સ્થિર નિષ્ઠા હોવી જોઈએ. હિંદુ મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે સંકલ્પ માટેનો પાયાનો ગુણ છે -શ્રદ્ધા. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં: “પોતાની અંદર આત્મ-શ્રદ્ધા હોવાનો આદર્શ આપણે માટે ખૂબ જ મદદરૂપ બને છે. જો આત્મ-શ્રદ્ધા વિષે વધારે વિસ્તારથી શીખવાયું હોત, અને જો તેનો અમલ કરવામાં આવ્યો હોત, તો મને ખાતરી છે, કે આપણા ઘણાં બધાં અનિષ્ટો અને દુઃખનો અંત આવી ગયો હોત. આખીય માનવજાતના ઇતિહાસમાં જોઈએ, તો બધાં જ મહાન સ્ત્રી-પુરુષોના જીવનમાં આત્મ-શ્રદ્ધાનો ગુણ જ સૌથી વધારે અસરકારક શક્તિ તરીકે કામ કરતો જણાય છે, પરંતુ આ શ્રદ્ધા એ સ્વાર્થી શ્રદ્ધા નથી, કારણ કે વેદાન્ત એ એકત્વનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ આત્મ-શ્રદ્ધા હોવી એટલે સર્વમાં શ્રદ્ધા હોવી. કારણ કે તું સર્વરૂપ છે. આત્મવત્ સર્વભૂતેષુ.1વર્કસ II, ૨૯૯

શ્રદ્ધા એ વિશ્વાસ ઉપરાંત કંઈક વિશેષ છે. શ્રદ્ધા એટલે શક્તિમાં અચળ નિષ્ઠા અને આ નિષ્ઠાને ક્રિયાન્વિત કરવાનો દૃઢ સંકલ્પ. જ્યારે વ્યક્તિમાં પોતે સ્વીકારેલા મૂલ્ય પ્રત્યે દૃઢ નિષ્ઠા હોય, કે પોતે મૂલ્ય પ્રગટ કરી શકે છે ત્યારે જ તેનું મન ક્રિયાશીલ કે સક્રિય બને છે. તે સમગ્રપણે સક્રિય બને છે. દૃઢ શ્રદ્ધા વિના સંકલ્પનું એકીકરણ કરવાની કોઈ શક્યતા નથી. આપણામાંના કેટલાકને જરૂર એવો અનુભવ થયો હશે, કે જ્યારે આપણે વાહન ચલાવતા કે સાઈકલ ચલાવતા શીખતા હોઈએ, ત્યારે આપણાથી આગળ કંઈ પણ જોવા જતાં જ આપણે માનસિક રીતે અસ્વસ્થ કે ક્ષુબ્ધ થઈ જઈએ છીએ. જો કે આપણે મનથી સ્વસ્થ અને શાંત રહીએ અને દૃઢ શ્રદ્ધા રાખીએ કે આપણે જરૂર વિઘ્નનો સામનો કરી શકીશું, તો પછી કોઈ પણ પ્રકારની ક્ષુબ્ધતા વિના આપણે આગળ વધી શકીએ. બીજી બાજુ, આપણી આગળની મોટર આપણે ઓળંગી શકીશું, કે પર્વતની ચારે બાજુ જઈ શકીશું એવી દૃઢ નિષ્ઠા જો ન હોય, તો આપણો સંકલ્પ પાંગળો થઈ જાય છે. અને ગ્લાનિ કે માનસિક ક્ષુબ્ધતા વિના આપણે અનુભવમાંથી પસાર થઈ શકતા નથી એ આપણે નિર્વિવાદ રીતે જાણીએ છીએ. આને પરિણામે ઘણી વાર અકસ્માત કે અન્ય મુશ્કેલીઓ સર્જાય છે. સંકલ્પ કેળવવા અને તેને પરિપૂર્ણ કરવા માટે આપણી પાસે શાંત ચિત્ત અને નિષ્ઠા આ બંને હોવાં જોઈએ. જ્યાં સુધી માણસ આ નિષ્ઠા કે શ્રદ્ધાનો ઉપયોગ તેના ક્રિયાન્વયન દ્વારા કરે નહીં, ત્યાં સુધી જીવનમાં કશું જ સિદ્ધ કરવાની શક્યતા નથી.

શ્રદ્ધાયુક્ત માનવી,
જેનું હૃદય સમર્પિત છે,
જેની ઈન્દ્રિયો જિતાયેલી છે
તે બ્રહ્મ(ભગવાન)ને પામે છે.

અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયગ્રસ્ત સ્વ-વિનાશને નોતરે છે.2ભગવદ્ ગીતા : અનુ. સ્વામી પ્રભવાનંદ અને ક્રિસ્ટોફર ઈશરવુડ (હોલીવૂડ, ધ માર્સેલ રોડ કું. ૧૯૪૪), પૃ. ૬૮

સંકલ્પ કેળવવા માટે બીજી એક સાદી ટેવ પાડવી અનિવાર્ય છે. આપણે આપણા વિરોધાભાસી વિચારો અને આદર્શો તથા એક કરતાં વધારે અને જુદી જુદી અનેક ઈચ્છાઓ અને ઝંખનાઓને કારણે ઘણી વાર ઘણી વસ્તુઓ શરૂ કરીએ છીએ. કેટલીક વાર આપણે સંગીતકાર કે ગણિતજ્ઞ બનવા ઈચ્છીએ છીએ. પણ જ્યારે આપણે વિજ્ઞાન તરફ અભિરુચિ ધરાવતા લોકોના સહવાસમાં હોઈએ, ત્યારે આપણામાં પણ વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા જાગી જાય છે, અથવા તો દાર્શનિકને મળીને આપણને પણ તેના જેવા બનવાનું મન થાય છે. સંગીતકાર બનવાની ઈચ્છાથી પ્રેરાઈને થોડાક દિવસ આપણે સંગીતની શાળામાં જોડાઈએ છીએ. અથવા તો મનોવૈજ્ઞાનિક કે યોગી બનવાની ઈચ્છાથી પ્રેરાઈને હિંદુ સ્કૂલમાં જોડાવા ઈચ્છીએ છીએ. અને વળી દર્શનનો અભ્યાસ કરવા આપણે દાર્શનિક પાસે પહોંચી જઈએ છીએ. આપણે આમાંનું કશું જ પૂરું કરતાં નથી. પરિણામે આપણી શક્તિ વેડફાય છે. આપણી માનસિક શક્તિઓને આપણે ખર્ચી નાખીએ છીએ. વધારામાં, આપણો સંકલ્પ નથી સંયોજિત બન્યો કે નથી તેણે પ્રેરણા પ્રાપ્ત કરી. જે પણ કામ હોય તે, પણ એક વાર હાથ ધરેલું કામ પૂરું કરવું જ જોઈએ. ધારો કે તમે કદાચ રાંધવાની શરૂઆત કરી, તો જ્યાં સુધી રાંધવાનું પૂરું ન થાય ત્યાં સુધી ક્યાંય પણ સ્થળ છોડીને જવું નહીં. જો તમે કેક બનાવી રહ્યા હો, તો કેક પૂરો થઈ જવા દો. એ ખરાબ કેક હોય, કે સારી કેક, ગમે તેવી હોય, પણ તેને પૂરી થઈ જવા દો. મન બહુ વિચિત્ર હોય છે. એક વાર જો તમે એને કૂદવાની છૂટ કે તક આપી, તો પછી એને કાબૂમાં લેવું અઘરું છે. મનની બીજી વિશેષતા એ છે, કે તે બાળકની માફક વર્તે છે. તમે કદાચ નિરીક્ષણ કર્યું હશે, કે બાળક ઘણી વાર પોતાના રસ્તાનો તાગ મેળવી લઈને ક્યાં સુધી પોતે પોતાની મા સાથે જઈ શકે તેમ છે, તેનો ક્યાસ કાઢવાની તે કોશિશ કરે છે. જો તેને લાગે, કે તેની મા જરા વધારે છૂટ આપે તેમ છે, તો તે થોડીક વધારે છૂટ લેશે. પણ જેવું તેના પર શિસ્ત લાદવામાં આવશે કે તે તરત જ સીધું દોર થઈ જાય છે. આ જ રીતે મન પણ જો તેને એમ કરવા દેવામાં આવે તો પોતાના માર્ગનો અંદાજ કે તાગ તે મેળવી લે છે. જેવું તમે તેના પર નિયંત્રણ મૂકી દો: “ના, તું નહીં જઈ શકે, તારે ક્યાંય પણ જવા નીકળતાં પહેલાં સંગીતનું ઘરકામ પૂરું કરવું જ પડશે.” તો તમે જોશો કે જ્યારે તમે કોઈક ચોક્કસ ઈરણ, આવેગ સહજવૃત્તિ કે વિચારથી પ્રેરાઈને હાથમાં લીધેલું કામ પૂરું કરવાની જ ટેવ પાડશો, તો પછી મનને માટે એ પછીનાં કાર્યો પૂરા કરવાં સરળ થઈ પડશે, પરિણામે સંકલ્પ સુગ્રથિત બનશે.

હિંદુ મનોવૈજ્ઞાનિકો શુદ્ધિ તથા મનની એકાગ્રતા પર ભાર મૂકે છે. સર્વોચ્ચ કક્ષાની સંકલ્પશક્તિ કેળવવા માટે માણસે પોતાના અવ્યવસ્થિત આવેગોને પ્રભુત્વ જમાવવા દેવા જોઈએ નહીં. તેણે નીતિમત્તાનાં ઉચ્ચ ધોરણો જ કેળવવાં જોઈએ. કેમ કે નહીં તો શરીર અને મન શુદ્ધ રહી શકે નહીં. વધુમાં તે સુગ્રથિત અને સંવાદિત હોવાં જોઈએ. મોટે ભાગે મન મજ્જાતંત્ર દ્વારા કાર્ય કરતું હોવાથી જ્યારે મજ્જા નબળી હોય, ત્યારે મન નબળું અને ચંચળ હોય છે. આથી હિંદુઓ શરીર કે મજ્જાતંત્રની શુદ્ધિની હિમાયત કરે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે શરીર કાં તો થાકેલું કે આળસભર્યું અથવા તો સ્ફૂર્તિલું કે ચપળ યા સંતુલિત કે નિયંત્રિત હોય છે. હિંદુ પરિભાષા વાપરીએ, તો શરીર તમોગુણ, રજોગુણ કે સત્ત્વગુણથી ભરેલું હોય છે. જ્યારે શરીર કે મજ્જાતંત્ર તમોગુણયુક્ત હોય ત્યારે મન પણ તામસિક બની જાય છે. જ્યારે શરીર સ્ફુર્તિલું હોય, ત્યારે મન પણ સ્ફૂર્તિયુક્ત બની જાય છે. બીજી તરફ, જ્યારે શરીર સત્ત્વગુણી અવસ્થામાં હોય, ત્યારે મન પણ શાંત અને પ્રસન્ન રહે છે. એક યા બીજા પ્રભુત્વ અનુસાર આ ત્રણ અવસ્થાઓનું સામાન્ય વિભાજન કરવામાં આવ્યું છે. શરીર કે મજ્જાતંત્રની શુદ્ધિની હિમાયત કરવામાં આવી છે, એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ છે, કે વધુ પડતી પ્રમાદયુક્ત અને ચંચળ અવસ્થાઓ પર કાબૂ મેળવીને શરીરને સંતુલિત અને નિયંત્રિત અવસ્થામાં રાખવું. મજ્જાતંત્રને શક્તિશાળી બનાવવામાં ન આવે, તો સામાન્ય વ્યક્તિત્વ ધરાવનારાઓ શક્તિશાળી મનની અપેક્ષા રાખી શકે નહીં. જો કે, અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવોએ એકાગ્રતાના અભ્યાસ દ્વારા મનને સુગ્રથિત કર્યું હોય છે. આવી વ્યક્તિઓ પોતાનું શરીર નબળું હોવા છતાંય દૃઢ સંકલ્પ અને સુગ્રથિત મન રાખી શકે છે. હિંદુ મનોવૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ સંયત અને નિયંત્રિત જીવન દ્વારા પ્રાણશક્તિને (Vitality) સાચવી રાખવી જોઈએ. સંકલ્પ-શક્તિ દૃઢ કરવા માટે તેઓ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પણ સૂચવે છે. આપણે મજ્જાતંત્રને બે રીતે શક્તિશાળી બનાવી શકીએ : એક છે ભૌતિક કે શારીરિક રીત. આ રીત મુજબ મજ્જાતંત્રને શક્તિશાળી કરવા માટે અમુક પ્રકારનો ખોરાક યા અમુક પ્રકારનાં પ્રજીવકો લેવામાં આવે છે. ભૌતિક સાધનો દ્વારા મજ્જાતંત્રને શક્તિશાળી કરવાની આ પદ્ધતિ અલ્પજીવી છે. કારણ કે મન જ્યારે આવેગાત્મક સંઘર્ષો અને અવચેતનના વિક્ષેપો અનુભવે છે, ત્યારે મજ્જાતંતુઓ નબળા પડી જાય છે અને નિયંત્રિત ખોરાક લેવા છતાંય તે ભાંગી પડે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે જ્યારે આપણે અતિ તીવ્ર આવેગો અનુભવીએ છીએ, ત્યારે મજ્જાતંતુઓ હચમચી ઊઠે છે. જે માણસ નબળા મનનો કે વિક્ષુબ્ધ હોય, તેનામાં ક્રિયાન્વયનલક્ષી કે સક્રિય (dynamic) સંકલ્પ હોવાની આશા રાખી શકાય નહીં. કારણ કે તેનું મન તેની સમગ્રતામાં કાર્ય કરતું હોતું નથી. આથી તેનો સંક્લ્પ વિઘટિત હોય છે. આથી હિંદુઓ એવી સલાહ આપે છે, કે પ્રથમ તો આવેગો સુગ્રથિત, વિશુદ્ધ અને સંગઠિત હોવા જોઈએ. મજ્જાઓ શક્તિશાળી થઈ શકે, તે માટે આંતરિક સંઘર્ષનું નિવારણ કરવું જોઈએ. જ્યારે માનસિક શુદ્ધીકરણ દ્વારા નાડીઓ શક્તિશાળી બને ત્યારે સંકલ્પ સક્રિય બને છે.

આપણી પ્રાણશક્તિ3પ્રાણ કે જે તંત્રને શક્તિ અને સત્તા આપે છે. બે કેન્દ્રિય મજ્જાપ્રવાહો દ્વારા સામાન્ય રીતે કાર્ય કરે છે. આ મજ્જાપ્રવાહોને હિંદુ પરિભાષામાં ઈડા અને પિંગળા કહે છે. આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં તેને સંદેશવાહક (sensory) અને ચેષ્ટાત્મક (motor) કહે છે. જ્યારે આ બે મજ્જાપ્રવાહોને (nerve currents) (સંદેશાવાહક અને ચેષ્ટાત્મક) વિખરાઈ જવા દેવામાં આવે, ત્યારે સંકલ્પ નબળો પડી જાય છે. વધારે પડતા માનસિક સંઘર્ષો, હતાશાઓ, ભય, ચિંતાઓ અને એવા અન્ય વિક્ષેપોને લઈને મજ્જાકેન્દ્રો અને મજ્જાપ્રવાહો વધારે પડતા ઉદીપ્ત પણ થઈ જઈ શકે અને સંપૂર્ણપણે થાકી પણ જઈ શકે. આવે વખતે આખું જ મજ્જાતંત્ર ભગ્ન થઈ જાય છે અને આ તંત્રમાં ચાલી રહેલું પ્રાણનું કાર્ય ખૂબ જ નબળું પડી જાય છે. હિંદુ મનોવૈજ્ઞાનિકોના મત મુજબ પ્રાણશક્તિને અસરકારક રીતે કાર્ય કરવા દઈને કાં તો મનોશારીરિક શક્તિ સંચિત કરી શકાય અથવા તો પ્રાણશક્તિને અયોગ્ય કે અનુચિત રીતે કાર્ય કરવા દઈને મનોશારીરિક શક્તિને વેડફી દઈ શકાય. કેટલાક હિંદુ શિક્ષકો લયબદ્ધ પ્રાણાયામના કેટલાક પ્રકારો સૂચવે છે. તેનું આ પણ એક કારણ ગણી શકાય. ઉચિત, લયબદ્ધ શ્વાસોચ્છ્વાસ આખાય શરીરમાં હળવાશ લાવી દે છે. મજ્જાતંત્રને મજબૂત કરે છે અને પ્રાણશક્તિનો સંચય કરે છે. પ્રાણશક્તિની અભિવ્યક્તિનું સૂક્ષ્મતમ રૂપ માનવશરીરમાં શ્વસનતંત્ર છે. આથી શ્વસનતંત્રને નિયંત્રિત કરવાથી પ્રાણશક્તિનો સંચય થાય છે. પરિણામે મજ્જાઓ શક્તિશાળી બને છે. મજ્જાઓ શક્તિશાળી બનવાથી મન પણ શક્તિશાળી બને છે. મન સમગ્રરૂપે કાર્ય પણ કરી શકે છે અથવા સક્રિય પણ રહી શકે છે. પરિણામે સંકલ્પ સક્રિય (dynamic) બની શકે છે.

એકાગ્રતા કે ધ્યાનનો અભ્યાસ એ હિંદુઓએ હિમાયત કરેલી બીજી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે. એકાગ્રતાનો અભ્યાસ મનને એકલક્ષી (one pointed) બનાવે છે. જ્યારે આપણે મન એકાગ્ર કરીએ છીએ, ત્યારે તેને કોઈ એક વિષય પર કેન્દ્રિત કરીએ છીએ. તેને આડું-અવળું કે અહીં-તહીં ભટકવા દેતા નથી.

શરૂઆતમાં મનને એક જ વિષય પર કેન્દ્રિત કરતાં ખાસ્સી એવી તકલીફ પડે છે, કારણ કે એક જ વિષય ઉપર થોડીક મિનિટો માટે વિચારવાની ટેવ આપણે પાડી જ નથી. આપણે કાં તો સતત જુદા જુદા મિત્રો વિષે અથવા તો આપણા બાળકો વિષે જ વિચારતા હોઈએ છીએ. પરંતુ આપણા વિચારો આનુક્રમિક અને સતત બદલાતા રહેતા હોય છે. એ એક જ વિચાર નથી રહેતો. ધારો કે આપણે સુંદર વિચારો અને આવેગો પણ અનુભવતા હોઈએ, એમ બની શકે. પરંતુ તે એકત્રિત (unified) અને એકલક્ષી (one pointed) હોતા નથી. જ્યારે આપણે બાળક વિષે વિચારીએ છીએ, ત્યારે બાળકના અમુક એક પાસાં પર નહીં, પણ તેના જુદા જુદા પાસાં પર આપણે વિચારીએ છીએ. જ્યારે આપણે આપણા મિત્રો વિષે વિચારીએ છીએ, ત્યારે એમની સાથેના આપણા જુદા જુદા અનુભવોની વિગતો આપણે ધ્યાન પર લઈએ છીએ. આપણે એક મિત્રની તાદ્રશ કલ્પના કરીને તેના એક વિશેષ પાસામાં મનને એકાગ્ર કરીને તલ્લીન થઈ જતા નથી. એક વસ્તુ પર જ ટૂંક સમય માટે મનને કેન્દ્રિત કરવાની સલાહ હિંદુઓ આપે છે. આમ કરવાથી આવતું પરિણામ આશ્ચર્યજનક છે.. સંપૂર્ણ મન અને તમામ માનસિક શક્તિઓ તીવ્ર અને એકત્રિત થાય છે. આ એકાગ્રતા સમજવા આપણે સૂર્યનાં કિરણોનો વિચાર કરી શકીએ. જ્યારે કિરણો પરાવર્તિત થાય ત્યારે તેમાં ગરમી કે પ્રકાશની તીવ્રતા હોતી નથી પરંતુ કિરણો જ્યારે એક વિષય પર કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે તેની ગરમી અને પ્રકાશથી પેલો વિષય સળગી પણ જઈ શકે છે. એ જ પ્રમાણેની એકાગ્રતામાં આપણે સમગ્ર કે સંપૂર્ણ મનને કેન્દ્રિત કરીએ છીએ. મનનાં તમામ કાર્યો એકાગ્ર થઈને કરવામાં આવે છે. પરિણામે મન એકત્રિત થાય છે અને સંકલ્પ સુગ્રથિત બને છે.

સંકલ્પને સુગ્રથિત કરવા અને મનને એકાગ્ર કરવા માટે બીજા પણ એક પરિબળને લક્ષ્યમાં લેવું જોઈએ. આપણી પાસે અનુસરણ કરવા માટે એક અખંડ આદર્શ હોવો જ જોઈએ. જ્યારે આપણી પાસે આદર્શ કે જીવનનું ઉચ્ચતર મૂલ્ય હોય અને માનસિક અવસ્થાઓ જો તેનું અનુસરણ કરીને વર્તે તો માનસિક શક્તિઓ સુગ્રથિત થાય છે અને સંઘર્ષો ધીમે રહીને ઓગળી જાય છે. સંકલ્પ તેની સમગ્રતામાં સક્રિય બની જાય છે. દાખલા તરીકે, રાષ્ટ્રવીરોનું જ દૃષ્ટાંત તપાસો. તેમને એક આદર્શ હોય છે. અને એ આદર્શ હેઠળ જ તેઓ પોતાના આખાય જીવનની વ્યવસ્થા કરે છે. પોતાની તમામ માનસિક શક્તિઓનો વિનિયોગ તેઓ રાષ્ટ્રસેવાને ખાતર કરે છે, જે ક્રિયાન્વયન મહાન સુષુપ્ત શક્તિમાં પરિણમે છે. માણસની તમામ શક્તિઓ જ્યારે એક જ દિશામાં વાળવામાં આવી હોય, ત્યારે તે માણસ ઘણો વિનાશક પણ હોઈ શકે છે.

જગતનો રાજકીય ઇતિહાસ તપાસતાં આપણે આજે જોઈએ છીએ કે કેટલાક લોકો પોતાના આદર્શો અને ઈરણોને અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે, કારણ કે તેમનાં મન એકીકૃત (unified) થયેલાં હોય છે. જો તમારા જીવનમાં તમને અંદરથી વ્યવસ્થિત કરવાનું પરિબળ રાષ્ટ્રીય કે કૌટુંબિક આદર્શો હોય, તો અન્ય પરિબળો સાથે જરૂર સંઘર્ષ થશે જ, કેવળ રાષ્ટ્રીયતા આદર્શ તરીકે રચનાત્મક બની શકે નહીં. અને તેથી તે માણસના આવેગોને એકત્રિત કરી તેના સંકલ્પને ક્રિયાત્મક બનાવી શક્તી હોવા છતાં તે સમસ્ત માનવજાતને એકસૂત્રિત કરી શકતી નથી. સંલ્પની આવી એકસૂત્રતા માનવસુખને માટે અનુકૂળ ન ગણાય. કૌટુંબિક આદર્શ કે રાષ્ટ્રીય આદર્શ એકતા લાવનાર પરિબળ તરીકે માનસિક અવસ્થાઓને એકીકૃત કરી શકે છતાં વ્યક્તિઓ, કુટુંબો કે રાષ્ટ્રો વચ્ચે તે હંમેશાં સંઘર્ષ પેદા કરે છે. આ સંધર્ષ, વેઝેર કે કલહ, ગૂંચવાડો, યુદ્ધ અને વિનાશને જન્મ આપે છે. વિશ્વ ઇતિહાસનાં પૃષ્ઠો આવા વિસંવાદ અને વિક્ષેપોથી ભરેલા જોવા મળે છે. જે લોકોએ આવા કૌટુંબિક કે રાષ્ટ્રીય આદર્શો સેવીને પોતાના સંકલ્પને સુગ્રથિત બનાવ્યો હોય, તેવા માણસોના દારુણ દુઃખ અને વિનાશથી જગતના ઇતિહાસના પાનાં વિક્ષેપ અને વિસંવાદથી ભરેલાં છે. આવા સંકુચિત અને મર્યાદિત આદર્શો મનની સ્વસ્થ અવસ્થા પેદા કરી શકે નહીં.

હિંદુ મનોવૈજ્ઞાનિકો તથા કેટલાક પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો સંકલ્પને કેળવી શકાય તેવા રચનાત્મક પરિબળો તરીકે, સાર્વત્રિક આદર્શ કે ઈશ્વરના આદર્શને અનુસરવાની ભલામણ કરે છે. એકતા લાવનાર તથા સુગ્રથન કરનાર પરિબળ તરીકે ઇશ્વરને જીવન આદર્શ રૂપે સ્વીકારતાં તમામ આવેગો, વિચાર પ્રક્રિયાઓ અને માનસિક અવસ્થાઓ વચ્ચે સંવાદિતા સધાય છે. પછી સુગ્રથિત સંકલ્પ સર્વના કલ્યાણ અને સુખને માટે જ કાર્ય કરે છે (કોઈના ય વિનાશ કે સંઘર્ષને માટે નહીં.) તમામ જુદા જુદા તમામ કુટુંબો અને દેશો એવું જાણીને તો એક થઈ જ શકે, કે તેઓ સહુ એક સર્વવ્યાપક ઇશ્વરનાં સંતાન છે, યા તો નિરપેક્ષ તત્ત્વના જ વિવિધ આવિર્ભાવો છે. જ્યારે વ્યક્તિ આ સર્વવ્યાપક આદર્શને સર્વોચ્ચ જીવનમૂલ્ય તરીકે સ્વીકારે છે, ત્યારે તે સહજ રીતે જ ઇશ્વરમાં બધું એકીકૃત કરતો હોઈ જુદી જુદી વિરોધાભાસ અભિરુચિઓને પ્રોત્સાહન આપતો નથી. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ અને રુચિઓને સર્વના સુખ અને કલ્યાણને ખાતર ગૌણ ગણીને તેમને સંવાદિત કરવામાં આવ્યા છે. આ જ કારણસર આદર્શ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભ્યાસ આપણી અંદર અપ્રગટરૂપે રહેલી શક્તિઓને પ્રગટ કરવા માટેનો ઉત્તમ ઉપાય છે.

એકીકૃત સંકલ્પ વડે અનેક પ્રકારના અતીન્દ્રીય – પ્રત્યક્ષીકરણોનો અનુભવ કરી શકાય છે. બલકે સંકલ્પ એકીકૃત હોય તો જ રહસ્યાનુભૂતિ અને પરચેતન અનુભૂતિઓ પણ શક્ય બને છે. હું એ પણ જાણું છું, કે એકીકૃત સંકલ્પનો અકલ્પ્ય પ્રભાવ શરીર પર પડતો હોય છે. શરીરનાં મરજિયાત કાર્યોનું નિયમન કેળવાયેલા સંકલ્પ વડે કેવી રીતે થઈ શકે, તેની સમજૂતી હિંદુ મનોવિજ્ઞાન આપે છે. ભારતમાં ઘણા લોકોએ એ પૂરવાર કર્યું છે કે સ્નાયુના ફરજિયાત કાર્યોને નિયંત્રિત કરી શકાય છે. હું એવા લોકોને જાણું છું, કે જેઓએ માનવશરીરનાં પ્રાથમિક કાર્યો ઉપર અસાધારણ પ્રભુત્વ હાંસલ કર્યું છે. એવા પણ લોકો છે, જેઓ રુધિરાભિસરણ તંત્રની લય અને ગતિને મનના સંયમ વડે બદલી નાખી શકે છે. ભૂખ અને તરસ જેવી માનવીય સહજવૃત્તિઓને સંક્લ્પ દ્વારા સંતોષી શકાય છે. વાસ્તવમાં શારીરિક બીમારીઓ પણ દૂર કરી શકાય છે. આપણે ઘણી વાર માનસોપચારથી સાજા થવાની વાત પણ સાંભળીએ છીએ, એ સાચું, કે ઘણા કિસ્સા અપ્રામાણિક પણ હોય છે. આમ છતાં માનસોપચારથી સાજા થવાના પ્રામાણિક કિસ્સાઓ પણ વિશ્વભરમાં ઘણા છે. પશ્ચિમમાં આવા કિસ્સાઓ ઘણી વાર ચમત્કાર તરીકે પ્રસિદ્ધિ પામતા હોય છે. ડૉ. ઍલૅકસીસ કૅરેલે આવા કેટલાક ચમત્કારિક કિસ્સાઓ નોંધ્યા છે. મેં પણ આવી ઘટનાઓ નિહાળી છે. હું એ પણ જાણું છું કે તીવ્ર સંકલ્પશક્તિ દ્વારા કુદરતના નિયમો પણ નિયંત્રિત કરી શકાય છે.

ખ્રિસ્તી જગતમાં એ જાણીતી થયેલી ઘટના છે, કે એસિસીના સંત ફ્રાન્સીસના શરીર ઉપર ઇશુના શરીર પર પડેલી ખીલા ઠોકાયાની નિશાનીઓ જેવી નિશાનીઓ અંકિત થયેલી હતી. આની વાસ્તવિક સમજૂતી એ છે, કે સંત ફ્રાન્સિસે ઇશુની સાથે પોતાના મનનું સંપૂર્ણ તાદાત્મય એટલી તો તીવ્રતાથી અને ગહનતાથી સ્થાપ્યું હતું, કે તે શરીરથી પણ પોતાને ઈશુ જ ગણતા. સુગ્રથિત સંકલ્પના સીધા પરિણામ રૂપ ઘણા પ્રસંગો સંત ફ્રાન્સિસના જીવનમાં જોવા મળે છે. જર્મની દેશના બવેરિયા પ્રાન્તમાં એક ખ્રિસ્તી સાધ્વી થઈ ગઈ, જેનામાં ઈશુની કેટલીક શારીરિક લાક્ષણિકતાઓ પ્રગટ થયેલી હોવાનું મેં સાંભળ્યું છે. મેં એમ પણ સાંભળ્યું છે કે રોમમાં બીજી પણ એક સાધ્વી છે, જે પ્રત્યેક ગુડ ફ્રાઈડેને દિવસે શારીરિક ચિન્હો પ્રગટ કરે છે. આ બધાયની સમજૂતી મનના ઉચ્ચતર નિયમોની સમજણ દ્વારા આપી શકાય.

જ્યારે હું ભારતના શ્રીરામકૃષ્ણના જીવનનો (૧૮૩૬-૧૮૮૬) અભ્યાસ4સ્વામી શારદાનંદ, શ્રી શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, Vol. ll. સાધકભાવ (કલકત્તા : ઉદ્‌બોધન ઑફિસ), પ્રકરણ ૧૪ કરું છું, ત્યારે તેમાં એવી ઘણી હકીકતો જોવા મળે છે, કે જેમ જેમ તેમની મનની અવસ્થા બદલાતી ગઈ, તેમ તેમ તેમનામાં શારીરિક પરિવર્તનો પણ ઉત્તરોત્તર આવતાં ગયાં. જુદે જુદે સમયે તેમના શરીરના ફરજિયાત અને સ્વૈચ્છિક કાર્યોમાં અમુક ચોક્કસ પરિવર્તનો આવતાં ગયાં.

સંદર્ભઃ

  • 1
    વર્કસ II, ૨૯૯
  • 2
    ભગવદ્ ગીતા : અનુ. સ્વામી પ્રભવાનંદ અને ક્રિસ્ટોફર ઈશરવુડ (હોલીવૂડ, ધ માર્સેલ રોડ કું. ૧૯૪૪), પૃ. ૬૮
  • 3
    પ્રાણ કે જે તંત્રને શક્તિ અને સત્તા આપે છે.
  • 4
    સ્વામી શારદાનંદ, શ્રી શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, Vol. ll. સાધકભાવ (કલકત્તા : ઉદ્‌બોધન ઑફિસ), પ્રકરણ ૧૪
Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    વર્કસ II, ૨૯૯
  • 2
    ભગવદ્ ગીતા : અનુ. સ્વામી પ્રભવાનંદ અને ક્રિસ્ટોફર ઈશરવુડ (હોલીવૂડ, ધ માર્સેલ રોડ કું. ૧૯૪૪), પૃ. ૬૮
  • 3
    પ્રાણ કે જે તંત્રને શક્તિ અને સત્તા આપે છે.
  • 4
    સ્વામી શારદાનંદ, શ્રી શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, Vol. ll. સાધકભાવ (કલકત્તા : ઉદ્‌બોધન ઑફિસ), પ્રકરણ ૧૪