માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા કરે છે. ઘરના પાછળના ભાગમાં જઈ ખૂણામાં છૂપાઈને હાથ પર આંગળી વડે કંઈક ચિતર્યા કરે છે. કંઈક બબડે છે. મા પૂછવા જાય તો ‘તું જા અહીંથી’ કહીને ગુસ્સામાં ત્રાટકે છે. અને પછી રડવા લાગે છે. એવા સમયે કોઈ એની પાસે જાય એ એને પસંદ નથી.
શું કરવું તે માને સમજાતું નથી. પૂછવાનો પણ કોઈ અવકાશ નથી. કારણ કે દીકરી પાસેથી સીધો જવાબ મળતો નથી. જ્યારે જ્યારે દીકરી નજરે ના ચડે ત્યારે ઘરના પાછળના ખૂણા તરફ માના પગ ખેંચાય છે અને દીકરીને ત્યાં ઉભેલી જોતાં તેની આંખો પણ આંસુથી છલકાઈ જાય છે. શું થયું છે મારી દીકરીને? આટલી સુંદર સુશીલ હોંશીયાર દીકરીને કોઈની નજર તો નથી લાગીને? સવારના ઉઠતાવેંત ૧૨ વર્ષની દીકરી માનો છેડો પકડીને રડવા લાગે છે. ‘તું અહીં બેસ’ કહેતી સાડીનો પાલવ સજ્જડ રીતે પકડી રાખે છે. તેની નજરમાં ગહન ભીતિ છે. રડતાં રડતાં કંઈ બોલે છે પણ સમજાતું નથી. ઘરના બધા અવાક્ બનીને જોયા કરે છે. કોઈ ગમે તેમ (ભૂત વળગ્યું છે, વગેરે) બોલે તો મા તેમને તતડાવે છે. શું કરવું સૂઝતું નથી. આંસુભર્યા હૃદયે પ્રભુને પ્રાર્થે છે અને એક ઉપાય સૂઝે છે.
પ્રભુ ગણેશજીનો જેમની પર વરદ હસ્ત છે તેવા અમદાવાદના (તેના પિયરના) પ્રખ્યાત વૈદરાજ પાસે મા પોતાની દીકરીને લઈ જાય છે. વૈદરાજ પૂજામાં બેઠા હોય છે. મા-દીકરી હિંચકે બેસે છે. વૈદરાજ આવતાં મા ઊભી થાય છે. ‘તારી દીકરીને લાવી છો?’ કહેતા વૈદરાજ દીકરીની પાસે બેસે છે. તેની સાથે મીઠી મધુરી વાતો કરે છે. પહેલાંની ઓળખાણ હોવાથી માની બધી વાત પણ તેઓ સ્વસ્થચિત્તે સાંભળી લે છે. પત્ની પાસે પ્રસાદ મંગાવી બધાને વહેંચે છે.
અંદરના રૂમમાં તેમના દીકરાઓ કેરમ રમતા હોય છે. ‘ચાલ આપણે પણ રમીએ, તને આવડે છે ને રમતા?’ કહેતા વૈદરાજ દીકરીને દોરીને કેરમબોર્ડ પાસે લઈ જાય છે. કેરમની ગેમ અને સાથે સાથે મઝાના ટૂચકા! હસતી રમતી દીકરીને જોતાં માને હૈયે ટાઢક વળે છે. પાછા વળતાં વૈદરાજ દવાની ટીકડીઓ આપે છે. ‘સવારના ઉઠતાવેંત આ સાકરની ગોળી ખાવાની અને મીઠું મધ જેવું હસીને ઉઠવાનું સમજી?’ દીકરી ‘હા’ પાડે છે. તેમના સાંનિધ્યમાં દીકરી ખુશ છે. તેઓ કહે તે બધું માને છે તેથી માને સંતોષ છે.
બીજે દિવસે સવારના ઉઠતાવેંત દીકરીના રડવાનો અવાજ સંભળાય છે અને મા દીકરી પાસે દોડી જાય છે. તેને ટીકડી ખવડાવતા વૈદરાજના શબ્દો યાદ દેવડાવે છે. દીકરી ફીક્કું હસે છે પણ તેની નજરમાં હજી ભીતિ છે. આંખો નિસ્તેજ છે. મા તેની પાસે બેસે છે અને દીકરી સાડીનો પાલવ પકડી રાખે છે. મા દીકરીને થાબડે છે, થોડીવાર બેસી રસોડામાં ચાલી જાય છે.
થોડીવારે દીકરી માની પાસે આવે છે અને તેનો હાથ ખેંચતા કહે છે : ‘ચાલ, વૈદરાજને ત્યાં જઈએ.’ ‘અત્યારે સવારના પહોરમાં..?’ માનો પ્રશ્ન, ‘હા, અત્યારે જ, ચાલ. મારે તેમની પાસે જવું છે, ચાલ..’ દીકરી માનો હાથ પકડીને ચાલવા લાગે છે. ચંપલ પહેરવાનું કારણ કાઢી મા રોકાવાનો પ્રયત્ન કરે છે પણ દીકરી આગ્રહ કરી તેને ખેંચી જાય છે. વૈદરાજ પૂજામાં બેઠા હોય છે. દીકરી ધ્યાનપૂર્વક તેમને જોયા કરે છે. ફરીવાર એ જ ક્રમ, હસીરમીને વાતો, પ્રસાદ અને રમતગમત! આવું એક-બે દિવસ ચાલે છે. દવા ચાલુ છે.
દીકરી, ખૂબ આગ્રહ કરીને વૈદરાજને પોતાને ઘેર બોલાવે છે. કોઈને ત્યાં ન જનારા, પાણી પણ ન પીનારા વૈદરાજ તેનું આમંત્રણ સ્વીકારે છે. સાંજના દીવો કરવાને સમયે પધારે છે. આસન ધારણ કરી ‘રામરક્ષા સ્તોત્ર’ની એકએક કડી દીકરી પાસે ગવડાવે છે.
છેવટે આરતી કરીને ઊભા થઈ જાય છે. બધાને પ્રસાદ વહેંચાતા તેઓશ્રી વિદાય લે છે. તેમની ચરણરજ લઈ મા-દીકરી ધન્યતા અનુભવે છે. વૈદરાજને વિદાય આપે પાંચ મીનીટ પણ નથી થઈ ત્યાં દીકરી માને વળગી પડે છે.
‘હું મુક્ત થઈ ગઈ મા, મુક્ત થઈ ગઈ..’ દીકરીની પ્રેમભરી પકડે માને ભીંજવી નાખી છે. દીકરીની આંખોની ચમક અને સંતોષભરી આભા ઘરના બધા જોઈ રહ્યા છે. મા તેની દીકરીનું કપાળ ચૂમી લે છે. તેના આનંદની કોઈ સીમા નથી. આજે એ વાતને ૨૦ વર્ષ થઈ ગયા છે પણ ફરી કદી એ અનુભવ દોહરાયો નથી. ખરેખર જ્યાં ભગવાનનો વાસ છે, સાચી શુદ્ધ સાધના છે, એવા સાત્ત્વિક મહાપુરુષના મંત્રોચ્ચારમાં અગાધ શક્તિ છે. વૈદરાજે તે પૂરવાર કરી બતાવ્યું છે. આ એક સત્યઘટના છે.
Your Content Goes Here




