[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો જ પ્રેરણાદાયી હોવાથી અહીં આપવામાં આવે છે. – સં.]
મંદિર એ પ્રભુનું નિવાસસ્થાન છે. એ ખરું છે કે પ્રભુ તો સર્વત્ર વિરાજમાન છે, છતાં પણ, જેવી રીતે કોઈ મહાન વિભૂતિની મુલાકાત એકાદ સ્વાગત ખંડમાં કે સ્વચ્છ સુશોભિત દિવાનખાનામાં થાય છે તેવી રીતે જગન્નિયંતા પ્રભુનું દર્શન ભક્તોને મંદિરમાં થાય છે. જે લોકોને એની ઝાંખી કરવી છે તેમને તો અન્ય કોઈ સ્થળ કરતાં મંદિરમાં એની ઝાંખી સવિશેષ થઈ શકે છે.
મનુષ્ય કેટકેટલાં ચણતરો ખડાં કરે છે ! પરંતુ એ બધાંની પાછળ તેની કોઈને કોઈ ઐહિક વાસના કાર્ય કરી રહી હોય છે. જ્યારે મંદિરની પ્રતિષ્ઠા તો કેવળ મનુષ્ય અને પ્રભુના મિલન માટે જ થાય છે. જાણે પોતાના ‘ગૃહ વિશેષ’ સમા મંદિરમાં પ્રભુનું અવતરણ થાય છે અને ત્યાં, ભક્તિવિનમ્રભાવે, તેની કૃપાની પ્રતીક્ષા કરતો, મનુષ્ય ખડો હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો મંદિર એટલે પ્રભુ અને મનુષ્ય વચ્ચે રહેલો એક દિવ્ય સેતુ.
દિવ્ય તત્ત્વની અનંત ક્ષિતિજ
‘બાહ્યાભ્યંતરશુચિઃ’ બનીને મનુષ્ય પ્રભુના મંદિરમાં પ્રવેશ કરે છે; ત્યાં એ પ્રાર્થના કરે છે, પોતાના પ્રિય પ્રભુ આગળ હૃદયના કપાટ ખોલી નાખે છે, પવિત્ર વસ્તુઓનું ચિંતન કરે છે; પુણ્યશાળી બનવાનું વ્રત લે છે અને એ રીતે પરમ શક્તિમાન પ્રભુ સાથે એ પોતાના ચિત્તનો દોર સાંધે છે. આટલા માટે જ મંદિરના આયોજન પાછળ, ભવ્યતા, ગંભીરતા અને સુંદરતાનું એવું સુભગ મિલન થયેલું હોય છે કે એ મનુષ્યને કોઈ જુદા જ પ્રદેશમાં-જુદા જ વાતાવરણમાં લઈ જાય છે. જ્યાં એની અલ્પતા સ્વત: ઓગળી જાય છે અને એને દિવ્યતત્ત્વની અનંત ક્ષિતિજનાં દર્શન થાય છે.
સાત્ત્વિક આંદોલનો
મંદિરમાં ભક્તો નિત્ય નિયમિત પૂજા કરે, સાધના કરે અને પરિણામે ત્યાંના વાતાવરણમાં હંમેશાં દિવ્ય, આંદોલનો રમ્યા કરે; આવાં દિવ્ય આંદોલનો જ પ્રસ્તુત સ્થળનો મહિમા વધારે. કોઈવાર જ્યારે દુઃખ, શોક, શંકા કે ચિત્તક્ષોભનાં વાદળો આપણને ઘેરી લે છે ત્યારે પ્રભુના ધામનું શરણ લેવાથી એ વાદળો વિખેરાઈ ગયાં હોય એવો અનુભવ શું આપણને નથી થતો ? ખરેખર જ્યાં પૂજા-ઉપાસના થતી હોય ત્યાં શુભ તન્માત્રાઓ ઊભરાય છે. સ્વામી વિવેકાનંદજી કહે છે : ‘લોકો દરરોજ ત્યાં જાય છે; તેઓ જેમ-જેમ વધારે ને વધારે જાય છે, તેમ-તેમ તેઓ વધારે ને વધારે પવિત્ર બને છે અને એ જગ્યા પણ વધારે ને વધારે પાવન થાય છે. જેનામાં સત્ત્વગુણ ઓછો હોય એવો માણસ ત્યાં જાય તો એ જગ્યાનું વાતાવરણ તેના ઉપર અસર કરે અને તેનામાં સત્ત્વગુણનો વિશેષ ઉદય કરે. જેમનામાં સત્ત્વગુણની વિશેષ પ્રધાનતા હોય તેવા સાધુસંતો એવા સ્થળમાં સત્ત્વનાં આંદોલનો ફેલાવે છે અને આજુબાજુ અહર્નિશ પોતાનો પ્રચંડ પ્રભાવ પાથરે છે.’ અને આવા સાધુસંતો ક્યાં વિચરે છે ? અલબત્ત, મંદિરો કે ગુફાઓમાં.
શાંતિ પ્રદાતા આપણાં તીર્થ-મંદિરો
આ દૃષ્ટિએ જ, આપણે કહી શકીએ કે મંદિર તો સમાજની સમુદાયની, એક અત્યંત આવશ્યક અપેક્ષાની પૂર્તિ કરે છે; તો પછી જ્યાં હજારો ભક્તિપૂત હૃદયો પ્રભુનાં સંકીર્તનની હેલીએ ચડ્યાં હોય, પ્રભુના સાન્નિધ્યનો પરમાનંદ લૂંટી રહ્યાં હોય અને ભક્તિનાં એ આંદોલનથી વાતાવરણ સભર ભર્યું હોય એવા પાવનકારી મંદિરથી વિશેષ કલ્યાણકર બીજું શું હોઈ શકે ? યુગયુગાન્તરોથી ઘૂમતા અસંખ્ય નામી-અનામી સાધકોના આધ્યાત્મિક આંદોલનોથી પવિત્ર અને પરિપ્લાવિત બનેલાં મંદિર કરતાં બીજી કઈ વસ્તુ મનુષ્ય ચિત્તને વિશેષ ઉન્નત બનાવી શકે ? અમરનાથ, બદ્રીનાથ, કૈલાસ, વિશ્વનાથ, કામાક્ષી, જગન્નાથ, દ્વારકા, સોમનાથ, મદુરાઈ, કન્યાકુમારી અને ચિદમ્બરમ્ આવાં-આવાં પવિત્ર સ્થળોમાં જ મનુષ્યની શાંતિ અને કૃતકૃત્યતાની તીવ્ર ઝંખના પરિપૂર્ણ થશે કે અન્ય સ્થળોમાં ? તીર્થધામની યાત્રાએ જવાનું જીવનભરનું સ્વપ્ન સાકાર કરવા માટે હજારો વર્ષોથી કલ્પનાતીત અંતરાયોને એ વેઠતો આવ્યો છે કે એ હકીકત શું આપણે ભૂલી જઈશું ? શું આપણે તીર્થયાત્રાએથી ખાલી હાથે પાછા ફરીએ છીએ ?
નૂતન મંદિરો
કહેવામાં આવે છે કે આપણે આપણા ગન્તવ્ય સ્થાનથી દૂરદૂર ઘસડાઈ રહ્યા છીએ, આપણું મનોબળ ઘટી રહ્યું છે. એ ખરું છે કે આજે કુદરતી બળોને નાથીને વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને અંતરાત્માના પ્રદેશમાં સત્યને શોધીને પ્રત્યક્ષ કરવા મથતા લોકોને એ જબ્બર પડકાર ફેંકી રહ્યું છે. આ પડકારને સુયોગ્ય રીતે ઝીલી લેવા માટે આપણે દેશભરમાં પથરાયેલાં વિદ્યમાન મંદિરો પ્રતિ વિશેષ ઉત્કટભાવથી વળવું જોઈએ, એટલું જ નહીં, પરંતુ આપણા પુરાણા ખ્યાલો સાથે કેટલાક નવા ખ્યાલો મેળવીને આપણે ‘નૂતન મંદિરો’ પણ ઊભાં કરવાં જોઈએ. સ્વામી વિવેકાનંદજીએ યોગ્ય જ કહ્યું છે કે સંકોચ નહીં, પણ નવીનવી દિશામાં વિકાસ, વિસ્તરણ એ જ જીવનનો ખરો નિયમ છે.
મંદિરો-આધ્યાત્મિક ડાયનેમો
મંદિરોની ઉત્તમ સારસંભાળ રાખવામાં આવે અને એમના પવિત્ર વાતાવરણમાં સત્યના જિજ્ઞાસુઓને આત્મવિકાસની યોગ્ય તકો પૂરી પાડવામાં આવે, તો આ મંદિરો જ ‘ડાયનેમો’ બનીને ચિત્તમાં ઉદાત્ત ગુણોનો સંચાર કરે; એવા ઉદાત્ત ગુણોના અભાવે તો દેશની ખાનાખરાબી થઈ રહી છે ને ? મનુષ્યનું જીવન કેવળ શારીરિક, બૌદ્ધિક અને નૈતિક જરૂરિયાતો સંતોષવામાં જ સમાઈ જતું નથી : વસ્તુતઃ તો આધ્યાત્મિક પ્રકાશ મેળવવો એ એની સૌથી મોટી જરૂરિયાત છે. લોખંડી સ્નાયુઓ, ભવ્ય બુદ્ધિપ્રતિભા અને પોલાદી ઇચ્છાશક્તિ ધરાવનાર પુરુષ જગતસંહારક રાક્ષસ બની શકે, પરંતુ જ્યારે એવા પુરુષમાં આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ પ્રાદુર્ભાવ થાય ત્યારે એમાંથી ‘સર્વ ભૂતહિતે રતઃ’ એવો એકાદ બુદ્ધ કે ઇશુ ઊભો થાય. મંદિર તો મનુષ્યનું આધ્યાત્મિક શ્રેય સાધી આપે, એ તેનામાં આધ્યાત્મિક આકાંક્ષાઓ પ્રેરે; મંદિર એટલે મનુષ્ય અને ઈશ્વરનું મિલન સ્થાન, જડતાના નિગૂઢ અંધકાર ભેદવા માટે એ મનુષ્ય હૃદયને પ્રકાશ આપે. મનુષ્યનાં બુદ્ધિ અને અંતઃકરણની સર્વોચ્ચ અને ઉદાત્તતમ અભિવ્યક્તિઓને સાકાર કરતી જીવંત શ્રદ્ધાનું કેન્દ્ર એટલે મંદિર.
જ્ઞાન-ભક્તિ-યોગ-કર્મનો સમન્વય
સને 1898માં બેલૂડ મઠ અને મંદિરની વાત કરતાં પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજીએ કહેલું, “અહીંથી શક્તિનો જે સ્ત્રોત વહેશે તે આખા જગતમાં પૂરની જેમ રેલાઈ જશે અને લોકોના જીવનપ્રવાહને અનેકવિધ માર્ગોએ વાળશે; અહીંથી જે આદર્શોનો ઉદય થશે તેમાં જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મનો સમન્વય હશે; આ મઠના વાસીઓનો સંકેત મળતાં વેંત ધરતીના દૂરદૂરના ખૂણાઓમાં પણ ચેતનપ્રદ પ્રેરણાનો પ્રવાહ ફેલાઈ જશે.”
અને આવી જીવંત શ્રદ્ધા સાથે સ્વામીજીએ બેલૂડ મઠના મંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણના પવિત્ર અવશેષોનું સ્થાપન કર્યું. આજે ક્યાંય ક્યાંયથી લોકો લાખોની સંખ્યામાં, આ મંદિરમાં આવે છે અને કરુણા, શાંતિ અને ધન્યતા પામે છે.
ભગવાન શ્રીરામકૃષ્ણના એ જ અવશેષોનો કેટલોક ભાગ સ્વામી શ્રી વિવેકાનંદજીના પરિભ્રમણકાળના અનેક સ્મરણોને હૈયે ઝુલાવતી સૌરાષ્ટ્ર ભૂમિમાં રાજકોટ ખાતે આવી ચૂક્યો છે એ શું એક રોમાંચક પ્રસંગ નથી ? આ પવિત્ર અવશેષોને એક સુંદર મંદિરમાં સુયોગ્ય રીતે પધરાવીએ એવી આપણી આકાંક્ષા હવે પરિપૂર્ણ થઈ છે. પશ્ચિમ ભારતનું આ ભવ્ય મંદિર આધ્યાત્મિક આંદોલનોથી સમગ્ર પ્રદેશને પરિપ્લાવિત કરે છે અને હજારો યાત્રિકો અહીં આવીને દિવ્ય વિભૂતિની સંન્નિધિમાં જીવનનો થાક ઉતારીને નવું બળ, નવો આનંદ પ્રાપ્ત કરે છે.
સ્મરણીય ઘટના
ભારતના આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સ્વામી વિવેકાનંદે પોતાના જીવનના નિર્ણાયક કાળનો એક વર્ષથી પણ વિશેષ સમય ગાળ્યો હતો. એ શું અત્યંત સ્મરણીય ઘટના નથી ? ગુરુદેવની મહાસમાધિ પછી સ્વામીજી ભાગ્યે જ સોળ વર્ષ જીવ્યા. પરંતુ આ બધાં વર્ષો દરમિયાન આ રાષ્ટ્રના સપૂતે દેશના ખૂણેખૂણે પરિભ્રમણ કર્યું. સને 1893 પછી એમણે ઘણોખરો કાળ પશ્ચિમમાં વિતાવ્યો; પરંતુ સૌરાષ્ટ્રને એમણે પોતાના ટૂંક જીવનનો મૂલ્યવાન હિસ્સો આપ્યો હતો. અહીંના રાજવીઓને ઉપદેશ આપતા, દીવાનો અને પંડિતોને સલાહ આપતા તથા તીર્થધામોની યાત્રા કરતા એ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અહીંથી તહીં ખૂબ વિચર્યા હતા. જે પ્રદેશે સ્વામીજી ઉપર ભૂરકી છાંટીને આટલા સમય સુધી એમને અહીં રોકી રાખ્યા તે પ્રદેશની ભૂમિમાં જરૂર નિજની કોઈ આત્મસંપત્તિભરી પડી હશે એમાં શંકા નથી.
પૂજ્યભાવનું સ્મારક
પોતાના ઉપદેશમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓને અંતે આ મહાન સ્વામી વિવેકાનંદે બેલૂડ મઠ, કલકત્તામાં એક ભવ્ય મંદિર બાંધવાનું આવશ્યક માન્યું. તો પછી જે સૌરાષ્ટ્ર ભૂમિમાં નિવાસ કરવાનું સ્વામીજીને પ્રિય હતું તેના હૃદય સમા રાજકોટમાં સ્વામીજીના પ્રશંસકો પોતાના પૂજ્યભાવનું સ્મારક ઊભું કરીને પોતાનાં ગૌરવ અને અધિકાર દાખવે છે તેમાં શું નવાઈ ? અનેક સદીઓથી ગુજરાત સોમનાથ અને દ્વારકાના ભવ્ય મંદિરોને સાચવતું રહ્યું છે, હવે એ જ ગુજરાત પોતાના અંતરમાં શ્રીરામકૃષ્ણની પ્રતિષ્ઠા કરવાનું ગૌરવ પણ પ્રાપ્ત કરે છે.
One Comment
Leave A Comment
Your Content Goes Here






સ્વયં શ્રીવિવેકાનંદજી ની જીવનશૈલી ના પથપર ચાલતા ચાલત તેમણે સ્વયં શ્રીરામકૃષ્ણદેવની ઓળખ આપી અને પુજ્યગુરૂદેવ મનના મહાતોફાનમા જ્યારે અટવાવ છુ ત્યારે યાદ કરતા ની સાથે હાજર થાય ત્યારે મને પણ એવુ થાય કે તેઓશ્રીના પુવૉશ્રમ નો અતી પ્રીય શીષ્ય રહ્યો હોઈશ. પુ.ગુરૂજીના ઊપદેશ મુજબ “માં કહેતા રોમેરોમ ઊભા થઈ જાય પછી સાધકે કશુ કરવાનું રહેતુ નથી” બસ આ સ્થીતી મને સહજમાં પુ.ગુરૂદેવે આપેલુ છે તેનાથી આગળનુ માગૅદશૅન કરવા કૃપા કરશો.અસ્તુ..