શ્રી. ઈ. પી. ચેલીશેવ રશિયાના જાણીતા તજજ્ઞ અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના રોજ તેમને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા વિવેકાનંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનો આ લેખ ‘સ્વામી વિવેકાનંદ સિન્ટેનરી મેમોરિયલ વોલ્યુમ’માંથી અનુદિત કરવામાં આવ્યો છે.
૧૯૫૬માં પાનખર ઋતુમાં ભારતના દક્ષિણ કિનારે કેપ કોમોરીનમાં મારે જવાનું થયું. જ્યાં ત્રણ મહાસાગરનાં પાણી મળે છે, એવા આ ખડકાળ દરિયાકિનારે, ખૂબ જ સુંદર અને ક્યારેય ભૂલી ન શકાય એવા સૂર્યોદયનું દર્શન કરવા અમે ભાગ્યશાળી બન્યા. સૂર્યોદય સમયનાં કૂણાં કિરણો ઘુમટ આકારના કન્યાકુમારી મંદિરને સોનેરી રંગથી મઢી દેતાં હતાં અને આ મંદિરના સ્તંભોનાં પ્રતિબિંબો તાજેતરમાં જ બંધાયેલ મહાત્મા ગાંધી સ્મૃતિ-મંદિરની ઝગારા મારતી દીવાલોમાં પડતાં હતાં. દરિયામાં દૂરદૂર સુંદર મજાનાં પક્ષીઓનાં વૃંદોની માફક માછીમારોની હોડીઓ ડૂબકીદાવ રમતી હતી અને કિનારેથી લગભગ બસો મિટર દૂર એકલી અટુલી ઊભેલી ટેકરી સાથે સાગરનાં મોજાં ભટકાઈને ઘેરો નાદ જગાવતાં હતાં. દરિયા વચ્ચે આવેલ પેલી ટેકરી એ જ ‘સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ.’ – મારી બાજુમાં ઊભેલા યુવાને મને કહ્યું. એ યુવાનના મનમાં એમ હશે કે, કિનારે ઊભા રહી એ સ્થાનનું ભવ્ય સૌંદર્ય હું માણી રહ્યો છું. સ્વામી વિવેકાનંદનું નામ સાંભળીને મારા કાન ચમક્યા. વિદ્યાર્થી અવસ્થામાં રોમા રોલાંનાં પુસ્તકોમાંથી સ્વામી વિવેકાનંદ વિષે વાંચેલું. હું પેલા યુવાન પાસે સરક્યો. “ભારત છોડતા પહેલાં અને વિદેશના પ્રવાસે જતા પહેલાં સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ આ સામેના ખડક પર પસાર કરેલા.” – પેલા યુવાને મને કહ્યું, ‘પણ મારે એ ખડક ઉપર જવું હોય તો.’ – મે પૂછ્યું. “થોડી વાર ખમો, હું હમણાં જ મારી હોડી લઈને આવું છું.” – પેલા યુવાને કહ્યું. પરંતુ સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડાયેલ પેલા ખડક ઉપર પહોંચવાની મારી અધીરાઈ એટલી તો પ્રબળ હતી કે પેલા યુવાનની રાહ જોઈને બેસવાને બદલે ત્યાં સુધી તરી જવાનો મેં નિશ્ચય કર્યો. તરતાં તરતાં હજુ તો અધવચ્ચે જ પહોંચ્યો હોઈશ ત્યાં તો થોડે દૂર હોડીમાં પેલો માછીમાર દેખાયો, તે પોતાના હાથ હલાવતો હતો અને રાડો પાડતો હતો. પરંતુ પવનના સુસવાટામાં એ શું કહેવા માગતો હતો એ સમજી શકાતું નહોતું. અમે બન્ને લગભગ સાથે જ પેલા બેટ ઉપર પહોંચ્યા. “આ રીતે તરીને અહીં પહોંચવું ખૂબ જ જોખમભરેલું છે.” – તે બોલ્યો. “અહીં તો મોટી મોટી શાર્ક માછલીઓ છે, પણ હશે, જેનો અંત સારો તેનું બધું સારું.”
લોકો કહે છે કે, ‘સ્વામી વિવેકાનંદ આ નાનકડા ટાપુ સુધી તરીને પહોંચેલા. તેઓ જબરા વ્યાયામવીર હતા.’ – તેણે ઉમેર્યું, ટેકરી ઉપર સમથળ જગ્યા પર એક વર્તુળ દોરેલું. મારા આ નવા મિત્રે એ વર્તુળમાં થોડાં કેળાં મૂક્યાં અને ત્યાં બેસી મને કહ્યું, ‘શાંતિથી બેસો અને જે મહામાનવે આપણને નવજીવનનો માર્ગ ચીંધ્યો છે તેનું ચિંતન કરો. મેં તેની સલાહ પ્રમાણે કર્યું માત્ર દરિયાઈ પક્ષીઓના અવાજ અને કિનારે અથડાતાં મોજાં શાંતિનો ભંગ કરતાં હતાં.
સ્વામી વિવેકાનંદ વિષે જે કંઈ વાંચેલું તે બધું તાજું થવા લાગ્યું ટાગોરના શબ્દો મારા કાનમાં ગૂંજવા લાગ્યા : “ભારતને સમજવો છે. તો સ્વામી વિવેકાનંદને વાંચો. તેઓ યુવાન પેઢીના હૈયામાં માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને ભક્તિ જાગૃત કરે છે અને ભૂતકાળનું ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો ખ્યાલ આપે છે.” ખરેખર, આવું જ છે. સ્વામી વિવેકાનંદને વારંવાર વાંચવાથી ભારતને સમજવાની કોઈ ઊંડી સમજ આપણામાં ઊભી થાય છે. હિંદુસ્તાનની ફિલસૂફી, લોકોની જીવનપદ્ધતિ, ભૂતકાળ અને વર્તમાનકાળ તેમ જ ભારતનાં ભવિષ્યનાં સ્વપ્નાંના ખ્યાલ સ્વામીજી આપણને આપે છે.
કદાચ અહીં જ, આ એકલવાયા ખડક ઉપર ભારતની તદૃન દક્ષિણે, ભારત માતાનાં સંતાનો માટે ચિંતન-મનન અને પ્રાર્થના કરતા, અને પીડાતી માતૃભૂમિ માટે દૃઢ શ્રદ્ધા સાથે શબ્દોચ્ચાર કરતા સ્વામીજીનાં ઉચ્ચરણો ભવિષ્યની આગાહી સ્વરૂપે આપણા કર્ણપટ ઉપર અથડાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “શૌર્યનો સૂરજ ઊગી ચૂક્યો છે અને રાષ્ટ્રીય જાગૃતિની આ પ્રક્રિયાને કોઈ રોકી શકે એમ નથી. ભારત હવે લાંબો સમય કુંભકર્ણની નિદ્રામાં રહી શકે નહીં.”
સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ જોયાને આજે છ વર્ષ થયાં. એ સમય નકામો ગયો છે, એમ કહેવાને બદલે એ સમય દરમિયાન વિવેકાનંદને વધુ નજીકથી જાણી ચૂક્યો છું. એમનાં ઘણાં લખાણો મેં વાંચ્યાં છે. એમનાં જીવનનાં વિવિધ પાસાં વિશેનાં વિદ્વાનોનાં લખાણો પણ મેં વાંચ્યાં છે. રામકૃષ્ણ મિશનના વંદનીય સંન્યાસી મહાનુભાવોને પણ હું મળ્યો છું. સ્વામી રંગનાથાનંદજી સાથે દિલ્હી અને મોસ્કોમાં ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ ચર્ચા સ્વામી વિવેકાનંદજી વિશે થઈ છે.
આ લેખમાં સંક્ષિપ્તમાં વિવેકાનંદજીની વિવિધ પ્રવૃત્તિઓ વિષેનો ખ્યાલ અને વિશ્વ વિષેનો એમનો દૃષ્ટિકોણ શો હતો, તેની હું ચર્ચા કરવા માગું છું. જે ચર્ચા ભારતનાં હિતોને અનુકૂળ હશે અને જેણે રશિયાના લોકોમાં ઊંડી સહાનુભૂતિ અને માન ઊભાં કર્યાં છે.
ભારતીય સંસ્કૃતિનાં સર્વોત્તમ પાસાંને વણી લઈને માનવતાવાદના ઉદાત્ત આદર્શોનો વિકાસ એ જ સ્વામી વિવેકાનંદની પોતાની માતૃભૂમિ વિષેની શ્રેષ્ઠ સેવા ગણાવી શકાય. પ્રાચીન સમયથી ભારતના વિશ્વ પ્રત્યેના દૃષ્ટિકોણનો પાયો આ જીવનાભિમુખ ઉદાત્ત માનવતાવાદી વિચારોએ જ મજબૂત રાખ્યો છે. આ વિચારો ધાર્મિક અને તાત્ત્વિક સ્વરૂપે વ્યક્ત થતા જ રહ્યા છે અને વિશ્વનાં નિષ્ક્રિય ચિંતન-મનન, ઋક્ષ સંન્યાસ અને કોરી વિદ્વતા સામે સંઘર્ષ કરી પોતાનો માર્ગ કરતા રહ્યા છે. કવિ કુલગુરુ કાલિદસનાં લખાણો લોકભોગ્ય ભક્તિકાવ્યો અને વૈદિક સાહિત્યને આ વિચારોએ પ્રાણવંતાં બનાવ્યાં છે.
સ્વામી વિવેકાનંદે વેદાંતના ધાર્મિક અને તાત્ત્વિક વિચારોને સંવાર્યાં છે, મઠાર્યા છે અને અર્વાચીન જીવન પરિસ્થિતિમાં બંધબેસતા કર્યા છે. સંસ્થાનવાદીઓએ ઊભી કરેલ જ્ઞાતિ, ધર્મ અને જાતિની દીવાલો સામે, ઘાતકી રીતે શોષણ કરવામાં આવ્યું હતું, અને જે રાષ્ટ્રને ગુલામ બનાવી પગની નીચે કચડી નાખવામાં આવ્યો હતો, એના શાસકો સામે સ્વામી વિવેકાનંદે સિંહગર્જના કરી. જવાહરલાલ નેહરુએ દર્શાવ્યું છે કે, “વિવેકાનંદના અવાજમાં શાંતિ અને આદરની સાથે પોતામાં અને પોતાના કાર્યમાં આદર અને વિશ્વાસ દેખાતા હતા અને સાથોસાથ, આગ સમાન તાકાત અને દેશને આગળ લઈ જવાની તીવ્ર ઝંખનાનાં દર્શન થતાં હતાં.” સ્વામી રંગનાથાનંદજી લખે છે : “સામાન્ય માનવીના નિજી પ્રશ્નોના ઉકેલ માટે એમણે ભારતીય ફિલસૂફીને સક્રિય બનાવી અને દેશની જનતાના જીવનધોરણને ફળદ્રુપ કરવા તેમણે વેદાંતને ધરતી ઉપર સ્થાપિત કર્યું.”
અહમદખાન અને અરવિંદ ઘોષના મત મુજબ, સ્વામી વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી અને રાજા રામમોહનરાય જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો અને પ્રજ્ઞાવાન પુરુષોના ધર્મ અને ફ્લિસૂફીના વિચારોને જાણ્યા સિવાય અને તેનું પૃથક્કરણ કર્યા સિવાય સમકાલીન ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા જાણવી મુક્ત થઈ પડશે.
સમકાલીન ભારતીય સાહિત્યના મારા અભ્યાસ દરમિયાન સ્વામી વિવેકાનંદના માનવતાવાદના વિચારોથી કેટકેટલા લેખકો પ્રભાવિત થયેલા છે તે મેં અનેક વાર જોયું છે. મારા આ નાના લેખમાં બહુ ઊંડું ઊતરવું મુશ્કેલ છે. તેમ છતાં હિન્દીના ખ્યાતનામ કવિ અને લેખક ‘નિરાલાજી’નો જ દાખલો દઉં છું. એમનાં લખાણોમાં ડગલે ને પગલે સ્વામી વિવેકાનંદ જ નજરે પડે છે.
મારા મત મુજબ, સ્વામી વિવેકાનંદના માનવતાવાદને ખ્રિસ્તી ધર્મની વિચારસરણી સાથે ખાસ સંબંધ નથી. ખ્રિસ્તી ધર્મની વિચારસરણી પ્રમાણે, માણસ નિષ્ક્રિય બની પ્રભુકૃપાની આશામાં સમય પસાર કરે છે. સ્વામી વિવેકાનંદે ધાર્મિક વિચારોને રાષ્ટ્રના હિતમાં પ્રયોજ્યા અને સ્વદેશબંધુઓની મુક્તિ માટે તેનો ઉપયોગ કર્યો. સ્વામી વિવેકાનંદે લખ્યું, “સંસ્થાનવાદીઓ એક પછી એક દેવળ ભારતમાં ઊભું કરતા હતા જ્યારે પૂર્વના દેશોને તો રોટલાના ટુકડાની જરૂર હતી?” આ લોકો વહેમી, ગમાર અને એના કરતાં હાડોહાડ નાસ્તિક બને એ વધુ સારું એમ સ્વામીજી ઈચ્છતા હતા.
માનવને બેઠો કરવા સ્વામી વિવેકાનંદ જીવ અને શિવનું તાદાત્મ સાધતા હતા. માનવદેહમાં રહેલ માનવ આત્માની પૂજા એ જ ખરા ઈશ્વરની પૂજા છે એમ સ્વામી વિવેકાનંદ માનતા હતા. તેઓ કહેતા : “પ્રાણીમાત્ર પ્રભુનું મંદિર છે, પરંતુ માનવમંદિર એ સર્વોચ્ચ છે. મંદિરોનું પણ મંદિર તાજમહાલ.”
માનવને મહામાનવ બનાવવાની એમની મહેચ્છા હતી. અને એટલે તેઓ કહેતા, સર્વોચ્ચ દિવ્યતત્ત્વ ‘બ્રહ્મ’ એ માનવમાત્રમાં સાકાર થયેલ છે અને તેથી સામાન્ય માનવીની પૂજા એ ઈશ્વરની જ પૂજા છે. માનવ વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ, સુખી બનવાનો માનવનો અધિકાર અને માનવમાં પોતાની મહત્તા માટેની સૂઝનો વિવેકાનંદ આગ્રહ રાખતા હતા. ગઈ સદીના ઉત્તરાર્ધમાં સ્વામી વિવેકાનંદે જે કંઈ કહ્યું તેનાથી ગુણવત્તાયુક્ત માનવતાવાદ વધુ પુષ્ટ બન્યો અને ભારતની જનતાની આઝાદીની ચળવળમાં અને રાષ્ટ્રીય જાગૃતિના ઉત્થાનમાં નવા પ્રાણનો સંચાર થયો.
ભારતીય જનતાના સાહિત્યમાં અને ખાસ કરીને રવીન્દ્રનાથ ટાગોરનાં લખાણોમાં આ નવા માનવતાવાદનાં આપણને દર્શન થાય છે.
જો કે વિવેકાનંદના આદર્શવાદી પાયા પર રચાયેલા માનવતાવાદ સાથે આપણે સંપૂર્ણપણે સહમત ન થઈએ, તો પણ આપણે એટલું તો સ્વીકારવું જ જોઈએ કે, તેમાં ગતિશીલ-ક્રિયાત્મક માનવતાવાદનાં ઘણાં પાસાં રહેલાં છે. માનવના ઉત્કર્ષ માટે, તેનામાં પોતાની મહત્તા જાગૃતિ કરવાની સૂઝ ઊભી કરવા માટે પોતામાં અને પોતાના દેશબાંધવોમાં જવાબદારીનું ભાન કરાવવા માટે, શુભ વિચારોને સાકાર કરવા માટે અને સત્ય અને ન્યાય કાજે ઝઝૂમવા માટે તેમ જ દુ:ખદર્દો સામે અણગમો ઊભો કરવા માટે ગતિશીલ-ક્રિયાત્મક માનવતાવાદ ખૂબ ઉપયોગી બન્યો છે. સ્વામી વિવેકાનંદના આ માનવતાવાદના આદર્શ ગોર્કીના ‘માનવ’ વિષેના ખ્યાલને મળતો આવે છે.
માનવીય સત્ત્વનું આદર્શવાદી અર્થઘટન સ્વામી વિવેકાનંદના વિશ્વ વિષેના લોકશાહીયુક્ત દૃષ્ટિકોણનો ખ્યાલ આપે છે.
(ક્રમશ:)
ભાષાંતરકાર : શ્રી ક્રાંતિકુમાર જે. જોષી, રાજકોટ
Your Content Goes Here




