ગતાંકથી આગળ…

ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે તેમજ વર્ણદ્વેષને બદલે વર્ણની ઉચ્ચતમ ભાવનાનો સુભગ સમન્વય કરવાની વાત તેમજ સામાન્ય જનમાં અત્યારે રજોગુણ જાગૃતિની કેટલી અને શા માટે આવશ્યકતા છે એની વિગતવાર ચર્ચા જોઈ.

આપણા દેશમાં આ રજોગુણની શા માટે તાતી આવશ્યકતા છે તે વિશે પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે વાતચીત કરતાં સ્વામીજી કહે છે :

‘આખી દુનિયા ફર્યા પછી મેં જોયું છે કે બીજા દેશોના લોકોની સરખામણીએ આપણા દેશના લોકો તમોગુણ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલા છે. બહારથી સાત્ત્વિક (શાંત અને સમતોલ) સ્થિતિ દેખાતી હોય છતાં અંદર તો વૃક્ષ અને પાષાણ જેવી પૂર્ણ જડતા ભરેલી હોય છે. આવા માણસો જગતમાં શું કામ કરી શકવાના છે ? આવા નિષ્ક્રિય, આળસુ અને ઈંદ્રિયપરાયણ લોકો ક્યાં સુધી આ જગતમાં જીવી શકશે ? પ્રથમ પાશ્ચાત્ય દેશોમાં મુસાફરી કરી આવો અને પછી જ મારા કથનનો વિરોધ કરો. પાશ્ચાત્ય લોકોના જીવનમાં કેટલું સાહસ, કામમાં કેટલી નિષ્ઠા, કેટલો ઉત્સાહ અને રજોગુણની કેટલી બધી અભિવ્યક્તિ દેખાય છે ? જ્યારે આપણા દેશમાં જાણે કે લોહી હૃદયમાં થીજી જઈને નસોમાં ફરી જ શકતું ન હોય તેના જેવું છે – જાણે શરીરને પક્ષાઘાત થયો હોઈ તે નિશ્ચેષ્ટ બન્યું છે. તેથી મારો વિચાર પ્રથમ રજોગુણનો વિકાસ કરી લોકોને પ્રવૃત્તિશીલ બનાવી જીવન-સંગ્રામમાં ઝઝૂમવા માટે સમર્થ બનાવવાનો છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૩૩-૩૪)

પોતાના પ્રિય શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીના આહાર વિશેના એક પ્રશ્નના ઉત્તરમાં આ રજોગુણને જગાડવાની શા માટે જરૂર છે, એની ચર્ચા કરતાં સ્વામીજીએ કહ્યું છે :

‘અત્યારે આપણને રજોગુણની શક્તિને પ્રચંડ રીતે જગાડવાની જરૂર છે કારણ કે આખો દેશ તમોગુણના આવરણમાં ઢંકાઈ ગયો છે. આ દેશના લોકોને પૂરાં અન્નવસ્ત્ર મળવાં જોઈએ, તેમને જાગ્રત કરવા જોઈએ, તેમને વધુ ક્રિયાશીલ બનાવવા જોઈએ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૧૨૩)

જીવતા પણ દુ:ખી અને પીડિત કે કુદરતી આપત્તિને લીધે દુ:ખી દુ:ખી થઈ ગયેલા લોકોની સેવા કરવી અને એમનાં આંસુ લૂછવાં એ જ પહેલો માનવધર્મ છે. એક વખત એક પ્રચારક પશુઓ માટે ફંડ એકઠું કરવા આવેલા. એ પ્રચારકને તે વખતે ભારતના મધ્યપ્રદેશના દુષ્કાળને લીધે નવ લાખ માણસો મૃત્યુ પામ્યા હતા, તેમને માટે કંઈક કરવા સ્વામીજીએ કહ્યું. એના પ્રત્યુત્તરમાં પેલા પ્રચારકે એ માનવીઓનાં મૃત્યુ તો એમના પાપકર્મને કારણે થયાં છે એવું કહ્યું. એટલે સ્વામીજીએ એને જવાબ આપતાં કહ્યું,

‘હું તો અકિંચન સંન્યાસી છું; તમને મદદ કરી શકું તેટલા પૈસા હું ક્યાંથી લાવું ? પણ જો કદાચ મારી પાસે કાંઈ પૈસા આવશે તો તેનો ઉપયોગ હું માનવસેવા માટે પ્રથમ કરીશ. સહુ પહેલાં માનવીને જિવાડવાનો હોય; તેને ખોરાક, શિક્ષણ અને આધ્યાત્મિકતા આપવાં જોઈએ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૮.૨૩૯-૪૦)

સ્વામીજીને મન ગરીબ અને પીડિત માટે સૌ પ્રથમ એમની પ્રાથમિક જરૂરતો પૂરી પાડવાની અને સાથે ને સાથે શિક્ષણ અને ધર્મની એટલે કે આધ્યાત્મિકતાની કેળવણી આપવાની વાત સૌથી વધારે અગત્યની હતી.

જ્યારે આવી જ રીતે બેલુર મઠમાં ૧૯૦૨માં પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ એક પ્રશ્ન પૂછ્યો, ‘ભારત ફરીથી કેવી રીતે જાગી ઊઠશે ?’ ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં પણ સ્વામીજીએ ભારત કેવી રીતે પુન: જાગૃત થશે અને એનું સર્વાંગીણ કલ્યાણ કેવી રીતે સાધી શકાય એનો સરલ સહજ અને સ્પષ્ટ ઉકેલ આપતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘તમે એના રથના ચક્રને તમારા ખભાનો ટેકો આપો. દુનિયાને જ સર્વસ્વ માનવાથી અને ‘હાય મારો સંસાર, હાય મારો સંસાર !’ એમ સતત વિચાર કર્યા કરવાથી શું વળે ? અત્યારે તો તમારી ફરજ દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ગામડે ગામડે જઈને લોકોને સમજાવવાની છે કે આળસુ થઈને હાથપગ જોડી માત્ર બેસી રહ્યે હવે નહિ ચાલે. લોકોને તેમની સ્થિતિનું ભાન કરાવો અને કહો કે ‘ભાઈઓ ! ઊઠો, જાગો ! હજી ક્યાં સુધી ઊંઘ્યા કરવું છે ?’ લોકો પાસે પહોંચી તેમને પોતાની સ્થિતિ કઈ રીતે સુધારવી તેની સલાહ આપો, અને શાસ્ત્રોનાં સર્વોચ્ચ સત્યોને સરળ અને લોકભોગ્ય રીતે રજૂ કરીને તેમના અંતરમાં ઉતારો. અત્યાર સુધી બ્રાહ્મણોએ જ ધર્મનો ઈજારો રાખ્યો હતો; પણ કાળની પ્રબળ ભરતી સામે તેઓ ટકી શકે તેમ ન હોવાથી દેશમાં સૌ કોઈ એ ધર્મને મેળવી શકે એટલા માટે તમે લોકો પાસે પહોંચી જઈ એવી વ્યવસ્થા કરો કે દેશના સૌ કોઈ ધર્મ પ્રાપ્ત કરી શકે. તેમના અંતરમાં ઠસાવો કે ધર્મ પર બ્રાહ્મણોના જેટલો જ તેમનો પણ હક છે. સૌ કોઈને, ચાંડાલને સુદ્ધાં, આ જ્વલંત મંત્રની દીક્ષા આપો. ધર્મ ઉપરાંત તેમને જીવનની જરૂરિયાતો વિશે, ધંધારોજગાર વિશે, વેપાર અને ખેતીવાડી વિશે, બહુ સાદી ભાષામાં સમજણ આપો.’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૧૦૫)

બેલુર મઠમાં દર વર્ષે કેટલાક સાંથાલી મજૂરો કામ કરતા. સ્વામીજી એમની સાથે વિનોદ કરતા, એમનાં સુખદુ:ખની વાતો સાંભળતા અને આ વાતોમાં તેઓ એટલા બધા મશગૂલ બની જતા કે આવનારે પણ એમની મુલાકાત લેવા માટે થોડું થોભવું પડતું. તેઓ આ બધા મજૂરોને ઈશ્વરનાં સાક્ષાત્ સ્વરૂપો માનતા. એમનાં દુ:ખદર્દને જોઈને તેમજ આવા ભોળિયા મજૂરોની પુરુષાર્થ કરવાની તાકાત જોઈને તેમના મુખેથી આ ઉદ્ગારો સરી પડ્યા હતા :

‘અફસોસ ! તેઓ દુનિયાના કાવાદાવા કંઈ જ જાણતા નથી અને તેથી રાતદિવસ કાળી મજૂરી કર્યા છતાં પણ તેઓ પોતાને માટે પૂરું અન્નવસ્ત્ર મેળવી શકતા નથી.આપણે તેમની આંખો ઉઘાડીએ. મને તો દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે તેઓમાં અને મારામાં એક જ બ્રહ્મ છે. એક જ માતૃશક્તિ આપણા સહુમાં વસે છે, માત્ર અભિવ્યક્તિનો જ તફાવત છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૮૫)

આલ્મોડાથી ૯ જુલાઈ, ૧૮૯૭ના રોજ કુમારી મેરી હેઈલને લખેલા એક પત્રમાં સ્વામીજીની ભારતના લોકોના જીવનને ઉન્નત કરવાની તીવ્ર ઇચ્છા કેવી હતી અને એ વખતે રામકૃષ્ણ સંઘના યુવાન સંન્યાસીઓ દુ:ખી, પીડિત, નિમ્નવર્ણના લોકોની કેવી સેવા કરતા હતા એ વાતનો ઉલ્લેખ કરીને તેઓ આમ લખે છે :

‘માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી દેવું અને એ કરવામાં અમુક અંશે હું સફળ થયો છું. અહીં દુકાળ, રોગચાળો અને દારિદ્ર્યની વચમાં રહીને, સાદડીની પથારી પર પડેલા કોલેરાગ્રસ્ત ભંગીની સારવાર કરતા અને ભૂખે મરતા અસ્પૃશ્યને ખાવાનું આપતા મારા યુવાન શિષ્યોને કામ કરતા જોઈને તમારું હૈયું નાચી ઊઠત ! ભગવાન મને અને એ બધાને મદદ મોકલતો રહે છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૩૧૬)

૧૮૯૮માં પોતાના પ્રિય શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક ધારદાર પ્રશ્ન પૂછ્યો, ‘ભારતના નીચલા થરના લોકોની બુદ્ધિની દોરવણી ઉચ્ચવર્ગના લોકો પાસેથી મળે છે. એવા સંજોગોમાં એ વર્ગને પરાસ્ત કરવાની ઇચ્છા કે શક્તિ નીચલા વર્ગના લોકો ક્યાંથી લાવશે ?’ સ્વામીજીએ એ બધાંના જીવનને નજરે જોયું હતું અને પરિશ્રમ કરનારા લોકોએ યંત્રની માફક કામ કર્યું. એનું ફળ ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ની જેમ કહેવાતા ભણેલા ગણેલા અને ભદ્ર સમાજના લોકોએ પોતાના ઘર ભેગું કરી દીધું. આ ઘોર અન્યાયની વાત કરતાં તેઓ આ શબ્દો ઉચ્ચારે છે :

‘જીવનસંઘર્ષમાં ગળાબૂડ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવાતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે. દરેક દેશમાં આમ જ બન્યું છે. પણ હવે કાળ બદલાયો છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૮)

પણ સ્વામીજી નીચલા વર્ગના લોકોના કલ્યાણ માટે આશાવાદી હતા. એમણે જોયું કે આ લોકોનાં દુ:ખનું મૂળ કારણ કેળવણીનો અભાવ છે. વળી એમનામાં ઉચ્ચનીચના ભેદભાવે એક તિરસ્કારની ભાવના ઊભી કરી છે. એટલે જ એ લોકો દુ:ખી અને દુ:ખી થતાં રહે છે. પણ એમને સમાજનું એક અગત્યનું અંગ ગણીએ અને હૃદયથી ચાહીએ તો એમનામાં આત્મશ્રદ્ધા જાગશે અને એ લોકો સજાગ બનશે. આવી જાગૃતિ એ લોકોમાં આવી રહી છે. હવે બાકીનું કામ કેળવણીએ કરવાનું છે, એ વિશે વાત કરતાં તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

‘નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, .. માટે જ હું તમને કહું છું કે આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે ‘તમે અમારા ભાઈઓ છો, અમારું જ અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી.’ તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સોગણો વધશે… આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવો. તેમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં ગૂઢ તત્ત્વો પણ સમજાવો. (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૮-૯)

Total Views: 415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.