સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ

‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે. આ વ્યાયામશાળામાં આપણે સહુએ વ્યાયામ કરવાનો છે જેથી આધ્યાત્મિક રીતે આપણે સબળ અને વધુ સબળ બનીએ.’ (૧.૬૪)

શિવજ્ઞાને જીવસેવાના સાચા આદર્શ સાથે જો આપણે સેવા કરીએ તો એ સેવા દ્વારા આપણી આત્મોન્નતિ થાય છે અને જગતનું ભલું કરવું એ તો માત્ર એમાંથી એક નીપજતી બાબત જેવું છે, એ ગૌણ છે. જો આ ભાવ મનમાં રાખે તો અને માનવ સેવા કરતાં કરતાં અહંકારી બનવાને બદલે વધારે વિનમ્ર બને છે અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધે છે. આ વાત સેવાકાર્ય કરતા બધા કાર્યકરોએ અને એ સેવાયજ્ઞમાં ધનથી સહાય કરનારા દાતાઓએ પણ ગાંઠે બાંધી લીધા જેવી છે. સામાન્ય રીતે મોટા ભાગનાં સેવાકાર્યોમાં દંભ અને દેખાડો કરવાનું પ્રમાણ વધારે હોય છે; આપણા સેવાપ્રકલ્પો ફારસ જેવા બની જાય છે. આ વાતને સ્વામીજી ઉપરોક્ત વ્યાખ્યાનમાં એક સરસ વ્યંગવિનોદ સાથે રજૂઆત કરતાં કહે છેઃ

‘આપણે બહુ બહુ તો શું કરી શકીએ? હોસ્પિટલ બાંધીએ, રસ્તાઓ બનાવીએ અથવા ગરીબો માટે આશ્રયસ્થાનો બનાવીએ. દાન માટે ફાળો કરીને આપણે બે-ત્રણ કરોડ રૂપિયા ભેગા કરીએ; તેમાંના એક કરોડ રૂપિયામાંથી એક હોસ્પિટલ બંધાવીએ, બીજા કરોડ રૂપિયામાંથી નૃત્ય સમારંભો યોજીએ અને દારૂની મહેફિલો ઊજવીએ, અને ત્રીજા કરોડ રૂપિયામાંથી અર્ધા અધિકારીઓને ખાવા દઈએ અને આખરે બાકીના ગરીબો સુધી પહોંચાડીએ. પણ આ બધા આખરે શું છે? એક પવનનું મોટું તોફાન આવે અને પાંચ મિનિટમાં તમારાં બધાં મકાનો જમીનદોસ્ત કરી નાખે, ત્યારે આપણે શું કરશું? જ્વાળામુખીનો એક પ્રકોપ આપણા બધા રસ્તાઓ, હોસ્પિટલો, શહેરો અને મકાનો રોળી નાંખવાનો. જગતનું કલ્યાણ કરવાની આપણી આ બધી મૂર્ખ વાતો આપણે છોડી દેવી જોઈએ. જગત મારી કે તમારી સહાય માટે રાહ જોઈને ઊભું નથી; તેમ છતાં આપણે કાર્ય કરવું જોઈએ, સતત રીતે શુભકાર્ય કરવું જોઈએ, કેમ કે એ આપણા પોતાના માટે જ આશીર્વાદ સમાન છે. આ એક જ રસ્તે આપણે સંપૂર્ણ બની શકીએ.’ (૧.૬૧)

મોટા ભાગના સેવાપ્રકલ્પો નામયશ કે કીર્તિથી પ્રેરાઈને થતાં હોય છે. અસંખ્ય લોકો એ લાગણીના પ્રવાહમાં તણાઈને એમાં ખાબકી પડે છે. સેવાના પરમ આદર્શને તેઓ છેલ્લે સુધી જાળવી શકતાં નથી. લાગણીના જોરે આરંભે શૂરા જેવું દેખાય છે પણ એને લાંબા ગાળા સુધી ચલાવી કે નીભાવી શકતાં નથી.

‘યુરોપ પ્રવાસના વર્ણન’ નામના લેખમાં સ્વામીજી કહે છેઃ

‘જ્યારે કોઈ મહાન કાર્ય કરવાનું માથે આવે છે ત્યારે તો ઘણાય લોકો શૂરવીર બની જાય છે. હજારો માણસો પ્રશંસા કરતા હોય ત્યારે તો કાયર પણ સહેલાઈથી પોતાની જિંદગી આપી દે છે અને ઘોર સ્વાર્થી માણસ પણ નિઃસ્વાર્થી બને છે. પરંતુ બધાથી અજાણ રહીને નાનાં નાનાં કાર્યોમાં પણ તેવી જ નિઃસ્વાર્થ ભાવના અને કર્તવ્યનિષ્ઠા બતાવનાર જ ધન્યવાદને પાત્ર છે. ભારતના સદા કચડાયેલા શ્રમજીવીઓ! તમે તેવા અબોલ છો. તમને અમારાં વંદન હો!’ (૬.૧૬૩-૬૪)

સૈકાઓથી કચડાયેલા અને પછાતવર્ગના લોકોના શ્રમથી જ ભારત પ્રગતિના પંથે રહ્યું હતું. આપણું દુર્ભાગ્ય એ છે કે જેમના પરસેવાથી આપણે બધી સુખાકારીઓ ભોગવીએ છીએ એ લોકોને કહેવાતા શિક્ષિત અને ભદ્ર લોકોએ જ અવગણ્યા છે. એટલે જ સ્વામીજી કહે છે કે જો આપણે ભારતનું પુનરુત્થાન કરવું હોય તો એમના મૂલ્યવાન પ્રદાનની આપણે કદર કરવી જ રહી. આધુનિક કેળવણીનાં બધાં મીઠાં ફળ એમને ચખાડીને એમને વધુ શક્તિશાળી બનાવવાની જરૂર છે. નિઃસ્વાર્થભાવે એમણે કરેલી હજારો વર્ષની એમની સેવાઓનું ભારતના ઉચ્ચવર્ગના લોકો ઋણ અદા કરે એવી ચેતવણીના સૂર સાથેની અભિલાષા સ્વામીજીએ પોતાની આગવી રીતે વ્યક્ત કરી છે.

સ્વામીજીએ શિકાગોથી ૨૦ જૂન, ૧૮૯૪ના રોજ જૂનાગઢના તત્કાલીન દીવાન શ્રી હરિદાસ વિહારીદાસને લખેલા એક પત્રમાં કહ્યું છેઃ

‘સાચી પ્રજા કે જે ઝૂંપડીમાં રહે છે, તે પોતાનું મનુષ્યત્વ, પોતાનું વ્યક્તિત્વ ભૂલી ગઈ છે.’ (૧૦.૧૦૪)

શિકાગોથી ૧૮ માર્ચ, ૧૮૯૪ના રોજ શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી)ને લખેલા એક પત્રમાં સ્વામીજી કહે છેઃ

‘દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે.’ (૮.૪૪)

કેલિફોર્નિયાથી ૨૧ ફેબ્રુઆરી, ૧૯૦૦ના રોજ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદને અત્યંત પ્રેરણાદાયી પત્ર લખ્યો હતો. એ પત્રમાં ભારતના ગ્રામ કલ્યાણ માટે અને ગામડામાં વસતા પાછળ રહી ગયેલા ગરીબ ગ્રામવાસીઓના સાર્વત્રિક કલ્યાણ માટે એક ભવ્ય આયોજન આપ્યું છે.

આ કાર્ય રામકૃષ્ણ મિશનનાં ગ્રામ્ય વિસ્તારનાં કેન્દ્રોએ શું શું કરવું જોઈએ એની એક કાર્યયોજના સ્વામીજીએ રજૂ કરી છેઃ

‘..આપણા આશ્રમો નિરાધાર, ગરીબ અભણ ખેડૂતો અને મજૂરવર્ગના લોકો માટે છે. પહેલાં એ લોકોને માટે બધું થઈ જાય પછી સમય વધે તો જ તે ઉચ્ચ વર્ગાે માટે આપવો. આ ખેડૂતો અને મજૂર વર્ગના લોકો પ્રેમથી જિતાઈ જશે. પછી તો તેઓ પોતે જ નાની રકમો ભેગી કરીને પોતાનાં ગામોમાં આશ્રમો શરૂ કરશે, અને ધીમે ધીમે એ લોકોમાંથી જ શિક્ષકો પેદા થશે.

ખેડૂતવર્ગના લોકોનાં કેટલાંક છોકરા- છોકરીઓને થોડોક પ્રારંભિક અભ્યાસ કરાવો અને તેમના મગજમાં અમુક વિચારો દાખલ કરો. પછીથી દરેક ગામડાના ખેડૂતો પૈસા એકઠા કરીને પોતામાંથી જ એકાદ ભણેલાને પોતાના ગામમાં વસાવશે. उद्धरे दात्मनात्मानम् ‘માણસે પોતાના પરિશ્રમથી જ પોતાની ઉન્નતિ કરવી જોઈએ.’ આ વાક્ય પ્રત્યેક ક્ષેત્રમાં સાચું છે. તેઓ પગભર થાય તે માટે જ આપણે તેમને મદદ કરીએ છીએ. તેઓ તમને ગુજરાન ચાલે તેટલું આપે છે, તેમાં જ ખરું કાર્ય કરે છે. જ્યારે તેઓ પોતાની સ્થિતિ સમજશે અને મદદ તથા સુધારાની જરૂર છે એમ તેમને ભાન થશે, ત્યારથી જાણી લેજો કે તમારા કાર્યની અસર થઈ ચૂકી છે અને તે સાચી દિશામાં છે.

ધનિકો દયાભાવથી ગરીબોનું જે થોડુંક ભલું કરે છે તે ચિરંજીવ નથી, અને અંતે બન્ને પક્ષને નુકસાનકારક નીવડે છે. ખેડૂતો અને મજૂરવર્ગના લોકો મૃતઃપાય અવસ્થામાં છે; એટલે પૈસાદાર લોકોએ તેમને શક્તિ પાછી મેળવવા પૂરતી જ મદદ કરવાની જરૂર છે, એથી વિશેષ નહિ. પછી તો એ લોકો પોતે જ પોતાના પ્રશ્નોમાં ઊંડા ઊતરે તથા સમજીને તેમનો ઉકેલ લાવે, એ તેમના પર છોડી દો. પરંતુ ગરીબ ખેડૂતો અને મજૂરવર્ગના લોકો તથા ધનિકવર્ગ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે તમારે જોવાનું છે.

ધનિકોને ગાળો ન આપવાનો નિશ્ચય કરજો. स्वकार्यमुद्धरेत्प्राज्ञः। ‘ડાહ્યા માણસે પોતાનું કામ કાઢી લેવું જોઈએ.’ (૧૦.૨-૩)

નિરર્થક બાહ્ય કર્મકાંડ અને શાસ્ત્રચર્ચા વગેરેમાં સમાયેલા, અત્યંત રૂઢિચુસ્ત અને સંકુચિત ધર્મને બદલે સાચા ધર્મનું આચરણ એમને શીખવવાનું છે, એવું સ્વામીજી દૃઢપણે માનતા. એનું કારણ એ છે કે આવી નિરર્થક ચર્ચા અને બાહ્ય વિધિ-વિધાનો માનવની જીવનશક્તિને હણી નાખે છે.

જો એમને પોતાની ક્ષીણ થયેલી શક્તિઓને વધારે ને વધારે જાગ્રત કરીને સમૃદ્ધ બનાવવી હોય અને જીવનના સંઘર્ષાે સામે લડવાની અદમ્ય તાકાત આપવી હોય તો વ્યવહારુ વેદાંત દ્વારા આપણને એનો ઉકેલ સ્વામીજીએ આપ્યો છે. ઉપર્યુક્ત પત્રમાં સ્વામી અખંડાનંદજીને તેઓ લખે છેઃ

જય ગુરુદેવ! જય મા જગદંબા! ડરવું શા માટે? તક, તેનો ઉપાય અને તેનો અમલઃ બધું આપોઆપ મળી આવશે. હું સારા અને નરસા પરિણામની પરવા નથી કરતો. તમે આટલું કાર્ય કરશો તો પણ હું ખુશી થઈશ. ધર્મગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, મતાગ્રહો, વાગ્યુદ્ધોઃ આ બધું ઉંમર વધવાની સાથે મને ઝેર જેવું લાગે છે. ખાતરીપૂર્વક માનજો કે કામ કરશે તેને હું શિરોધાર્ય ગણીશ. નકામા શાબ્દિક વાદવિવાદો અને ખોટી ધાંધલમાં આપણો સમય વીતી જાય છે. માનવતાની સેવાના કાર્યને એક પગલું પણ આગળ ધપાવ્યા સિવાય આવા વાદવિવાદો આપણી જીવનશક્તિને ક્ષીણ કરી નાખે છે. मा भैः ‘ડરો નહિ!’ શાબાશ! તમે ખરેખર વીર છો! કલ્યાણમય ગુરુદેવ તમારા હૃદયમાં નિવાસ કરો અને મા ભગવતી તમારા હાથમાં બળ પ્રેરો તેવા આશીર્વાદ સાથે. (૧૦.૨-૩)

૨૩ જૂન, ૧૮૯૪ના રોજ શિકાગોથી મૈસૂરના મહારાજાને ‘જનતા પ્રત્યેની આપણી ફરજ’ વિશેના પત્રમાં સ્વામીજીએ એમને રામકૃષ્ણ સંઘની ભાવિ નવી યોજના અને ભૂતકાળમાં ક્યારેય અમલમાં ન આવી હોય એવા ભારતના સંન્યાસીઓ માટે નવા અભિગમ સાથેના કેળવણી અને સેવાયજ્ઞની વાત લખી છેઃ

‘ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે. આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છેઃ ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની. આપણા લોકો અને રાજાઓ સમક્ષ આ એક જ મહાન કાર્ય છે. આજ સુધી તે દિશામાં કંઈ જ કરાયું નથી. બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે. તેમને નવા વિચારો આપવાની અને દુનિયામાં ચોપાસ શું ચાલી રહ્યું છે તેના તરફ તેમની આંખો ઉઘાડવાની જરૂર છે. એમ થશે તો પછી તેઓ પોતાનો ઉદ્ધાર પોતે જ સાધી લેશે. દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ. આપણું કાર્ય રસાયણોને એકઠાં મેળવવાનું છે; સ્ફટિકો તેમાંથી કુદરતના નિયમ પ્રમાણે સ્વયં બંધાશે. આપણી ફરજ તેમના મગજમાં વિચારો મૂકવાની છે; બાકી બધું તેઓ કરશે. ભારતમાં આ કરવાની જરૂર છે.

ઘણા લાંબા વખતથી મારા મનમાં ઘોળાઈ રહ્યો છે તે આ વિચાર છે. તેનો અમલ હું ભારતમાં કરી ન શક્યો. અને મારું આ દેશમાં આવવાનું કારણ પણ એ જ છે. ગરીબોને કેળવણી આપવામાં જે મોટી મુશ્કેલી છે તે આ છે. માનો કે આપ નામદાર દરેક ગામમાં મફત શાળા ખોલો, તો પણ તેથી કંઈ લાભ થવાનો નથી. આપણા ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે. હવે જો પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ. આપણા દેશમાં હજારો એકનિષ્ઠ ત્યાગી સંન્યાસીઓ છે; તેઓ ગામેગામ ધર્માેપદેશ આપતા ફરે છે. તે પૈકીના કેટલાકોને જો આવી વ્યાવહારિક બાબતોના શિક્ષકો તરીકે પણ ગોઠવવામાં આવે તો તેઓ સ્થળે સ્થળે અને ઘેર ઘેર માત્ર ધર્માેપદેશ જ નહીં પરંતુ શિક્ષણ સુદ્ધાં આપતા ફરશે. માનો કે તેમના પૈકી બેત્રણ જણ સાંજના ભાગમાં કોઈ ગામડામાં કેમેરા, પૃથ્વીનો ગોળો, કેટલાક નકશા વગેરે ચીજો સાથે લઈને જાય તો અભણ લોકોને તેઓ ખગોળ અને ભૂગોળનું ઘણું જ્ઞાન આપી શકે. જિંદગીભર પુસ્તકો વાંચવાથી આ ગામડિયાઓને જે જ્ઞાન માંડ મળી શકે, તેના કરતાં સોગણું વધારે જ્ઞાન તે સાધુઓ જુદી જુદી પ્રજાઓની વાતો કહીને તેમને આપી શકશે. આ કાર્ય માટે એક સંસ્થાની જરૂર છે..’ (૩.૨૮૮)

ઉપર્યુક્ત કેળવણીના અભાવે આપણા ગરીબ અને નીચલા વર્ણના લોકો અત્યંત અસહાય બની ગયા છે. તેઓ આત્મવિશ્વાસવિહોણા બનીને દિનબદિન નીચે ને નીચે સરી રહ્યા છે.

મેસેચ્યુસેટ્સથી ૨૦ ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ મદ્રાસના પોતાના શિષ્ય આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં સ્વામીજી આ વિશે કહે છેઃ

‘ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમજ પતિતોને મિત્રો કે મદદ મળતાં નથી; ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેઓ ઊંચે ચડી શક્તાં નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે; ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને લાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે! આ બધાંનું પરિણામ છે ગુલામી.’ (૯.૨૦૧)

યુગોનાં દુઃખકષ્ટ સામે લડીલડીને આપણી આ પ્રજા અત્યંત સહિષ્ણુ બની ગઈ છે. સમાજના નીચલા વર્ગમાં રહેલી અખૂટ અને સુષુપ્ત પ્રાણશક્તિને ફરીથી જાગ્રત કરવા પોતાના ‘યુરોપ પ્રવાસનું વર્ણન’ નામના લેખમાં સ્વામીજી એક ઉદ્ઘોષણા કરતાં કહે છેઃ

‘તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી – માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા કર્યા છે. પરિણામે તેમનામાં અદ્‌ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુઃખ વેઠયું છે, કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મુઠ્ઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઊથલપાથલ કરી શકે છે; જો ફક્ત અરધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણે લોકમાં સમાશે નહિ. તેમનામાં રક્તબીજની અખૂટ પ્રાણશક્તિ છે. ઉપરાંત તેમનામાં દુનિયામાં કયાંય પણ ન સાંપડે તેવા નીતિમય જીવનની અદ્‌ભુત તાકાત છે. સ્વભાવની આવી શાંતિ, આવો સંતોષ, આવો પ્રેમ, દિનરાત મૂંગા મૂંગાં કાર્ય કરવાની આટલી શક્તિ અને કાર્યને સમયે સિંહસમી તાકાતનું પ્રદર્શન તમને બીજે કયાં જોવા મળવાનાં છે?’ (૮.૧૪૦-૪૧)

Total Views: 572

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.