ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો અને દેશનેતાઓનાં જ આપણે ગુણગાન કરતા રહીએ છીએ પણ ખરેખર તો આ સામન્ય જનતાએ મૂગે મોઢે અને શાંત કરેલી મહેનતના પરિણામે જ આ બધાં દેશો કે સામ્રાો સમૃદ્ધ બન્યા છે. આ સામાન્ય પ્રજાજનોનો ઋણસ્વીકાર કરવાની સ્વામી વિવેકાનંદે આપણા દેશનેતાઓ, સમાજસુધારકોને અને અન્ય પ્રબુદ્ધ નાગરિકોને શાણપણભરી સલાહ આપી.
‘યુરોપના પ્રવાસનું વર્ણન’ નામના લેખમાં સ્વામીજી પોતાની પ્રબળ વાણીમાં લખે છેઃ
‘… માનવજાતિની જે પ્રગતિ અત્યાર સુધી જેમનાં લોહી રેડાવાથી સધાઈ છે, તેનો યશ ગાવાની કોને પડી છે? આઘ્યાત્મિકતા, સંગ્રામ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં આગેવાનો બધાની નજરે મોટા દેખાયા છે, બધાના પૂજ્ય બન્યા છે, પણ જેમને કોઈ જોતું નથી, જેમને માટે પ્રોત્સાહનનો એક શબ્દ પણ કોઈ કાઢતું નથી, ઊલટું જેમના પ્રત્યે સહુ ઉપેક્ષા દાખવે છે, તે શ્રમજીવીઓ આવા સંજોગોમાં રહેતા હોવા છતાં તેમનામાં કેવી અસીમ ધીરજ, અખૂટ પ્રેમ અને નિર્ભય વ્યાવહારિકપણું છે! આપણા ગરીબો મૂંગા મૂંગા પોતાનું કામ કર્યે જાય છે. શું આમાં પણ વીરતા નથી? જ્યારે કોઈ મહાન કાર્ય કરવાનું માથે આવે છે ત્યારે તો ઘણાય લોકો શૂરવીર બની જાય છે. હજારો માણસો પ્રશંસા કરતા હોય ત્યારે તો કાયર પણ સહેલાઈથી પોતાની જિંદગી આપી દે છે અને ઘોર સ્વાર્થી માણસ પણ નિઃસ્વાર્થી બને છે. પરંતુ બધાથી અજાણ રહીને નાનાં નાનાં કાર્યોમાં પણ તેવી જ નિઃસ્વાર્થ ભાવના અને કર્તવ્યનિષ્ઠા બતાવનાર જ ધન્યવાદને પાત્ર છે. ભારતના સદા કચડાયેલા શ્રમજીવીઓ! તમે તેવા અબોલ છો. તમને અમારાં વંદન હો! (૬.૧૬૩)
ભારતના આ પછાતવર્ગના લોકોએ આપેલા અમૂલ્ય પ્રદાન અને એમની કહેવાતા ભદ્ર સમાજે કરેલી ઉપેક્ષા વિશે સ્વામીજી પોતાના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને બેલૂર મઠની ભાડાની જગ્યામાં ૧૮૯૮ના પોતાના વાર્તાલાપમાં આ શબ્દો ઉચ્ચારે છેઃ
‘ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. યુગો થયા તેઓ મૂંગા મૂંગા કામ કરે છે અને દેશની સમૃદ્ધિમાં બધી રીતે વધારો કરે છે… આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે.
ભલે તેમણે તમારી માફક થોડાં પુસ્તકો વાંચ્યાં ન હોય, અગર તમારા જેવી નકલી સંસ્કૃતિને અપનાવી ન હોય. આ બધાની શી કિંમત છે? પણ આ નીચલો વર્ગ જ બધા દેશોમાં પ્રજાની આધારશિલા છે. જો આ લોકો કામ કરતા અટકી જાય તો તમે તમારાં અન્ન અને વસ્ત્ર ક્યાંથી મેળવવાના છો? જો કોલકાતાના ઝાડુવાળાઓ એક દિવસ પણ કામ બંધ કરે તો ગભરામણ પેદા થાય; અને ત્રણ દિવસ જો હડતાલ પાડે તો રોગચાળો ફાટી નીકળવાથી આખું શહેર ખલાસ થઈ જાય! મજૂરો કામ બંધ કરે તો તમને રોજનાં અન્ન અને વસ્ત્ર મળતાં પણ બંધ થાય. અને છતાં તમે એ લોકોને હલકા વર્ણના લેખો છો, અને તમારી સંસ્કૃતિનાં બણગાં ફૂંકો છો!’ (૯.૮-૯)
આવું બનવાનું મૂળ કારણ કયું છે એ વિશે ચર્ચા કરતાં આ જ વાર્તાલાપોમાં સ્વામીજી પોતાના શિષ્યને કહે છેઃ
‘જીવનસંઘર્ષમાં ગળાબૂડ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે. દરેક દેશમાં આમ જ બન્યું છે.’ (૯.૯)
જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહે તો એનાં માઠાં પરિણામો વિશે આપણને સાવધાન કરતી વાણીમાં સ્વામીજી કહે છેઃ
‘.. હવે કાળ બદલાયો છે. નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે, અને પોતાના વાજબી હકો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે. યુરોપ અને અમેરિકાની જનતા પહેલાં જાગ્રત થઈ છે, અને તેણે લડત શરૂ પણ કરી દીધી છે. ભારતમાં પણ આ જાગૃતિનાં ચિહ્નો જણાવા લાગ્યાં છે, કે જે હાલમાં નીચલા થરના લોકોની હડતાળો પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ગમે તેટલો પ્રયાસ કર્યા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી રાખી શકશે નહીં. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.’ (૯.૯)
આ સામાન્ય જનતા પોતાના સાચા હકો કેવી રીતે પાછા મેળવી શકે અને પોતાનો ઉદ્ધાર કરી શકે એ માટે સ્વામીજી આપણને કેટલાક ઉપાયો સૂચવે છે સાથે ને સાથે ભદ્રસમાજના એવાં ઉદ્ધારક કાર્યો દ્વારા થનારા કલ્યાણની વાત કરતાં કહે છેઃ
‘..હું તમને કહું છું કે આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે ‘તમે અમારા ભાઈઓ છો, અમારું જ અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી.’ તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સોગણો વધશે. આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનોતિ પ્રગટાવો. તેમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં ગૂઢ તવો પણ સમજાવો. આ શિક્ષણના બદલામાં તેવા શિક્ષકોની ગરીબી પણ દૂર થશે. પરસ્પર આપ-લેથી બંને પક્ષો એકબીજા પ્રત્યે મૈત્રીભાવ રાખતા થશે.’ (૯.૯)
આવા શિક્ષણ દ્વારા એવા લોકોમાં પણ ભદ્ર સમાજની જેમ પ્રમાદીપણું અને શારીરિક શ્રમ માટેની સૂગ ઊભી તો નહિ થાય ને? શિષ્યના મનમાં આવો પ્રશ્ન ઊઠ્યો ત્યારે સ્વામીજીએ એ વાતને સ્પષ્ટ કરતાં આગળ કહ્યુંઃ
‘એમ શા માટે બને? જ્ઞાનના વિકાસ પછી પણ કુંભાર તે કુંભાર જ રહેશે, માછીમાર માછીમાર જ રહેશે અને ખેડૂત તે ખેડૂત જ રહેશે. શા માટે તેઓ પોતાના વારસાગત વ્યવસાય છોડી દે?’ (૯.૯)
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં વર્ણવેલ સ્વધર્મના ઉપદેશને ટાંકીને સ્વામીજીએ આગળ કહ્યુંઃ
‘જો આ પ્રમાણે તેમને શીખવવામાં આવે તો શા માટે તેઓ પોતાના વ્યવસાય છોડે? ઊલટું જે સ્વાભાવિક ધંધો લઈને તે જન્મ્યો છે, તેને સુધારવામાં તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. વખત જતાં તેમનામાંથી પણ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિઓ જરૂર પાકશે. તમે (ઉચ્ચ વર્ણના લોકો) તેમને તમારામાં સમાવી લેજો. બ્રાહ્મણોએ પરાક્રમી ક્ષત્રિય રાજા વિશ્વામિત્રને બ્રાહ્મણ તરીકે સ્વીકાર્યા હતા. આ કાર્ય માટે આખી ક્ષત્રિય જાતિ બ્રાહ્મણોની કેટલી ઋણી છે, તેનો વિચાર કરો. આવી સહાનુભૂતિ અને સહકારથી પશુપક્ષીઓ પણ આપણાં થઈ જાય છે તો પછી મનુષ્યની તો વાત જ શી કરવી?’ (૯.૯-૧૦)
આપણા ભદ્રસમાજના લોકો આ કહેવાતા પછાત સમાજના લોકો પ્રત્યે જો હૃદયની સાચી સદ્ભાવના કેળવે તો એનું સુભગ પરિણામ આવે અને જો એવું કાર્ય ન થાય તો કેવાં માઠાં ફળ ચાખવાં પડે એ વિશે સ્પષ્ટ શબ્દોમાં સ્વામીજી કહે છેઃ
‘..તે સિવાય તમારા ઉપલા વર્ગનું કલ્યાણ થવાનું નથી, તમે આંતરકલહ અને ક્લેશથી નાશ પામશો; ઘણા લાંબા વખતથી આ ચાલતું જ આવ્યું છે. જ્યારે જનતા જાગશે ત્યારે તેઓ તમારા જુલમો સમજશે, અને ત્યારે તેમની એક ફૂંકથી તમે ક્યાંય ઊડી જશો! તમારી સંસ્કૃતિ તેઓ જ લાવ્યા છે, અને તેઓ જ તેને તોડી પાડશે, ગાµલ લોકોના હાથે મહાપરાક્રમશાળી પ્રાચીન રોમની સંસ્કૃતિ કેવી ધૂળ ભેગી થઈ ગઈ તેનો વિચાર કરો. માટે હું કહું છું કે આ નીચલા વર્ગના લોકોને વિદ્યા અને સંસ્કાર આપી ઊંઘમાંથી જગાડો. જ્યારે તેઓ જાગશે – અને એક દિવસ તેઓ જાગવાના જ છે – ત્યારે તમારી સેવા તેઓ ભૂલશે નહીં અને તમારા ઋણી રહેશે.’ (૧૧.૮-૧૦)
આમ જનતાની હજારો વર્ષથી થતાં અત્યાચારના પરિણામે એમની થયેલી ભયંકર બેહાલી વિશે ચર્ચા કરતાં સ્વામીજી કહે છેઃ
‘આપણા દેશના આમવર્ગ તરફ જુઓ તો
ખરા! મોં પર નરી ઉદાસીનતા; હૈયે ન કોઈ હામ કે ન કોઈ ઉત્સાહ. હાથપગ દોરડી ને પેટ ગાગરડી જેવા, અશક્ત અને વાતવાતમાં ડરી જનારા બીકણ બાયલાઓની જમાત તમે જોઈ?’ (૯.૧૨૧)
‘ધ હિંદુ’, મદ્રાસ, ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ પ્રસિદ્ધ થયેલ એક અહેવાલમાં સ્વામીજીએ મદુરામાં આમ જનતામાં રહેલી અંતરની ભલમનસાઈ વિશે ચર્ચા કરતાં સ્વામીજી કહે છેઃ
‘આપણી સાધારણ જનતા ભૌતિક બાબતોમાં બહુ જ અજ્ઞાન છે. આપણી સામાન્ય જનતા બહુ સારી છે તેનું કારણ એ છે કે અહીં ગરીબાઈ ગુનો ગણાતી નથી. આપણી જનતા તોફાની નથી. અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં કેવળ મારા પોશાકને લીધે જ લોકો મારા ઉપર હુમલો કરવાની અણી ઉપર આવી ગયેલા. પરંતુ પોશાક વિચિત્ર હોવાને અંગે લોકોએ કોઈના પર હુમલો કર્યાે હોય એવું ભારતમાં કદી પણ મારા સાંભળવામાં આવ્યું નથી. બીજી બધી બાબતોમાં આપણી સામાન્ય જનતા યુરોપીય જનતા કરતાં ઘણી ઘણી વધારે સંસ્કારી છે.’ (૬.૨૭)
૨૩ ડિસેમ્બર ૧૯૦૦માં દેવઘર વૈદ્યનાથથી શ્રીમતી મૃણાલિની બોઝને લખેલા એક પત્રમાં આવી અણઘડ પ્રજાની હાલની દુદર્શા અને એની સાર્વત્રિક સુધારણા માટે ચર્ચા કરતાં સ્વામીજીએ કહ્યું છેઃ
‘આ બધી ક્રિયાઓ માણસો નિશ્ચેષ્ટ અને યંત્રની માફક દોરવાઈને કરે છે. કશી માનસિક પ્રવૃત્તિ નથી, હૃદયનો કશો વિકાસ નથી, જીવનની કશી ઘ્રુજારી નથી, આશાનો કશો પ્રવાહ નથી, ઇચ્છાશક્તિનો કોઈ જોરદાર ઉછાળો નથી; તીવ્ર આનંદનો કોઈ અનુભવ નથી કે અત્યંત શોકનો કોઈ સંપર્ક નથી; શોધક બુદ્ધિની કશી ચેતના નથી; નવીનતા માટે કશી ઇચ્છા નથી કે નવી વસ્તુ માટેની પ્રશંસક દ્દષ્ટિ નથી; મન ઉપરથી વાદળો કદી વિખરાતાં નથી કે પ્રભાતના સૂર્યનું જ્વલંત ચિત્ર આ હૃદયને કદી મુગ્ધ બનાવતું નથી. આવા માનસને કદી એમ સૂઝતું પણ નથી કે આથી કોઈ વિશેષ સારી સ્થિતિ હશે અને જ્યાં એવું સૂઝે છે ત્યાં તેની ખાતરી થતી નથી. જો ખાતરી થાય છે તો પુરુષાર્થનો વાંધો છે, અને જ્યાં પુરુષાર્થ પણ છે ત્યાં ઉત્સાહનો અભાવ મારી નાખે છે. (૪.૨૧૪-૧૫)
આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે આપણે શું કરવું જોઈએ એ વિશે હવે પછીના સંપાદકીયમાં જોઈશું.
Your Content Goes Here




