નવેમ્બરથી આગળ…
નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા દેશના કચડાયેલા લોકો માટે પ્રેમ અને લાગણી રાખીને એમના સાર્વત્રિક કલ્યાણની વાત જોઈ હતી.
મદ્રાસના વિક્ટોરિયા હાૅલમાં ‘મારી સમર યોજના’ વિશે વ્યાખ્યાન આપતાં સ્વામી વિવેકાનંદ જીવનમાં મહાન સિદ્ધિઓ મેળવવા, આપણા દેશના ભૂખે મરતાં અને પશુની જેમ જીવન જીવતાં લોકોની સાર્વત્રિક ઉન્નતિ કરવા સાચા સેવકના, સાચી રાષ્ટ્રભાવના સેવતા લોકોમાં કઈ કઈ બાબતોની અને કયા કયા ગુણોની આવશ્યકતા છે, તેની વાત કરતાં તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા :
‘મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી. બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંત :પ્રેરણા. પ્રેમથી અશક્યમાં અશક્ય દરવાજા ખૂલી જાય છે; વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. માટે મારા ભાવિ સુધારકો! મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે, તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈક થાય છે ? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે ? તમને એ હલાવી નાખે છે ? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા દયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુ :ખના એક માત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા? આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં, વીસરી બેઠા છો ખરા? તમે એવું કંઈ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે. તમારામાંના ઘણાખરાને ખબર છે કે હું અમેરિકા ગયો તે પેલી વિશ્વધર્મપરિષદ માટે નહીં પણ લોકો પ્રત્યેની આ કરુણાનું ભૂત મારા અંતરમાં ભરાઈ બેઠું હતું તેથી. હું ભારતભરમાં બાર બાર વર્ષો સુધી ભટક્યો હતો પણ મારા દેશબાંધવોને માટે કાર્ય કરવાનો કોઈ રસ્તો મને મળતો નહોતો; એ કારણસર હું અમેરિકા ગયેલો. એ વખતે મને પિછાણનારા તમારામાંના ઘણાખરા એ બાબત જાણો છો. એ વિશ્વધર્મપરિષદની કોને પરવા હતી? અહીં તો મારું પોતાનું લોહી ને માંસ, મારાં ભાંડુઓ રોજ ને રોજ ખલાસ થયે જતાં હતાં, પણ એની કોને પડી હતી? મારું એ પહેલું કાર્ય હતું.’
આવાં સર્વકલ્યાણનાં સેવાકાર્યો કરનાર વ્યક્તિમાં ઇચ્છાશક્તિ, વ્યવહારુ ઉકેલની શોધ અને પોતાના નામ-યશની ખેવના કર્યા વગર સતત કાર્યો કર્યે જવાની ભાવના વિષે વાત કરતાં તેમણે આ જ વ્યાખ્યાનમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :
‘વારુ, ત્યારે તમને કદાચ લાગણી તો થઈ; પણ કેવળ મોંએથી થૂંક ઉડાડવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુ :ખો હળવાં કરવાને માટે મીઠાશભર્યાં વચનો, આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવા માટેનો કોઈ વ્યવહારુ ઉકેલ તમને જડ્યો છે? અને છતાંય, એ કાંઈ સર્વસ્વ નથી. તમારામાં પર્વત જેટલી મુશ્કેલીઓને પાર કરવાની ઇચ્છાશક્તિ છે? દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા ? તે છતાં તમે એની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા ? મહારાજા ભર્તૃહરિ કહે છે : ‘વ્યવહારકુશળ માણસો તમારી નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મીદેવી તમારી પાસે આવે કે તેની મરજી પડે ત્યાં ચાલી જાય. મૃત્યુ આજ આવે કે સો વર્ષે આવે, પણ ધૈર્યવાન પુરુષ સત્યના, ન્યાયના માર્ગેથી એક ડગલું પણ ચસકતો નથી.’ તમારામાં એવી મક્કમતા છે ? જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના. તમારે છાપાંઓમાં છપાવવા જવાની જરૂર નહીં રહે; તમારે ભાષણખોરીનીયે જરૂર નહીં પડે. તમારો ચહેરો જ દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તો પણ એ પથ્થરની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે. અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે, અને અંતે તે કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે. (૮.૧૦૫-૧૦૬)
૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ના રોજ દાર્જિલિંગથી શ્રીમતી સરલા ઘોષાલ, સંપાદક, ‘ભારતી’ને લખેલા એક પત્રમાં ભારત વર્ષની સાચી જાગૃતિ ક્યારે થશે, એની વાત સ્વામીજીએ આ શબ્દોમાં કરી હતી :
‘જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનનાં સુખોપભોગોની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્ર્ય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો દેશભાઈઓના કલ્યાણની ઝંખના સેવીને પોતાનાથી બનતો પુરુષાર્થ કરી છૂટશે, ત્યારે જ ભારતવર્ષ જાગ્રત થશે. મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે કે મંગળ ભાવનાઓ, હૃદયની સચ્ચાઈ અને અનંત પ્રેમ દ્વારા સમસ્ત વિશ્વને જીતી શકાય.’
તમે એના રથના ચક્રને તમારા ખભાનો ટેકો આપો. દુનિયાને જ સર્વસ્વ માનવાથી અને ‘હાય મારો સંસાર, હાય મારો સંસાર!’ એમ સતત વિચાર કર્યા કરવાથી શું વળે? અત્યારે તો તમારી ફરજ દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ગામડે ગામડે જઈને લોકોને સમજાવવાની છે. આળસુ થઈને હાથપગ જોડી માત્ર બેસી રહ્યે હવે નહિ ચાલે. લોકોને તેમની સ્થિતિનું ભાન કરાવો અને કહો કે ‘ભાઈઓ! ઊઠો, જાગો ! હજી ક્યાં સુધી ઊંઘ્યા કરવું છે?’ લોકો પાસે પહોંચી તેમને પોતાની સ્થિતિ કઈ રીતે સુધારવી તેની સલાહ આપો, અને શાસ્ત્રોનાં સર્વોચ્ચ સત્યોને સરળ અને લોકભોગ્ય રીતે રજૂ કરીને તેમના અંતરમાં ઉતારો. અત્યાર સુધી બ્રાહ્મણોએ જ ધર્મનો ઈજારો રાખ્યો હતો; પણ કાળની પ્રબળ ભરતી સામે તેઓ ટકી શકે તેમ ન હોવાથી દેશમાં સૌ કોઈ એ ધર્મને મેળવી શકે એટલા માટે તમે લોકો પાસે પહોંચી જઈ એવી વ્યવસ્થા કરો કે દેશના સૌ કોઈ ધર્મ પ્રાપ્ત કરી શકે. તેમના અંતરમાં ઠસાવો કે ધર્મ પર બ્રાહ્મણોના જેટલો જ તેમનો પણ હક છે. સૌ કોઈને, ચાંડાલ સુદ્ધાંને, આ જ્વલંત મંત્રની દીક્ષા આપો. ધર્મ ઉપરાંત તેમને જીવનની જરૂરિયાતો વિશે, ધંધારોજગાર વિશે, વેપાર અને ખેતીવાડી વિશે, બહુ સાદી ભાષામાં સમજણ આપો. તમે જો આટલું ન કરી શકો તો તમારી કેળવણીને અને સંસ્કૃતિને ધિક્કાર છે. ધૂળ પડી તમારા વેદ- વેદાંતના અભ્યાસમાં. (૯.૧૦૫)
૧૮૯૪માં પોતાના ગુરુબંધુઓને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં સ્વામીજી ગરીબની ઝૂંપડી સુધી પહોંચીને તેમને આધુનિક વિદ્યા અને શ્રીરામકૃષ્ણ દેવના સંદેશને પ્રસરાવવાની વાત કરતાં કહે છે :
‘હું તમને એક નવો વિચાર આપું છું. જો તમે તેને અમલમાં મૂકી શકો, તો હું માનીશ કે તમે મનુષ્ય છો અને ઉપયોગી થઈ શકશો.એક વ્યવસ્થિત યોજના ઘડૉ. થોડા કેમેરા, થોડાક નકશા, પૃથ્વીના ગોળા અને કેટલાંક રસાયણોની જરૂર પડશે. પછી એક મોટી ઝૂંપડી જોઈશે. પછી તમારે બધા ગરીબ અને અજ્ઞાની લોકોને એકઠા કરીને તેમને ખગોળવિદ્યા, ભૂગોળ, વગેરે વિષયનાં ચિત્રો બતાવવાં તથા તેમને શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ કરવો. જુદા જુદા દેશમાં જે થયું છે અને જે થઈ રહ્યું છે તે વિશે, તેમજ આ જગત શેના જેવું છે, કેમ બનેલું છે વગેરે બધું કહીને તેમની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરજો. તમારે ત્યાં ગરીબ અને અજ્ઞાન લોકો પુષ્કળ છે. તેમનાં ઝૂંપડાંમાં, તેમને બારણે બારણે સાંજે, બપોરે, ગમે તે વખતે જાઓ અને તેમની દૃષ્ટિ ખોલી નાખો. પુસ્તક વગેરેનું કામ નથી. તેમને મૌખિક શિક્ષણ આપો. પછી ધીમે ધીમે તમારાં કેન્દ્રો વધારો. (૮.૭૧)
મદ્રાસના વિક્ટોરિયા હાૅલમાં ‘મારી સમર યોજના’ વિશે વ્યાખ્યાન આપતાં સ્વામી વિવેકાનંદે સાચું શિક્ષણ આપવા અને સાચી સમાજસુધારણા કરવા કેવી રીતે આગળ વધવું તેની વાત કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :
‘જેઓ સુધારા ઈચ્છે છે એવા લોકો ક્યાં છે? પ્રથમ તેમને તૈયાર કરો. એવા લોકો જ ક્યાં છે? લધુમતીનો જુલમ તો દુનિયામાં ખરાબમાં ખરાબ જુલમ છે. એક મુઠ્ઠીભર માણસો માને કે અમુક બાબતો ખરાબ છે, એથી કાંઈ આખી પ્રજા જાગી જવાની નથી. પ્રજા શા માટે જાગતી નથી? પ્રથમ પ્રજાને શિક્ષણ આપો. તમારું બંધારણ ઘડનારું મંડળ રચો, એટલે કાયદાઓ ઘડાતા આવશે. પ્રથમ જે શક્તિમાંથી, જે પ્રજાકીય સંમતિમાંથી કાયદો ઉત્પન્ન થવાનો છે એ શક્તિ, એ સંમતિ તો પેદા કરો? રાજાઓ તો ગયા; નથી પ્રજાકીય સંમતિ, લોકોની નવી શક્તિ ક્યાં છે? શક્તિને ઉપર લાવો. એટલા માટે, સામાજિક સુધારા માટે સુધ્ધાં, આપણી પહેલી જ ફરજ છે લોકોને શિક્ષણ આપવાની; એ સમય આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની જ છે. ગયા સૈકા દરમિયાન જેને માટે આંદોલન ચલાવવામાં આવ્યાં હતાં તેવા ઘણા ખરા સુધારાઓ માત્ર શોભાના રહ્યા છે. આ સુધારાઓ માંહેનો દરેકે દરેક માત્ર પહેલા બે વર્ણને સ્પર્શે છે, બીજા કોઈને નહીં. વિધવાવિવાહનો પ્રશ્ન ભારતની સિત્તેર ટકા સ્ત્રીઓને સ્પર્શશે નહીં. આવા બધા પ્રશ્નો ભારતના લોકોના માત્ર ઉચ્ચ સુશિક્ષિત વર્ણાેને જ સ્પર્શે છે. વળી ધ્યાન રાખજો કે તેમને મળેલું શિક્ષણ સાધારણ લોકોને ભોગે મળેલું છે. દરેક પ્રશ્ન તેમનાં પોતાનાં ઘર સાફ કરવા પૂરતો રહ્યો છે. પણ એ કાંઈ સમગ્ર સુધારણા નથી. તમારે તો વસ્તુના પાયા સુધી, તેના ખુદ મૂળ સુધી પહોંચવું જોઈએ. એને હું આમૂલ સુધારો કહું છું. મૂળમાં અગ્નિ પ્રગટાવો પછી એ ભલે બળતો બળતો ઊંચે જાય અને એક ભારતીય પ્રજાને તૈયાર કરે. પણ પ્રશ્નનું નિરાકરણ તમે ધારો તેટલું સહેલું નથી, કારણ કે એ પ્રશ્ન બહુ ગહન અને વિશાળ છે. માટે ઉતાવળા ન થાઓ. આ પ્રશ્ન તો કેટલાક સૈકાઓ જૂનો છે… (૨.૧૦૩)
Your Content Goes Here




