ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની મેળે પોતાના પ્રશ્નોના ઉકેલ લાવે. કોઈ પણ સંસ્થાએ મનુષ્ય, વર્ગ, જ્ઞાતિ, રાષ્ટ્ર કે સંસ્થા કોઈપણ વ્યક્તિના સ્વતંત્ર અધિકારને દબાવ્યા વિના સમાજ કે ધર્મને હાનિ કર્યા વગર સમાજને સાચી ઉન્નતિના માર્ગે કેમ વાળી શકાય અને સંસ્થા એટલે શું તેમજ સંસ્થાઓએ કયો આદર્શ સામે રાખીને કાર્ય કરવું જોઈએ એની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘સંસ્થા શબ્દનો અર્થ છે શ્રમની વહેંચણી. દરેકેદરેક પોતાના ભાગનું કામ કરે, અને બધા ભાગો એકઠા થતાં સમન્વયનો આદર્શ વ્યક્ત થાય.’ (૧૦.૭૬)

એવી જ રીતે ૨૮ મે,૧૮૯૪ ના રોજ પોતાના પ્રિય શિષ્ય મદ્રાસના આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં તરવરિયા યુવાનો, એમને આવશ્યક તાલીમ અને ઉત્સાહ પ્રેરવાથી સંઘ કે સંસ્થાનો કેવો વિકાસ થાય એની વાત કરતાં સ્વામીજી લખે છે :

‘ઉત્સાહથી થનગનતા યુવકોની એક ટુકડીને તાલીમ આપીને તૈયાર કરો. એમનામાં તમારી ધગશ પ્રગટાવો અને ઉત્તરોત્તર તેનું ક્ષેત્ર વિશાળ કરતાં કરતાં એ સંઘનો વિસ્તાર કરતા રહો.’ (૧૧.૨૨૦)

કેલિફોર્નિયાથી ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૦૦ ના રોજ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને લખેલા એક પત્રમાં ખેડૂતો અને મજૂરોને કેવી રીતે જીતવા, ગામે ગામ આશ્રમોની સ્થાપના કરવી, લોકોમાંથી જ શિક્ષકો ઊભા કરવા, સંસ્થાની નાણાંકીય આવશ્યકતાની પૂર્તિ કેવી રીતે કરવી અને કેવી કેવી સંસ્થાઓ સ્થાપવી એ વિશે વિગતવાર માર્ગદર્શન આપતાં સ્વામીજી આમ લખે છે :

‘આ ખેડૂતો અને મજૂર વર્ગના લોકો પ્રેમથી જીતાઈ જશે. પછી તો તેઓ પોતે જ નાની રકમો ભેગી કરીને પોતાનાં ગામોમાં આશ્રમો શરૂ કરશે, અને ધીમે ધીમે એ લોકોમાંથી જ શિક્ષકો પેદા થશે. … ‘પછીથી દરેક ગામડાના ખેડૂતો પૈસા એકઠા કરીને પોતામાંથી જ એકાદ ભણેલાને પોતાના ગામમાં વસાવશે.’ … ‘એટલું યાદ રાખજો કે એકાદ બે ગામડાંમાં આપેલી સેવા, વીસેક અનાથોવાળો એકાદ અનાથાશ્રમ, અને પંદર-વીસ કાર્યકરો : આટલું પણ ઘણું છે. આ બધું ગર્ભરૂપ બની રહે છે; તેનો કદી નાશ થતો નથી. સમય જતાં આમાંથી જ લાખો લોકોને લાભ મળશે.’ (૧૨.૨-૩)

ન્યૂયોર્કથી ૨૧ માર્ચ, ૧૮૯૫ના રોજ શ્રીમતી બુલને લખેલા એક પત્રમાં સંસ્થાના સંચાલન માટે અંતરાત્માની આજ્ઞા, ત્યાગ, તનમનધન પરોવીને ઝંપલાવાની તાકાત કેટલાં આવશ્યક છે તેની વાત કરતાં સ્વામીજી આ શબ્દો લખે છે :

‘તેથી જ એક કેન્દ્રસ્થાન નક્કી કરવાની મારી ઇચ્છા છે… પણ સંસ્થા સિવાય કંઈ ન થઈ શકે. અને મને માફ કરજો, પણ અહીં એક બાબતમાં મારે આપના મતથી જુદા પડવું પડશે. તે એ કે સમાજને પણ ખુશી રાખવો અને મહાન કાર્યો કરવાં ! આ બન્ને વસ્તુ સાથે કરવામાં કોઈ સફળ થયું નથી. અંતરાત્માની આજ્ઞા પ્રમાણે જ માણસે કામ કરવું જોઈએ. જો તે સાચું અને કલ્યાણકારી હશે તો તેના મૃત્યુ બાદ સૈકાઓ પછી પણ સમાજ જરૂર તેના તરફ વળશે. તન, મન અને આત્મા પરોવીને આપણે કામમાં ઝંપલાવવું જોઈએ. જ્યાં સુધી એક ને માત્ર એક જ ‘વિચાર’ માટે બીજાં બધાંનો ત્યાગ નહિ કરીએ ત્યાં સુધી આપણને પ્રકાશ ‘નહિ મળે, કદી નહિ મળે.’ (૧૦.૮૨)

‘ભારતનું ભાવિ’ નામના પોતાના વ્યાખ્યાનમાં સ્વામીજીએ સંગઠન, શક્તિ સંચય, ઇચ્છાશક્તિ અને સંકુચિત જ્ઞાતિજાતિના કે પ્રદેશ વિશેષના ભેદભાવોને ભૂલીને જો કામ થાય તો એક મહાન ભાવિભારતનું સર્જન શક્ય બને એ વાત આ શબ્દોમાં કરી છે :

‘એક મહાન ભાવિ ભારત સર્જવાનું સઘળું રહસ્ય સંગઠનમાં, શક્તિને એકત્રિત કરવામાં, સહુની ઇચ્છાશક્તિઓના સમન્વયમાં સમાયેલું છે. અત્યારે જ મને ઋગ્વેદ સંહિતાની એક અદ્‌ભુત ઋચા સાંભરી આવે છે : संवोमनांसिजुषताम् ‘તમારા સર્વેનાં મન એક થાઓ, સર્વેના વિચાર એક થાઓ, કેમ કે પુરાતન કાળમાં દેવતાઓનાં મન એક હોવાથી જ તેઓ બલિભાગ લેવાને સમર્થ થયા હતા.’ મનુષ્યો દેવતાઓનું પૂજન કરે છે એનું ખરું કારણ એ છે કે દેવતાઓનાં મન એક છે. એક મનવાળા થવું એ સમાજની સફળતાનું રહસ્ય છે. અને જેમ જેમ તમે ‘દ્રાવિડીઓ’ અને ‘આર્યો’ તથા બ્રાહ્મણ, અને અબ્રાહ્મણ વગેરે જેવી બધી ક્ષુલ્લક બાબતો માટે વાદવિવાદ અને ઝઘડા વધારે કર્યા કરશો તેમ તેમ ભારતના ભાવિનું સર્જન કરનારાં જે શક્તિસંગ્રહ અને સત્તા છે તેનાથી તમે દૂર દૂર ફેંકાઈ જશો. તમે એ ખસૂસ ધ્યાનમાં રાખજો કે ભારતનું ભાવિ સંપૂર્ણપણે તેના પર અવલંબે છે. ઇચ્છાશક્તિનું એકીકરણ, સમન્વય, એ બધાંને, એક મધ્યકેન્દ્રમાં લાવવાં એ જ સાચું રહસ્ય છે.’ (૪.૧૭૧)

શિકાગોથી ૨૮ મી મે, ૧૮૯૪ ના રોજ પોતાના પ્રિય શિષ્ય મદ્રાસના આલાસિંગા પેરુમલને લખેલા પત્રમાં સંસ્થાની સ્થાપના, તેની કાર્યપ્રણાલી અને એ સંસ્થાના સુસંચાલન માટે કેવા કેવા ઉદાત્ત ગુણોની આવશ્યકતા છે એ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરીને સ્વામીજી આમ લખે છે :

‘તમારે એક મંડળ સ્થાપવું અને એની નિયમિત સભાઓ ભરવી તથા એના વિશે મને શક્ય હોય એટલું વારંવાર લખતા રહેવું. વસ્તુત : બને તેટલો ઉત્સાહ કેળવજો. માત્ર જૂઠાણાંથી ‘ચેતજો.’ વત્સો ! કામમાં લાગી જાઓ, એટલે આપોઆપ તમારામાં ઉત્સાહ પ્રગટશે. આપણી પ્રકૃતિમાં વ્યવસ્થાશક્તિનો સદંતર અભાવ છે; પરંતુ એ શક્તિ આપણે પ્રગટાવવી પડશે. મહાન રહસ્ય છે – ઈર્ષ્યાથી દૂર રહેવું. તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હંમેશાં તત્પર રહેજો, અને સર્વદા સમાધાનભર્યું વલણ દાખવવાનો પ્રયાસ કરજો. આમાં બધું આવી જાય છે…. આપણે કોઈ પંથમાં ભળીએ નહિ, પરંતુ આપણે દરેક પંથ ખૂબ ખૂબ કાર્ય કરો, સૌને પ્રેમ દ્વારા જીતી લો!… વ્યવસ્થિત બનીને સમિતિઓની સ્થાપના કરો, અને કાર્યમાં લાગી જાઓ, કેવળ એ એક જ રસ્તો છે. (૧૧.૨૨૨)

યુ.એસ.એ.થી ૧૮૯૪માં પોતાના મદ્રાસના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં મિલનસ્થાન કે સંસ્થામાં ઉપનિષદનું વાચન મનન, જ્ઞાનોપાર્જનની પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલવી જોઈએ અને આવી સંસ્થાએ નાણાકીય રીતે સ્વાવલંબી બનીને કાર્ય કરવું જોઈએ. વળી સંસ્થાના સંવાહકોએ કેવા ગુણો કેળવીને બધાં કાર્યો કરવાં કે જેથી બધાં સાધનો એની મેળે મળી રહે એ વિશે સ્વામીજી આ શબ્દો લખે છે :

‘એક એવું મિલનસ્થાન નક્કી કરો કે જ્યાં તમે સૌ દર અઠવાડિયે એકત્ર થઈ શકો અને પ્રાર્થના તથા ઉપનિષદોનું ટીકા સહિત વાચન કરી શકો. એ રીતે ધીમે ધીમે જ્ઞાનોપાર્જન અને પ્રવૃત્તિની બાબતમાં આગળ વધી શકો. આમ, જો તમે કામમાં લાગી જશો તો સઘળાં સાધનો તમને પ્રાપ્ત થશે.. .. તો હવે કાર્ય શરૂ કરી દો ! જી. જી. ની પ્રકૃતિ ઊર્મિશીલ છે અને તમે સમતોલ વિચારશક્તિવાળા છો, એટલે બંને સાથે મળીને કાર્ય કરજો. યાહોમ કરીને પડો; આ તો કેવળ શરૂઆત છે. દરેક રાષ્ટ્રે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. હિંદુ ધર્મના પુનરુદ્ધાર માટે આપણે અમેરિકામાંથી મળતાં નાણાં ઉપર આધાર રાખવો ન જોઈએ કારણ કે એ એક ભ્રમણા જ છે. આપણું એક કેન્દ્ર હોય એ મોટી વાત છે; મદ્રાસ જેવા વિશાળ શહેરમાં એવું કોઈ કેન્દ્ર મેળવવાનો પ્રયાસ કરો, અને ત્યાંથી એક જીવંત શક્તિને તમામ દિશાઓમાં ફેલાવો. શરૂઆત ધીમેથી કરો. અત્યારે થોડાક ગૃહસ્થી પ્રચારકોથી શરૂઆત કરો; પછી ધીમે ધીમે, આ કાર્યમાં પોતાનું સમસ્ત જીવન સમર્પી દેનારા અન્ય લોકો તમને આવી મળશે. સત્તાધીશ બનવાનો પ્રયાસ ન કરો; જે મનુષ્ય ઉત્તમ રીતે સેવા કરી શકે છે તે જ ઉત્તમ રીતે સત્તા ચલાવી શકે છે. મૃત્યુપર્યંત સત્યનિષ્ઠ રહો. આપણને જોઈએ છે કાર્ય; આપણે ધન, નામના કે કીર્તિની પાછળ નથી’ (૧૧.૨૪૫)

અલમોડાથી ૧૧ મી જુલાઈ, ૧૮૯૭ના રોજ પોતાના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદને લખેલા એક પત્રમાં આવી સંસ્થાઓ દ્વારા કેળવણીના કાર્યને સામાન્યજન સુધી પહોંચાડવા માટે, લોકોને જગાડીને તેમને સ્વાશ્રયી, કરકસરિયા કેવી રીતે બનવું અને ભાવિ કુદરતી આપત્તિનો સામનો કેવી રીતે કરવો એ વિશે સ્વામીજી આ શબ્દોમાં વાત કરે છે :

‘વળી કોઈ અત્યાર સુધી તો અસરકારક નીવડ્યું હોય એવું દેખાતું નથી, કારણ કે લોકોને કેળવણી આપનારી સમિતિઓ ઊભી કરવા માટે તે સ્થળના લોકોને જગાડવામાં તેઓ સફળ થયા નથી, કે જેથી કરીને લોકો પોતે સ્વાશ્રયી બને, કરકસરિયા થાય, પરણવામાં ન પડી જાય અને ભાવિ દુકાળમાંથી પોતાને ઉગારી લે તેવી જાગૃતિ તેમનામાં આવે. (૧૨.૬૪-૬૫)

કોઈપણ સામાજિક કે ધાર્મિક સંસ્થાએ લોકકલ્યાણનું સાર્વજનિક કાર્ય કરતી વખતે સામાન્ય રીતે ટીકા,નિંદાથી પર રહીને કાર્યો કરવાં જોઈએ. જો નિંદા અને દોષારોપણની પ્રવૃત્તિમાં પડીએ તો સંસ્થાનું, વ્યક્તિનું અને અંતે સમાજનું ક્ષેમકલ્યાણ કરી ન શકાય. આ માટે તેઓ આવી ચેતવણી ઉચ્ચારતાં કહે છે :

‘બધા ઝઘડાનું મૂળ એકબીજાની ટીકા કરવી એ છે. સંસ્થાઓને તોડી પાડવામાં મુખ્ય ભાગ તે ભજવે છે.’ (૧૦.૧૦૨)

આ જ વાત પર ભાર મૂકીને સંસ્થાનું નેતૃત્વ કરનારે કેવી ભાવના કેળવવી જોઈએ, કેટલું ધૈર્ય એમનામાં હોવું જોઈએ કે જેથી એમણે કરેલાં કાર્યોને સાર્વત્રિક સફળતા મળે, એ વિશે સ્વામીજી આ શબ્દો લખે છે : ‘કામ, બસ કામ કરો ! નેતા હોવા છતાં સૌના સેવક બનો. નિ :સ્વાર્થ બનો. એક મિત્ર ખાનગીમાં બીજા ઉપર આક્ષેપ કરે તે કદી ન સાંભળો. અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ છે.’ (૫.૨૯૨-૯૩)

Total Views: 402

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.