૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની કશી કીમત નથી. એ જ રીતે, એકરૂપ ઈશ્વરને જીવ વળગી ન રહે તો, તેનું કશું જ મૂલ્ય નથી કારણ, આ લોકમાં સર્વ પદાર્થોને ઈશ્વર સાથેના તેમના જોડાણથી જ મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ સંસાર પાછળ મૂલ્ય આપનાર ઈશ્વર રહેલ છે અને, જીવ એને વળગી રહે છે ત્યાં સુધી અને ઈશ્વર માટે જ બધાં કર્મ કરે છે ત્યાં સુધી, જ, એ વધારે ને વધારે પ્રાપ્ત કરે છે; એથી ઊલટું, ઈશ્વરને વીસરી જઈને, પોતાની કીર્તિ માટે મોટાં મોટાં કાર્ય કર્યે જાય તો, એને કશું પ્રાપ્ત થતું નથી.

૧૭. તેલ વિના દીવો બળતો નથી તેમ, ઈશ્વર વિના માનવ જીવી શકતો નથી.

૧૮. લોખંડ માટે લોહચુંબક છે તેમ માનવી માટે ઈશ્વર છે. આમ છે તો, એ માણસને આકર્ષતો કેમ નથી? કાદવથી ખૂબ ખરડાયેલું લોખંડ લોહચુંબકથી આકર્ષાતું નથી તે જ રીતે, માયામાં લપેટાયેલો જીવ ઈશ્વરનું આકર્ષણ અનુભવી શકતો નથી. પણ પાણીથી કાદવ સાફ થઈ જતાં લોખંડ આકર્ષણ અનુભવતું થાય છે બરાબર તેમ જ, પ્રાર્થના અને પશ્ચાતાપનાં આંસુ વડે, જીવને સંસાર સાથે જકડીને રાખતો માયાનો મેલ ધોઈ નાખે છે ત્યારે, તુરત જ એ ઈશ્વર તરફ ખેંચાય છે.

૧૯. જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ ઘડિયાળના કલાકના અને મિનિટના કાંટાના દર કલાકે થતા જોડાણ જેવું છે. બંને પરસ્પર સંબંધિત તથા આશ્રિત છે અને, સામાન્યતયા બંને વિભક્ત હોવા છતાં, અનુકૂળ તક મળતાં બને એટલી વાર યુક્ત થઈ જાય છે.

૨૦. બંધનમાંનો જીવ મનુષ્ય છે પણ, (માયાના) બંધનથી મુક્ત પરમાત્મા છે.

૨૧. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ શો છે? વચ્ચે લાકડી મૂકવાથી પાણીનાં પ્રવાહ બે ભાગમાં વિભાજિત લાગે તેમ, માયાની મર્યાદાને લઈને જીવાત્મા અને પરમાત્મા જુદા દેખાય છે.

[- હવે પ્રસિદ્ઘ થનારા પુસ્તક‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.