અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા માણસ કરતાં, કે એક પશુ કરતાંય ઊંચી શા માટે માનવી? સર્વત્ર એ સમસ્વરૂપ પરમાત્મા જ છે:
त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उत वा कुमारी।
‘તું જ પુરુષ છે, તું જ સ્ત્રી છે. તું જ યુવાન છે, યુવતી પણ તું જ છે.’ કેટલાક કહેશે કે ‘આ બધું સંન્યાસીને માટે ઠીક છે, પણ અમે તો ગૃહસ્થાશ્રમી છીએ.’ એમાં શંકા જ નથી કે ગૃહસ્થાશ્રમી માણસને બીજી અનેક ફરજો બજાવવાની હોવાથી આ સમત્વને તે એટલી સંપૂર્ણતાથી પહોંચી ન શકે છતાં આદર્શ તો આ જ હોવો જોઈએ, કારણ કે બધા સમાજોનો, સમગ્ર માનવ જાતનો, સર્વ પ્રાણીઓનો, સમસ્ત પ્રકૃતિનો, આદર્શ આ સમત્વને પ્રાપ્ત કરવાનો જ છે.પરંતુ અફસોસ! એ લોકો એમ ધારે છે કે સમાનતા પ્રાપ્ત કરવાનો રસ્તો અસમાનતા છે. કેમ જાણે કે ખોટું કરવાથી સાચને પહોંચાતું હોય!
આ અસમાનતા માનવ સ્વભાવનું હળાહળ વિષ છે, માનવજાત પરનો શાપ છે, સર્વ દુ:ખોનું મૂળ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, સર્વ બંધનોનું આ મૂળ છે.
समं पश्यन् हि सर्वत्र समवस्थितभीश्वरम्।
न हिनस्त्यात्मनं ततो याति परां गतिम्।।
‘સર્વત્ર ઈશ્વરને સમભાવે રહેલો જોવાથી તે આત્માને આત્માથી હણાતો નથી, અને તેથી પરા ગતિને પામે છે.’ આ એક જ વચનમાં, થોડા જ શબ્દોમાં, મુક્તિનો વિશ્વવ્યાપી માર્ગ સમાયેલો છે.
રજપૂતો! તમે પ્રાચીન ભારતનો મહિમા હતા; તમારા અધ:પતનની સાથે જ પ્રજાનું પતન થયું. અને ભારતનો ઉદ્ધાર તો જ થાય જો ક્ષત્રિયોના વંશજો બ્રાહ્મણોના વંશજોને સહકાર આપે. આ સહકાર સત્તા અને સંપત્તિની લૂંટનો ભાગ નહીં, પરંતુ નબળાને સહાય કરવામાં, અજ્ઞાનીઓને જ્ઞાન આપવામાં અને પોતાના પૂર્વજોની પવિત્ર ભૂમિની ગુમાવેલી કીર્તિ પાછી મેળવવામાં થવો જોઈએ.
અને કોણ કહે છે કે સમય સાનુકૂળ નથી? ફરી પાછું એક વાર ચક્ર ફરવા માંડ્યું છે. ફરી એક વાર ભારતમાંથી આંદોલનો ગતિમાન થયાં છે, અને બહુ નજીકના સમયમાં જ પૃથ્વીના દૂરમાં દૂરને છેડે પહોંચાડવાને એ નિર્માયેલાં છે. એક એવો અવાજ ઊઠ્યો છે કે જેના પડઘા લંબાતા લંબાતા, રોજ રોજ જોર પકડતા જાય છે; એક એવો અવાજ છે કે જે તેની પૂર્વેના બધા અવાજો કરતાં વધુ બળવાન છે, કારણ કે એ પૂર્વના બધા અવાજોની પૂર્ણાહુતિ છે. જે અવાજ સરસ્વતીના કિનારા પર ઋષિઓની સમક્ષ ઊઠ્યો હતો, જે અવાજના પડઘાઓ નગાધિરાજ હિમાલયના શિખરે શિખરે ગર્જી ઊઠ્યા હતા અને સર્વવાહી મહાપૂરની પેઠે કૃષ્ણ, બુદ્ધ અને ચૈતન્ય દ્વારા ભારતનાં મેદાનો ઉપર ઊતરી આવ્યા હતા, તે અવાજ ફરી એક વાર ગર્જી ઊઠ્યો છે. ફરી એક વાર દ્વાર ખુલ્લાં થયાં છે. તમે સર્વ પ્રકાશના સમ્રાજ્યમાં પ્રવેશ કરો, કારણ કે ફરી એક વાર દરવાજા પૂરેપૂરા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.
— સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




