૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા? રે માનવી, તારા અજ્ઞાનના કાળમાં તને ઈશ્વર મળતો નથી તેથી, ઈશ્વર છે જ નહીં એમ નહીં બોલ.
૨. દુર્લભ એવો મનુષ્યજન્મ મેળવ્યા પછી, આ જ જીવનમાં પ્રભુપ્રાપ્તિ માટે યત્ન ન કરનારનું જીવ્યું વૃથા છે.
૩. જેવી ભાવના તેવી, માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકોર્ટનો ન્યાયાધીશ બને અને મનમાં માને કે, ‘સૌથી ઊંચી પાયરીએ પહોંચી હું કેવો સુખી થઈ ગયો છું! હવે મારે બીજું શું જોઈએ?’ ભગવાન એને કહેશે, ‘તથાસ્તુ.’ પણ એ ન્યાયાધીશ સાહેબ નિવૃત્ત થઈ પેન્શન પર ઊતરે અને પોતાના ભૂતકાળનું અવલોકન કરે ત્યારે, એને ભાન થાય કે એણે પોતાનું જીવન વેડફ્યું છે એટલે, પોકારી ઊઠે, ‘અરે, આ જીવનમાં મેં શું સાચું કામ કર્યું છે!’ ભગવાન પણ એને કહે છે, ‘અરે, તેં શું કર્યું છે!’
૪. આ જગતમાં માણસ બે વૃત્તિઓ લઈને જન્મે છે, વિદ્યા અને અવિદ્યા; વિદ્યા મુક્તિ પથે લઈ જાય અને અવિદ્યા સંસારનાં બંધનમાં નાખે. જન્મ સમયે, બેઉ વૃત્તિઓ સમતોલ હોય છે જાણે ત્રાજવાનાં બે પલ્લાં. એક પલ્લામાં જગત પોતાના સુખોપભોગ મૂકે છે અને બીજામાં, આત્મા પોતાનાં આકર્ષણો મૂકે છે. મન સંસાર પસંદ કરે તો, અવિદ્યાનું પલ્લું ભારે થાય છે અને, માણસ સંસાર તરફ ઢળે છે; પરંતુ, એ આત્માને પસંદ કરે તો, વિદ્યાનું પલ્લું નમે છે અને એને ઈશ્વર તરફ ખેંચે છે.
૫. એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ બધાં મૂલ્યહીન બની જાય છે. એ અનેક મીંડાંની કીમત એ એકને લઈને જ છે. પહેલાં એક, પછી અનેક. પહેલાં શિવ પછી જીવો અને જગત.
૬. પહેલાં પ્રભુને પામો. પછી પૈસો પ્રાપ્ત કરો. પણ એનાથી ઊલટું ન કરો. આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારી જીવન જીવો તો, તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.
૭. તમે સમાજ સુધારાની વાત કરો છો? ભલે કરો પણ ઈશ્વ૨ને પ્રાપ્ત કર્યા પછી. ઈશ્વરને પામવા માટે પ્રાચીન કાળના ઋષિઓએ સંસારનો ત્યાગ કર્યો હતો તેનું સ્મરણ કરો. એ એક જ વસ્તુ આવશ્યક છે. તમે ચાહો તો બીજી બધી વસ્તુઓ આવી પડશે. પ્રથમ ઈશ્વર દર્શન કરો તે પછી, ભાષણોની ને સમાજ સુધારાની વાત કરો.
૮. શહે૨માં નવા આવનારે સૌ પ્રથમ, પોતાના રાતવાસા માટે આરામદાયક જગ્યા ખોળવી જોઈએ. અને એ મળ્યા પછી જ નિશ્ચિંત બનીને એણે શહેરનાં જોવા લાયક સ્થળો જોવા જવું જોઈએ. નહીં તો, રાતે અંધારામાં સારું ઠેકાણું શોધતાં ખૂબ મુશ્કેલી પડે. એ જ રીતે, ઈશ્વરમાં પોતાનું સનાતન સ્થાન નિશ્ચિત કર્યા પછી જ, આ સંસારરૂપી વિદેશમાં આવનાર નિર્ભય રીતે પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકે. નહીં તો, મોતનો ભયંકર અને કાળો ઓળો એના પર ઊત૨શે ત્યારે, એણે ઘણું દુઃખ ભોગવવું પડે.
– હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી
Your Content Goes Here




