(રિડર્સ ડાઈઝેસ્ટના ‘ધ બુક ઓફ હ્યુમન બોડી’) નામના ગ્રંથમાં ડૉ. એલેક્સીસ કેરેલે લખેલ ‘મેન : ધ અનનોન’ પુસ્તકના સારસંક્ષેપનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

દરેક માનવીનું વ્યક્તિત્વ એની દેહાકૃતિ અને મુખાકૃતિ દ્વારા અભિવ્યક્ત થાય છે. એનું બાહ્ય સ્વરૂપ એનાં દેહમનની શક્તિઓ અને અન્ય સદ્‌ગુણો દર્શાવે છે. ગ્રીસની ઉત્ક્રાંતિનો માનવ અચોક્કસ ભય અને યુદ્ધના વાતાવરણમાં રહેતો હતો. ગેલેલિયોની જેમ શોધો કરવાની અને લિયોનાર્ડો દ વિન્ચીની જેમ ચિત્રો દોરવાની ક્ષમતા ધરાવતા માનવીની પ્રચંડ દેહાકૃતિની સાથે આજના આ વાતાનુકુલિત કાર્યાલય કે ઘરમાં રહેતા, જાતજાતનાં મનોરંજનો માણતા અને ગોલ્ફ, બ્રીજ જેવી રમતો રમતા આધુનિક માનવની દેહાકૃતિને આપણે સરખાવી ન શકીએ.

પ્રત્યેક યુગ માનવદેહ પર જાણે કે પોતાની એક છાપ મૂકી જાય છે. હાલમાં મોટરકાર કે બીજાં વાહનવ્યવહારનાં સાધનોનો ઉપયોગ કરતા અને આધુનિક અંગકસરતો કરતા માનવને આપણે જોઈએ છીએ. આપણી દેહાકૃતિ આપણી શારીરિક ટેવો અને આપણા સદૈવના સામાન્ય  વિચારોથી ઘડાય છે. ચહેરા અને મુખના હાવભાવ સ્નાયુઓના ટેવાયેલ અભ્યાસથી નક્કી થાય છે. વળી, આ સ્નાયુઓની સ્થિતિ તો આપણા મન પર આધારિત છે. આકાંક્ષાઓ, લાગણીઓ, વિચારો, જાણ્યે અજાણ્યે આપણા શરીરના માધ્યમથી આપણે વ્યક્ત કરીએ છીએ. દેહાકૃતિ જાણે કે એક ખૂલી કિતાબ છે અને એમાંથી એની સુટેવ-કુટેવ, ગુણાવગુણ, બુદ્ધિમત્તા-મૂર્ખતા, તેમજ સુગુપ્ત રાખેલી વ્યક્તિગત ટેવો પણ દુનિયા સમક્ષ પ્રગટ થઈ જાય છે. એટલું જ નહિ પણ આ દેહાકૃતિમાં શરીરનું બંધારણ તેમજ શારીરિક કે માનસિક રોગો ઉદ્‌ભવવાની શક્યતાઓ પણ જોઈ શકીએ છીએ. માનવના ચહેરા પરની રેખાઓ તેનું યૌવન સૌંદર્ય પ્રગટ કરે છે, જે વૃદ્ધના ચહેરા પર વિરલ બની જાય છે. હાડકાં, સ્નાયુઓ, ચામડી અને વાળની અવસ્થા માંસપેશીઓના પોષણ પર આધારિત છે. માંસપેશીઓના પોષણનું નિયમન રક્તકોષરસ – બ્લડ પ્લાઝમાની સંરચના પર આધારિત છે, એટલે કે રસગ્રંથિ અને ચયાપચયની પ્રણાલીની પ્રક્રિયા પર આધારિત છે. બાહ્યત્વચા વિવિધ રસસ્રાવી ગ્રંથિઓ, હોજરી, આંતરડાં અને ચેતાતંત્રની તંદુરસ્તી દર્શાવે છે. ઊંચા અને નીચા તેમજ પહોળા તથા પાતળા બાંધાવાળા માનવીઓની શારીરિક પ્રક્રિયાઓમાં ઘણો ભેદભાવ જોવા મળે છે. ઘણા ઊંચા માનવીઓમાં ક્ષય અને ડિમેન્સીયા પ્રેકોક્સ જેવા રોગો વધારે થાય છે. ઠીંગણા અને જાડા માણસોને મધુપ્રમેહ, વાઈ અને વાનાં દર્દો વધારે હોય છે. પ્રાચીન શરીરવિદો રોગના નિદાન માટે પ્રકૃતિ અને વ્યક્તિગત વિશિષ્ટતા કે શૈલી પર વધારે ભાર આપે છે. દરેક માણસની મુખાકૃતિ પર તેના દેહ અને આત્માને વાંચી શકાય છે.

આપણી ત્વચા આપણા દેહની ભીતરની સંરચના માટે અદ્‌ભુત રીતે પૂર્ણ અને મજબૂત કિલ્લા સમાન છે. આ ત્વચામાં બાહ્ય સપાટી પર જીવતા જીવાણુને નાશ કરવાની શક્તિ છે. આ શક્તિ તેની રસગ્રંથિઓમાંથી ઝરતા પદાર્થોની મદદથી મેળવે છે. આ ત્વચા વાયુ અને પાણી માટે અપ્રવેશશીલ છે. ત્વચાની બાહ્ય સપાટી પ્રકાશ, હવા, ભેજ, શુષ્કતા, ગરમી અને ઠંડીના સંસર્ગમાં હોય છે. અને અંત:ત્વચા ઉષ્માયુક્ત અને પ્રકાશના અભાવવાળી હોય છે જ્યાં કોષો જાણે કે દરિયાઈ પ્રાણીઓની જેમ જીવે છે અને રહે છે. એના ટકાઉપણાનો આધાર આ કોષોના અનેક પડ પર છે. આ કોષો ધીમે ધીમે અનંત રીતે બહુફલિત થતા રહે છે. છાપરાની ચકતીઓને પવન જેમ ઉડાડી દે છે તેમ આ કોષો ધીમે ધીમે સૂકાઈ જાય છે અને નાશ પામે છે, અને બીજા કોષો સતત ઉત્પન્ન થતા રહે છે.

સ્પર્શ અનુભવતા અતિસૂક્ષ્મ કોષો ચામડીમાં સર્વત્ર ફેલાયેલ છે અને તેઓ દબાણ, દુ:ખપીડા, ગરમી કે ઠંડીને અનુભવી શકે છે. જીભમાં આવેલ આવા ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ કોષો ખાદ્યપદાર્થનાં સ્વાદો અને ઉષ્માને અનુભવે છે. હવાનાં કંપનો કાનનાં જુદાં જુદાં અવયવ સંકુલ પર અસર કરે છે. સુંઘવાની પ્રક્રિયાનું ચેતાતંત્ર પદાર્થોની સુગંધ-દુર્ગંધનો અનુભવ કરે છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિની ગુણવત્તાનો આધાર એની આ બાહ્ય ત્વચા પર રહેલો છે. બહારની દુનિયામાંથી આવતા ચેતાતંત્રની સંવેદનાઓના સંદેશને સતત ઝીલવા માટે મગજની રચના થઈ છે. એટલે આપણા શરીરના બાહ્ય આવરણ કે ત્વચા પર જીવનની નવી ટેવોથી અવિચારપૂર્વક જુલમ ન કરવો. દા.ત. સૂર્યનાં કિરણોની બાહ્ય ત્વચા પર કેટલી બધી અસર થાય છે અને સમગ્ર દેહના વિકાસ માટે પણ તેનો કેટલો પ્રભાવ પડે છે એ વિશે આપણે પૂરેપૂરું જાણતા નથી. ત્વચાને તડકામાં વધુ પડતા કમાવવાના કામમાં આંધળુકિયા કરવા જેવું નથી.

મૃતદેહના અભ્યાસથી એક જીવંતદેહને સમજી શકાતો નથી. મૃતદેહની માંસપેશીઓ રુધિરાભિસરણ અને તેના વિશિષ્ટ કાર્યપ્રક્રિયાના લાભથી વંચિત હોય છે. વાસ્તવમાં કોઈ પણ અવયવને એમના પોષક માધ્યમ (લોહી)થી અલગ કરવામાં આવે તો તે ટકી શકતો નથી. જીવતા દેહમાં લસિકારસથી બધી માંસપેશીઓને તરબોળ બનાવી દેતું લોહી સર્વત્ર વહેતું રહે છે. એટલે જ દેહનાં ભીતરનાં આ અવયવોની વિશિષ્ટ પ્રક્રિયાઓને જાણવા માટે આપણે જીવતાં પ્રાણીઓ કે માણસના અવયવોનો અભ્યાસ કરવો જોઈએ. આવા અવલોકનો ઓપરેશનના સમયે જોવા મળે છે. એ અવલોકનો મડદામાં થઈ શકતાં નથી. શરીરશાસ્ત્ર પ્રમાણે કોષને એના સ્રાવમાધ્યમથી અલગ કરી ન શકાય. બધા જીવંત કોષો સંપૂર્ણપણે એના વાહક સ્રાવમાધ્યમ પર જ આધારિત રહે છે. આ કોષો પોતાના વાહક સ્રાવમાધ્યમ સાથે સતત આપ-લે કરતા હોય છે અને પોતે પણ પરિવર્તન પામતા રહે છે. વાસ્તવિક રીતે કોષોને એનાથી અલગ ન પાડી શકાય.

આપણું લોહી ૨૫ અબજ કે ૩૦ અબજ રક્તકણનું બનેલું છે અને એમાં ૫૦ અબજ શ્વેતકણ હોય છે. આ રક્તકણો અને શ્વેતકણો રૂધિરરસમાં તરતા રહે છે. લોહી દરેક માંસપેશીઓને પોષક તત્ત્વો પહોંચાડે છે પરંતુ સાથે ને સાથે તે ગટરની જેમ માંસપેશીઓના મલિન અને નકામા પદાર્થોને બહાર કાઢી લઈ જાય છે. રૂધિરરસમાં કેટલાક રાસાયણિક પદાર્થો અને વિશિષ્ટ કોષો હોય છે. જે આપણા શરીરનાં અંદરનાં અવયવોને મઠારવામાં મદદરૂપ છે. આ પ્રક્રિયા ખરેખર અદ્‌ભુત જ છે. આ રક્તપ્રવાહ નદીના પ્રચંડ ધોધ જેવો છે. જેમ નદીનો પ્રચંડ પ્રવાહ કાંઠે આવેલ વૃક્ષ, માટી વગેરેને લઈ જાય છે તેમ નદીના પ્રચંડ ધોધ જેવો રક્ત પ્રવાહ શરીરની ભીતર ખંડન જ નથી કરતો, મંડન પણ કરતો રહે છે. રૂધિરરસ આપણે માનીએ છીએ તેના કરતાં પણ ઘણો વધુ સમૃદ્ધ અને સક્ષમ છે. તેમાં પ્રોટીન, એસિડ, શર્કરા, ચરબી અને બધી રસગ્રંથિઓ તેમજ માંસપેશીઓના સ્રાવકરસો હોય છે. ઉપર્યુક્ત બધા પદાર્થોનું સ્વરૂપ અને એનું પ્રદાન તેમજ એમનાં કાર્યોની અતિજટિલ પ્રક્રિયાઓ વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. આ લોહીમાં રોગપ્રતિકારક ઘણા કોષો પણ હોય છે. જ્યારે કોઈ સૂક્ષ્મ જીવાણુઓ પેશીઓ પર આક્રમણ કરે છે ત્યારે તેનાથી તેનું રક્ષણ કરે છે. આ ઉપરાંત રૂધિરરસમાં પ્રોટીન, ફાઈબ્રિનોઝન (લોહીને થીજાવી દેતું તત્ત્વ) હોય છે. આ તત્ત્વ જ્યારે શરીર પર ઘા થાય છે ત્યારે ફાઈબ્રિનમાં પરિવર્તિત થાય છે અને એનું એક જાળું રચાય છે. જેને લીધે લોહી વહેતું અટકે અને ઘા રુઝાય છે.

સમગ્ર દેહમાં આવાં પોષક તત્ત્વોનો પ્રવાહ સતત વહેતો રહે છે. ચયાપચયનાં આ આંતરપટલો પોતાની વિશાળ સપાટીથી માત્ર ગળણી-ફિલ્ટરનું કાર્ય કરતું નથી પણ તે એક મોટી રાસાયણિક ફેક્ટરી પણ છે. શ્લેષ્મપટલો જઠરમાં સ્રાવકરસો છોડે છે અને પ્રવાહીના મોટા ભાગનું અભિશોષણ કરે છે. એમના કોષો પચી ગયેલ ખોરાકનાં પોષક દ્રવ્યોને શરીરના અન્ય ભાગોમાં પ્રવેશવા દે છે. પરંતુ પોષક દ્રવ્યો સાથે વહેતા ઘાતક પીડાકારી બેક્ટેરિયાને અટકાવે છે. કંઠનળી અને નાસિકામાં વાઈરસ વધુ પ્રમાણમાં હોય છે. ટાઈફોઈડ અને મરડાનાં સૂક્ષ્મ જીવાણુઓ આંતરડાંમાં સરળતાથી વૃદ્ધિ પામતા રહે છે. શ્વસન અને ચયાપચયની પ્રક્રિયાઓ કરતાં પ્રબળ શ્લેષ્મપટલો આવાં સૂક્ષ્મ જીવાણુઓને નિયંત્રણમાં રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

(ક્રમશ:)

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.