સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે.
જેણે માનવ, મનુષ્ય, મનુજ આદિ શબ્દો ભાષાને આપ્યા અને જેણે ધર્મ જેવો શબ્દ સરજ્યો તે અજાણ્યા મનીષિઓની સંવેદના અને સર્જકતાને આદરભાવે વંદીએ. એક શબ્દ મનુષ્યેત્તર જીવસૃષ્ટિની અપેક્ષાએ માણસની જે વિશેષતા છે તેનો નિર્દેશ કરે છે. બીજો શબ્દ માણસે યુગોના અનુભવના પરિપાક રૂપે સરજેલી મૂલ્યસૃષ્ટિના હાર્દમાં જે ધારક તત્ત્વ પડેલું છે તેને લક્ષે છે. બંને શબ્દો મળીને માણસની અન્ય પ્રાણીઓની અપેક્ષાએ જે મહત્તા કે વિશેષતા છે તેને ઈંગિત કરે છે.
મનુષ્યની એક વ્યાખ્યા, તે સામાજિક પ્રાણી છે એમ દર્શાવાઈ છે. એ ખોટી નથી. સમાજ બાંધીને જ મનુષ્ય જીવી શકે છે. અન્યોન્યાશ્રય એ સમાજનો પ્રાણ છે, પણ કેવળ મનુષ્ય પ્રાણીની આ વિશેષતા નથી. ઉધઈ, કીડી, મધમાખ જેવાં જંતુઓ પણ સમાજ બાંધીને જ જીવે છે. આકાશમાં ઊડતા પંખીસમાજો આપણે વારંવાર જોઈએ છે. છાપરાં પર અને વૃક્ષો પર વાનરટોળાની હૂપાહૂપ આપણે જોઈ સાંભળી છે. હરણાં અને હાથીઓ પણ જંગલોમાં ટોળાં બાંધીને વિચરે છે. આદિ મનુષ્ય પણ જંગલમાં એ જ પ્રમાણે ટોળાંમાં જીવતો હશે એવું અનુમાન પણ એને આધારે આપણે કરી શકીએ છીએ. પણ સમાજમાં વસનારા પ્રાણી તરીકે મનુષ્ય એક અને અદ્વિતીય નથી.
પણ મનુષ્ય એ બૌદ્ધિક પ્રાણી છે, તર્ક કરનારું, વિચાર કરનારું પ્રાણી છે એમ જેણે સ્થાપ્યું તેણે માણસનું યથાર્થ વર્ણન કર્યું છે એમ આપણે ખુશીથી કહી શકીશું. મનુષ્ય વિચાર કરી શકે છે, વિચારનો દોર પકડીને એને ઊંડે અને આઘે તાણી જઈ શકે છે, તર્ક, અનુમાન, કલ્પના કરી શકે છે અને એ પ્રક્રિયાના પરિણામ રૂપે ક્યારેક ક્યારેક નવલાં દર્શનો કરી શકે છે એ એની મોટામાં મોટી વિશેષતા છે. બીજાં પ્રાણીઓને પણ વિચારો આવતા હશે, પણ પોતાના વિચારોને શૃંખલાબદ્ધ કરીને તેને આકાર આપવાની ક્ષમતા કેટલા પ્રાણીઓમાં હશે તે કહેવું મુશ્કેલ છે. જો એ ક્ષમતા મહાકાય પ્રાણીઓમાં કે બળવાન પ્રાણીઓમાં હોત તો નાનકડા કદનું અને પ્રમાણમાં નિર્બળ એવું મનુષ્ય પ્રાણી આટલું બધું ગજું કાઢી શક્યું ન હોત, આવડી વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ વિકસાવી શક્યું ન હોત, સૃષ્ટ પદાર્થોમાં શ્રેષ્ઠનું બિરુદ પણ પોતાને માટે પ્રયોજી શક્યું ન હોત. ભલે બીજાં પ્રાણીઓની જેમ જ યુગો સુધી એ જંગલમાં આથડ્યું હોય, પણ વિચાર કરવાની, એક વિચારને બીજા વિચાર સાથે, એક ભાવને બીજા ભાવ સાથે, એક અનુભૂતિને બીજી અનુભૂતિ સાથે કલ્પનાથી, તર્કથી, સ્મૃતિથી, બુદ્ધિથી સાંકળવાની એણે ખીલવેલી શક્તિએ જ એને સર્જનશ્રેષ્ઠ બનાવ્યો છે. બે પદાર્થોનું સંયોજન કરીને એમાંથી ત્રીજા પદાર્થનું નિર્માણ કરવામાં પણ એની વિચાર કરવાની શક્તિ જ પ્રવૃત્ત થઈ હોય છે. હવે સમજાશે કે માનવ, મનુષ્ય, મનુજ આદિ શબ્દોમાં જે मन् ધાતુ રહેલો છે તે કેટલો બધો સાર્થ છે? मन् એટલે જ વિચારવું, મનન કરવું. જે મનન કરે તે જ મનુષ્ય.
માનવ સંસ્કૃતિનું અપાર ભૌતિક અને આ ચૈતસિક જે વૈવિધ્ય આપણે અનુભવીએ છીએ તે આખરે તો એની મનન શક્તિનો જ પરિપાક છે જેમ અન્ય પ્રાણીઓને આહાર, નિદ્રા, ભય અને મૈથુન ઉપરાંત બીજી સહજ પ્રેરણાઓ કુદરતે બક્ષેલી છે તે જ પ્રમાણે મનુષ્યને પણ સહજ પ્રેરણાઓ કુદરતે બક્ષેલી છે. પણ મનુષ્યની ક્રિયાશક્તિ કેવળ સહજ પ્રેરણાઓને અધીન નથી. એની ક્રિયાશક્તિ વિચારવાની એની શક્તિને પણ અધીન છે. આમ જોઈએ તો વિચાર કરનારા ક્રિયા પરત્વે મંદ લાગતા હોય છે અને ક્રિયાશક્તિ દાખવનારા વિચાર પરત્વે મંદતા દાખવતા જણાય છે, તથાપિ ક્રિયા એકમેક સાથે ગાઢપણે સંકળાયેલાં છે. ક્રિયા વિચારને પ્રેરે છે તો વિચાર ક્રિયાને વિકસાવે છે.
મેલિનોવ્સ્કી જેવા પ્રકાંડ નૃવંશશાસ્ત્રીએ સંસ્કૃતિની સમજુતી વિચાર અને સાધનની ક્રિયા -પ્રતિક્રિયા રૂપે આપી છે. ઓજારનો જન્મ-મનુષ્યના શરીરથી પૃથક્ એવા ભૌતિક સાધનનો જન્મ-એની વિચારશક્તિથી જ થયો છે. તો એ સાધન પોતે નવલા વિચારનું નિમિત્ત બને છે. બંને પરસ્પરને વિકસાવે છે. ઓજાર વિચારને અને વિચાર ઓજારને વિકસાવે છે. પરિણામ સ્વરૂપે કોઈ પણ માનવ સમાજની સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તત્ત્વત: સંસ્કૃતિ એ સમાજમાં વસતી મનુષ્ય વ્યક્તિની સરજત છે.
જિજીવિષાએ મનુષ્યને સમાજ બાંધીને રહેવાનું શીખવાડ્યું તો સમાજનું સાતત્ય જળવાઈ રહે તે માટેના વિધિનિષેધો પણ જિજીવિષાએ જ સુઝાડ્યા. સમાજો મોટા થતા ગયા તેમ તેમ જિજીવિષા ઉપરાંત સમજાતી રહેલી વિકાસાકાંક્ષા – એ નવા વિધિનિષેધો તેમાં ઉમેર્યા. આ વિધિનિષેધોને આપણે નૈતિક મૂલ્યો કે ખ્યાલો તરીકે પ્રમાણીશું. અનુભવે એ ખ્યાલો કે મૂલ્યોનું સ્વરૂપ પણ બદલાવ્યું છે અને કાલજીર્ણ ખ્યાલોને જડતાથી વળગી ન રહેવાનું પણ શીખવ્યું છે. પણ મોટા થતા જતા સમાજમાં પ્રવર્તતા નૈતિક ખ્યાલો સમાજની સાથે વિકસતા ગયા, નવા નવા ખ્યાલો ઉમેરાતા ગયા, અને નવા નવા અનુભવોના આઘાતો આવતા રહ્યા તેમ તેમ વિચારશીલ મનુષ્યને આ નૈતિક ખ્યાલોને અનુમોદન આપનારા કાયમી કે ટકાઉ એવા સિદ્ધાન્તો ઉપજાવવાની જરૂરત પણ સમજાઈ હશે. નૈતિક ખ્યાલોને સંગઠિત કરનારું, તેમને કેન્દ્ર પૂરું પાડનારું, તેમને પ્રમાણભૂત ઠરાવનારું કશુંક સ્થાયી સનાતન તત્ત્વ પણ મનુષ્યની વિચારશક્તિ અને કલ્પનાશક્તિમાંથી પ્રગટવા લાગ્યું. – એ કોઈ વ્યક્તિનું દર્શન હોય – વેદના કોઈ ઋષિનું, ઉપનિષદોના કોઈ દ્રષ્ટાનું, કોઈ પયગંબરનું, કોઈ કવિનું, કોઈ વૈજ્ઞાનિકનું અનુભવપૂત દર્શન કાં નથી હોતું પણ એનું લક્ષ્ય સમસ્ત સમાજનું શ્રેય હતું, કોઈ વ્યાસ, કોઈ વાલ્મીકિ, કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ ઈસુ, કોઈ મહમ્મદ, કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ ચૈતન્ય, કોઈ રામકૃષ્ણ, કોઈ વિવેકાનંદ, કોઈ રવીન્દ્રનાથ, કોઈ ગાંધી-એમને આપણે કેવળ વ્યક્તિ ગણીશું? સમષ્ટિના શ્રેય માટે તલસતી આ વિભૂતિઓને તેમનાં શીલ અને પ્રજ્ઞાને એક કરીને મનુષ્ય સમાજોને ધર્મબોધ કર્યો છે. જો વૈજ્ઞાનિક શોધોએ મનુષ્યની સાધનશક્તિ વિકસાવી છે તો ધર્મબોધ કરનારા દ્રષ્ટાઓએ સમાજોને ટકાવી રાખનારી પ્રાણવાન ધર્મદૃષ્ટિ આપેલી છે.
કોઈ પણ ધર્મને નીચોવતાં એમાંથી માનવ સમાજનું ધારક તત્ત્વ ટપકી રહેશે. જગતના સઘળા મુખ્ય ધર્મોમાં કેટલાંક સમાન તત્ત્વો રહેલાં છે. એ પ્રત્યેક સમાન તત્ત્વો મનુષ્યને બીજા મનુષ્યોને અને બીજી જીવસૃષ્ટિને ભોગવવાના પારમાર્થિક તત્ત્વ ભણી પ્રેરે છે. દેશ કાલાદિ તત્ત્વોને લીધે ઉપજેલી ભિન્નતાઓ માફ, પણ કોઈ પણ ધર્મ જુઠું બોલવાનું, ચોરી કરવાનું, આળસમાં જીવન વિતાવવાનું, બીજાને હાનિરૂપ થવાનું શીખવતો નથી. આ તો નકારાત્મક વાત થઈ, પરંતુ પિતા રૂપે, માતા રૂપે, સખી રૂપે સૃષ્ટિના સરજનહારને ભજવાનું શીખવતા ધર્મોએ મનુષ્ય માત્રની એકતાનું દર્શન કરાવ્યું છે. જો આત્મા સર્વવ્યાપી હોય અથવા એક જ પિતાનાં આપણે સંતાનો હોઈએ તો ભાઈભાઈમાં વિખવાદ કેવી રીતે હોઈ શકે? જીવમાત્રને જીવવાનું ગમે છે તો જીવનરક્ષાનો ધર્મ સર્જન શ્રેષ્ઠ મનુષ્યે આચરવાનો છે.
આ જીવતા જીવ પ્રત્યેનો ધર્મ જેટલો મનુષ્ય સમજે છે તેટલું માનવેતર સૃષ્ટિ સમજતી નથી એટલે મનુષ્યની જવાબદારી વધે છે. એટલે પ્રત્યેક ધર્મ તત્ત્વત: માનવ ધર્મ બની રહે છે. કેમકે ધર્મ એ મનુષ્યની વિચારશક્તિએ સમાજગત નૈતિક ખ્યાલોના હાર્દમાં પડેલા ધારક તત્ત્વ ઉપર ભાર મૂકતાં જે સ્થાયી તત્ત્વો-શ્રદ્ધેય તત્ત્વો સૂઝી રહ્યાં તે છે. ધર્મમાં ધૃ ધાતુ છે, જેનો અર્થ ધારણ કરવું એવો થાય છે. એટલે પ્રત્યેક ધર્મ માનવ ધર્મ બનીને જ કૃતાર્થ થાય છે.
Your Content Goes Here




