બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ના અંગ્રેજી અનુવાદ ‘Gospel of the life sublime’ના મનસુખભાઈ મહેતાના ગુજરાતી અનુસર્જનને ક્રમશ: રજૂ કરીએ છીએ. આજના વિષમ-સંજોગોમાં હતાશા-નિરાશાથી ભાંગી પડતા માનવને આત્મશ્રદ્ધા સાથે બેઠો થવા અને જીવનમાં સ્વપુરુષાર્થથી સફળતા મેળવવા આ પ્રસંગો પ્રેરક બની રહેશે. – સં.
ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુની આ વાત છે. ઉત્તરાહ્નના સમયે ધગધગતા સૂર્યની ગરમીનો પ્રકોપ થોડો ઘટ્યો છે. પોત પોતાના વ્યવસાય-વ્યાપારમાં વ્યસ્ત લોકોની ભીડ શેરીમાં જામી છે. ઓચિંતાની એક મોટી બૂમ કાને પડે છે. ‘યુરેકા! યુરેકા! મને જવાબ મળી ગયો છે, મળી ગયો છે!’ અને જુઓ તો ખરા એક નાના નિર્દોષ બાળકની જેમ નિર્વસ્ત્ર અવસ્થામાં કોઈ શેરીમાં દોડતો આવે છે! પોતે જ એક ઉત્તેજનામાં ડૂબેલ આ માનવીને એ જ ભાન નથી રહ્યું કે સાવ નગ્નાવસ્થામાં જ તે દોડ્યે જાય છે! આ અજબનો માનવી આમ દોડ્યે જાય છે અને શેરીમાં લોકો ટોળે વળીને એને સાંનંદશ્રર્ય નિહાળી રહ્યાં છે.
આ માનવી કોણ હતો? આ કોઈ સામાન્ય જણ ન હતો. આ તો હતો મહાન વૈજ્ઞાનિક જેણે એમ કહ્યું હતું કે જો મને અચલ ઊભા રહેવાની એવી જગ્યા, પૂરતા પ્રમાણમાં લાંબું ઉચ્ચાલક અને યોગ્ય આલંબ આપવામાં આવે તો આ ધરતીને એની ભ્રમણકક્ષામાંથી ઊંચકી લઉં. આ મહાન વૈજ્ઞાનિકનું નામ હતું આર્કિમિડિઝ. તો પછી તે દિવસે ઢળતા બપોરે લોકોથી ઊભરાતી શેરીમાંથી ‘યુરેકા!’ના પ્રચંડ નાદ સાથે નગ્નઅવસ્થામાં શા માટે દોડતો જતો હતો? એણે એવું તે શું જોયું હતું? આ વાતની-ઘટનાની પશ્ચાદ્ભૂમિકા આવી છે. સિરેકસના રાજા હીરોએ એક સોનીને સોનાનો રાજમુગુટ બનાવવાનું કહ્યું. પેલા કુશળ સોનીએ રાજાની આજ્ઞા પ્રમાણે મજાનો સોનાનો સુંદર-આકર્ષક ઘાટઘૂટવાળો મુગટ તો બનાવી દીધો, પણ રાજાના મનમાં સંદેહ-સંશય જાગ્યો કે આ સોનીભાઈએ આ મુગટમાં સોનામાં ભળી શકે એવી કોઈ હલકી ધાતુ નહીં ભેળવી દીધી હોય ને? સોની મહાજને આપેલા કોઈ સાક્ષી પર તેને વિશ્વાસ પડતો ન હતો. રાજદરબારના વિદ્વાનો-તજ્જ્ઞોની સામે પોતાનાં બુદ્ધિ-શાણપણને આ સોનામાં કરેલ ભેળસેળને શોધવા કામે લગાડવાનો એક પડકાર થયો. અને આ ધૂની આર્કિમિડિઝે આ પડકાર ઝીલી લીધો.
એ તો ઘર આવ્યો અને આ મુગટમાં કોઈ હલકી ધાતુની ભેળસેળ થઈ છે કે કેમ એ શોધવા જાતજાતની તરકીબો યોજવા માંડ્યો. વિવિધ દૃષ્ટિકોણથી એણે આ સમસ્યાનાં ગણતરી-પૃથ્થકરણ માંડ્યાં. એણે તો પોતાનાં તન-મન આ જ વિચાર પર કેન્દ્રિત કરી દીધાં અને આ જ વિષય પર અવિરત વિચાર કરવા માંડ્યો. અરે, સ્નાન કરવા જતાં જતાં પણ જેના ઉકેલ માટે એનામાં સૌને વિશ્વાસ હતો એવી આ કુટિલ સમસ્યાનો જ માત્ર વિચાર કરતો રહેતો. સ્નાન કરતી વખતે પાણીથી ભરેલા ટબમાં બેસતાં પહેલાં તેણે સમતુલન ગુમાવ્યુ અને ઓચિંતાનો તે લપસ્યો અને ટબમાં બેસી પડ્યો. પાણીથી છલોછલ ભરેલા ટબની ધારેથી પાણી વહેવા માંડ્યું, અને એના મગજમાં વીજળીના ચમકારા જેવું થયું. એણે પાણીની તરલશક્તિ અને વિશિષ્ટ ઘનતાનો નિયમ શોધી કાઢ્યો. આ નિયમોની મદદથી આ રાજાના મુગટમાં કોઈ હલકી ધાતુનું મિશ્રણ થયું છે કેમ એની કસોટી અને ખાતરી કરી શકશે. પોતાની આ શોધથી આનંદની હેલીમાં તણાતાં તણાતાં ‘યુરેકા!’ ના પ્રચંડનાદ સાથે પાણીના ટબમાંથી બહાર નીકળ્યો અને એ ય ભૂલી ગયો કે તે સાવ નગ્ન અવસ્થામાં હતો. આ સમસ્યાના સમાધાન-શોધનમાં આર્કિમિડિઝે પોતાના મનને સંપૂર્ણપણે એકાગ્ર કરી દીધું. પોતાને મૂંઝવતી આ સમસ્યાના ઉકેલ માટે એણે પોતાના મનની બધી શક્તિઓને એકાગ્ર કરીને કામે લગાડી દીધી. એણે તો દિવસ-રાત એના પર ચિંતન-મનન કર્યાં કર્યું. અંતે એને પોતાનું ચિંતવેલું સત્ય લાધતાં જ એ એટલો આનંદઘેલો બની ગયો કે એને બીજી કોઈ પણ બાબતનું સાન-ભાન ન રહ્યું. આવી છે આપણા પુરુષાર્થના ફળપ્રાપ્તિની પ્રભાવક અસર. વિલિયમ જેમ્સ નામના એક અમેરિકન મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે, મનને સમગ્રતયા-મનની સમગ્ર શક્તિઓને સાથે કામ કરતી કરવી એ જ જીવનની ફળશ્રુતિ છે. આર્કિમિડિઝે આ જીવનકળા અપનાવી હતી.
ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા
Your Content Goes Here




