શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો ગ્રંથ ‘Eternal Values For a changing society’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો મેનેજમેન્ટમાં સંકળાયેલા લોકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

ભારતમાં સંચાલન અને વહીવટી સંસ્થાઓ તેમ જ તેની તાલીમ આપતી સંસ્થાઓ એ બન્નેને લગતી બધી બાબતો માટે જાપાનીઝ સંસ્થા સંચાલનનાં તત્ત્વજ્ઞાન અને રીતિ-ટેકનિક પાસેથી આપણે શું શીખવાનું છે તે વિશે શાંતિપૂર્વક વિચારણા કરવી ઠીક થશે. પૂર્વના દેશો તરીકે બન્નેની આધ્યાત્મિક ભૂમિકા સમાન છે. જાપાનને તાલીમ પામેલા અને શિસ્તબદ્ધ ચિત્ત બક્ષનાર ઝેન – ધ્યાન પદ્ધતિ એ ભારતની ભેટ છે તે આપણે યાદ રાખવું જોઈએ. જો કે છેલ્લા કેટલાક સૈકાથી તેનો ઉપયોગ કરી તેમાંથી લાભ મેળવવામાં ભારત નિષ્ફળ ગયું છે. ધર્મમાં આપણે ક્રિયાકાંડો અને વિધિઓના, જાદુ અને ચમત્કારો તથા વહેમોના મિશ્રણ ઉપર આધાર રાખ્યો તથા શિક્ષણનો અર્થ મનમાં વિગતો ધરબી દેવાનો કર્યો અને ધર્મ તથા શિક્ષણ બન્નેમાં મનની કેળવણીના અગત્યના તત્ત્વને ભૂલી ગયા.

થોડોક પણ વિચાર કરશું તો જાપાનમાં તથા આપણાં તત્ત્વજ્ઞાન અને મૂલ્યોની પરંપરા વચ્ચેના સામ્યની ઝાંખી થશે. એ ઝાંખી થતાં, આપણી પ્રજાનો સારો એવો ભાગ એને સમજતો અને એથી પ્રેરાતો થશે ત્યારે વર્તમાન સમયમાં જેની ઊણપ આપણા વહીવટ અને સંચાલનમાં જોવા મળે છે તે દૂર થઈ ત્યાં ગતિશીલતા અને ચોક્કસ દિશા પ્રાપ્ત થશે. આપણી સામે તાકી રહેતાં કેટલાંક સત્યોના ફલિતાર્થો લોકો ત્યારે સમજશે. જાપાન પાસે કુદરતી સાધનસંપત્તિ ઓછી છે પણ આપણે ત્યાં તો તે વિપુલ પ્રમાણમાં છે; બુદ્ધિમાં કે શક્તિમાં પણ આપણે જાપાનીઓ કે અમેરિકનો કરતાં ઉતરતા નથી. છતાં આર્થિક અને સામાજિક વિકાસમાં એ બન્ને આપણા કરતાં આગળ છે. ૪૨ વર્ષના રાજકીય સ્વાતંત્ર્ય, આર્થિક આયોજન અને કરોડોના મૂડી રોકાણ પછીયે આપણે અવિકસિત, વિકસતું રાષ્ટ્ર છીએ.

આ બાબતો વિશે ચિંતન કરતાં આપણને સમજાશે કે, આપણામાં કશી પાયાના તત્ત્વની ખામી છે. એ પાયાનું તત્ત્વ છે શિસ્તબદ્ધ અને સમાજલક્ષી મન અને હૃદય. ‘ગીતા’ના બીજા અને ત્રીજા અધ્યાયમાં શક્તિશીલ અને સર્વસ્પર્શી યોગના તત્ત્વની ચર્ચા કર્યા પછી, ચોથા અધ્યાયના આરંભમાં શ્રીકૃષ્ણના કથન ‘યોગો નષ્ટ: પરંત૫’ અર્થાત્ ધીમેધીમે પોતમાં પાતળો પડી જઈ યોગ નાશ પામ્યો છે. તેની ટીકા કરતાં શંકરાચાર્ય કહે છે કે, ‘નિર્બળ અને અસંયમી ચિત્ત તથા હૃદયવાળા મનુષ્યોના હાથમાં પડવાથી યોગ નાશ પામ્યો; દુર્બલાન્ અજિતેન્દ્રિયાન્ પ્રાપ્ય.’ આ ખૂટતી કડી પ્રાપ્ત થશે ત્યારે, ને તો જ આપણું રાષ્ટ્ર જાપાનના આર્થિક અને સામાજિક વિકાસની બરાબરી કરશે. એટલું જ નહીં પરંતુ એ એનાથીય આગળ નીકળી જશે. આપણા સમગ્ર રાષ્ટ્રનું લક્ષ આ અગત્યની ખૂટતી કડી ઉપર કેન્દ્રિત કરવાની અને તેને બરાબર સમજી આપણા શિક્ષણમાં, ધર્મમાં અને એકબીજા સાથેના વ્યવહારમાં એને સ્થાન આપવાની જરૂર છે.

પોતાનાં જીવન અને કાર્ય વિશેના તત્ત્વજ્ઞાનનું ભાન આપણા ઘણા લોકોને નથી તે માહિતી આપણને પ્રથમ ચમકાવનારી થશે. આપણાં તત્ત્વદર્શન તથા સંસ્કૃતિ પર આધારિત આપણું પોતાનું સત્ત્વશીલ તત્ત્વજ્ઞાન ઊભું કરવાને બદલે આપણે સૌ પશ્ચિમનાં સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનનું ઉપરચોટિયું અનુકરણ કરી રહ્યા છીએ. એથી આપણાં કાર્યો પૂર્વ આયોજિત નહીં પણ આડેધડ – એડહોક – અને કેવળ તત્કાલીન તગાદામાં ત્રાસ હેઠળ થાય છે, આપણાં સંસ્કૃતિ અને ધર્મના દેશાચાર અને લોકાચારના નબળા અને ગોબરા પ્રકારોથી જ દેશના મોટા ભાગના લોકો પરિચિત છે; અને આજના યુગમાં તે કાલગ્રસ્ત અને અસ્થાને છે. આથી મર્યાદિત જ્ઞાને એમને સ્વમાનહીન અને ક્ષમા ચાહતા કરી મૂક્યા છે. એથી એમની રાષ્ટ્રીય સંકલ્પ શક્તિ અને પોતાની સંસ્કૃતિનાં તત્ત્વદર્શન અને આધ્યાત્મિક તત્ત્વોને આત્મસાત કરવાની શક્તિ નબળી પડે છે. એટલે પશ્ચિમની અને બીજી સંસ્કૃતિઓનાં સસ્તાં તત્ત્વોનું અનુકરણ કરવાને બદલે એમનાં ઉત્તમ તત્ત્વો શોધવાની શક્તિ પણ તેઓ ગુમાવી બેસે છે. પરંતુ સ્વામી વિવેકાનંદે અગ્નિઝરતી વાણીમાં વર્ણવેલું એકતાનું અભિન્નતાનું અદ્વૈત દર્શન આસ્તે આસ્તે સમજીશું અને ભગવદ્‌ગીતા (૩-૧૧)માં ‘પરસ્પરં ભાવયન્ત: શ્રેય: પરમ વાપ્સ્યથ.’ (એકમેકના સાથ અને સહકારથી એ શ્રેય પ્રાપ્ત કરશે) -પ્રબોધ્યા પ્રમાણે નિશ્ચલ અને શાંત સહયોગના તત્ત્વજ્ઞાનને આપણે આત્મસાત કરીશું અને, પોતાની જાતમાં તેમજ બીજાઓમાં એક જ દિવ્ય આત્માનાં સ્ફૂલ્લિંગો તરીકેના ગૌરવ અને મૂલ્યને સન્માનતાં શીખશું ત્યારે, ઉચ્ચ કક્ષાનાં આત્મસંયમ, માનવજાત માટેની ભાવના અને વ્યવહાર કૌશલને આપણે હાંસલ કરીશું અને પાયાનાં આ માનવીય પરિવર્તનો આપણા વહીવટ અને સંચાલનનાં બધાં પાસાંને અસાધારણ ગતિશીલતા અને માનવતામય દૃષ્ટિબિંદુથી રસી દેશે. બધો વહીવટ અને બધું સંચાલન પ્રચલિત સામાજિક વલણો અને દૃષ્ટિબિંદુની નીપજ છે. અને આપણાં આજનાં વલણો તથા દૃષ્ટિબિંદુ કુશળ સંચાલન નિપજાવે તેવાં નથી,

આત્મ-સંયમ વિના કોઈ પ્રજા મહાન બની શકે નહીં; વળી, ગુલામનું લક્ષણ અસંયમ છે તેમ મુક્ત માનવીનું લક્ષણ આત્મનિયમન છે. બાહ્ય રાજકીય સ્વતંત્રતા આપણને મળી છે પરંતુ, આપણે હજી પણ ખૂબ અસંયમી, અશિસ્તવાળી પ્રજા છીએ અને ઝીણી ઝીણી ઈર્ષ્યાથી ખદબદીએ છીએ. એ બતાવી આપે છે કે ગુલામી માનસને આપણે હજી ખંખેરી શક્યા નથી. સ્વતંત્ર ભારતમાં છે તે કરતાં વધારે મુક્ત માણસો પરતંત્ર ભારતમાં હતા. સદીઓની રાજકીય ગુલામી અને સામાજિક અવમાનના બાદ મળેલી આઝાદીને અવિકસિતમાંથી ખૂબ વિકસિત સમાજમાં ભારતીય સમાજનું પરિવર્તન કરવામાં એ આઝાદીનો ઉપયોગ આપણે નથી કર્યો તે મોટી કરુણતા છે. આપણા લોકોએ પોતાની અસાધારણ તેજસ્વી બુદ્ધિનો ઉપયોગ પોતાની અંગત ચડતી માટે કર્યો છે. અને રાષ્ટ્રને તો તેઓ સદંતર ભૂલી ગયા છે; લોકો એ ભૂલી ગયા છે કે પૈસે કે સત્તાએ સબળ હોવા છતાં એમના જીવનમાં ખાલીપો છે અને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જણાવ્યા મુજબ, એવા લોકો “જીવતા કરતાં વધારે મરેલા છે.” આ રાષ્ટ્રની ક્ષિતિજે આશાપ્રેરક એક ચિહ્ન છેલ્લાં ચારપાંચ વરસથી જોવા મળે છે. તે એ છે કે મનુષ્યની કિંમત અને ઉત્કૃષ્ટતા શામાં સમાયેલાં છે તેનું ભાન આપણા વધારે ને વધારે લોકોને થવા લાગ્યું છે. શ્રી જવાહરલાલ નેહરુએ પોતાને માટે કહ્યું હતું તેમ, આપણે માટે એ ‘ભારતની ખોજ’ છે. અને તે ખોજ કર્યા પછી પોતાના ઉદાત્ત તત્ત્વજ્ઞાન આધ્યાત્મિકતા અને સમૃદ્ધ સંસ્કૃતિના પ્રકાશમાં, આજના યુગમાં ભારતને નવો ઘાટ આપવાના સ્ફૂર્તિદાયક પ્રયત્નમાં એ વહેવી જોઈએ.

વહીવટ અને સંચાલનનું કૌશલ જેટલો વહીવટી વડાઓ, મેનેજરો અને કાર્યધુરીણોનાં કૌશલ પર આધાર રાખે છે તેટલું જ તે કર્મચારીઓના કૌશલ પર પણ રાખે છે. આત્મસન્માન, નિષ્ઠાની ભાવના, આત્મશિસ્ત અને નાગરિકતા વગેરે ગુણો આપણી પ્રજા સમસ્તને હૈયે વસશે અને પ્રજાના એ સામાન્ય સમૂહમાંથી આપણા વહીવટદારો અને કર્મચારીઓ આવતા થશે ત્યારે ભારતના સમગ્ર વહીવટ અને સંચાલનની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવશે. ત્યારે એ પ્રાવીણ્યપ્રચુર વિજ્ઞાન અને કલા બનશે. અને, વ્યક્તિમાંનાં તેમ જ સમષ્ટિમાંનાં ઉત્તમ તત્ત્વને તે પ્રગટાવશે. પ્રગતિ, વિકાસ અને સિદ્ધિ માટેના એ શક્તિશાળી પ્રયત્ન થશે. કેવળ આપણી વસતીને ધોરણે જ મોટામાં મોટી લોકશાહી ગણવાને બદલે તેજસ્વી બુદ્ધિ, ઉદાર હૃદય અને સમર્થ બાહુવાળી સૌથી શક્તિશાળી લોકશાહી ગણવામાં એ પરિણમશે.

બાળકબુદ્ધિ છોકરાંની માફક અયુક્ત લોકોનું સંચાલન કરવું અઘરું છે; બધા સંચાલનમાં આજ્ઞા આપવી અને પાળવી એ અનિવાર્ય શરત રહેલી છે. પણ લોકશાહીમાં જેને આજ્ઞા કરવામાં આવે તેનું સ્વમાન ન ઘવાય તે પણ જોવું જોઈએ અને બધું આજ્ઞાપાલન વ્યક્તિના સ્વાતંત્ર્ય અને સ્વમાનના પાયા ઉપર થવું જોઈએ, ઘૂંટણિયે પડવા જેવું હીન તે ન બનવું જોઈએ. આ સંદર્ભમાં વહીવટમાં બીજા માણસ પાસેથી ઉત્તમ કાર્ય આંતરમાનવ સંબંધો દ્વારા જ સારો પ્રતિભાવ પ્રાપ્ત કરાવી શકે. આવા મુક્ત અને જવાબદાર માણસોને સ્વાભાવિકપણે નાગરિકતાના ગુણો, ફરજ નિષ્ઠા અને સમયપાલનની છટાઓ તથા સહકારવૃત્તિ અને કાર્યનિષ્ઠા પ્રાપ્ત થયેલાં હશે. આવા કર્મચારીઓના કામ ઉપર દેખરેખની જરૂર નહીં રહે. કારણ કે દેખરેખ મનુષ્યની કાર્યનિષ્ઠાની વિરોધી છે. અને બધા ખરેખરા મુક્ત અને જવાબદાર માનવોમાં સ્વનિષ્ઠા અને આત્મ સન્માનના ગુણ જન્મજાત હોય છે. આપણા કર્મચારીઓની મોટી સંખ્યા મુક્ત રાષ્ટ્રના મુક્ત નાગરિકો હોવા છતાં, આ ગુણોથી અતિ દૂર છે. એમનામાં ફરજનું અને નિયમિતતાનું ભાન નથી. કારણ કે સ્વતંત્રતાની અને સ્વમાનની સાચી ભાવનાની તેમનામાં ઊણપ છે. બીજાં મુક્ત રાષ્ટ્રોના કર્મચારીઓ માનવીય મૂલ્યોની અને સામાજિક જવાબદારીની ભાવનાથી કેવી રીતે વર્તે છે અને આપણી રીતરસમો પ્રત્યે તેઓ કેવી રીતે જુએ છે તે વિશે જાણવું રસપ્રદ થશે. અહીં એવાં બે ઉદાહરણો આપ્યાં છે.

વીસ વર્ષ પહેલાં કલકત્તાના રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટયુટ ઑફ કલ્ચરના મંત્રીપદે હું હતો ત્યારે, અમારા આંતરરાષ્ટ્રીય વિદ્વાનો અને અતિથિગૃહોના સંચાલકપદે એક બ્રિટિશ નાગરિક મહિલા કામ કરતાં હતાં. એક દહાડે એ ખૂબ હરખાતાં મારી પાસે આવ્યાં ને મને કહ્યું: “લંડનથી બ્રિટિશ સરકાર તરફથી મને પત્ર મળ્યો છે. ને એમાં જણાવ્યું છે કે લાગતા વળગતા બ્રિટિશ કાયદા હેઠળ હું વાર્ધક્ય પેન્શનની હકદાર બની છું અને એનો પહેલો ચેક પણ આ પત્ર સાથે બીડ્યો છે.” એ સન્નારીને ખ્યાલ ન હતો કે પોતે એ પેન્શનપાત્ર છે પરંતુ દૂર લાગતાવળગતા બ્રિટિશ ખાતાની ઓફિસે એના કિસ્સાનું પગેરું પકડ્યું હતું અને, એના હકનું એના માગ્યા વિના, એને આપ્યું હતું. અહીં આપણે વહીવટમાં માનવીય મૂલ્યોનો જીવંત સ્પર્શ જોઈ શકીએ છીએ. આપણા દેશમાં કેવો વિરોધાભાસ છે!

આપણા દેશમાં એ મહિલાના જેવી પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિઓને પોતાનો હકહિસ્સો આપોઆપ અને સમયસર તો સરકાર અને બીજા એવા ખાતામાંથી મળશે જ નહીં અને એ વ્યક્તિએ મહિનાઓ અને વર્ષો સુધી એક ઑફિસેથી બીજીએ ધક્કા ખાધા પછી પણ પોતાના હકહિસ્સા મેળવવામાં નિષ્ફળ જશે. માનવીય પરિસ્થિતિમાં પ્રવર્તમાન નીંભરપણું અને સાથી માનવબંધુ માટેની બેકાળજીથી સ્વયંસ્ફૂરિત માનવીય પ્રતિભાવ સુધીનું કેટલું અંતર આપણા સંચાલન અને વહીવટે કાપવાનું છે! આપણા દેશમાં જવાબદાર નાગરિકો તરીકે મોટી અને વ્યાપક રીતે લોકોએ આ પ્રાથમિક આધ્યાત્મિક વિકાસ હાંસલ કરવો પડશે; અને મને ખાતરી છે કે, આ સદીના અંત પહેલાં, આપણી પ્રજા આ સિદ્ધિને વરશે; એ સાચી કેળવણી અને સાચા ધર્મનું ફળ હશે.

થોડા સમય પહેલાં આપણે ત્યાં આવેલા એક જાપાની પ્રવાસીને આપણા કારકુનો, રિક્ષાચાલકો અને બીજી ઓછી આવકવાળા લોકોના મોટા ભાગને કાંડે ઘડિયાળો પહેરતાં જોઈ ખૂબ આશ્ચર્ય થયું હતું. પોતાના ભારતીય મિત્રને એણે કહ્યું: “ભારત કરતાં જાપાન આર્થિક રીતે વધારે આગળ છે તે છતાં, અમે જાપાનીઓ અમારી પેદાશના મોટા ભાગનો ઉપયોગ જાતે ન કરતાં, તેની નિકાસ કરીએ છીએ અને અમારા અર્થતંત્રને સુદૃઢ બનાવીએ છીએ અને, ભારતમાં મને વધારે આઘાતજનક તો એ લાગે છે કે, અહીં દરેક વ્યક્તિ ઘડિયાળ પહેરે છે, પણ કોઈ જ નિયમિત નથી. અને કાંડા ઘડિયાળ સમયપાલનના સાધન કરતાં શોભાનું પ્રતીક છે!”

આપણી બેંકો અને તેના જેવી બીજી સંસ્થાઓમાં, સંચાલનને સુધારવાના અને બધા કર્મચારીઓમાં સ્વયંશિસ્તની ભાવના ઊભી કરવાના અને બેન્કિંગ અને બીજી સેવાઓની ગુણવત્તા સુધારવાને માર્ગે મૂકવાના પહેલા પગથિયા તરીકે, મેનેજરથી માંડીને પટાવાળા સુધીના તમામ કર્મચારીઓ, પાંચથી દસ મિનિટ શાંતિથી ધ્યાનમાં બેસે, બધામાં વસતા પ્રભુમાં ચિત્ત પરોવે અને કામના પસંદ કરેલા ક્ષેત્રમાં ભક્તિપૂર્વક લાગી એ સત્યને માટે જીવનસમર્પણ કરવાનો વિચાર કરે. આ બાબત વિચારી જોવા જેવી છે.મેનેજમેન્ટમાં માનવીય મૂલ્યો

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.