‘‘સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કલા’’
જ્યૉર્જ ટૅરીનું ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે જ્યાં બે કરતાં વધુ વ્યક્તિ સંકળાયેલી હોય ત્યાં સંચાલન આપોઆપ અમલમાં આવે છે. આમ સંચાલન સાર્વત્રિક છે. દિન પ્રતિદિન તેમાં નવી શોધખોળો અને વિકાસ થાય છે. આમ છતાં, વિશ્વમાં સંચાલન ક્ષેત્રે ઘણી ખામીઓ જોવા મળે છે.
આપણા દેશ પાસે ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. વેદાન્તના સિદ્ધાંતો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ વર્તમાન સમયમાં ઉદ્યોગોના સંચાલન અને વહીવટની સફળતા માટે ઉપયોગી બને તેમ છે. માત્ર જરૂર છે આ પ્રકારનાં મૂલ્યોનો અમલ કરવાની.
સંચાલનનાં મુખ્ય કાર્યો આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશમાં ભગવદ્ ગીતામાં દર્શાવેલ ‘માનવ મૂલ્યો’ કઈ રીતે ઉપયોગી થાય તે જોઈએ.
(૧) આયોજન:
‘‘આયોજન એટલે ભવિષ્યમાં કાર્ય કરવાની સૂચિત પદ્ધતિ નક્કી કરવી તે.’’
કુન્ત્ઝ અને ઓ’ડોનૅલૅ જણાવ્યા મુજબ, ‘‘આયોજન એ ભાવિ પ્રવૃત્તિના વિવિધ વૈકલ્પિક માર્ગમાંથી યોગ્ય માર્ગની પસંદગી કરવાનું એક સંચાલકીય કાર્ય છે, જેના દ્વારા સંચાલક ક્યા હેતુ સિદ્ધ કરવાના છે તેમ જ આ હેતુ કેવી રીતે અને ક્યારે હાંસલ થશે તે નક્કી કરે છે.’’
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે,
‘‘ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ।’’ (૬-૪૦)
“કોઈ પણ શુભ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી.”
આ જ રીતે “The Power of Ethical Management” પુસ્તકમાં જણાવ્યા મુજબ “There is no right way to do a wrong thing” આમ, આયોજનમાં ભાવિ યોજના બનાવવામાં આવે ત્યારે જે હેતુઓ નક્કી થાય તે હેતુઓ પ્રાપ્ત કરવા માટેનાં સાધનો અને માર્ગ જે નક્કી થાય તે શુદ્ધ અને સત્ય આધારિત હોવાં જોઈએ. કેમ કે લાંબા ગાળે શુભ કાર્ય ચોક્કસપણે સફળ થાય જ છે.
“It is better to fail in working for a good cause, rather than succeed in working for a wrong cause.”
(૨) પ્રબંધ / વ્યવસ્થાતંત્ર (Organisation):
જે. આર. ટૅરીના મત મુજબ, “સામુહિક રીતે કાર્યક્ષમતાથી કાર્ય કરી શકાય તે માટે પસંદ કરેલાં કાર્યો, વ્યક્તિઓ અને કાર્યસ્થાનો વચ્ચે અસરકારક સત્તાસંબંધની સ્થાપના કરવી તેને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે.”
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે, ‘‘ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ।’’ (૪-૧૩)
‘‘ચાતુર્વર્ણ્ય અને ચાર આશ્રમોનું સર્જન કરનાર હું જ છું.”
વ્યવસ્થાતંત્રમાં દરેક વ્યક્તિને તેના ગુણ અને કર્મ મુજબ સત્તા અને ફરજો સોંપવી જોઈએ. ઉપરોક્ત શ્લોકમાં જે કહ્યું તે વર્ણવ્યવસ્થાને કર્મના આધારે ધ્યાનમાં લેવી જોઈએ, નહીં કે જન્મના આધારે.
– આદર્શ વ્યવસ્થાતંત્ર તેને કહેવાય જેમાં દરેક વ્યક્તિને તેના ગુણ અને સ્વભાવ મુજબ કર્મ, સત્તા અને ફરજો સોંપાઈ હોય.
You can’t expect an empty bag to stand up straight.
(૩) દોરવણી અને માર્ગદર્શન – (Direction):
કુન્ત્ઝ અને ઓ’ડોનૅલના મત મુજબ, ‘‘દોરવણી એટલે હાથ નીચેના કર્મચારીઓ પર દેખરેખ રાખવી અને તેમને માર્ગદર્શન આપવું.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે:
મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્।
હેતુનાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે॥ (૯/૧૦)
અર્થાત્, હે પાર્થ, હું પ્રકૃતિના થતાં કાર્યોનો કર્તા અને તેને સંયમમાં રાખનાર છું. મારા જ નિરીક્ષણ નીચે પ્રકૃતિની સઘળી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને આમ વિશ્વચક્ર ફર્યા કરે છે.
આદર્શ સંચાલકે દરેક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી, જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ. સંચાલકની હાજરી માત્રથી કર્મચારીઓ જાગ્રત રહે છે અને તેથી કાર્યક્ષમતા વધે છે. આથી સંચાલકે શું થયું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે અને શું થવું જોઈએ તે અંગે કાર્યનું નિરીક્ષણ કરી, વિચારી, કર્મચારીઓને સતત દોરવણી અને માર્ગદર્શન પૂરાં પાડવાં જોઈએ.
મ્યૂઝિક ઑરકૅસ્ટ્રામાં દરેક વાદ્ય જુદા જુદા પ્રકારનું સંગીત આપે છે. પરંતુ, મ્યૂઝિક ડાયરૅક્ટરના માર્ગદર્શન નીચે દરેક વાદ્ય એ રીતે વગાડવામાં આવે છે કે જેથી કર્ણપ્રિય સંગીત પ્રાપ્ત થાય.
(૪) અંકુશ – (Control):
આયોજન મુજબ જ કાર્ય થાય છે કે કેમ તેની ખાતરી કરી, પરિણામોની લક્ષ્યાંકો સાથે સરખામણી કરવામાં આવે તે અંકુશની પ્રક્રિયા છે.
મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય।
મયિ સર્વમિદં પ્રોતમ્ સૂત્રે મણિગણા ઈવ।। (૭-૭)
‘આ સૃષ્ટિમાં મારાથી પર હોય તેવું કશું જ નથી. જેમ મોતીની સેરો સૂત્રમાં પરોવાયેલી હોય છે, તેમ આ સૃષ્ટિમાં દૃશ્યમાન દરેક બાબતમાં હું વણાયેલો છું.’
વ્યવસ્થાતંત્રના દરેક કાર્ય પર અંતે સંચાલકનો અંકુશ રહેવો જોઈએ. પોતાના હેતુઓ મુજબ કાર્ય થાય છે કે કેમ તેની તો જ ખાતરી થઈ શકે.
ઉપસંહાર – આમ, સંચાલનના ઉપરોક્ત મુખ્ય ચાર કાર્યમાં ભગવદ્ ગીતા માર્ગદર્શક બને છે. આ ઉપરાંત સામાન્ય કે અસામાન્ય સંજોગોમાં સંચાલકને નીચેની રીતે વર્તવાનું કહ્યુ છેઃ
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે।। (૪-૮)
સાધુ સચ્ચરિત સજ્જન લોકોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા તેમજ ધર્મની સ્થાપના કરવા હું યુગે યુગે જન્મ ધારણ કરું છું.
સંચાલકે આ જ રીતે સત્યનું રક્ષણ કરવા અને અસત્યનો વિનાશ કરવા જે તે પરિસ્થિતિમાં પોતે હાજર રહી, પોતાના ૫૨ સઘળી જવાબદારી લઈને કર્મચારીઓને રક્ષણ અને માર્ગદર્શન આપવું જોઈએ.
સંદર્ભ:
(૧) The Power of Ethical Management – Blanchard and Peale
(૨) Responsible Leadership in The Gita- Narayana
(૩) ભગવદ્ ગીતા – અરવિંદ આશ્રમ, પોંડીચેરી,
(૪) સંચાલન – એન. ડી. ગામી તથા અન્ય.
Your Content Goes Here




