કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ
સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું હતું:
‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતાં પહેલાં જ મનમાં અનેક હકીકતો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. મનનો સંયમ પ્રથમ શીખવવો જોઈએ. જો મારે મારું શિક્ષણ ફરી લેવાનું હોય, અને તેમાં મને કંઈ કહેવાની છૂટ હોય, તો હું પ્રથમ મારા મન ઉપર કાબૂ મેળવતાં શીખું, અને પછી મારે જોઈતી હોય તો બીજી હકીકત શીખું. લોકોને હકીકતો શીખતાં લાંબો સમય લાગે છે, કારણ કે તેઓ ધારે ત્યારે મનને એકાગ્ર કરી શકતા નથી.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૧૦.૨૩૨)
જો બાળકોની કેળવણીમાં એકાગ્રતાનું આટલું બધું મહત્ત્વ હોય તો શું એ ઉચિત નથી કે એક બાળક જ્યારે એની ઔપચારિક કેળવણીનો પ્રારંભ કરે ત્યારે આ બાબતને માતાપિતાઓએ તેમજ શિક્ષકોએ એના પર વધુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને એને અમલમાં મૂકવાના તમામ પ્રયાસો કરવા જોઈએ? અને એ માટે સૌથી વધારે અગત્યનું એ છે કે મન, તેનું પ્રાકૃતિક બંધારણ, તેના વિભિન્ન સ્તરો, એની કાર્યક્ષમતા, એનું કાર્યક્ષેત્ર કે વ્યાપ, તેની શરીર અને બાહ્યજગત સાથેની પારસ્પરિક અસર – એ બધાં વિશે આપણી સમજણ અને ધારણાઓને વધુ સ્પષ્ટ હોવી જોઈએ.
સ્વામી વિવેકાનંદ કહેતા કે માણસ અને માણસ વચ્ચે મુખ્ય તફાવત તેમની મનની એકાગ્રતાની શક્તિમાં રહેલો છે. હકીકતમાં આપણા દૈનંદિન જીવનમાં આપણે અનુભવીએ છીએ કે કોઈ પણ કાર્યક્ષેત્રની બધી સફળતાઓ મનની એકાગ્રતાનું જ પરિણામ છે. અને એકાગ્રતા વિશે આપણે કંઈક તો જાણીએ જ છીએ, ન જાણીએ તો પણ એનાં પરિણામો તો આપણે દરરોજજોઈએ છીએ. ફક્ત ઔપચારિક શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહિ પરંતુ કલા, સંગીત, રમત, વ્યાપારનાં ક્ષેત્રમાં વગેરેની ઉત્તમ સિદ્ધિઓ એકાગ્રતાનાં પરિણામો છે. અન્ય પ્રાણીઓમાં એકાગ્રતાની શક્તિ ઓછી માત્રામાં હોય છે. જેઓ પ્રાણીઓને કેળવે છે તેમણે અનુભવ કર્યો જ હશે કે પ્રાણીઓ શીખવેલી વસ્તુ અલ્પ સમયમાં ભૂલી જાય છે અને કોઈ પણ બાબત પર પોતાના મનને એકાગ્ર કરી શકતું નથી. માણસ અને પશુ વચ્ચેનો તફાવત અહીં જ છે.
માણસ અને પ્રાણીઓ વચ્ચે જેમ એકાગ્રતાના પ્રમાણમાં તફાવત જોવા મળે છે તેમ એકાગ્રતા-શક્તિની વધુ ઓછી માત્રા માણસ માણસ વચ્ચે પણ તફાવત પાડે છે. સામાન્ય માણસને જો તમે મહાન માણસ સાથે સરખાવો તો તમને જણાશે કે તફાવત તો માત્ર એકાગ્રતાની માત્રામાં જ છે. એટલે જ સ્વામીજી કહે છે:
‘એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહિ. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલ કરે નહિ.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૭.૯૪)
આપણને કયા પ્રકારની એકાગ્રતા જોઈએ?
આપણે જોઈએ છીએ કે દરેક માણસનું મન પણ અમુક પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે એકાગ્ર તો થાય જ છે. જ્યારે આપણને ગમતી કોઈ વસ્તુ આપણી સમક્ષ આવે અથવા આપણને મળે ત્યારે આપણું મન એનાથી આકર્ષાઈને એમાં એકાગ્ર તો થવાનું જ છે. અરે! આવી એકાગ્રતા તો પ્રાણીઓમાં પણ જોવા મળે છે. પણ આ તો માત્ર આપણી ઈંદ્રિયો તેમજ મનના આકર્ષણની એકાગ્રતા છે. આપણે સહુ જેને ચાહીએ છીએ તે વસ્તુ પર આપણું મન સહજ રીતે એકાગ્ર થાય છે. જેમ કે જ્યારે આપણે મધુર સંગીત સાંભળીએ ત્યારે આપણું મન તેમાં ડૂબી જાય છે. એટલે કે આપણે મનને ત્યાંથી ખેંચી શકતા નથી. પણ આવી સ્વાભાવિક એકાગ્રતા શું આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે? ના, સ્વામીજીએ જે એકાગ્રતા વિશે વાત કરી છે તે એક જુદા પ્રકારની એકાગ્રતા છે. એ વાત તદ્દન સાચી છે કે કોઈ પણ કાર્ય આપણે ઇચ્છા વિના કરીએ તો એમાં આપણું મન એકાગ્ર થઈ શકતું નથી અને સ્વાભાવિક રીતે એ કામ પણ આપણે સારી રીતે કરી શકતા નથી. આકર્ષણથી જન્મેલી એકાગ્રતામાં એક મોટો ભય રહેલો છે. એમાં એક મોટી ખામી રહેલી છે.
બારીકાઈથી આપણે વિચાર કરીએ તો આવી એકાગ્રતાની મોટી સમસ્યા એ છે કે એના દ્વારા આપણે આપણા મનને અંકુશમાં રાખી શકતા નથી, મન આપણને અંકુશમાં રાખે છે. જાણે કે, બહારનાં અમુક પરિબળો કે આકર્ષણો આપણા મનને પોતાના તરફ ખેંચી જાય છે અને એની ઇચ્છા મુજબ મનને પકડી પણ રાખે છે. ઉદાહરણ તરીકે આપણે મનગમતું સંગીત સાંભળીએ કે કોઈ આકર્ષક ચલચિત્ર જોઈએ તો મન તેમાં ચોંટી રહે છે; આપણે તે મનને ખેંચી લઈ શકતા નથી. આમ આપણી જરૂરીયાત કે આપણું હીત ન હોવા છતાં પણ આપણું ધ્યાન એના તરફ ખેંચાતું રહે છે. આપણું મન બાહ્ય પદાર્થો કે દૃશ્યો પર કેન્દ્રિત થાય છે; અને આપણે તેમ થતું અટકાવી શકતા નથી. એને સાચી એકાગ્રતા કહેવાય નહિ, એ તો મનની એક પ્રકારની ગુલામી માત્ર છે.
આપણે આપણા મનના ગુલામ છીએ!
આપણામાંના મોટા ભાગના માણસો આપણાં ઇન્દ્રિયો, ચેતાતંત્ર (Nervous System) અને મનના ગુલામ છે. આપણા ચેતન તેમ જ અવચેતન (Subconscious) અથવા સ્વયંચાલિત (Autonomous) મનના ગુલામ છીએ. ગુનેગાર પોતાની ઇચ્છાથી ગુનેગાર નથી બનતો પણ તેનું મન તેના કાબૂમાં નથી હોતું અને તેથી તે પોતાના મનનો તેમ જ બીજા દરેકના મનનો ગુલામ બને છે. કમનસીબે એક સ્વયંચાલક યંત્રની જેમ તે પોતાના મનના પ્રબળ વલણને અનુસરે છે, તેમ કર્યા વિના એને છૂટકો નથી; પોતાની અનિચ્છા હોવા છતાં, પોતાની અંદર સુષુપ્ત સદ્વૃત્તિઓના સંસ્કારો હોવા છતાં, તેને તેમ વર્તવું પડે છે. બિચારો મનુષ્ય! પોતાની જાતને એ રોકી શકતો નથી.
આપણે પોતે પણ નિરંતર આવો અનુભવ કરતા હોઈએ છીએ. આપણે જીવનમાં આપણા સ્વભાવની સારી બાજુની વિરુદ્ધ કેટલાં બધાં કામ કરતાં હોઈએ છીએ. ભલેને પાછળથી આપણે આપણી જાતને ઠપકો આપીએ! ઘણી વાર તો આપણને નવાઈ લાગે છે કે આવું ખરાબ કામ આપણાથી કેવી રીતે થયું! છતાં આ સીલસીલો ચાલતો જ રહે છે, આપણે તે માટે ઘણું-ઘણું સહન પણ કરવું પડે છે, અને એ માટે આપણે આપણી જાતને ઠપકો પણ આપીએ છીએ. ત્યારે આપણને એમ લાગે છે કે આપણે આ બધું ઇચ્છાથી કરીએ છીએ, પરંતુ આપણે એ નથી જાણી શકતા કે એવી ઇચ્છા આપણે પરાણે કરવી પડે છે. આપણી ઇચ્છા શું સ્વતંત્ર છે? દા.ત. કોઈ શિક્ષક સંકલ્પ કરીને વર્ગમાં આવે છે કે તેઓ કોઈ પણ બાળકને સજા નહીં કરે અને બાળકની ભૂલના મૂળ કારણને શોધીને તેનો શાંતિથી ઉકેલ કાઢશે. પણ હકીકતમાં જ્યારે બાળકો અશિસ્ત વાતાવરણનું સર્જન કરે છે ત્યારે શિક્ષક પોતાનો મિજાજ ગુમાવીને, અગાઉ કરેલ સંકલ્પને કોરાણે મૂકીને સોટીઓથી બાળકો ઉપર નિર્મમ પ્રહાર કરે છે. જેનાં પરિણામો એણે પછીથી ભોગવવાં પડે છે.
સ્વામીજી કહેતા કે આપણે સહુ આપણા પોતાના તેમ જ બીજા બધાના મનના ગુલામ છીએ. અને એ વાત સજ્જનોને તેમજ દુર્જનોને પણ લાગુ પડે છે. જેમ એક દુર્જન પરાણે દુર્જન બને છે, સંકલ્પ કરીને નહિ. તેમજ એક સજ્જન પણ મોટે ભાગે ચેતન અવસ્થામાં સારું કાર્ય કરતો નથી. એમના અવચેતન મનમાં રહેલા શુભસંસ્કારો, અનુકૂળ વાતાવરણ કે પછી સમાજનો ભય તેને સત્કર્મ કરવા પ્રેરે છે. કદાચ પરિસ્થિતિ બદલી જાય તો એને દુર્જન બનતાં વાર નહિ લાગે. એવી જ રીતે એક દુર્જનને અમુક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ અને સારાં કાર્ય કરતાં પણ આપણે જોઈએ છીએ. વાલ્મીકિ ઋષિનું જ ઉદાહરણ લો. પહેલાં તો એ એક મોટો લૂંટારો હતો. આ રત્નાકર લૂંટારાના જીવનને નારદના ઉપદેશની નાનકડી ઘટનાએ કેવો જબ્બર વળાંક આપી દીધો! પાપની જવાબદારીની ભાગીદારીના માતાપિતાના ઈન્કારને લીધે એનું આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું. આ એક જ ઘટનાથી એના જીવનનો સ્રોત બદલાઈ ગયો અને એ રત્નાકર લૂંટારામાંથી ‘રામાયણ’ના રચયિતા વાલ્મીકિ ઋષિ બની ગયા.
આપણે આપણા મનના ગુલામ શા માટે છીએ?
આપણે આપણા પોતાના અને અન્યના મનના ગુલામ શા માટે છીએ? એનું કારણ એ છે કે આપણા અવચેતન (Subconscious) મનના ઊંડાણમાં ફક્ત આ જન્મના જ નહિ, પરંતુ જન્મજન્માંતરનાં સુષુપ્ત સંસ્કારો, વિચારો તથા કર્મો રહેલાં હોય છે. તેમાંનો એકેએક બહાર ધસવા માટે આતુર હોય છે, અને એક પાછળ એક એમ ધસ્યા આવતાં મોજાંની પેઠે ચેતન મન કે બાહ્ય મન પર પ્રહાર કરે છે. આ વિચારોને કે સંગ્રહાયેલી શક્તિને આપણે સ્વાભાવિક ઇચ્છા, પ્રતિભા વગેરે કહી શકીએ. આપણે તેમનું સાચું ઉદ્ભવસ્થાન જાણતા નથી. આપણે નિરુપાયે તેમને તાબે થઈએ છીએ; અને એનું પરિણામ છે આપણા મનની અસહાય ગુલામી.
સ્વામી વિવેકાનંદ માણસની આ ગુલામીનું પોતાના અત્યંત અસરકારક શબ્દોમાં વર્ણન કરે છે:
‘આપણે આપણી જાતને સ્વતંત્ર માનીએ છીએ. સ્વતંત્ર! આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ! જરા વિચાર તો કરો! આપણે શું કરવું જોઈએ તે જાણ્યા છતાં બહુ થોડા સમય માટે પણ આપણે તે પ્રમાણે કરી શકતા નથી… ઇન્દ્રિયોની આ ગુલામીમાંથી જ દુનિયાનું સઘળું દુ:ખ પેદા થયું છે… નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હંમેશાં નીચે ને નીચે, ઘણે નીચે ખેંચ્યા કરશે, ચીરી નાખશે, મારી નાખશે, જ્યારે સંયમિત અને સારે રસ્તે દોરવાયેલું મન આપણને બચાવશે, મુક્ત કરશે. તેથી આવા મનને આપણે અંકુશમાં રાખવું જ જોઈએ; એ કેવી રીતે રાખવું તે આપણને મનોવિજ્ઞાન શીખવે છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. – ૮.૬૮-૬૯)
મનની આ ગુલામીનો અંત અથવા તો મન પરનો કાબૂ સાચી એકાગ્રતા દ્વારા આવી શકે છે. એ વાતને સ્પષ્ટ કરતાં સ્વામીજી કહે છે :
‘ચિત્તને જ્યારે એકાગ્ર કરી પાછું તેના પોતાના પર જ કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે આપણી અંદરનું બધું આપણું માલિક નહિ બનતાં આપણું દાસ બને છે… યોગ એટલે ઈંદ્રિયો, ઇચ્છાશક્તિ અને મનને કાબૂમાં રાખવા. યોગના અભ્યાસનો ફાયદો એ છે કે આપણા પર મન વગેરેનો કાબૂ આવવાને બદલે આપણે તેને કાબૂમાં રાખતા શીખીએ છીએ.’ (સ્વા.વિ.ગ્રં.મા., ૭.૯૪)
એકાગ્રતા સાથે અલિપ્તતા પણ કેળવવી જોઈએ
હવે એક પ્રશ્ન એ છે કે મનનું નિયંત્રણ કે સાચી એકાગ્રતા શું છે? એ એકાગ્રતાને વિકસાવી શકાય
ખરી? અને શું આપણે આપણા મનના સ્વામી બની શકીએ? હા. ભારતીય માનસ શાસ્ત્રના ગ્રંથો કહે છે કે આપણે સાચી અને ફળદાયી એકાગ્રતાની પ્રાપ્તિ કરી શકીએ તો ખરા, પણ એના માટે પહેલાં તો આપણા મન પર આપણો સંપૂર્ણ કાબૂ હોવો જોઈએ.
મન કાબૂમાં હોવું એટલે શું? જ્યારે પણ આપણા જીવનમાં એકાગ્રતાની શક્તિનો વિકાસ થાય છે, પછી ભલે એ પદ્ધતિસર થાય કે સ્વાભાવિક રીતે થાય, એમાં એક મોટો ભય રહેલો છે. ભય એ છે કે મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી આપણે અલગ કરી શકતા નથી. આ ગુલામીની અવસ્થા જ આપણી દુર્બળતા અને દુ:ખનું કારણ બને છે, એ આપણે જોઈ ગયા છીએ.
તેથી મનને એકાગ્ર કરવાની શક્તિ સાથે જ મનને એમાંથી આપણી ઇચ્છા પ્રમાણે અલગ કરવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણામાં એવી ક્ષમતા હોવી જોઈએ કે એક ક્ષણમાં આપણું મન એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત થવું જોઈએ, આપણે ઇચ્છા પ્રમાણે મન ત્યાં ટકી રહેવું જોઈએ, અને એટલું જ નહિ, પણ બીજી જ ક્ષણે ત્યાંથી અલગ કરીને બીજી કોઈ વસ્તુ પર લગાડતાં પણ આપણને આવડવું જોઈએ. મનની આ તમામ શક્તિઓને આપણે એકસાથે વિકસાવવી જોઈએ. એટલે જ સ્વામીજીએ એકવાર કહ્યું હતું:
‘બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમ જ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ. મારો વિકાસ બધો વખત એકતરફી જ થયો છે. મેં એકાગ્રતા કેળવી પરંતુ મનને સ્વેચ્છાથી અલિપ્ત રાખવાની શક્તિ કેળવ્યા વિના. મારા જીવનમાં તીવ્રમાં તીવ્ર દુ:ખ આને લીધે જ આવ્યું છે. હવે મારામાં અલિપ્ત રહેવાની શક્તિ આવી છે, પણ તે મારે પાછળની જિંદગીમાં શીખવી પડી હતી.’ (સ્વા.વિ.ગ્રં.મા. – ૮.૭૫)
બાળકોની કેળવણીનો પ્રારંભ કરતી વખતે માતાપિતા તેમજ શિક્ષકોએ ઉપરોક્ત પાયાની બાબત યાદ રાખવી એ અનિવાર્ય છે. બાળકના મનને તાલીમ આપવાના પ્રથમ પગલાની શરૂઆત કરતાં પહેલાં આ બે બાબતો આપણા મનમાં સ્પષ્ટ રીતે અંકિત હોવી જોઈએ. પ્રથમ, કોઈ પણ વસ્તુઓ પર મનને આપણે પોતાની ઇચ્છાનુસાર કેન્દ્રિત કરવું જોઈએ; અને બીજું, વસ્તુઓ આપણાં મનને તેમના તરફ ખેંચે તેવું ન થવું જોઈએ. દા.ત. આપણી પરીક્ષા નજીક આવતી હોય ત્યારે કોઈ સંગીતનો કાર્યક્રમ ટી.વી. પર જોવાની તીવ્ર ઇચ્છા આપણા મનમાં જાગે છે અને આપણે મનની પૂર્ણ એકાગ્રતાથી એ કાર્યક્રમ જોઈએ છીએ પણ ખરા, પણ એ એકાગ્રતા શું કામની?
સામાન્યત: આપણું મન આકર્ષણનો પ્રતિકાર કરી શકતું નથી. એટલે અનિચ્છિત વસ્તુઓ પણ આપણાં મનને તેમના પર એકાગ્ર થવાની ફરજ પાડે છે. મનને કાબૂમાં રાખવા માટે, આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં જ તેને લગાડવા માટે ખાસ તાલીમની જરૂર હોય છે. એ તાલીમ કેવી રીતે પ્રાપ્ત થાય?
બાળકોના મનની તાલીમ
કોઈ પણ માતાપિતા કે શિક્ષક બાળકોના મનની તાલીમ આપવાની શરૂઆત કરે એના પહેલાં મન વિશે આટલું તો જાણવું ખૂબ જરૂરી છે –
પ્રથમ મન શું છે? માણસના વ્યક્તિત્વમાં મનનું મહત્ત્વ શું છે? મનનું બંધારણ કેવું છે? તેમાં રહેલ ચેતનાનાં કેટલાં સ્તરો છે? લાગણીઓ કેટલા પ્રકારની છે? સંકલ્પ કરવામાં કે ઇચ્છાશક્તિને પ્રબળ બનાવવામાં લાગણીઓની કઈ ભૂમિકા છે? મનની વિભિન્ન અવસ્થાઓ – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અને તુરીય વિશે સામાન્ય જ્ઞાન. આ અવસ્થાઓની આપણા વ્યક્તિત્વ પર કેવી અસર હોય છે? મનની સંભાવનાઓ કેટલી છે અને તેનો વ્યાપ કેટલો છે? બહારના જગતમાંથી ઈંદ્રિયો દ્વારા થતાં જ્ઞાન-સંવેદનાને મગજને પહોંચાડનારા જ્ઞાનતંતુઓ મન ઉપર શું અસર કરે છે? અને મન શરીરને કેવી રીતે કાબૂમાં રાખે છે અને મનના સંદેશા ચેતાતંત્ર (Nervous System) શરીરના જુદા જુદા વિભાગોમાં મજ્જાતંતુના માધ્યમથી કેવી રીતે પહોંચાડે છે? મનનું નિયંત્રણ અને એના દ્વારા આપણા દરેક કાર્યનું નિયમન કેવી રીતે કરવું? આ બધાં વિશે આપણી પોતાની સમજણ અને ધારણાઓને વધુ સ્પષ્ટ કરીએ તો જ આપણે બાળકના મનને નિયંત્રણમાં રાખીને એકાગ્ર કરતા શીખવી શકીશું.
સૌ પ્રથમ મન શું છે એ વિશેની આપણી ધારણા સ્પષ્ટ હોવી જોઈએ. ભારતીય માનસશાસ્ત્ર, આધુનિક મનોવિજ્ઞાન, મગજ તેમજ ચેતાતંત્ર વિશેની આધુનિક વૈજ્ઞાનિક શોધો – આ બધા વિષયોનું સામાન્ય જ્ઞાન અતિ આવશ્યક છે. સ્વામી વિવેકાનંદે આપેલ મનનાં તમામ સ્થિતિઓ, સ્તરો અને એના નિગ્રહ વિશેની સમજણ એમનાં ‘રાજયોગ’ અને બીજા અસંખ્ય પ્રવચનોમાં આપણને અનેક સ્થાને જોવા મળે છે. જો આપણે તેનો પદ્ધતિસરઅભ્યાસ કરીએ તો એના દ્વારા આપણને ઉપરોક્ત તમામ પ્રશ્નોનું નિરાકરણ અને સાચી સમજણ પ્રાપ્ત થશે. ઉપરોક્ત બધા વિષયોની વિગતવાર ચર્ચા આપણે હવે પછીના સંપાદકીય લેખોમાં કરીશું.
Your Content Goes Here




