કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ પ્રથમ તો મનના સાચા સ્વરૂપની સમજણ આપણે મેળવી લેવી જોઈએ. માનવીની દરેક પ્રવૃત્તિમાં મન અગત્યનો ભાગ ભજવે છે. મનની પ્રકૃતિને જાણવી ઘણી મુશ્કેલ છે કારણ કે મન તો એક અતિસૂક્ષ્મ તત્ત્વ છે.

મનને નિયંત્રણમાં રાખો – એની શક્તિઓનો સદુપયોગ કરો

જ્યારે આપણે પોતાની ધનસંપત્તિ કે શરીરની તંદુરસ્તી ગુમાવીએ કે આપણો સમય કોઈ કારણવશ વેડફાય જાય તો આપણે અત્યંત વ્યગ્ર બની જઈએ છીએ. ભવિષ્યમાં આવું ન બને એના માટે પૂરતા સાવધાન થઈ જઈએ છીએ, જરૂર પડે તો એ માટેના પૂર્વપ્રયાસો પણ કરીએ છીએ. પણ આપણે આપણી અમૂલ્ય સંપત્તિ ‘મન’ની ઊર્જા પ્રતિક્ષણ કેટલી વેડફી નાખીએ છીએ એનો તો આપણે જરાય હિસાબ રાખતા નથી. વાસ્તવિક રીતે મનની ઊર્જા અત્યંત ઉપયોગી છે. સૂર્યનાં વિખરાયેલ કિરણો બિલોરી કાચમાં એકત્રિત કરીએ તો ઊર્જા ઉત્પન્ન થાય છે, તેવી રીતે મનની આ બધી વેડફાઈ જતી ઊર્જાઓને જો આપણે સુવ્યવસ્થિત રીતે એકત્રિત કરી શકીએ અને એને નિયંત્રણમાં રાખી શકીએ તો આપણા જીવનમાં સફળતાનું એ એક ઉત્તમ સાધન બની જાય છે. એટલે મનના વિકાસ માટે આપણે બાલ્યાવસ્થાથી જ યથાસાધ્ય પ્રયાસ કરવા જોઈએ. મનની પૂરતી કાળજી લેવાથી આપણા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આપણે સહજ રીતે કરી શકીએ. આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ મન દ્વારા જ થાય છે. આનાથી ઊલટું જો મનની આપણે અવગણના કરીને સાવધાની ન રાખીએ તો જીવનમાં આપણને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બધાં ક્ષેત્રોમાં આપણે નિષ્ફળતા વહોરવી પડશે. એની સાથે આપણે કાયમનું પરાવલંબન નોતરવું પડે. સુખ-દુ:ખ, જ્ઞાન-અજ્ઞાન, સફળતા-નિષ્ફળતા, નિર્બળતા-સબળતા આ બધાં આપણા મનના વિકાસ પર આધારિત છે. આપણી બધી બાહ્ય સિદ્ધિનો મૂલાધાર આ મનની સાચી નિયંત્રણપૂર્વકની કેળવણીમાં રહેલ છે. એટલે જ આ મન વિશે જાણવું બહુ અગત્યનું છે. આપણે એને નિયમનમાં લાવીને એનો સદુપયોગ કેવી રીતે કરી શકીએ? આ પ્રશ્નોનો ઉત્તર મેળવવાનો આપણે હવે પ્રયાસ કરીએ છીએ.

મનના સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને ક્ષમતા વિશે થોડાક મહત્ત્વના પ્રશ્નો

મનના સાચા સ્વરૂપ અને આપણા શરીર પર તેમજ જીવન પર પડતા તેના પ્રભાવ વિશે પૂર્વ અને પશ્ચિમના દર્શનશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, બુદ્ધિજીવીઓમાં ઘણા મતભેદો જોવા મળે છે. સામાન્ય રીતે ભૌતિકવાદીઓ વિચાર, સંકલ્પના, સ્મૃતિ, ભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઈરાદાઓ, ભાવ, પીડાઓ, વગેરેને માનસિક બાબતો ગણે છે અને શ્વસન, પાચન, લોહીનું પરિવહન, હલનચલન, વગેરેને શારીરિક પ્રક્રિયા ગણે છે. પણ આ બંને પ્રકારની પ્રક્રિયાઓ આપણને દેહકેન્દ્રી છે એવો આભાસ થાય છે. પણ શું તે વાસ્તવિકતા છે? આ બંને પ્રક્રિયાઓનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એ બંનેની અનુભૂતિ આપણા દેહમાં કેવી રીતે થાય છે એ એક યુગયુગોનો શાશ્વત પ્રશ્ન છે.

શરીર સ્થૂળ છે અને શરીરની બધી પ્રક્રિયાઓ કેવી રીતે અને કયા ભાગમાં થાય છે એની વિસ્તૃત માહિતી આધુનિક વિજ્ઞાને અનન્ય સંશોધનો દ્વારા એકઠી કરી છે. પરંતુ માનસિક પ્રક્રિયાઓની બાબતમાં ઘણી કોશિશ કરવા છતાં વૈજ્ઞાનિકો કોઈ ચોક્કસ તથ્ય સ્થાપિત કરી શક્યા નથી.

મન વિશે પાશ્ચાત્ય દાર્શનિકો, મનોવૈજ્ઞાનિકો સંકલ્પનાઓ

પ્લેટોથી આરંભીને પશ્ચિમના ઘણા તત્ત્વચિંતકોએ મન અને શરીરને અલગ અલગ તત્ત્વ તરીકે સ્વીકાર્યાં છે. ડેકાર્ટે નામના તત્ત્વચિંતકે પણ આ વાતને મહદંશે સ્વીકારી હતી. હ્યૂમે આ દ્રવ્યનિષ્ઠ દ્વૈતની વાતના વિધાનને છોડીને મનને ‘અલગ અલગ પ્રત્યક્ષાનુભવોના અગ્રથિત સમુદાય’ રૂપે સ્વીકાર્યું. ૧૯મી સદીના અંતમાં વિલિયમ જેમ્સે ‘ચેતના પ્રવાહ’ રૂપે મનના સ્વરૂપનો વિચાર કર્યો.

શું માનસિક પ્રક્રિયા, અવસ્થા કે ગુણધર્મ શારીરિક પ્રક્રિયા, અવસ્થા કે ગુણધર્મથી ભિન્ન છે?  જો એમાં ભિન્નતા લાગતી હોય તો કયા પરિમાણોને આધારે એ ભિન્નતા જોવા મળે છે? એના જવાબમાં થોમસ નેગેલે ૧૯૭૮માં દર્શાવ્યું છે કે વ્યક્તિનાં પીડા, સ્વાદ, રંગ, વગેરે અનુભવો ‘સ્વલક્ષી’ (Subjective) છે. અવૈયક્તિક અને વસ્તુલક્ષી વિજ્ઞાન તેને બહારથી સમજી તો શકે પણ તેનું સાચું સ્વરૂપ ઓળખી શકે નહિ. કારણ કે અમુક માનસિક અવસ્થામાં હોવું એટલે ‘કોના જેવું હોવું?’ ‘કેવું હોવું?’ આવા પ્રશ્નો અનિવાર્ય બની જાય છે. તે તો વ્યક્તિ પોતે જ એને અનુભવે તો જ જાણી શકે છે. એટલે કે નેગેલના મત પ્રમાણે સભાન સ્વાનુભવોની અનુભૂતિ વ્યક્તિગત હોય છે. એમની દૃષ્ટિએ માનસિક અવસ્થાઓ શારીરિક અવસ્થાઓથી તદ્દન ભિન્ન છે કારણ કે તે વૈયક્તિક અને સ્વલક્ષી છે. બીજી શારીરિક અવસ્થા બિન વૈયક્તિક અને વસ્તુલક્ષી છે.

ફિલસૂફ જ્હોન સેર્લે હાલમાં માનસિક અવસ્થાને ‘વિષયનિર્દેશક’ (Intentionality) અવસ્થાઓ તરીકે વર્ણવી છે. વિચાર, કલ્પના, સ્મૃતિ, ઇચ્છા, માન્યતા, જેવી તમામ માનસિક અવસ્થાઓ હંમેશાં કોઈને કોઈ બાબત વિશે જ હોઈ શકે છે. તેનું આવું ‘હોવાપણું’ અથવા (Intentionality) એ માનસિક અવસ્થાનું જ લક્ષણ છે. કોઈ પણ ભૌતિક કે શારીરિક અવસ્થામાં આ પ્રકારની (Intentionality) હોતી નથી. તે જોતાં માનસિક અને શારીરિક અવસ્થાઓને એક ગણી શકાય નહિ.

મન વિશે આધુનિક જીવ વૈજ્ઞાનિકોની સંકલ્પનાઓ

મનની કાર્યપ્રણાલી વિશે અતિ આધુનિક ઉપકરણો દ્વારા વિસ્તૃત માહિતી અને વિગતો આધુનિક જીવ વૈજ્ઞાનિકો એકઠી કરી શક્યા છે. મનની પ્રક્રિયાઓના વિસ્તૃત વ્યાપને તેમજ ચેતનાના ચોક્કસ કેન્દ્રને જાણવા માટે તેમણે અનેક પ્રયત્ન કર્યા. મગજ કે ચેતાતંત્ર એનું દેખીતું અધિષ્ઠાન હોવાનું એમને ભાસ્યું. છતાં પણ એ પ્રક્રિયા વિશે ચોક્કસ નિર્ણય તેઓ હજુ સુધી આપી શક્યા નથી.

ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ માનસિક ભાષા અને મગજ વિષયક ભાષાનો અર્થ જુદો હોઈ શકે છે, પણ બંને એક જ મગજની ક્રિયાઓનો નિર્દેશ કરે છે કારણ કે માનસિક અવસ્થાઓ હકીકતમાં તો મગજની અવસ્થાઓ છે. પાશ્ચાત્ય તત્ત્વચિંતકો કે વૈજ્ઞાનિકો આ મન શરીર-સંબંધના પ્રશ્નને જુદી જુદી રીતે વિચારે છે અને કોઈ પણ એક ચોક્કસ સિદ્ધાંતને તેઓ આજ સુધી સ્વીકારી શક્યા નથી. મન વિશેની તેમની ધારણાઓ જુદી જુદી હોવાથી એનું સાચું સ્વરૂપ, એનું નિયમન, એનું નિયંત્રણ વગેરે વિશે એમના વિચારોમાં પણ આપણને વૈવિધ્ય જોવા મળે છે.

મન વિશે પાશ્ચાત્ય ચેતાતંત્ર નિષ્ણાતોની સંકલ્પનાઓ

પાશ્ચાત્ય ચેતાતંત્ર નિષ્ણાતોએ મગજ- ચેતાતંત્રનું, એની પ્રક્રિયાનું કરેલ આધુનિક સંશોધન અને વિશ્લેષણ પર એક વિહંગાવલોકન કરી લઈએ. મનની પ્રક્રિયાઓ વિશે જાણવા માટે એનાથી આપણને સહાય મળશે. જો કે તેમને શારીરિક પ્રક્રિયાઓની માહિતી મેળવવામાં જે સફળતા મળી છે એના પ્રમાણમાં મનની પ્રક્રિયાઓ વિશે હજી પણ ઘણી અનિશ્ચિતતાઓ જોવા મળે છે. કાળ, ગતિ અને અવકાશમાં આપણે ભૌતિક પદાર્થોને નજરે નિહાળીએ છીએ અને એનું આપણી ઈંદ્રિયો દ્વારા તદનુસાર મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ. જ્યારે મનની બાબતમાં આવું શક્ય નથી બનતું, કારણ કે તે સ્વાત્મલક્ષી હોવાથી એક વ્યક્તિગત અનુભૂતિ બનીને રહી જાય છે. દરેક મન આ બાહ્ય વિશ્વને પોતાની આગવી અને અનન્ય રીતે અનુભવે છે.

મગજ વાસ્તવિક રીતે તો દસ હજાર અબજ ચેતાકોષિકાઓ, એમના શિખાતંતુઓ, અસંખ્ય ચેતાતંતુઓ કે મજ્જાતંતુઓનાં જાળાં જેવા વિસ્તૃત તંત્રનું બનેલું છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે મગજ અને ચેતાતંત્રની મુખ્ય કાર્યપ્રણાલીઓ અને ગૌણ કાર્યપ્રણાલીઓના એક મહા જાળની અસંખ્ય પ્રક્રિયાઓથી મન ઘડાયેલું છે. પ્રત્યક્ષીકરણ, સંવેદનાઓ, જ્ઞાનગ્રહણ-અભિજ્ઞા, આકલન જેવી અનેક પ્રક્રિયાઓમાંથી ઊભી થતી સઘન સંકલ્પનાઓથી આપણું મન ભરેલું છે અને આપણા મગજને કેન્દ્રમાં રાખીને તે કાર્ય કરે છે.

ઊર્જાનાં ઉત્કંપનોના રૂપે બાહ્ય તેમજ આંતરિક સંવેદનાઓના માધ્યમથી આ મગજ કે ચેતાતંત્ર જ્ઞાન-માહિતી વગેરે મેળવે છે. આવાં બધાં જ્ઞાન-માહિતીને સુસંગત રીતે ગોઠવવાનું અને તેનું સુયોગ્ય અર્થઘટન કરવાનું કાર્ય મનનું છે અને આ બધું મગજ-ચેતાતંત્રમાં થાય છે એમ એ લોકોની માન્યતા છે. દસ હજાર અબજ ચિતાકોષિકાનાં અતિવિસ્તૃત જાળાંના બનેલ સેરિબ્રલ કોર્ટેક્સ (મોટું, નાનું અને મધ્ય મસ્તિષ્કો, મજ્જાસેતુ, લંબમજ્જા વગેરે મળીને થતો ભાગ)માં થતી પ્રવૃત્તિઓમાંથી મન ઊભરી આવે છે. ચેતાતંત્રના જાળામાંના રાસાયણિક અને વિદ્યુતભાર આદાનપ્રદાનમાં મન બાહ્યજગતનું સંવેદી જ્ઞાન અને સાથે ને સાથે પોતાના અસ્તિત્વની પરિસ્થિતિનો અનુભવ કરે છે. પરંતુ તેઓ કોઈ વિશિષ્ટ કોર્ટિકલ એરિયા (મસ્તિષ્કના પ્રદેશ)માં મનના સ્થળને નિશ્ચિત કરી શકતા નથી. એનું કારણ એ છે કે તેમના મત પ્રમાણે મગજના ભિન્ન ભિન્ન ભાગોમાં થતી અનેક સંગણન પ્રક્રિયાઓને પરિણામે જન્મતી અસર એટલે મન.

અમુક વૈજ્ઞાનિકો એવો પણ દાવો કરે છે કે મનનું અધિષ્ઠાન મસ્તિષ્કમાં રહેલ એક વિશિષ્ટ કાર્યરત સ્મૃતિક્ષેત્ર છે. આ ક્ષેત્ર આપણી સામે જગતમાં હાલ થતી ઘટનાઓનું તત્કાલ જ્ઞાન આપે છે અને ચેતનાનું પણ મૂળ સ્થાન એ જ છે. વાસ્તવિક રીતે જોઈએ તો અબજોની સંખ્યામાં આવતાં આઘાત-પ્રત્યાઘાતોને સુગઠિત કરવાની ક્ષમતા શું એ ધરાવી શકે છે ખરું?

કાર્યરત સ્મૃતિક્ષેત્ર સૌથી વધારેમાં વધારે આ બધાં જ્ઞાન-માહિતી અને સંવેદનાઓને એકઠું કરવાનું સ્થળ બની શકે પરંતુ મનમાં સભાન અનુભવ કરાવવાની ક્ષમતા એ ધરાવે છે કે નહિ, એ વાત સુનિશ્ચિત નથી.

તાજેતરમાં ચેતાતંત્રવિદોએ એવો દાવો કર્યો છે કે માનવના મગજમાં સેલ્ફ એવર્નેસ ન્યૂરોન્સ (સ્વભાન કરાવતા ચેતાકોષો) રહેલ છે. આ ચેતાકોષો મસ્તિષ્ક અને ચેતાતંત્રમાં થતી વિભિન્ન પ્રક્રિયાઓને એક સુગ્રથિત પૂર્ણ અનુભવ રૂપે પ્રસ્તુત કરે છે. આ સ્વભાન કરાવતા ચેતાકોષો, અગ્રકપાલીખંડમાં બંને બૃહદ્‌ મસ્તિષ્કગોળાર્ધને જોડતા કેલોસમકાય (કોપર્સ કેલોસમ)માં જોવા મળે છે. પણ વૈજ્ઞાનિકો ચેતનાના કેન્દ્ર તરીકે આ સ્થળને ચોક્કણપણે સ્થાપિત કરવામાં હજીયે અસમર્થ છે.

હવે પ્રશ્ન થશે કે બધી માનસિક અવસ્થાઓના સાક્ષી તરીકે, મનની તમામ પ્રક્રિયાઓને સુગ્રથિત પૂર્ણ અનુભવ કરાવતું સ્થળ એટલે કે ચેતનાનું કેન્દ્ર શું મસ્તિષ્કમાં રહેલ છે અથવા તો મસ્તિષ્ક સિવાય પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે?

ભારતીય દર્શનશાસ્ત્રમાં મનની સંકલ્પના

ભારતમાં ખાસ કરીને આપણા વેદાંત દર્શનમાં મન વિશેની સંકલ્પના કે ધારણા માત્ર સહજસરળ જ નથી, પણ અત્યંત વ્યવહારુ છે. વેદાંત મનની કેળવણીને વધુ મહત્ત્વ આપે છે. વેદાંત અનુસાર વ્યક્તિત્વ વિકાસ એટલે મનનો વિકાસ. વેદાંત કહે છે કે આપણો બૌદ્ધિક વિકાસ, કલા-સૌંદર્યાભિરુચિનો વિકાસ, મૂલ્યલક્ષી વિકાસ અને શારીરિક વિકાસ પણ માનસિક વિકાસ વિના શક્ય નથી. વેદાંત પ્રમાણે આપણું મન આપણા શરીર અને આત્મા સાથે સંબંધ ધરાવતું હોવા છતાં તે એક ભિન્ન પ્રકારનું અસ્તિત્વ છે. જો કે વેદાંતના મત પ્રમાણે સ્થૂળ શરીરની જેમ મન પણ એક પ્રકારનું સૂક્ષ્મ તત્ત્વ છે, પણ એ શરીરની જેમ જડ છે, પ્રકૃતિનો એક અતિસૂક્ષ્મ વિકાર છે. સાંખ્યદર્શન પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. બાહ્ય સાધનો – કાન, આંખ, નાક દ્વારા બહારના પદાર્થોનાં સંવેદનોને તેમની સાથે જોડાયેલા મગજનાં કેન્દ્રો એટલે ઈંદ્રિયો પાસે લઈ જાય છે. આ સંવેદનોને ઈંદ્રિયો મન પાસે મોકલે છે, મન બુદ્ધિને સોંપે છે, અને બુદ્ધિ પુરુષ (આત્મા) પાસે મોકલે છે ત્યારે જ્ઞાન થાય છે. પછી એને અમલ કરવા માટે આત્મા ચેતાતંત્ર દ્વારા ચાલક ચેતાઓને તદનુરૂપ કાર્ય કરવા પાછો હુકમ મોકલે છે. આત્મા સિવાય બધા ભૌતિક છે, પણ મન એ કર્મેન્દ્રિયો કરતાં વધુ સૂક્ષ્મ દ્રવ્યોનું બનેલું છે. મનના દ્રવ્યમાંથી સૂક્ષ્મ તન્માત્રાઓ બનેલી છે. આ તન્માત્રાઓ જ સ્થૂળ બનીને બાહ્ય પદાર્થ બને છે. સાંખ્યમતના મનોવિજ્ઞાન પ્રમાણે બુદ્ધિ અને બહારના વધુ સ્થૂળ દ્રવ્યો વચ્ચેનો તફાવત માત્ર પ્રમાણનો જ છે. મન આત્માના હાથમાં એક હથિયાર માત્ર છે, એના વડે આત્મા બહારના પદાર્થોને સ્વીકારે છે. મન નિરંતર બદલાતું ડોલાયમાન રહે છે. આમ હોવા છતાં મન પાસે પાછું વળીને જોવાની એક વિશેષ શક્તિ રહેલ છે. મનની શક્તિને એકાગ્ર કરીને અને એ બધી શક્તિઓને ભીતર તરફ વાળીને અંદર શું ચાલી રહ્યું છે એ જાણી શકાય છે.

મન આત્માથી ભિન્ન છે, પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિયથી ભિન્ન છે, સમગ્ર દેહથી પણ ભિન્ન છે. આમ હોવા છતાં પણ આ બધાં એક બીજા સાથે સંલગ્ન છે. મન તો ભૌતિક દ્રવ્ય જેવું છે, આમ છતાં તે અતિસૂક્ષ્મ દ્રવ્ય છે. એ ઈંદ્રિયગ્રાહ્ય નથી. આને લીધે દેહાંત પછી પણ મન પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. પ્રાણશક્તિને વાહક બનાવીને બીજો ભૌતિક દેહ ધારણ કરે ત્યાં સુધી ટકી રહે છે.

સ્વામી વિવેકાનંદની મન વિશેની સંકલ્પનાઓ

સ્વામી વિવેકાનંદે ભારતીય દર્શન અને મનોવિજ્ઞાનના નિચોડ રૂપે મનની ઘણી મજાની સહજ સરળ વ્યાખ્યા આપી છે. એમના મત પ્રમાણે આખું બ્રહ્માંડ આકાશ, તેજ , વાયુ, જળ (પ્રવાહી) અને ઘન આ પાંચ અવસ્થાઓને અધીન છે. આ બધાં તત્ત્વો અત્યંત સૂક્ષ્મ અને આદિ એવા આકાશ તત્ત્વમાંથી આવ્યાં છે. વિશ્વની તમામ શક્તિઓનો સમુહ એટલે પ્રાણ. મન એટલે પ્રાણનો ઉપયોગ કરનારું મોટું સાધન છે. મન જડ છે, એની પાછળ આત્મા છે. તે પ્રાણ પર કાબૂ રાખે છે. પ્રાણ જગતનું સંચાલક બળ છે. તે દરેક જીવમાં જોવા મળે છે. મન અતિસૂક્ષ્મ જડદ્રવ્ય છે. પ્રાણની અભિવ્યક્તિ માટેનું તે જ સાધન છે. બળને પ્રગટ થવાને માટે મન જેવા જડપદાર્થની જરૂર રહે છે.

મનની ત્રણ ભૂમિકાઓ કે સ્તરો

આપણું મન અવચેતન, ચેતન અને અતિચેતન એ ત્રણ ભૂમિકામાં કામ કરે છે. પ્રકાશ કે ધ્વનિના આંદોલનોનાં ઉદાહરણ પરથી આ ત્રણ ભૂમિકા સરળતાથી સમજી શકાય. પ્રકાશનાં કેટલાંક આંદોલનો દેખાય નહિ તેટલાં મંદ હોય છે; જેમ જેમ તે વધારે વેગવાન બને તેમ આપણે એને પ્રકાશ રૂપે જોઈ શકીએ છીએ. અને એનાથી પણ વધુ વેગવાન બની જાય તો એને આપણે જોઈ શકતા નથી. ધ્વનિની બાબતમાં પણ આવું જ છે, આ વાત વિજ્ઞાનસિદ્ધ છે. મનની બાબતમાં પણ આવું જ છે. અવચેતન અને અતિચેતન મનના વિચારો સહજ રીતે અનુભવાતા નથી. વિચારને ત્રણ તબક્કા હોય છે પહેલો તબક્કો એટલે એનો પ્રારંભ, એ અવચેતન મનમાંથી ઉદ્‌ભવે છે અને એનો આપણને ખ્યાલ આવતો નથી. બીજા તબક્કામાં વિચાર સપાટી પર પ્રગટ થાય છે તે ચેતનમનમાં થાય છે. ત્રીજો તબક્કો તે આપણી અંદરથી પાણીના પરપોટાની જેમ જતો રહે છે તે. આ વિચાર ઇચ્છા સાથે જોડાય ત્યારે એ કાર્યશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે.

મન અને શરીરની પરસ્પર થતી અસર

મન શરીર પર અસર કરે છે, અને શરીર પોતાના તરફથી મન પર અસર કરે છે. તેઓ અરસપરસ એક બીજા પર પ્રતિક્રિયા કરે છે. પ્રત્યેક માનસિક અવસ્થા શરીરમાં તેને મળતી અવસ્થા ઉત્પન્ન કરે છે, શરીરના પ્રત્યેક કાર્યની તેવી અસર મન પર પડે છે. શરીર અને મનને બે અલગ પદાર્થો ગણો કે શરીરને સ્થૂળ વિભાગ અને મનને સૂક્ષ્મ વિભાગ ગણીને તે બંને મળીને માત્ર એક જ શરીર ગણો તો તેમાં કંઈ ફેર પડવાનો નથી. તેઓ બંને એકબીજા પર ક્રિયાપ્રતિક્રિયા કર્યા જ કરે છે. મન સતત શરીર બન્યા કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે :

‘આપણે જડ દ્રવ્ય અને મન વચ્ચે પ્રચંડ ભેદ પાડીએ છીએ; આપણે માનીએ છીએ જડ દ્રવ્યથી મન સંપૂર્ણ રીતે જૂદું છે. ખરેખર તો તેઓ બંને એક જ પ્રકૃતિ છે, જેનો એક અર્ધભાગ બીજા ઉપર સતત ક્રિયા કરી રહ્યો છે. જડ દ્રવ્ય એ વિવિધ સંવેદના રૂપે મન ઉપર દબાણ લાવ્યા કરે છે. આ સંવેદનાઓ બળ સિવાય બીજું કંઈ નથી. બહારની બાજુનું બળ આંતરિક બળને જાગ્રત કરે છે. બાહ્ય બળને અનુકૂળ થવાની અથવા તેનાથી દૂર થવાની ઇચ્છામાંથી આંતરિક બળ એટલે જેને આપણે વિચાર કહીએ છીએ તે બને છે. જડદ્રવ્ય અને મન બંને વાસ્તવિક રીતે બળો સિવાય કંઈ નથી; અને તમે જો તેમનું ઊંડું પૃથક્કરણ કરશો તો તમને જણાશે કે મૂળમાં તેઓ બંને એક છે… મનનું પરિવર્તન જડદ્રવ્ય રૂપે અને જડદ્રવ્યનું પરિવર્તન મન રૂપે થાય છે. વિચારબળ એ જ્ઞાનતંતુના બળરૂપ – સ્નાયુઓના બળરૂપ બને છે; સ્નાયુબળ એમ જ્ઞાનતંતુનું બળ વિચારબળ બને છે. પ્રકૃતિ જ આ બધું બળ છે, પછી તે જડદ્રવ્ય રૂપે વ્યક્ત થયેલ હોય કે મનરૂપે વ્યક્ત થયેલ હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ મન અને સ્થૂળમાં સ્થૂળ વસ્તુનો ભેદ એ કેવળ માત્રાનો ભેદ છે… મનને તમે સૂક્ષ્મ થયેલું જડદ્રવ્ય કહી શકો અથવા શરીરને સ્થૂળ બનેલું મન કહી શકો; તમે કોને કયું નામ આપો છો, એમાં ખાસ તફાવત પડતો નથી. ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેના સંગ્રામમાંથી ઉત્પન્ન થતી બધી મુશ્કેલીઓ એ ખોટી વિચારણાનું પરિણામ છે; વાસ્તવિક રીતે બંને વચ્ચે કોઈ જ ભેદ નથી.’ (સ્વા.વિ.ગ્રં.મા.૯.૩૭૧-૩૭૨)

સ્થૂળ શરીરથી સૂક્ષ્મ મન તરફ

સ્વામીજીના મત પ્રમાણે મનને કેળવવામાં શરીર દ્વારા તેને પકડવું વધારે સહેલું છે. મન કરતાં શરીર કે તેની પ્રક્રિયાઓને પકડમાં લેવું એ વધુ સહેલું છે. સાધન જેટલું વધારે સૂક્ષ્મ તેટલી તેની શક્તિ વધારે. શરીર કરતાં મન ઘણું વધારે સૂક્ષ્મ અને વધુ શક્તિશાળી છે. એને લીધે શરીરથી શરૂઆત કરવી વધારે સહેલી છે. મનને તાલીમ આપવાના પહેલા પગલાની શરૂઆત શ્વાસોચ્છ્‌વાસના નિયમન દ્વારા શરીરને સંવાદી સ્થિતિમાં લાવવી જોઈએ. એ દ્વારા મન સુધી પહોંચવામાં સરળતા રહે છે. મનને અલગ અલગ ક્લિષ્ટ આસનો કે મુદ્રાઓ દ્વારા નિયંત્રણમાં લેવા માટે સ્વામીજી સ્પષ્ટપણે ના કહે છે. આ બાબતમાં ફક્ત સાદો પ્રાણાયામ જ પૂરતો છે. આવા નિયમિત અને પદ્ધતિસરના સાદા પ્રાણાયામથી પહેલાં સ્થૂળ શરીર પર નિયમન આવે છે અને પછી સૂક્ષ્મ શરીર પર કાબૂ મેળવીને મનને કાબૂમાં લાવવામાં આવે છે. અમુક સમય પછી આપણે શરીર પર મનની ક્રિયાનો અનુભવ પારખી શકીશું. ત્યાર પછી મનના એક ભાગની બીજા ભાગ પર થતી પ્રક્રિયાઓનો અનુભવ કરી શકાશે. તેમજ મનને જ્ઞાનતંતુઓનું સમારકામ કરતું અનુભવી શકાશે; કારણ કે મન જ્ઞાનતંતુઓની પ્રક્રિયાને કાબૂમાં રાખીને તેના પર હકૂમત બજાવે છે. જુદાં જુદાં જ્ઞાનતંતુઓના પ્રવાહોમાં થઈને મનને સંચાલન કરતું પણ અનુભવી શકાશે.

આવું કરવાથી આપણામાં મનની ચોક્કસ પ્રકારની શક્તિ ઉદ્‌ભવશે અને એને આપણે વધુ સારી રીતે નિયમનમાં લાવી શકીશું. સ્વામીજી કહેતા આપણી માનસિક તાલીમ એવી હોવી જોઈએ કે વસ્તુઓ પર આપણે આપણા મનને સ્વેચ્છાએ યોજી શકીએ; વસ્તુઓ આપણા મનને ખેંચે તેવું ન થવું જોઈએ. સામાન્યત: એકાગ્ર બનવાની આપણને ફરજ પડે છે. જુદી જુદી વસ્તુઓમાં રહેલા અને જેનો આપણે પ્રતિકાર ન કરી શકીએ તેવા આકર્ષણને લઈને આપણા મનને તેમના પર એકાગ્ર થવાની ફરજ પડે છે. આ વાતની ચર્ચા અગાઉના લેખમાં કરી ગયા છીએ. મનને કાબૂમાં રાખવા માટે આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં તેને લગાડવા અને એકાગ્ર કરવા માટે વિશેષ પ્રકારની તાલીમની જરૂર રહે છે. બીજી આધુનિક મનોવૈજ્ઞાનિકોની પદ્ધતિઓ કે પ્રક્રિયાઓ કામચલાઉ છે. મનની કેળવણીમાં મન પરનો કાબૂ સંપૂર્ણ રીતે આવશ્યક છે. આપણે મનને સૌ પ્રથમ તો તેના પોતા પર લગાડતાં શીખવું જોઈએ.

આ બધું કરવાની રીત માટે સ્વામીજીએ નિર્દેશેલ ઉપાયો, એનાં વ્યાવહારિક પાસાંની વિગતવાર ચર્ચા આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.