(‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ. એટલે આ લેખમાં એનો વિચાર કરવામાં આવ્યો છે.)
માનવજાતમાં મન, મસ્તિષ્ક અને ચેતનાનો સંબંધ એક મહત્ત્વનો વિચાર વિષય છે. એથી ભારતનાં વિવિધ દર્શનોમાં એનું તર્કપૂત નિરૂપણ કરાયું છે. એમાંયે ભારતના સાંખ્ય અને વેદાન્ત જેવા બે મુખ્ય વિચાર- પ્રવાહોમાં તો આ વિષયનું ઊંડાણથી સંશોધન, પ્રયોગો, પરિશીલન અને અંતે તર્કસંગતિ સાધેલ છે.
આજનુ ભૌતિકવિજ્ઞાન તો વિદ્યુત, ચુંબક, આણવિકશક્તિ જેવાં વિવિધ ભૌતિકરૂપોનાં અધ્યયન, સંશોધન અને નિયમનની જ્ઞાનશાખાને વરેલું છે. પણ સદીઓ પહેલાં ભારતીયોએ એક બીજી જ્ઞાનશાખા વિકસાવી હતી. એ જ્ઞાનશાખાએ વિવિધ માનસિક બળો તેમજ વિવિધ ચેતનસ્તરોનું અધ્યયન, સંશોધન અને નિયમન માનસિક ઉપકરણો દ્વારા જ હાંસલ કર્યું હતું. ભારતીયોનું આ વિજ્ઞાન ‘રાજયોગ’ તરીકે ઓળખાય છે.
આ રાજયોગનું મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન કરતાં ઘણું કપરું છે. ભૌતિકવિજ્ઞાની તો પોતાની બહારથી પ્રાથમિક માહિતી ભેગી કરીને જ્ઞાન મેળવે છે પણ રાજયોગમાં તો પોતાનું મન જ અધ્યયનવિષય છે. અને સાથોસાથ એનું સંશોધન કરનાર પણ યોગીનું આંતરિક નિરીક્ષણ કરનારું મન જ છે! સતત સર્વદા ચંચલ અને પરિવર્તનશીલ આ મનોવિશ્વમાં કોઈ સામાન્ય કહેવાય તેવી માહિતી તો મળી જ ન શકે! કોઈ માણસ સૂક્ષ્મ દર્શક યંત્ર રાખીને લાંબા સમય સુધી પરદા કે કાચ પર લસરતા ચિત્રને કે એવા કોઈ નમૂનાને પકડીને નીરખીને સંશોધન કરી શકે ખરો, પણ આ મનોવિશ્વમાં તો થોડીક ક્ષણો માટે ય કોઈ એકાદ માનસિક પ્રતિમાને પકડી રાખવાનું ભારે મુશ્કેલ છે, તો પછી આ મનનો અભ્યાસ ક૨વો જ કેવી રીતે?
વેદાન્ત કહે છે કે આપણી ભીતર ગહનતમ પ્રદેશમાં શાશ્વત, અચલ એક આત્મા છે. રાજયોગનું વિજ્ઞાન આપણને આપણી ભીત૨ના આ શાશ્વત અવિચલ પરમસત્તારૂપ આત્માનો આધાર લેવાનું કહે છે. અને પછી એના પર ઊભા રહીને મનના અવિરત ઊછળતાં વમળોને નીરખવાનું સૂચવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે: “મનને અંતર્મુખ બનાવો અને આત્મા સાથે ઓતપ્રોત થઈ જાઓ.’’ અને સ્થિરતાના એ કેન્દ્ર પરથી મનના વમળો જોઈ શકાય છે. અને દરેક માણસના મનમાં જોવા મળતી સામાન્ય હકીકતો પામી શકાય છે.
પરંતુ, જો શરુ શરુમાં આ આત્મામાં ઓતપ્રોત થવાનું શક્ય ન હોય તો શું કરવું? પતંજલિનાં યોગસૂત્રો કહે છે કે એવે વખતે સાધકે ઈશ્વરતુલ્ય વ્યક્તિ ૫૨ મન કેન્દ્રિત કરવું અથવા તો ઈશ્વરની પૂજા – પ્રાર્થના અને ભક્તિ ક૨વી. કે પછી ઉચ્ચતર બૌદ્ધિક સ્તરે ખડા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ ઉપર્યુક્ત ધારણામાં કે ઉચ્ચતર બૌદ્ધિક સ્તરે ખડા રહેવામાં બરાબર સ્થિર થયા પછી માણસે ધીરે ધીરે મનના વમળોનું નિરીક્ષણ કરવું જોઈએ. અને અભાન મનમાં પડેલાં એનાં કારણો ઊંડેથી ખોળી કાઢવાં જોઈએ અને પછી પદ્ધતિસરની વિવેક-સાધના અને ધારણા દ્વારા એ કારણોનો સમૂળો નાશ કરવો જોઈએ.
સ્વામી વિવેકાનંદ કહે છે: “મનને વશ ક૨વા તમારે ખૂબ ઊંડે અર્ધજાગ્રત મન સુધી જવું જોઈએ અને ત્યાં ભેગા થયેલા જુદા જુદા બધા વિચારો, સંસ્કારો વગેરેનું વર્ગીકરણ કરીને ક્રમસર ગોઠવવા તેમ જ કાબૂમાં લેવા જોઈએ. આ પહેલું પગથિયું છે. અર્ધજાગ્રત મન વશ કરવાથી જાગ્રત મન પણ વશ થઈ જાય છે.”
આ મનોવિશ્વનું વિજ્ઞાન, બધાં વિજ્ઞાનોમાં સૌથી કઠિન છે. એટલે જ ઈતિહાસમાં સેંકડો વિજ્ઞાનીઓ, કવિઓ, કલાકારો તો થયા છે, પણ ઈશુ, બુદ્ધ, કૃષ્ણ કે રામકૃષ્ણ જેવા સાચા યોગી જ્વલ્લે જ જન્મે છે.
ભારતીય દર્શનોમાં સૌથી પ્રાચીન સાંખ્યદર્શન, જીવન અને જગતના ક્રમિક વિકાસના પાયા પર રચાયું છે. આ દર્શને મન, મસ્તિષ્ક અને ચેતના વિષે ભારે ઝીણી છણાવટ કરી છે. સાંખ્ય પ્રમાણે આપણાથી જોવાતી- અનુભવાતી દરેક વસ્તુ, પુરુષ અને પ્રકૃતિ નામનાં બે મૂળ શાશ્વત તત્ત્વોના સંમિશ્રણથી બની છે. વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે બધું જ આ સંમિશ્રણનું સર્જન છે. આ બે મૂળ તત્ત્વોમાં “પુરુષ” એ વિશ્વમાં થતાં બધાં પરિવર્તનોનું છેવટનું કારણ છે. એ બુદ્ધિરૂપ નથી કે ઈચ્છારૂપ નથી. અહંકારરૂપ પણ નથી. એ તો આ બધાં જ પ્રકૃતિઘટકોનું મૂળ કારણ છે. આ પુરુષ જ કેવળ ચેતન સત્તા અને વિશુદ્ધ સાક્ષી છે છતાં એના સાંનિધ્યને કારણે પ્રકૃતિ જાણે કે ચેતનવંતી, ગતિશીલ અને પરિણામી બને છે. તાત્ત્વિક રીતે જોતાં આ પ્રકૃતિ કઈ આપણું ઈન્દ્રિયગમ્ય ભૌતિક જગત નથી કે નથી તો કોઈ ભૌતિક શરીરરૂપ સ્થૂળ જથ્થો! ખરી રીતે આ જડચેતનમય વિશ્વમાં પાંગરતાં બધાં પરિણામો પહેલાંનું વ્યક્ત ન થયેલું જે છેવટનું મૂળ કારણ છે, તે સ્થિતિ એ જ ‘પ્રકૃતિ’ છે. સૃષ્ટિના પ્રલય વખતે વળી પાછાં આ પાંગરેલાં વ્યક્ત પરિણામો પોતાના મૂળ કારણ ‘પ્રકૃતિ’માં – અવ્યક્તમાં સમાય છે. આજના નભો ભૌતિક વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે શક્તિના પતનને કારણે જ્યારે વિશ્વ નાશ પામે છે ત્યારે પહેલાં તો ક્ષીણ થતું થતું એ કાળાં ધાબાં રૂપે થાય છે; અને પછી દ્રવ્ય અને શક્તિ જુદાં ન પાડી શકાય તેવા, સ્થળકાળના કશા કાર્ય વગરના અને કેવળ મૂળ કારણરૂપે રહેલાં એક વિશિષ્ટતાના બિંદુ અથવા ‘ઘટનાના ક્ષિતિજ’ રૂપે રહે છે. અને સર્જન સમયે વળી પાછું આ વિશિષ્ટતાનું બિંદુ કાળાં ધાબાં રૂપે અને એમાંથી સૃષ્ટિરૂપે પરિણમે છે.
આ અવ્યક્ત પ્રકૃતિની પ્રથમ અભિવ્યક્તિ ‘મહત્’ છે. એ “સમષ્ટિ બુદ્ધિ” અથવા “સમષ્ટિ મન” છે. આપણાં દરેક મન આ વૈશ્વિક મનના ભાગો છે. એટલે જ દરેકે દરેક મનને એકબીજા સાથે તેમજ આખા વિશ્વ સાથે સંબંધ છે. એટલે જ બે મનોનું પરસ્પર વિચાર સંક્રમણ થઈ શકે છે. એક મનમાં ઉદ્ભવતો વિચાર, સેંકડો માઈલ દૂર રહેલા બીજા સમાન મનમાં પણ ઉદ્ભવે છે. એટલે જ ટૅલીપથી અથવા મનોવિનિમય શક્ય છે.
આ ‘મહત્’માંથી અહંકાર જન્મે છે. આ અહંકાર વ્યક્તિની હસ્તીનું પ્રથમ ચિહ્ન છે. ચેતન પ્રાણીની પહેલી વાસ્તવિક્તા, એ એનું “હું છું”ની લાગણી છે. એક બાળક પણ “તે છે” એટલું તો જાણે જ છે. તે કહેશે ‘‘હું છું’’. આ અહંકાર વ્યક્તિના અસ્તિત્વનું સ્વતઃ પ્રમાણ છે.
અહંકારમાંથી ઇન્દ્રિયો અને વ્યષ્ટિ મનો અભિવ્યક્ત થાય છે. સાંખ્ય પ્રમાણે આ મન તે શાશ્વત સાક્ષીપુરુષનું પ્રકૃતિને જોવા, સર્જવા અને ભોગવવા માટેનું આંખ અને કાન જેવું માત્ર સાધન જ છે.
સ્વામી વિવેકાનંદ કહે છે: “દ્રષ્ટા કોણ છે? એ છે માણસનો આત્મા! એ છે પુરુષ! ત્યારે દૃશ્ય શું છે? એ છે મનથી માંડીને સ્થૂળ વિશ્વ સુધીની સમગ્ર પ્રકૃતિ! પુરુષ અને મનના મિલનમાંથી જ સઘળાં સુખો-દુઃખો જન્મે છે.
સર્વવ્યાપક ચેતનમય આત્મા જ ખરો દ્રષ્ટા છે અને એનાં જોવાનાં સાધનો ચિત્ત, બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો છે. ચિત્તને મનોદ્રવ્ય પણ કહે છે. બુદ્ધિ એનું નિર્ણાયક પાસું છે. મનસ્ સંકલ્પ ક૨ના૨ પાસું છે. ઇન્દ્રિયો ગ્રાહક અવયવો છે. આ સાધનોને આત્મા તરીકે ઓળખવાં એ જ અજ્ઞાન છે, એ જ અહંકાર છે. આપણે ‘હું કહું છું’ કે ‘સુખી છું’ એમ તો ત્યારે જ કહી શકીએ ને કે જો આપણી આપણા આત્માને – પુરુષને – અપરિણામી સમજવાને બદલે એને પ્રકૃતિ, દેહ કે પરિવર્તનશીલ પદાર્થ તરીકે ઓળખવાની ભૂલ કરતા હોઈએ!
અહંકાર બે સ્વરૂપે વિકસે છે: (૧) અંતઃકરણ અથવા મનસ્ તેમજ (૨) પાંચ તન્માત્રાઓ – એ સર્વતત્ત્વો ઉત્પન્ન કરવા માટે વિવિધ રીતે મિશ્રિત થતા પ્રકૃત્યંશોના સૂક્ષ્મતમ સ્વરૂપો છે. આ તન્માત્રાઓ આપણી જ્ઞાનેન્દ્રિયો સાથે અથડાઈને સંવેદનાઓ જગાડે છે. આમ સાંખ્યમાં જડપદાર્થ અને મનનું મૂળ એક જ છે.
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘‘આધુનિક ભૌતિક-વિજ્ઞાનીઓ આપણને કહે છે કે દેખાતી આંખો કંઈ દર્શનેન્દ્રિય નથી. ખરી દર્શનેન્દ્રિય તો મસ્તિષ્કમાંનું જ્ઞાનકેન્દ્ર છે. આપણા બધા જ ઇન્દ્રિયાવયવોનું એવું જ છે. વળી તેઓ કહે છે કે આ બધાં જ્ઞાનકેન્દ્રો અને મસ્તિષ્કનું પિંડદ્રવ્ય એક જ છે. સાંખ્યો પણ આ જ વાત કહે છે. વિજ્ઞાનીઓનું વિધાન ભૌતિકતાલક્ષી છે, જ્યારે સાંખ્યોનું વિધાન મનોલક્ષી છે. છતાં બન્ને સમાન છે!
સાંખ્યમાં પુરુષ સર્વવ્યાપક અને અનંત છે પણ અસંખ્ય છે. પણ વેદાન્તને મતે અનંતતા બે ન હોઈ શકે. એટલે પુરુષ કે આત્મા તો એક જ, અદ્વિતીય, અખંડ, સર્વવ્યાપક ચૈતન્ય જ છે. સાંખ્યમાં શાશ્વત સાક્ષીરૂપ પુરુષ અને ભૌતિક વ્યષ્ટિદેહનાં કાર્ય વચ્ચેના માધ્યમ તરીકે આ સમષ્ટિબુદ્ધિ યુક્ત મહત્-તત્ત્વ જ સ્વીકારાયું છે.
સાંખ્ય અને વેદાન્ત – એ બન્નેમાં આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત મનને પણ છઠ્ઠી ઇન્દ્રિય તરીકે ગણવામાં આવ્યું છે. આમ વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા કરતાં મન ઘણી નિમ્નકક્ષાનું છે. આમ પ્રાણીમાં રહેલ વૈશ્વિક ચૈતન્યનો દૃશ્યવિષય તરીકે મન બની રહે છે. આપણા વિષયદર્શનની સમજૂતી સાંખ્ય આ પ્રમાણે આપે છે:
પહેલાં તો આંખ-કાન જેવો બાહ્ય ઇન્દ્રિયાવયવ હોય છે. પછી તે તે ઉપકરણો માટે, ભીતર મસ્તિષ્કમાં જ્ઞાનકેન્દ્રો છે. કોઈ દૃશ્ય કે અવાજની આંખ કે નાક આદિ ૫૨ પડતી અસ૨ને એ ઝીલે છે; આ અસરો કે છાપને તે જ્ઞાનકેન્દ્રો નિશ્ચયાત્મિકા બુદ્ધિ પાસે રજૂ કરે છે. અને બુદ્ધિ એના પર પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાઓ આપણામાં રહેલ ‘હું’ના વિચારને લીધે જન્મે છે. અંતરમાં શાશ્વત ફૂટસ્થ આત્મામાં સ્થિર અને અહંશૂન્ય સંત કંઈ અપમાનની પ્રતિક્રિયા કરતો નથી, પણ સામાન્ય માણસ કરે છે. એટલે અહંકાર જ પ્રતિક્રિયા કરે છે ત્યાર પછી ક્રિયાપ્રતિક્રિયાનું આ મિશ્રણ શુદ્ધ પુરુષ પાસે રજૂ થાય છે, આ મિશ્રણને તે વિષયરૂપે નિહાળે છે, મન સહિત બધી ઇન્દ્રિયો, નિશ્ચયાત્મિકા બુદ્ધિ, અને અહંકાર મળીને એક અંતઃકરણ બને છે. આ અંતઃકરણ-મનોદ્રવ્ય-ની વિવિધ પ્રક્રિયાઓને ‘ચિત્ત’ કહેવામાં આવે છે. ચિત્ત કે મનોદ્રવ્યની આ પ્રક્રિયાઓ કે વિચાર તરંગોને ‘વૃત્તિઓ’ કહેવામાં આવે છે. અસંખ્ય વિચારો ને લાગણીઓનું – વૃત્તિઓનું ઉત્થાન પતન ચિત્તમાં કે મનોદ્રવ્યમાં સતત તળાવના પાણી પેઠે ચાલ્યા જ કરે છે.
સ્વામી વિવેકાનંદ કહે છે: “મન, બુદ્ધિ અને અહંકારનું મૂળ એક ‘ચિત્ત’ કે મનોદ્રવ્ય જ છે. એમાંથી જ બધું નીપજે છે. મનોદ્રવ્ય પ્રકૃતિનાં બળોને ઝીલીને એને વિચારરૂપે પ્રતિફલિત કરે છે.”
આ વિચાર શું છે? સ્વામી વિવેકાનંદને મતે આકર્ષણ કે અપાકર્ષણ જેવું એક બળ છે. પ્રકૃતિની શક્તિના અખૂટ ખજાનામાંથી ચિત્ત થોડીક શક્તિ ગ્રહણ કરે છે, પચાવે છે અને એને વિચારરૂપે બહાર મોકલે છે. આ શક્તિ આપણને પહેલાં તો ખોરાકમાંથી મળે છે. પહેલાં શારીરિક શક્તિ અને પછી એનું સૂક્ષ્મતર અશરીરી સ્વરૂપ થાય છે, એને આપણે વિચાર તરીકે ઓળખીએ છીએ.
માનવપ્રાણીના મનોદ્રવ્યનું ખાસ કાર્ય એ છે કે એ ઉચ્ચતર બુદ્ધિ દ્વારા દોરવાઈને ઉચ્ચતમ આત્મસાક્ષાત્કાર તરફ પ્રેરિત થઈ શકે. પશુઓ માટે આ શક્ય નથી. જો કે નાનાં મોટાં બધાં પ્રાણીઓમાં ચિત્ત કે મનોદ્રવ્ય છે તો ખરું છતાં ઉત્ક્રમણશીલ બુદ્ધિ તો માનવપ્રાણીમાં જ છે. જ્યાં સુધી મનોદ્રવ્ય બુદ્ધિનું સ્વરૂપ ન પકડે, ત્યાં સુધી કોઈ પણ પ્રાણી મનમાં ઉછળતાં લાગણી કે વિચારોનાં મોજાંઓને કાબૂમાં ન લઈ શકે; એને શાંત ન કરી શકે, વાસનાઓની ગુલામીમાંથી મનને છોડાવી ન શકે. ‘‘ગાય કે કૂતરાંની સદ્યોમુક્તિ અસંભવ છે, ભલે એમને મન હોય પણ એ ‘મને’ બુદ્ધિનું રૂપ લીધું નથી હોતું.” એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે.
મન, મસ્તિષ્ક-ચેતના સંબંધે વેદાન્તનો વિચાર, ‘દૃગ્-દૃશ્યવિવેક’ નામના વેદાન્તના ગ્રંથરત્નમાં સુપેરે આ રીતે નિરૂપાયો છે: મનમાં થતાં પરિવર્તનો બધાને જાણીતાં છે. મનની પરિવર્તનશીલતા અનુભવનો વિષય છે અને એનો દ્રષ્ટા ચૈતન્ય છે. બધાં પરિવર્તનો આ અપરિવર્તનશીલ ચૈતન્ય દ્વારા અનુભવાય છે… વિદ્વાનોને મતે ચૈતન્યાભાસ કે અહંકારને ચૈતન્ય સ્વરૂપે માની બેસવો એ તો અગ્નિથી તપાવેલા લોહપિંડને જ અગ્નિ માની લેવા જેવી ભૂલ છે. ચૈતન્યાભાસ સાથે તાદાત્મ્ય પામેલા ‘અહં’ શરીરને જ પોતાનું સ્વરૂપ માની લે છે.
ગાઢ સુષુપ્તિમાં જ્યારે અહંકાર અદૃશ્ય બને છે, ત્યારે શરીર પણ અભાનાવસ્થામાં હોય છે. ‘અહં’ના અડધા પ્રકટીકરણની સ્થિતિ સ્વપ્નાવસ્થા છે અને એના પૂરા પ્રકટીકરણની સ્થિતિ જાગ્રત અવસ્થા છે. ચૈતન્યાભાસ સાથે તદ્રૂપ બનેલ અંતઃકરણ સ્વપ્નમાં વિવિધ વિચારો અને સંકલ્પ વિકલ્પો કરે છે અને એ જ અંતઃકરણ દેહ સાથે તદ્રૂપ બનીને જાગ્રત અવસ્થામાં ઈન્દ્રિયો દ્વારા બાહ્ય પદાર્થો વિષે સંકલ્પો, વિચાર વગેરે કરે છે. બાહ્ય હસ્તી જ્યારે દૃશ્ય હોય, ત્યારે ચક્ષુ દ્રષ્ટા બને અને વળી ચક્ષુરિન્દ્રિય દૃશ્ય હોય, ત્યારે મન દ્રષ્ટા બને છે. આ દ્રષ્ટાપણું તો એક આભાસ છે, મન કે બુદ્ધિની એક છાપ માત્ર છે. ખરો દ્રષ્ટા તો ભીતર સાક્ષીસ્વરૂપે રહેલો છે, એ ક્યારેય ‘દૃશ્ય’ બનતો નથી.
નવાઈની વાત એ છે કે વેદાન્તના આ વિચારને અદ્યતન ‘‘ક્વાન્ટમ વિજ્ઞાન” સૈદ્ઘાન્તિક અને પ્રાયોગિક ભૂમિકાએ સમર્થન આપી રહ્યું છે! શ્રૉડિંજરના પહેલી નજરે ખોટા લાગતા તરંગસમીકરણ (શ્રૉડિંજર્સ કેટ)ની સમજૂતી આપતાં ઍવરૅટ વ્હીલરે જે શબ્દો કહ્યા તે ‘દૃગ્-દૃશ્યવિવેક’ને મળતા આવે છે. આ સમજૂતી પ્રમાણે બાહ્ય વિશ્વની હસ્તી દ્રષ્ટાએ જ કલ્પેલી છે. ક્વાન્ટમ-વિજ્ઞાન પ્રમાણે ચેતના જ બાહ્ય હસ્તી સર્જે છે.
માંડૂક્યોપનિષદે ચેતનાના સ્પષ્ટ રીતે ચાર સ્તરો બતાવ્યાં છે. આપણી જાગ્રત અવસ્થાના જે ચેતન સ્તરે આપણે કામ કરીએ છીએ, હાલીએ ચાલીએ છીએ, વિચારીએ છીએ, તે સ્તર ‘વિશ્વ’ કહેવાય છે. એ જાગ્રત અભિમાની ચેતના છે. એ જ રીતે સ્વપ્નાવસ્થાની અભિમાની ચેતના ‘તેજસ્‘ કહેવાય છે અને નિઃસ્વપ્ન ગાઢ નિદ્રાની સ્થિતિએ આપણામાં કામ કરતો ચેતના સ્તર ‘પ્રાજ્ઞ’ કહેવાય છે. આ ત્રણેય ચેતન સ્તરોની પાછળ ‘વિશુદ્ધ ચૈતન્ય’ છે. ૐ (ઓમ્) અક્ષરના ‘અ’, ‘ઉ’ અને ‘મ’ અંશો સાધકને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના ત્રણ ચેતન સ્તરો ભણી લઈ જાય છે. વિશુદ્ધ ચૈતન્યનો સંબંધ અનાહત નાદ સાથે છે. ૐ(ઓમ)ના પછી સાધક એ એકાન્તમાં અનુભવે છે. વિશુદ્ધ ચૈતન્ય વ્યક્તિનો ખરો આત્મા છે. અને છેવટનું વિશ્લેષણ કરતાં આ વ્યક્તિગત આત્મા જ વૈશ્વિક આત્મા કે બ્રહ્મસ્વરૂપ છે. ‘અખંડિચત્’ છે. પંચીકરણમાં શંકરાચાર્યે ૐ(ઓમ્)નો આ ચાર ચેતના સ્તરો સાથેનો સંબંધ સમજાવ્યો છે. અને આ ૐ(ઓમ્)નો જપ સાધકને વિશુદ્ધ ચૈતન્ય-૫૨મ ચૈતન્ય ત૨ફ કેવી રીતે દોરી જાય છે, તે બતાવ્યું છે.
પ્રાચીન ભારતના યોગી દાર્શનિક પતંજલિએ પ્રકૃતિ અને આત્મા સાથેના સંબંધોમાં મન પર ઘણા પ્રયોગો કર્યા અને એની સમજૂતી પણ આપી. ચૈતન્યની ૫૨માવસ્થાએ પહોંચવાનો પદ્ધતિપૂર્વક માર્ગ બતાવતાં પતંજલિનાં યોગસૂત્રો જ મન-મસ્તિષ્ક અને ચેતનાનો સંબંધ બતાવતો ઉત્તમ દસ્તાવેજી પૂરાવો છે. સ્વામી વિવેકાનંદ જેવા ધ્યાનના ઉચ્ચતમ શિખરે બેઠેલા અને ઉચ્ચતમ કક્ષાના દાર્શનિકે પણ પોતે જ પતંજલિનાં યોગસૂત્રોને આધુનિક યુગમાં વૈજ્ઞાનિક વલણવાળા રાષ્ટ્રવીરોને માટે સમજાવ્યાં છે. આ સમજૂતીમાં સ્વામીજીએ કોઈ ચીલાચાલુ પદ્ધતિ અપનાવી નથી. તેમણે પોતાની પરમાત્માનુભૂતિની ઉંચાઈએથી જ અહીં બધું કહ્યું છે. પતંજલિનાં યોગસૂત્રો દ્વારા તેમણે મન-મસ્તિષ્ક-ચેતનાના સંબંધને પોતાની અનોખી રીતે સમજાવ્યો છે અને જરૂર પડ્યે એમાં વેદાન્ત અને સાંખ્યની મદદ લીધી છે. ઓગણીસમી સદીના નવમા દશકામાં આટલાંટિકની બન્ને બાજુએ પશ્ચિમમાં તેમણે કહેલી આ વ્યાખ્યા તેમના ‘રાજયોગ’માં સંગૃહીત છે.
જડદ્રવ્યનું સૂક્ષ્મતર સ્વરૂપ અને પુરુષનું માત્ર ઉપકરણરૂપ મન તે વળી ૫રમાત્મસાક્ષાત્કાર તરફ કેવી રીતે દોરી જાય? આની સ્પષ્ટતા વિવેકાનંદ આ રીતે કરે છે.
‘‘વેરવિખેર થયેલી મનની શક્તિઓ જ્યારે કેન્દ્રીભૂત થાય છે, ત્યારે તે પ્રકાશે છે. આપણા જ્ઞાનનું આ એક માત્ર સાધન છે…અને માનસરોવરમાં વિચારતરંગો મનને અને વળી શરીરને પણ આકાર આપે છે. મન શરીરનું અને શરીર મનનું સૂક્ષ્મરૂપ જ છે. અને શરૂઆતમાં મસ્તિષ્ક દ્વારા માનસિક ક્રિયાઓ દોરવાય છે. નવા નવા વિચારો સાથે મસ્તિષ્કમાં નવી નવી નલિકાઓ ખૂલે છે. જો કે પહેલાં તો મસ્તિષ્ક આ નવી જ્ઞાનનલિકાઓનો સામનો કરે છે.
ચિત્ત કે મનોદ્રવ્યના સરોવરમાં લાગણીઓ અને વિચારો સતત ઉત્થાન પતન પામતા તરંગોને વશમાં રાખવા એ જ રાજયોગનો મુખ્ય હેતુ છે.
રાજયોગ અનુસાર ચિત્ત પોતામાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એવાં પાંચ સ્વરૂપો પ્રકટ કરે છે. રજોગુણની પ્રધાનતાથી ચંચલ અને બાહ્ય વિષયો તરફ પ્રવૃત્ત ચિત્ત ‘ક્ષિપ્ત’ કહેવાય. તમોગુણની અધિકતાથી વિવેકશૂન્ય જંગલીઓનું મન ‘મૂઢ’ કહેવાય છે. સત્ત્વગુણની અધિકતાથી દુ:ખસાધનો છોડી સુખસાધનોમાં પ્રવૃત્ત ચિત્ત ‘વિક્ષિપ્ત’ કહેવાય છે. રજોગુણી ‘ક્ષિપ્ત’ ચિત્ત કરતાં આ સાત્ત્વિક વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક સ્થિર બને છે. બાકીનાં બે એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તસ્વરૂપો એમાંના સત્ત્વની તીવ્રતાથી સમાધિમાં ઉપયોગી છે. બાહ્યવૃત્તિના નિરોધ પછી કોઈ એક જ વિષય પર એકાકાર થતા ચિત્તસ્વરૂપને “એકાગ્ર” કહે છે પણ બધી વૃત્તિઓ અને સંસ્કારોનો લય થઈ જાય ત્યારનું ચિત્ત “નિરુદ્ધ” કહેવાય.
સમગ્ર માનવને પોતાનો સ્વામી બનાવીને એનું પુનર્નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય પ્રાયોગિક મનોવિજ્ઞાને કરવાનું છે. માનવ પોતે પોતાનો સ્વામી કેમ બને? રાજયોગ કહે છે કે માણસને ગમે કે ન ગમે તો પણ એનું અભાન મન એની પાસે અમુક કાર્ય ૫રાણે કરાવવાની ફરજ પાડે છે. આવા અભાન મનને માણસ વશમાં લાવી શકે છે, લાવ્યા પણ છે. આપણા શરીર મનની દરેક અભાન ચેષ્ટા પહેલાં સભાન ચેષ્ટાથી પુનરાવર્તિત જ હોય છે. સભાન અને આયાસસાધ્ય ચેષ્ટા જ્યાં સુધી સ્વયં સહજ-અનૈચ્છિક-અનાયાસ-અભાન ન બને ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રખાય છે. એ જ પ્રક્રિયા પ્રમાણે માણસ સભાન ચેષ્ટાઓનું આવર્તન કર્યે રાખીને એનું પરિશીલન કરીને પરમચૈતન્યની સ્થિતિએ પહોંચવા મથી શકે છે. આ રીતે અભાન મનમાં પડેલા નિગૂઢ કારણોનું વિશ્લેષણ કરી, એને શોધી, સમજી અને પકડી પાડીને પછી સભાન મનને વશ કરી શકે છે. ધીરે ધીરે ક્ષિપ્ત ચિત્તમાંથી વિક્ષિપ્તમાં થઈને પરમ ચૈતન્ય સુધી પહોંચી શકાય છે. પોતાના મનને વશ કરનારો બીજાના મનને પણ વશ કરી શકે છે કારણ કે બધાં મન પરસ્પર સંકળાયેલાં છે.
આત્મસ્વામિત્વની આ પ્રક્રિયા ત્વરિત અને તીવ્રતર થઈ શકે. ઈતિહાસના આધ્યાત્મિક ધુરંધરોએ એ જ કર્યું છે. સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે આપણાં વૃદ્ધિ-વિકાસ તીવ્રતર બનાવીએ; આપણે આ જ જીવનમાં પૂર્ણ બનીએ; આપણા જીવનનો આ ઉચ્ચતર ભાગ છે. મનનું વિજ્ઞાન અને એની શક્તિઓનું ધ્યેય પણ આ પૂર્ણતા જ છે.”
રાજયોગ શીખવે છે કે મનને પોતાને પણ એક તર્કાતીત ઉચ્ચતર અસ્તિત્વ છે. એ છે પરમ ચૈતન્યની જ સ્થિતિ. જ્યારે મન એ ઉચ્ચતર સ્થિતિ પામે છે, ત્યારે માણસને તર્કાતીત, વૈશ્વિક રહસ્યમય જ્ઞાન લાધે છે. એને તાત્ત્વિક ૫૨મોચ્ચ જ્ઞાન સાંપડે છે.
સામાન્ય રીતે માણસ ચેતનાના આ પરમોચ્ચ જ્ઞાનને પામી શકતો નથી. કારણ કે એને અનુભૂતિ અને જ્ઞાન નથી. મનને સોય જેવું અને મસ્તિષ્કને તેની સામે પડેલા મૃદુપિંડ જેવું ધારીએ, તો આપણો દરેક વિચાર જાણે કે મસ્તિષ્કમાં એક માર્ગ સ૨જે છે. મસ્તિષ્કનું ધૂસ૨દ્રવ્ય આવીને એને રેખા દ્વારા અલગ તારવે છે. નહિતર તો એ માર્ગ બંધ જ થઈ જાત. જ્યારે જ્યારે નવો વિચાર આવે, ત્યારે ત્યારે નવા નવા માર્ગો જ થાય છે, તેથી એ તરત જ સમજી શકાતા નથી. અને એટલે જ મસ્તિષ્ક એના ૫૨ નવા વિચારોની પ્રતિક્રિયા અભાનપણે કરતું નથી અને સંઘર્ષ કરે છે. રૂઢિવાદનું આ રહસ્ય છે.
નવા વિચારોને પચાવવાની મનની અશક્તિ અને તે સામેનો સંઘર્ષ જ ઈતિહાસમાં ધર્મગ્રંથો અને સંપ્રદાયોના હઠાગ્રહને કારણે ધર્મઝનૂનમાં પરિણમ્યો છે. અતિપ્રાચીન કાળથી ધાર્મિક પયગંબરો અને ધુરંધરોએ પોતાને કોઈ દિવ્ય વાણી, ઈશ્વર, દેવી, પક્ષી, મંજૂષા, દેવદૂત, મશાલ કે એવા કોઈ પાસેથી “દિવ્ય સંદેશ” મળ્યાનો દાવો કર્યો છે. એમની બધી અનુભૂતિઓ માન્ય છે. પણ ઘણા કિસ્સાઓમાં આ દ્રષ્ટાઓ અને તેમના અનુયાયીઓ આ સમજાવી શકતા નથી કે આ સંદેશ તેમને તેમના મનની અતિચેતન કક્ષામાંથી સાંપડ્યા હોય છે! બહારનાં દર્શન તો કેવળ પ્રતીકાત્મક છે.
ઈતિહાસ એક સર્વસ્વીકૃત સામાન્ય હકીકત દર્શાવે છે કે વિશ્વના બધા ધર્મધુરંધરોએ પોતાને પરમોચ્ચ સ્થાનેથી સત્ય લાધ્યાનો દાવો કર્યો છે. ફક્ત તેમાનાં ઘણા એ સ્થાન જાણતા હોતા નથી. સાચી વાત તો એ છે કે આ વિવિધ લોકો પોતાની જ અતિચેતન કક્ષા સાથે અથડાયા હોય છે. યોગવિજ્ઞાન શીખવે છે કે તે બધાનો દાવો સાચો છે. કારણ કે તેમને લાધેલું જ્ઞાન પોતાની ભીતરની છતાં તર્કાતીત કક્ષાએ આવેલું હોય છે.
આ અતિચેતન અનુભૂતિઓની બુદ્ધિગમ્ય સમજૂતી ન અપાવાને કારણે આ પયગંબરોના સામાન્ય અનુયાયીઓ દુરાગ્રહથી તેમના પયગંબર કે ઋષિના પ્રતીકને જ એક માત્ર સાચું પ્રતીક અને એના જ ગ્રંથને સાચો ઈશ્વ૨સંદેશનો ગ્રંથ માની લે છે. આ રીતે સાંપ્રદાયિક ઝનૂન વકરી ઊઠીને વિવિધ સંપ્રદાયો વચ્ચે લોહિયાળ સંઘર્ષ સર્જે છે. આવી બાબતોમાં ધર્મનું બૌદ્ધિક પાસું વિકસ્યું હોતું નથી. આવા તર્કહીન સંપ્રદાયોથી બુદ્ધિજીવીઓ હતાશ થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે: “અતિચેતન તર્કતીત છે પણ એ કોઈનું વિરોધી નથી.”
વેદાન્તમાં મનની ઉચ્ચતર ઉત્ક્રાન્તિનો નિર્ણાયક ભાગ બુદ્ધિને સોંપાયો છે. સમ્યક્ બુદ્ધિથી જ આપણું મન ૫૨મ ચેતન સુધી પહોંચે છે, પારગામી અનુભૂતિ પામે છે, અનંત જ્ઞાન-શક્તિ-ઈચ્છા-ક્રિયા વહાવે છે, અંતઃપ્રકાશ પામે છે. એનાથી માણસને બુદ્ધ અને ઈશુની આત્મશક્તિ સાંપડે છે. ઘણાં ધન-શિક્ષણ મેળવ્યા છતાં જો માણસની બુદ્ધિ મોહ, આસક્તિ, જડતા, વ્યસન, મદ્યપાન, દ્યુત કે એવાં જીવનનાશક – આત્મઘાતક વલણોમાં ખૂંચી ગઈ હોય તો એ માણસને રાયમાંથી રંક અને સંતમાંથી શેતાન બનાવી દે છે.
એટલા જ માટે ભારતમાં બાળકોને બાળવયથી જ ગાયત્રીમંત્ર શીખવાય છે. બાળકો જપ કરે છે: “અમારી બુદ્ધિ પ્રકાશિત થાઓ” (ધિયો યો નઃ પ્રચોદયાત્) એટલે જ શ્રીકૃષ્ણે યુદ્ધવિમુખ વિષાદમગ્ન અર્જુનને સમ્યગ્બુદ્ધિમાં સ્થિર થવા કહ્યું હતું. વીર અર્જુન પોતાનામાં જાગેલી એવી કૃષ્ણપ્રેરિત બુદ્ધિને અનુસર્યો. આ સમ્યક્ બુદ્ધિએ એને શીખવ્યું કે બધાં કર્તવ્યકર્મોનું લક્ષ્ય વિષયસુખ નથી પણ અંતરાત્માનું જ્ઞાન છે. એ જ માણસને એષણાઓથી અને વિષયાનંદથી ઉ૫૨ લઈ જાય છે. આ ઉચ્ચતર બુદ્ધિએ અર્જુનને દુન્યવી સફળતા ઉપરાંત ઈશ્વરભક્તિ પણ આપી.
કઠોપનિષદે રથના રૂપક દ્વારા આત્મા- બુદ્ધિ- મન- શરી૨ના સંબંધો સમજાવ્યા છે: “શરી૨ને રથ, આત્માને રથસ્વામી, બુદ્ધિને સારથી, અને મનને લગામ માનો; ઇન્દ્રિયો આ રથના અશ્વો છે; ભોગવિષયો એના માર્ગો છે. શરીર-મન-ઇન્દ્રિયો સાથે જોડાયેલા આત્માને જ જ્ઞાનીઓ ભોક્તા માને છે… જે કોઈ માણસ વિવેકશીલ બુદ્ધિરૂપ સારથીથી યુક્ત તથા મનને વશમાં રાખનારો હોય છે, તે સંસારમાર્ગ પાર કરી વિષ્ણુ-વ્યાપક પરમાત્માના ૫૨મપદને પામે છે.” (૧/૩/૪,૫,૯)
જ્યારે ઈશ્વરભક્તિ, પ્રાર્થનાપૂજા, સાધના, શાસ્ત્રા-ધ્યયન, ઈશકૃપા, સંતસમાગમથી બુદ્ધિ નિર્મળ થાય, ત્યારે મન પણ બધાં નિષેધાત્મક આત્મઘાતી વલણોથી મુક્ત થઈ નિર્મળ બને છે. પછી એ નિર્મળ મનમાં નિર્મળ બુદ્ધિ પ્રકાશે છે. એ પ્રકાશ ભીતરના શાશ્વત આત્માનો જ આભાસ હોય છે. સર્વજ્ઞ, સર્વવ્યાપક, આનંદમય આત્માનો જ આભાસ! શ્રીરામકૃષ્ણ કહેતા: “શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એક જ છે.’’
સંદર્ભ:
(1) Complete works of Swami Vivekananda (Mayavati Pub. Vol. 1,2,6)
(2) Raja Yoga – Swami Vivekananda (Advaita Ashrama, Calcutta)
(3) Holistic Science and Vedanta – Swami Jitatmananda (Bharatiya Vidya Bhavan, Bombay)
(4) True Psychology – Swami Abhedananda, (Ramakrishna Vedanta Math, Calcutta)
(5) Yoga Psychology Swami Abhedananda, (Ramakrishna Vedanta Math, Calcutta)
Your Content Goes Here




