(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)

આપણા દેશમાં બધા જ તહેવારોનું પૌરાણિક, આધ્યાત્મિક, સામાજિક કે સાંસ્કૃતિક મહત્ત્વ હોય છે. આ બધા તહેવારો અને ઉત્સવોનો મુખ્ય ઉદ્દેશ વિસરીને સહજપણે જ ઉત્સાહપૂર્વક એની ઉજવણીમાં જોડાઈએ છીએ. નવરાત્રી માતાજીની આરાધનાનું, શક્તિની આરાધનાનું પર્વ છે; જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને તેમના જીવનનું સ્મરણ કરવાનું પર્વ છે; પણ આજકાલ જાણે એ બધું વિસરાઈ ગયું છે. કોઈ પણ તહેવારની ઉજવણી કરવા માટે આપણે સૌ પ્રથમ તે તહેવારનું મહત્ત્વ સમજવું જરૂરી છે.

કેટલાક તહેવારો પ્રાદેશિક હોય છે, તો કેટલાક દેશવ્યાપી હોય છે, અને સ્થાનિક ફેરફારો સાથે તે વિવિધ નામે ઉજવાતા હોય છે. આવો જ એક ઉત્સવ સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીએ આવતો મકર સંક્રાંતિનો દિવસ છે. મકર સંક્રાંતિને કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે.

વિવિધ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને પંજાબમાં લોહડી અથવા તો લોહળી; પૂર્વ ભારતમાં બિહારમાં સંક્રાંતિ, આસામમાં બિહુ અને પશ્ચિમ બંગાળ તેમજ ઓરિસ્સામાં મકર સંક્રાંતિ; પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં મકર સંક્રાંતિ; તો મહારાષ્ટ્રમાં સંક્રાંત; દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં પોંગલ અને કર્ણાટકમાં સંક્રાંથી, સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ; તેમજ ભારતના અન્ય ભાગોમાં ‘મકર સંક્રાંતિ’ના નામે આ તહેવાર ઉજવવામાં આવે છે.

આસામમાં ઉજવાતો આ ઉત્સવ—‘બિહુ’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘બિશુ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘લણણીની મોસમ દરમિયાન ભગવાનને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી’. આ તહેવાર તિબેટો-બર્મન, ઓસ્ટ્રોએશિયાટિક અને ઇન્ડો-આર્યન પરંપરાઓનું મિશ્રણ છે.

બિહુની ઉજવણી ગીતો અને નૃત્યો સાથે કરવામાં આવે છે, જેમાં બિહુનૃત્ય દ્વારા યુવક-યુવતીઓ નૃત્ય-પ્રદર્શન કરે છે. આ નૃત્યમાં પુરુષો વાદ્યો વગાડે છે, સ્ત્રીઓ ડોલતી હોય છે.

નજીકના અન્ય દેશોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે, જેમ કે નેપાળમાં માઘી કે માઘ સંક્રાન્ત; થાઈલેન્ડમાં સોંગ્ક્રાન; લાઓસમાં પિ મા લાઓ; તો વળી મ્યાનમારમાં થિંગયાન નામે આ તહેવાર ઉજવવામાં આવે છે.

ખગોળશાસ્ત્રીય મહત્ત્વ વિશે જોઈએ તો સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાંતિ કહે છે. કુલ ૧૨ રાશિ છે, તેથી આ પ્રમાણે વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિ થાય છે. સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે. આ દિવસે પૃથ્વી સૂર્યની આસપાસની પોતાના પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડી ઉત્તર દિશા તરફ ખસે છે. છ-છ માસના બે અયન હોય છે, ‘ઉત્તર-અયન’ અને ‘દક્ષિણ-અયન’. આ દિવસે સૂર્ય ઉત્તર અયન તરફ સંક્રાંત થાય છે તેથી આ કારણે જ આ દિવસને ઉત્તરાયણ પણ કહે છે.

પૌરાણિક કથા અનુસાર એવું પણ કહેવાય છે કે ગંગાને પૃથ્વી પર લાવનારા મહારાજ ભગીરથે આ દિવસે તેમના પૂર્વજોને તર્પણ અર્પણ કર્યું હતું. તર્પણ સ્વીકાર્યા બાદ ગંગાજીનો સમુદ્ર-સંગમ થયો હતો.

બીજી એક પૌરાણિક કથા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય સ્વયં તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે. શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

મહાકાવ્ય મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે કુરુ વંશના રક્ષક ભીષ્મ પિતામહ કે જેમને ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. બાણશય્યા પરથી યુદ્ધના અંતિમ દિવસોને જોઈને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશ્યો ત્યારે જ દેહત્યાગ કર્યો. આપણાં શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ, ઉત્તરાયણના દિવસને ભીષ્મ-દેહોત્સર્ગના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.

સામાજિક મહત્ત્વની વાત કરીએ તો મકર સંક્રાંતિનો મહત્ત્વપૂર્ણ સમય પરિવર્તનનો, જૂનું ત્યજીને નવું અપનાવવાનો સમય છે. આ સમયે નવાં છડેલાં ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાધ પદાર્થો બનાવીને દાન કરવામાં આવે છે.

મકર સંક્રાંતિનું આધ્યાત્મિક રીતે પણ ઘણું મહત્ત્વ છે. મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે. ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે, જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે લઘુ કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં; ગંગાસાગર મેળો કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. આ મેળાઓમાં હજારો સાધુ-સંતો અને લાખો ભક્તો આવે છે અને શાહી સ્નાનનો લાભ લે છે.

પ્રાચીનકાળથી સૂર્ય-ઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીનકાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ રચાયા હતા. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય સમક્ષ કલ્યાણ-પ્રાપ્તિ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માગણી કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.

આમ, વિવિધ નામે ઓળખાતો આ સંક્રાંતિનો ઉત્સવ દરેક રીતે મહત્ત્વ ધરાવે છે, અને લોકો રંગેચંગે આ ઉત્સવ વિવિધ રીતે ઊજવે છે.

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.