મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી. તેઓ યુગપુરુષ હતા. સમગ્ર યુગનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેમણે નવતર, પાયાનું અને અદ્ભુત પ્રદાન કર્યું છે. જીવનનું કોઈ પણ ક્ષેત્ર તેમની વિચારધારા અને કર્મધારાથી અછૂતું રહ્યું નથી. રા.વિ. પાઠકે વર્ષો પહેલાં કહેલું: ‘જીવનનો એવો એક પણ પ્રદેશ નથી, એવો એક પણ પ્રશ્ન નથી જેમાં ગાંધીજીએ કંઈ ને કંઈ ન કર્યું હોય. જેમ સૂર્ય ઊગે અને ખુલ્લામાં તો અજવાળું થાય, પણ બંધ બારણામાં પણ પ્રકાશ પ્રવેશે, તડોમાં પણ અજવાળું પહોંચે, તેમ તેમણે પ્રેરેલું ચેતન સમાજના અંધારામાં અંધારા ભાગમાં પહોંચ્યું છે.’

ગાંધીજી તદ્દન સામાન્ય વ્યક્તિ હતા, પણ આત્મ-બળ અને આચરણબળના પ્રતાપે મહાત્મા કે અવતારી પુરુષ બની શક્યા. દક્ષિણ આફ્રિકાથી તેઓ તાજા જ ભારત આવેલા ત્યારની આ વાત છે. ડૉ. હરિપ્રસાદ દેસાઈ ત્યારે તેમને મળવા જતા અને તેમને જોતા, નિરીક્ષણ કરતા અને સમય મળે સાથે વાત કરતા. એક વખત ડૉ. દેસાઈ કહે: ‘આપના જેવા તો અમારાથી કેમ કરીને થવાય?’ ગાંધીજીએ તરત જવાબ આપેલો: ‘એક દિવસ હું પણ તમારા જેવો જ હતો. તમારામાં અને મારામાં કશો ફેર નથી. એક જ બાબતમાં ફેર છે. તે એ કે મને જે દિવસથી સમજાયું કે આ રીતે વર્તવાનું છે તે ઘડીથી હું એ રસ્તે ચાલવા માંડ્યો. આ નાનો લાગતો ફેર ખરેખર તો કેવડો મોટો છે! આ આચરણનિષ્ઠા જ તેમને મહાન બનાવી શકી.

જે સાચું લાગ્યું તેને સ્વીકારીને તેમણે વ્યવહારમાં મૂક્યું. એક અન્ય પ્રસંગે તેમણે કહ્યું હતું: ‘હું સર્વ સાધારણ માણસો કરતાં કંઈક વિશેષ હોવાનો દાવો નથી કરતો. મારામાં કોઈ અસાધારણ યોગ્યતા પણ નથી. મેં જે કંઈ મેળવ્યું છે તે કોઈ પણ સ્ત્રી કે પુરુષ મેળવી શકે.’ તેમણે વારંવાર કહેલું કે ‘હું કંઈ પહેલેથી મહાત્મા થઈને જન્મ્યો ન હતો. મારામાં પણ અનેક દોષો હતા અને તે દૂર કરવા કાળજીપૂર્વક સતત પ્રયત્ન કરતો રહ્યો.’ બસ, આ જાગૃતિપૂર્વકનું આચરણ, પ્રત્યેક પળે સજગતા એ તેમનો વિશેષ ગુણ હતો. તેથી જ ‘મથામણ કરવાવાળો સામાન્ય જીવ’ સુસંસ્કૃત પુરુષ બની શક્યો.

મહાત્મા ગાંધી સુસંસ્કૃત પુરુષ બની શક્યા. મહામના ગોખલેએ તેમના વિશે કહેલું: ‘મારે ગાંધીજી સાથે નિકટનો પરિચય છે એને હું જીવનનો લહાવો સમજું છું. હું તમને કહી શકું છું કે એમના કરતાં અધિક શુદ્ધ, અધિક પુણ્યશાળી, અધિક શૂરવીર અને અધિક ઉન્નત કોઈ આત્મા મારી જાણમાં નથી. તેઓ પુરુષોમાં પુરુષોત્તમ, વીરોમાં વીરોત્તમ, દેશસેવકોમાં અગ્રેસર દેશસેવક છે, અને આપણે એમ પણ કહી શકીએ કે એમનામાં ભારતવર્ષની માનવતા પરમોચ્ચ શિખરે પહોંચી છે.’

મહાત્મા ગાંધી મૂળગત રીતે નીતિપુરુષ હતા. તેમને દૃઢ પ્રતીતિ હતી કે ‘આ જગત નીતિ પર જ ટકેલું છે.’ અને એટલે ‘આત્માની દૃષ્ટિએ પાળેલો ધર્મ.’ નીતિ એટલે ‘સદાચાર’, આ જગત તેના વિના ટકી ન શકે. તેમણે પોતાનું સમગ્ર જીવન આ નૈતિક આચારના પાયા પર જ ગોઠવ્યું. ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક વ્યવહારમાં તેને પ્રવાહિત અને પ્રકાશિત કરવી તે જાગૃતિપૂર્વકની સાધના વિના અસંભવ છે. ગાંધીજી તે પોતાના જીવનમાં તો કરી શક્યા પણ સમગ્ર રાષ્ટ્રજીવન અને તેનાં વિધવિધ ક્ષેત્રમાં તેનો વિનિયોગ કર્યો. સત્યાદિ વ્રતોની વાત કંઈ નવી નહોતી, પણ તેનાં પ્રત્યક્ષ જીવનમાં પ્રવેશ તે વાત નવી હતી. તેમણે સત્ય અને અહિંસા વડે અન્યાય-અનીતિના પ્રતિકારનું અનોખું શસ્ત્ર ‘સત્યાગ્રહ’ શોધ્યું. તેનો પાયો જ ‘પ્રેમધર્મ’ છે! તેમણે રાજકારણને અધ્યાત્મનો આયામ આપ્યો. સમાજ, રાજનીતિ, અર્થકારણ, ધર્મ, શિક્ષણાદિ જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેમણે નીતિ અને સદાચાર, શીલ અને ધર્મનાં આવરણનો પ્રયોગ કર્યો. તેમણે કહેલું : ‘વિજ્ઞાનશાસ્ત્ર જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે.’ પછી કહે છે : ‘હું તો ડગલે અને પગલે જે જે વસ્તુઓ જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય સમજું તે પ્રમાણે જ મારા આચારોને ઘડું.’

એટલે જ, જીવનના અંતિમ દિવસોમાં, ભારે વિષમ સંજોગોમાં, પૂર્વ બંગાળના નોઆખલીમાં તેઓ પદયાત્રા કરતા હતા ત્યારે એક પત્રકારે તેમની પાસેથી ‘તમારા જીવનનો શો સંદેશ’ તેમ પૂછ્યું ત્યારે તુરત જે તેમણે કહ્યું : ‘મારું જીવન એ જ મારો સંદેશ.’ સમગ્ર જીવન જ શાસ્ત્ર બની જાય તે કેવી તો મોટી વાત! તેમણે ઘણી વખત કહેલું : ‘તમારી જીભ બોલે તે કરતાં તમારું આખું જીવન વધારે જોરથી બોલી ઊઠશે.’ ‘આપણી જીભ બોલે તેના કરતાં આપણાં આચરણોને બોલવા દેવાં, ગુલાબ કંઈ કહેતું નથી કે આવો અને સૂંઘો!’ તેઓ કહેતા : ‘ખાંડી એક વિચાર કરતાં અઘોળ આચરણ ચડે.’

ગાંધીજીમાં આ આત્મતેજ, આત્મબળ કેમ પ્રગટ્યું હશે તેનો વિચાર કરતાં એક વસ્તુ સમજાય છે કે તેમને જે સાચું લાગ્યું, જે સંકલ્પ લીધો, જે વ્રત સ્વીકાર્યું તેનું કોઈપણ સંજોગોમાં પાલન કરવું. ‘દેહં પાતયામિ, વા કાર્યં સાધયામી’ તેવો તેમનો દૃઢ નિશ્ચય રહેતો. તેઓ કહેતા : ‘તમે જાઓ અથવા રહો, મારે તો આ વ્રત પાળવું જ છે.’ એક જગ્યાએ કહેલું : ‘જે થાય તે મને જે ધર્મ લાગ્યો, તેનાથી હું કદી ડગ્યો નથી.’ તેથી જ વિનોબાજી કહી શકેલા : ‘ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જેને લાગુ પડે તેવો શરીરધારી ભાગ્યે જ શોધ્યો જડે, પણ આ લક્ષણોની બહુ જ નજીક પહોંચી ચૂકેલા આ મહાપુરુષને મેં મારી સગી આંખે જોયો.’ નાનપણમાં શ્રવણ પિતૃભક્ત અને સત્યવાદી હરિશ્ચંંદ્ર જેવાં પાત્રોની તેમના પર જબરદસ્ત અસર થઈ અને તેવા બનવાનો મનથી નિર્ણય કર્યો. વિલાયતમાં ભણવા જવાનું નક્કી કર્યું તો માતા અને પરિવારજનોને ચિંતા થઈ કે ત્યાંના વાતાવરણમાં આ મોહન વટલાઈ તો નહીં જાય ને? અને માતાએ ત્રણ વ્રત લેવડાવ્યાં – માંસ નહીં ખાઉં, મદિરા નહીં પીઉં અને પરસ્ત્રીગમન નહીં કરું – આ વ્રતો અત્યંત વિપરીત સ્થિતિઓ વચ્ચે પણ પાળ્યાં. તેઓ માનતા કે : ‘મનુષ્ય જ્યારે એક નિયમ તોડે છે ત્યારે એની સાથે બીજો નિયમ પણ આપોઆપ તૂટી જાય છે.’ સામાન્ય માણસ પણ સમજે છે કે શું કરવું ઉચિત છે અને શું કરવું અનુચિત છે, ‘પણ બનશે ત્યાં લગી કરીશ’ અથવા ‘આપણાથી તો આ થાય જ નહીં.’ ગાંધીજી કહેતા : ‘વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડ સહન કરે છતાં તૂટે નહીં તે જ અડગ નિશ્ચય કહેવાય.’ પોતાના દીકરા મણિલાલને પત્રમાં લખેલું : ‘મનમાં એક નિશ્ચય કરો તો પછી તેને વળગી રહેજો.’ તેઓ કહેતા : ‘ઈશ્વરે મનુષ્યને એવો બનાવ્યો છે કે બગડવાના અનેક પ્રસંગો આવતાં છતાં તે ઉગરી જાય છે, એવી તેની અલૌકિકતા છે.’

ગાંધીજીના જીવનમાં તેમની વ્રતનિષ્ઠાના પાર વિનાના પ્રસંગો જોવા મળે છે. અને તેથી જ, તેઓ નૈતિકબળ વિકસાવી શક્યા. તેઓ કહેતા : ‘વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે.’ આ વાત તેમની અનુભૂતિમાંથી પ્રગટેલી. આપણે બધું વાંચીએ, સાંભળીએ, વિચારીએ, સમજીએ પણ પછી ત્યાંના ત્યાં! લોકો ઉતાવળમાં, આવેશમાં પ્રતિજ્ઞા લઈ બેસે છે, પણ પછી પાળવાનો સમય આવે ત્યારે અકળામણ અનુભવે છે. ગાંધીજીએ એક ભાઈને પત્રમાં લખેલું : ‘ઉતાવળમાં કે વગર વિચાર્યે કાંઈ ન બોલીએ. પૂરો વિચાર કર્યા વિના પ્રતિજ્ઞા ન લઈએ. પરંતુ પૂરો વિચાર કર્યા પછી તે લઈએ તો તે પાળીએ જ.’ આ સંકલ્પબળ, આચરણમાંથી જ તેમનું આત્મબળ પ્રગટ્યું. ગુરુદેવ ટાગોરે નોંધ્યું છે : ‘ગાંધીજીની સફળતાનું મૂળ એમના આત્મબળમાં અને અણખૂટ ત્યાગમાં રહેલું છે. એમનું જીવન એટલે જ અખંડ ત્યાગ. કોઈ સત્તાનો એમને લોભ નથી નથી મોહ કોઈ હોદ્દાનો, ધનનો,નામનાનો, કીર્તિનો. ત્યાગની એમની શક્તિ દુર્જેય છે. એમની અસીમ નિર્ભયતા સાથે તેની ગાંઠ બંધાયેલી છે. મોટા મહારાજાઓ અને શહેનશાહો, બંદૂકો અને સંગીનો, કારાવાસો અને યાતના – અરે! મોત સુદ્ધાં, ગાંધીના જુસ્સાને ડગાવી શકે તેમ નથી.’ અંગ્રેજ સરકારના પ્રતિનિધિ અને ક્રિપ્સ મિશનના મુખ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સે પણ કહેલું : ‘મને કોઈ યુગની, ખાસ કરીને ઇતિહાસની એવી બીજી કોઈ વ્યક્તિનો પરિચય નથી, જેણે ભૌતિક વસ્તુઓ પર આટલી શ્રદ્ધાથી આટલું અતુલ આત્મબળ પ્રાપ્ત કરી બતાવ્યું હોય.’

ગાંધીજીનાં અજેય વ્રતનિષ્ઠા અને નીતિમય જીવનનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે તેમને આ બળ ક્યાંથી પ્રાપ્ત થયું? પ્રચંડ ઈશ્વરશ્રદ્ધા જ આના મૂળમાં રહેલી જણાય છે. ગાંધીજીની બધી પ્રવૃત્તિમાં મૂળ અપાર ઈશ્વર શ્રદ્ધા હતી. ઠાકુર કહેતા કે : ‘ઈશ્વર જ સઘળું કઈ થઈ રહ્યો છે.’ ગાંધીજી પણ કહેતા કે : ‘ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી.’ એક વખત તેમણે કહેલું : ‘મારાં બધાં કાર્યો ઈશ્વરની પ્રેરણાથી જ થાય છે.’ ૧૯૩૩માં જેલમાં હતા ત્યારે અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્ને તેમણે ઉપવાસ કરેલા. આગલે દિવસે અને રાત્રે તીવ્ર મનોમંથનમાંથી પસાર થયા. દિવસના કામકાજથી પરવારી તેઓ સૂતા. ઘડિયાળના અગિયારના ડંકા પડ્યા. અચાનક તેમની આંખ ઊઘડી ગઈ. ચિત્તમાં મહાસાગર જેવું તોફાન જાગ્યું. આ પ્રશ્ન માટે શું કરવું? આ બધાંની વચ્ચે જાણે દૂરથી એક અવાજ નજીકને નજીક આવી રહ્યો હોય તેવું અનુભવાયું. ‘તારે ઉપવાસ કરવા પડશે.’ ગાંધીજી કહે છે કે પૂછ્યું : ‘કેટલા દિવસના?’ અંતરમાંથી અવાજ આવ્યો. ‘એકવીસ દિવસના.’ ‘ક્યારથી શરૂ કરું?’ ‘આવતીકાલથી જ.’ બસ, તોફાન શમી ગયું. સાથીઓને કહે : ‘આ ઈશ્વરી આદેશ છે, મને કોઈ દબાણ કરશો નહીં.’ ઠાકુરે જેમ નરેન્દ્રને કહેલું તેમ ગાંધીજીએ એક વખત કહેલું : ‘આ જગાએ તમે અને હું બેઠા છીએ એની જેટલી ખાતરી છે, તેના કરતાં પણ વધારે ખાતરી મને ઈશ્વરના અસ્તિત્વની છે.’

૧૯૩૮માં વિખ્યાત પાદરી ડૉ. જહોન મોટ તેમને મળવા આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું કે : ‘અનેક મુશ્કેલીઓ, શંકાઓ, વિરોધોના પ્રસંગમાં આપના આત્માને પૂર્ણ સંતોષ કઈ વાતથી મળ્યો છે?’ ગાંધીજીએ જવાબ આપ્યો : ‘ઈશ્વર પરની અનન્ય શ્રદ્ધાથી.’ પાદરીએ પૂછ્યું : ‘આપને કદીય પરોક્ષ કે અપરોક્ષ સાક્ષાત્કાર થયો છે ખરો?’ ગાંધીજી કહે : ‘મેં જોયું છે કે ઘોરમાં ઘોર સંકટ અને અંધકારની ઘડીએ આપણને પાપમાંથી ઉગારી લેનારા કર્મરૂપે તે પ્રગટ થાય છે.’ તેઓ કહે છે : ‘જેટલો હું તેને શરણે ગયો છું, તેટલો મારો આનંદ વધતો ગયો છે.’ ‘સ્વેચ્છાએ જે તેનો દાસ બને છે, તેને આકરી અગ્નિ પરીક્ષામાંથી નીકળવાનું સામર્થ્ય આપ્યા વગર તે રહેતો નથી… વરસો વીતતાં જાય છે તેમ એનો અવાજ મને વધારે ને વધારે સંભળાતો જાય છે. અંધારીમાં અંધારી ઘડીએ પણ તેણે મને તરછોડ્યો નથી.’ દક્ષિણ આફ્રિકામાં તેમના દીકરા મણીલાલને ૧૦૪ જેટલો તાવ, શરીર ધખ ધખે. ડોકટરને કહે : ‘જીવનદોરી તો એકલા ઈશ્વરના હાથમાં છે.’ તેમના ઉપવાસ વખતે પેશાબમાં ઝેરી તત્ત્વ એસિટોન નીકળવા માંડ્યું. સાથીઓ અને ડોકટરો ચિંતા કરે છે. ગાંધીજી કહે : ‘કાલે એ નહીં દેખાય.’ અને એમ જ થયું. હિન્દુ મુસ્લિમ એકતા માટે દિલ્હીમાં ઉપવાસના તેરમા દિવસે ખૂબ નબળાઈ આવી ગઈ. ડોકટરે પાણીમાં ગ્લુકોઝ લેવા ખૂબ સમજાવ્યા, ગાંધીજી ન માન્યા કહે : ‘તમારાં આવાં વચનો ઈશ્વર પરની અશ્રદ્ધા વ્યક્ત કરે છે. ઈશ્વરને મારી સેવાની જરૂર હશે તો તે આ અગ્નિપરીક્ષામાંથી પાર ઉતરશે જ.’

તેમની અનન્ય ઈશ્વરશ્રદ્ધાનાં તો અનેક દૃષ્ટાંતો મળે છે. તેમને અણુ અણુથી વિશ્વાસ હતો કે ઈશ્વર છે અને તે જ સઘળું કરે છે. અંત સમયે પણ ‘હે રામ’ બોલી શક્યા. તુલસીદાસે કહેલું : ‘જનમ જનમ મુનિ જતન કરાહીં, અંત રામ મુખ આવત નાહીં!’ તેઓ કહેતા : ‘ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર નથી, ઈશ્વર છે જ.’ આ ઈશ્વર દર્શન અંગે પ્યારલાલજીનાં માતુશ્રીને તેમણે એક પ્રશ્નના જવાબમાં લખેલું : ‘ઈશ્વરને શરીર નથી એટલે તેનાં દર્શન શ્રદ્ધાથી જ થાય. જ્યારે આપણા હૃદયમાં કોઈપણ જાતના વિકારી ભાવ ન જાગે, કોઈપણ પ્રકારનો ભય ન રહે, નિત્ય  પ્રસન્નતા રહે તો એ સૂચવે છે કે હૃદયમાં ભગવાન વાસ કરે છે.’

આટલું બધું અસાધારણ આત્મબળ – જીવનબળ ધરાવનાર અને વાપરનાર આ પુરુષ પરંપરાવાદી હતા પણ ખરા અને નહોતા પણ ખરા. અત્યંત ઈશ્વરનિષ્ઠ અને ધાર્મિક હોવા છતા તેઓ કહેતા : ‘જે નીતિમત્તાથી વિરુદ્ધ હોય, એવો કોઈપણ ધાર્મિક સિદ્ધાંત મને માન્ય નથી.’ ‘જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી.’ ‘સત્ય અને સદાચાર કરતાં ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી.’ આમ તેમના ધાર્મિક વિચારો પરંપરાવાદી નહીં પણ સમજણ સાથેના, બુદ્ધિયુક્ત હતા. ઠાકુર અને સ્વામી વિવેકાનંદની પરંપરાના જાણે તેઓ એક કડી હતા. એટલે જ સર્વધર્મ સમન્વયની વાત ગાંધીજીએ આગળ વધારી અને શિવભાવે જીવસેવાને તેમણે જીવનમાં ચરિતાર્થ કરી.

તેમની પૂર્ણ ઈશ્વરશ્રદ્ધા તેમનાં બધાં ક્રિયા કલાપોમાં પ્રગટ થતી. તેમની ઇચ્છા તો મોક્ષ મેળવવાની જ હતી. પણ સેવા એનું માધ્યમ હતું. તેઓ કહેતા : ‘માનવહિતની પ્રવૃત્તિથી જુદો એવો કોઈ ધર્મ હું જાણતો નથી.’ સ્વામી વિવેકાનંદે ‘દરિદ્ર નારાયણની ઉપાસના’ની અને ‘વિધવાઓનાં આંસૂ લૂછવાની’ વાત કરી જ હતી. ગાંધીજી પણ લોકોને પ્રભુ સમજીને મળતા. આ કોઈ એવો માણસ હતો કે જેની પાસે પુષ્કળ સત્તા હોય, પણ તેઓ લોકોના માણસ હતા અને પ્રભુના માણસ હતા. તેઓ કહેતા ‘મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ તેનો રસ્તો તો પડોશીના ઘર પાસેથી જ પસાર થાય છે!’

લોકો સાથે અને ખાસ કરીને ગરીબો સાથે એકરૂપ થવાની તેમની અદ્ભુત તાકાત હતી. દક્ષિણ આફ્રિકામાં તેઓ વકીલાત કરતા અને સારું કમાતા. પણ હિન્દીઓને થતા અન્યાય વિરુદ્ધ તેમણે સત્યાગ્રહ કર્યો અને હજારો ગરીબ હિન્દીઓ તેમના સત્યાગ્રહમાં જોડાયા. એ વખતે તેમણે કહેલું : ‘મારે બોલે ભોળાં નિરક્ષર એવાં હજારોએ પોતાની આહૂતિ આપી છે. એ બધાં કેવળ મારી પાછળની શ્રદ્ધાને બળે લડાઈના દાવાનળમાં કૂદી પડમાં છે. દેખ્યું ન જાય એટલું દુ:ખ, તેમણે વેઠ્યું છે. એમનાથી વેગળો હું કેમ રહું? હવે મારે એમનામાંના જ એક બનીને રહેવું જોઈએ. તેમના નીતિમય જીવનમાં સેવા એ માધ્યમ હતું. અને એ માટે ત્યાગ એમના માટે સહજ હતો. તે વખતે તેમણે કોટપાટલૂન છોડયાં તે છોડયાં. અને પછી તો સાદાઈ અને કરકસર જીવનનો ભાગ જ બની ગયાં.

ગાંધીજી કહેતા : મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, પણ તે લોકોની સેવા દ્વારા જ થઈ શકશે. આ દેહ એ સેવા માટે છે, સેવાની પૂજા સામગ્રી છે. નિરહંકારી થઈને જ સેવા કરી શકાય. આવો નિ:સ્પૃહ, જાગૃતિપૂર્વક સતત સેવારત અને અંતર્ખોજ યાત્રી ભાગ્યે જ જોવા મળે. તેથી જ આઈન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક પણ કહી ઉઠેલો : ‘થોડાક સમય પછી લોકો માની પણ નહીં શકે કે લોહીમાંસનો બનેલો આવો એક માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે!’ ધર્મ અને નીતિ જીવનનાં બધાં ક્ષેત્રમાં, બધાં કાર્યમાં સૂત્રરૂપે ઓતપ્રોત. અંગત જીવન જુદું અને સામાજિક જીવન જુદું એવા નોખાં કાટલાં નહીં. તેઓ માનતા કે : ‘જે એકને સારું શક્ય છે, તે બધાને સારું શક્ય છે.’ આચાર-વિચારની અદ્ભુત એકતા તેમનામાં પળે પળે દૃષ્ટવ્ય થતી.

પરમાત્મા પ્રાપ્તિનું માધ્યમ તે સેવા. ‘પ્રભુ મેળવવાનું સારામાં સારું સાધન પ્રભુનાં પ્રાણીઓની અનન્યભાવે સેવા કરવી તે છે’ તેમ તેઓ કહેતા. તેઓએ એક વખત કહેલું : ‘આ જગતમાં જન્મ પામીએ છીએ તે જગતનું લેણું ચૂકવવા સારું, અર્થાત્ તેની સેવા સારું… માનવજાતની સેવા દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા હું ઝંખું છું.’ આ તેમની આંતરિક અભિપ્સા હતી. આ દૃષ્ટિએ શરીર ટકાવવા માત્ર જરૂર હતી આહાર અને વસ્ત્રાદિ. તેમના માટે આચરણ એ જ પ્રવચન, એ જ ઉપદેશ. તેઓએ કહ્યું છે : ‘મારું મગજ નાનું છે. મેં ઝાઝું સાહિત્ય વાંચ્યું નથી. મેં બહુ દુનિયા પણ જોઈ નથી. પણ મેં જીવનમાં કેટલીક વસ્તુઓ પર મારું લક્ષ કેન્દ્રિત કર્યું છે. અને એ સિવાય મને બીજો રસ નથી.’ તેથી જ તેઓ અક્ષરજ્ઞાન કરતાં સદ્ગુણો અને સદાચારને મહત્ત્વ આપતા. ‘અક્ષરજ્ઞાન કરતાં ઘણી વધારે જરૂર તો સચ્ચાઈ, સહનશીલતા, સમય-સૂચકતા, હિંમત અને વ્યવહારબુદ્ધિની હોય છે.’ તેમ તેમણે કહેલું.

મહાપુરુષો દીવાદાંડી સ્વરૂપ હોય છે. ભૂલ્યાં ભટક્યાંને રસ્તો બતાવવાનું કામ તેઓ કરે છે. ગાંધીજીનું મંથન સમસ્ત માનવજાત માટે હતું. તેઓ સમગ્ર જગત વચ્ચેની આંતરિક એકતા જોઈ શકતા હતા. તેઓ માનતા કે માનવજીવન અનેક પાસાંના સમન્વયથી બનેલું એક અને અખંડ છે. તેમનું પોતાનું જીવન કોઈ નકશા કે સમન્વિત પૂર્વ યોજના અનુસાર નહોતું જતું. તેમણે જીવનના જે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરેલા તે અનુસાર જીવતા. તેથી તેમના આચાર અને વિચારમાં એકતા- સંવાદિતા વરતાય છે.

તેમના જીવનમાં સેવા તત્ત્વ ભારોભાર અને સહજ હતું. સેવાધર્મના સાચા દૃષ્ટાંતરૂપ તેઓ હતા. દ્વેષભાવથી તેઓ સર્વથા મુક્ત હતા. વિરોધીઓ પણ તેમના પર વિશ્વાસ મૂકી શકતા! સત્યનિષ્ઠા અને દ્વેષરહિતતાની જાગૃતિપૂર્વકની તેમની સાધના હતી. ‘આ સંસારમાં કોઈનો પણ તિરસ્કાર કરવા હું મને અસમર્થ માનું છું. ઈશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવી મેં ચાલીસ વર્ષ થયાં કોઈનો પણ દ્વેષ કરવાનું છોડી દીધું છે.’ – આ વાત તેમણે ૧૯૨૫માં કરેલી.

અંદરની સંવેદનશીલતા, અનુકંપા, કરુણા વિના સેવાની ગંગોત્રી વહી ન શકે. તેમનામાં ગરીબો માટે, અસ્પૃશ્યો માટે નાનપણથી જ અપાર કરુણાનો ભાવ આપણે જોઈ શકીએ છીએ. રાષ્ટ્રજીવનમાં તેમની આ કરુણાધારા શતમુખે વહી છે. માનવસેવા એ જ પ્રભુસેવા એ એમણે સાર્થક કરી બતાવ્યું. ઈશુ કહેતા : ‘I have come not to destroy, but to fulfill’ આ વાત પણ ગાંધીજીનું જીવન જોતાં પ્રત્યક્ષ થાય છે. ‘માનવજાતની સેવા કરી તે દ્વારા હું ઈશ્વરને અનુભવવા મથું છું, કેમકે હું જાણું છું કે ઈશ્વર ઉપર સ્વર્ગમાં નથી રહેતો, કે તે અહીં નીચે નથી રહેતો, પણ તે હરેકમાં છે.’ ‘મારું આખુંય જીવન સત્યની એક પ્રયોગશાળા છે. મારા આખાય જીવનમાં કેવળ એક જ પ્રયત્ન રહ્યો છે, અને તે મોક્ષની પ્રાપ્તિ. ઈશ્વરનું સાક્ષાત્ દર્શન’ અને તે સેવા દ્વારા.

તેમની સેવાનું ઉદ્ગમ ભીતરી કરુણામાંથી હતું. દક્ષિણ આફ્રિકામાં કેટલાય પ્રસંગો તેમના દ્રવિત કરુણાળુ હૃદયના મળે છે. સત્યાગ્રહી સૈનિકો જેલમાં હતા, તેમના પરિવારજનોની સંભાળ તો રાખતા જ, પણ નહાવા જાય તો તે પરિવારનાં કપડાં પણ ધોવા લઈ જાય અને ઘરકામમાં મદદ પણ કરે! જોહાનીસબર્ગમાં ગંદુ પાણી દર અઠવાડિયે ભરાઈ જતું અને તે ખાલી કરવા હબસીઓ ગાડી ખેંચીને આવે. તેમના માટે ગરમ ગરમ ચા બનાવે અને તેમના ટમલરમાં આપે. હબસીઓ તેમની ઝૂલુ ભાષામાં ડાબો હાથ ઊંચો કરીને કહેતા : ‘કોલ બાબા ફેઝલૂ – ઈશ્વર ઉપર છે, પણ તમારાથી તેની ખબર પડે છે!’

૧૯૨૬-૨૭માં ઓરિસ્સાનાં ગામડાંઓની ગરીબાઈ જોઈને અત્યંત દ્રવિત થયા. તેમને થયું ‘આ લોકો માટે શું કરી શકાય? મને થાય છે કે મરણની ઘડી આવે ત્યારે અહીં ઓરિસ્સામાં આવી આ લોકોની વચ્ચે રહું, કંઈ નહીં તો તે વખતે જેઓ મને મળવા આવશે તે આ લોકોની કરુણ દશા જોશે અને તેમાંના કોઈનું હૃદય પીગળશે તો આ લોકોની સેવા કરવા અહીં આવીને વસશે.’ આમ તેમને થતું. તેઓ સેવાગ્રામમાં રહેતા હતા ત્યારે શિયાળાની કાતિલ ઠંડીમાં ગોશાળા સાફ કરવા આવતા ગરીબ મજૂરને આશ્રમના પરિવારો પાસેથી ફાટેલી સાડીઓ ભેગી કરી, અને ગોદડી બનાવીને તેને ઓઢવા માટે આપી! વિલાયતમાં પણ ‘હું તો ગરીબોનો પ્રતિનિધિ છું… હું ભારતના કરોડો ગરીબોમાંનો એક છું’ તેમ કહી ગરીબ લત્તામાં જ રહ્યા. એટલે વિનોબાજીએ એક વખત કહેલું : ‘ગાંધીજીમાં એક અપાર કરુણા કામ કરી રહી હતી.’ હરિજનોને પડતાં દુ:ખોથી પોતે જ વેદના અનુભવતા. એટલે તેમણે કહેલું : ‘હું પુનર્જન્મ માગતો નથી. પણ હું આવતા જન્મે જન્મું તો અત્યંજ જ જન્મું અને તેમને પડતાં દુ:ખો અનુભવું.’

ગાંધીજીની આ શક્તિનો સ્રોત ક્યાંથી આવતો હતો? અસીમ ઈશ્વરશ્રદ્ધા તો ખરી જ, પણ તેનું મૂર્ત રૂપ તે પ્રાર્થના. તેઓ સતત સહજ પ્રાર્થનામય, ધ્યાનમય જ રહેતા. આપણને લાગે કે આ વ્યક્તિ તો સતત કર્મરત છે, પણ તે તેમનું બાહ્ય કર્મ ચાલતું હોય, અંદર પ્રાર્થના-રામનામ સાથે અનુસંધાન હોય. તેઓ કહેતા : ‘શરીરને માટે અન્ન અનિવાર્ય છે, તેટલી આત્માને માટે પ્રાર્થના અનિવાર્ય છે.’ ‘ખોરાક અને પાણી વિના કેટલાક દિવસ હું કાઢી શકું, પણ પ્રાર્થના વિના એક દિવસ પણ કાઢવો મારા માટે અશક્ય છે.’ તેમ કહેતા. અને તેમને વિશ્વાસ હતો કે ‘ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય તેવું કદિ બન્યું નથી.’ આશ્રમમાં હોય કે જેલમાં, પ્રવાસમાં હોય કે કોઈ ગામમાં, પ્રાર્થના અચૂક કરતા જ. દરરોજ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના તેમને શક્તિ, સામર્થ્ય, તાજગી આપતાં. દક્ષિણ આફ્રિકામાં પ્રેસ ચલાવતા. જાતે પ્રેસનું પૈડું ફેરવતા. તે વખતના તેમના એક સાથીએ લખ્યું છે કે : ‘તેમના હાથ પૈડું ફેરવતા અને ચિત્ત ધ્યાનસ્થ રહેતું!’ વાઈસરોય લોર્ડ રીડિંગે તેમને ગિરફતાર કરવાનો હુકમ કર્યો. પોલીસ અમલદાર ધરપકડ માટે આવ્યા. ગાંધીજીએ નમ્રતાથી કહ્યું : ‘હું ખુશીથી તમારી સાથે મારી મેળે આવું છું. પણ તે પહેલાં થોડો સમય મને પ્રાર્થના કરવા દો.’ તેથી આઈન્સ્ટાઈને કહેલું : ‘મંદિર, મસ્જિદ, દેવળમાં જે ઈશ્વર છે તેમાં મને શ્રદ્ધા કે નિષ્ઠા નથી, પણ ગાંધીજીમાં જે સત્ય વહે છે, તેમાં મને શ્રદ્ધા પણ છે અને નિષ્ઠા છે.’

એક વખત પ્રાર્થના કરવાની રહી ગયેલી, ખૂબ થાકી ગયેલા એટલે. બે-અઢી વાગે આંખ ખૂલી અને યાદ આવ્યું કે આજે સાંજની પ્રાર્થના કરી નથી. તેઓ લખે છે : ‘મને એવો આઘાત લાગ્યો કે આખું શરીર ધ્રૂજવા લાગ્યું. પરસેવે રેબઝેબ થઈ ગયો. ઘણો પસ્તાવો કર્યો. જેની કૃપાથી હું જીવું છું, મારા જીવનની સાધના કરું છું. તેને જ ભૂલી ગયો?’ ભારે સંતાપ અનુભવ્યો. તેમનું જીવન જ પ્રાર્થનામય હતું, ઈશ્વરમય હતું. એટલે નહેરુએ તેમના અવસાન પછી કહેલું : ‘તેઓ આપણા આત્માના કણ કણમાં પ્રવેશ કરી ગયા હતા. ઠીક એ સમયે તેઓ આપણી વચ્ચે આવ્યા કે જ્યારે આપણે આપણી આત્માની તાકાત ખોઈ બેઠા હતા.’

ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ, રાષ્ટ્રપિતા કહીએ છીએ પણ તેઓ તો શુદ્ધબુદ્ધ પરમચૈતન્ય સ્વરૂપ સાથે અનુસંધાન કરવા મથનારા મહાસાધક હતા. પોતાના અંતરના અવાજને અનુસરનાર, સિદ્ધાંત-વ્રતની અસિધારા પર ચાલનારા, મનહૃદયની સ્ફટિક સમી પારદર્શક અવસ્થાયુક્ત વિભૂતિ હતા. ગાંધીજીવનનો જેમ જેમ વધારે અભ્યાસ થતો જશે તેમ તેમ આપણને તો ખરો જ, પણ વિશ્વ સમસ્તને તેથી લાભ જ થશે. આજે જગત પોતાનાં ભૌતિક સાધનોનો જે વિકાસ કરી રહ્યું છે અને તેને પરિણામે જે સંકટો, તનાવ, અવસાદ પેદાં થઈ રહ્યાં છે તેમાં ગાંધીજીવન અને વિચાર માર્ગદર્શક બની શકે તેમ છે. ગાંધીમૂલ્યો, ગાંધીવિચાર એ સનાતન સત્યોનો જ વ્યવહારમાં આવિષ્કાર છે. તેમણે પોતાના માટે કદી કશું માગ્યું નથી, કદિ કશી સ્પૃહા રાખી નથી, માનપાનની કે સ્થાનની પણ કોઈ ખેવના સેવી નથી, પોતાની અહંતાનો સિક્કો પડે એવું પણ કશું ઇચ્છ્યું નથી. સતત અંતર્ખોજપૂર્વક પોતાને સુધારતા અને વિકસાવતા રહ્યા. અંતર્બાહ્ય આવી એકરૂપતા તેમને નીતિના, સદાચારના સનાતન નિયમોના પાલનથી આવી હતી. કુદરતે તૈયાર કરેલો માણસ આપણી વચ્ચે નહોતો મૂક્યો, પણ ડગલે ડગલે, જાગૃતિપૂર્વક આચરણથી તેઓ પૂર્ણત્વને પામવા પ્રતિ ગતિ કરતા રહ્યા. પ્રત્યેક મનુષ્ય આવી યાત્રા કરી શકે છે તે વિશ્વાસ તેઓ આપતા રહ્યા. આપણા કવિ ઉમાશંકર જોષીએ તેમની એક કવિતામાં કહેલું :

માર્ગમાં કંટક પડ્યા,
સહુને નડ્યા,
બાજુ મૂક્યા ઊંચકી
તે દિ’ નકી, જન્મ ગાંધી બાપુનો!

બસ, સદાચરણ એ જ જીવનમાર્ગ. વિનોબાજી કહેતા : ‘જીવન એટલે ગુણસંવર્ધન.’ ગાંધીજીએ કહેલું જો વ્યક્તિએ પોતાનું ચારિત્ર્ય ખીલવવું હોય તો સદાચરણ કરવું. ગાંધીજીએ જીવનમાં ક્યા ક્યા સદાચારની વાત કરી અને તેમના જીવનમાંથી તે કેવી રીતે પ્રતિબિંબિત થઈ તે વાતો પણ જોવા જેવી છે.

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.