આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે – અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત બનશે, ઉદાર મનના માનવીઓની મિલનભૂમિ બનશે, એના માનવીઓ ત્યાગ અને સેવાના વ્રતધારીઓ બનશે, વ્યક્તિગત સ્વતંત્રતાની સાથે સમવાય સમન્વય ભાવના ભારતની છબિને વધુ ને વધુ ઉજ્જ્વળ બનાવશે. આ નૂતન ભારતમાં વ્યક્તિનું કલ્યાણ તો થશે પણ તે સમષ્ટિગત કલ્યાણની આડે નહિ આવે, આ ભારત છે સ્વામીજીના સ્વપ્નનું ભારત. આ ભારતનું જીવનદર્શન કેવું હશે એને સ્વામીજી આ શબ્દોમાં વર્ણન કરે છે: ‘સમષ્ટિ સિવાય વ્યષ્ટિનું અસ્તિત્વ અસંભવ છે, આ અનંત સત્ય જગતની મૂળ આધારશિલા છે. અનંત સમષ્ટિ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને તેમના સુખે સુખી, દુ:ખે દુ:ખી થઈને ધીમે ધીમે આગળ વધવું એ વ્યષ્ટિનું એકમાત્ર કર્તવ્ય છે. આ જ એકમાત્ર કર્તવ્ય છે. અને એનો વ્યતિક્રમ એટલે મૃત્યુ તેમજ આ કર્તવ્યનું પાલન એટલે અમૃતત્વ.’

પ્રશ્ન ઊભો થાય છે કે સ્વામીજી ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શના ઉદ્‌ગાતા છે. ‘શિવોઽહમ્‌’ અને ‘અહં બ્રહ્માસ્મિ’ એ મંત્રગાનના તાનની જેમ જેમના સકલ વિચારોમાં મનુષ્યના અમરત્વનું જયગાન દીપ્તિમાન થાય છે, એમણે શું સમષ્ટિ કાજે વ્યક્તિના સમર્પણની વાત કરી છે? ના, એવું નથી લાગતું. તેમણે જેનો ત્યાગ કરવાની વાત કરી છે તે છે સંકીર્ણ કે સ્વાર્થપરક કાચો ‘હું’. અદ્વૈત વેદાંતની દૃષ્ટિએ પ્રત્યેક પ્રાણીમાં ભગવત્‌ શક્તિ સુષુપ્તપણે રહેલી છે, પ્રત્યેક માણસ મૂળ રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ઉપનિષદનો આ શ્લોક યાદ રાખવા જેવો છે : યસ્તુ સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનુ પશ્યતિ । સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે ॥ ‘જેમણે આત્મામાં સર્વ પ્રાણીઓનાં દર્શન કર્યાં છે, અને બધાં પ્રાણીઓમાં આત્માનું દર્શન કર્યું છે, તે કોઈની ઘૃણા કરી ન શકે.’ અસલ વાત તો જીવબ્રહ્મવાદને સ્વીકારીએ તો બીજા પ્રત્યે ઘૃણા રાખવી એ વાસ્તવિક રીતે પોતા માટે ઘૃણા રાખવા જેવું છે, બીજાની હત્યા કરવી એ આત્મહત્યા કરવા જેવું છે; આવી બાબતો કોઈ પણ માણસ માટે ઇચ્છનીય નથી. આ વિચારસરણીની વ્યાખ્યા કરતાં સ્વામીજીએ કહ્યું છે: ‘જો ભીતર દૃષ્ટિ નાખીએ તો આ એકત્વનાં દર્શન થશે – મનુષ્ય મનુષ્ય વચ્ચેનું ઐક્ય, નરનારી વચ્ચેનું ઐક્ય, પ્રજા પ્રજા વચ્ચેનું ઐક્ય, ઉચ્ચ અને નીચ વચ્ચેનું ઐક્ય, ધનવાન અને નિર્ધન વચ્ચેનું ઐક્ય, દેવ અને મનુષ્ય વચ્ચેનું ઐક્ય – બધાં એક જ છે. જો વધુ અંતર્દૃષ્ટિ કરીએ તો આપણને જોવા મળશે કે બધાં જીવજંતુઓ એક જ છે. જેને આ ઐક્યનાં દર્શન થયાં છે તેને મોહ રહેતો નથી. ધર્મવિજ્ઞાનમાં જેને ઈશ્વર કહે છે ત્યાં જ તેઓ પહોંચી ગયા છે.’ આ દૃષ્ટિએ સમષ્ટિ અને વ્યષ્ટિના સંબંધનો અનુભવ કરવાથી ‘સમષ્ટિના મંગલમાં જ વ્યષ્ટિનું મંગલ સમાયેલું છે’ એમાં કોઈ સંશય નથી રહેતો. 

સ્વામીજીએ દર્શાવેલો સમાજતંત્રવાદનું લક્ષ્ય સુધી પહોંચવા માટે એક માત્ર પથ છે – સમાજના બધા સ્તરોમાં સાચી કેળવણીનો પ્રચાર-પ્રસાર. કેળવણીનાં લક્ષણ વિશે વાત કરતાં સ્વામીજીએ કહ્યું છે કે મનુષ્યની ભીતર સુષુપ્તપણે રહેલી પૂર્ણતાનો વિકાસ એટલે કેળવણી. આ કેળવણીનો મૂળ સ્રોત છે ધર્મ એટલે કે આધ્યાત્મિકતા. અહીં ધર્મનો અર્થ માત્ર પૂજા, જપ, તપ, હોમ, ઉપવાસ, મંદિર, મસ્જિદ વગેરે નથી. જેઓ મનથી પવિત્ર છે, નિર્ભય છે અને જેઓ પોતાને અમૃતનાં સંતાન ગણે છે, તેવા લોકો જ ધાર્મિક છે. ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન પણ ધર્મના માધ્યમથી આપવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓના મનમાં જો શ્રદ્ધા, નિર્ભયતા, પવિત્રતા ન હોય તો એને કોઈ કેળવણી આપવી શક્ય નથી. કેળવણી દ્વારા, આત્મવિશ્વાસ દ્વારા પીડિત અને અસહાય સામાન્ય જનસમૂહમાં બ્રહ્મ સુષુપ્ત રહેલો છે તે જાગી ઊઠશે, એવો હતો સ્વામીજીનો દૃઢ વિશ્વાસ. જરૂર છે અત્યંત નિષ્કામ સેવાભાવનાવાળા સમાજસેવકોની, એમાંય ખાસ કરીને સંન્યાસીઓની, જેમણે બધા વર્ગના માનવીઓના ઘરે ઘરે ફરીને ધર્મની આધારભૂમિના શિક્ષણનો પ્રચાર કરવાનો છે. 

સ્વામીજીના મત પ્રમાણે પ્રત્યેક જાતિનો પોતાનો પ્રણાલીગત ઉદ્દેશ હોય છે. ભારતવાસીઓનો પ્રજાકીય ઉદ્દેશ છે મુક્તિ કે પારમાર્થિક સ્વાધીનતા. એટલે જ ભારતના લોકોના જીવનનું કેન્દ્ર આધ્યાત્મિકતા હોવી જોઈએ. ભારતનો પ્રાણ ધર્મમાં રહેલો છે. ‘એનો (ધર્મનો) નાશ કરી શક્યા નથી એટલે જ આટલું બધું સહન કરવાં છતાંય આ પ્રજા આજે પણ જીવતી રહી છે.’ આધ્યાત્મિકતાને છોડીને ફક્ત સામાજિક કે રાજનૈતિક સ્વધીનતાની પ્રાપ્તિ કે જાળવણી માટે જ આપણી પ્રજાની શક્તિનો ઉપયોગ કરવાથી ચાલશે ખરું? આ પ્રશ્નનો ઉત્તર નીતિવિષયક છે – અગ્નિ એક પણ તેના પ્રકાર ભિન્ન ભિન્ન. ફ્રેંચોની રાજનૈતિક સ્વતંત્રતામાં, અંગ્રેજોનો વાણિજ્ય વિસ્તારમાં અને હિંદુઓનો મોક્ષ માટેનો પ્રયાસમાં એક જ મહાશક્તિનો વિભિન્ન રૂપે થયેલો વિકાસ જોવા મળે છે. આ મહાશક્તિની પ્રેરણાથી શતાબ્દિઓનાં અનેક સુખદુ:ખમાંથી પસાર થયેલ ફ્રેંચ, અંગ્રેજોઓએ પોતપોતાના પ્રજાકીય ચારિત્ર્ય ઘડ્યું છે. આ જ મહાશક્તિની પ્રેરણાથી અનેક શતાબ્દિઓ પછી હિંદુઓના પ્રજાકીય ચારિત્ર્ય એટલે કે મુમુક્ષુત્વનો વિકાસ થયો છે. હવે કહો કે આપણો લાખો વર્ષોનો સ્વભાવ છોડવો સરળ છે કે વિદેશીઓના ૨૦૦-૫૦૦ વર્ષનો પ્રભાવ છોડવો સરળ? અંગ્રેજો કેમ ધર્મ પરાયણ નથી બની શકતા? મારામારી અને કાપાકાપી છોડીને કેમ તેઓ શાંત અને શિષ્ટ નથી બની શકતા? ‘અસલ વાત તો આ છે : જે નદી પહાડોમાંથી હજારો માઈલ વહેતી નીચે આવે છે શું તે વળી પાછી પહાડ પર જાય છે, કે જઈ શકે ખરી?’

સ્વામીજીની આ પ્રકારની ઘણી ઉક્તિઓ એમના વ્યાખ્યાનો, વાર્તાલાપો અને રચનાઓમાં આપણને જોવા મળે છે. આનાથી આપણે એવા એક સિદ્ધાંત પર આવી શકીએ કે સ્વામીજીના સમાજતંત્રવાદની એકમાત્ર અને મુખ્ય આધારશિલા આધ્યાત્મિકતા કે ધર્મ છે. અધ્યાપક વિનય સરકારે આ મતને ‘રોમાંટિક સમાજતંત્રવાદ’ કહ્યો છે. ડો. ભૂપેન્દ્રનાથ દત્તે આક્ષેપ કરતાં કહ્યું છે કે આ સમાજતંત્રવાદમાં ક્રાંતિને કોઈ અવકાશ નથી. સ્વામીજીના ઇતિહાસચિંતનની મૂળ વાતનું વિશ્લેષણ કરીએ તો જોવા મળે છે કે હિંસાને સાથે રાખીને જે સમાજતંત્રવાદ ઉદ્‌ભવશે તેનાથી કોઈનુંયે ભલું થવાનું નથી, એનું ફળ સ્થાયી હોતું નથી. તેનું કારણ એ છે કે એના પાયામાં રહેલ છે વર્ગ કે વર્ણ દ્વેષ, અવિશ્વાસ અને ઘૃણા. તેઓ ઇચ્છતા હતા કે પ્રેમ દ્વારા ઘૃણા કે દ્વેષને જીતવાં જોઈએ. એટલે જ દેશવાસીઓને તેમણે સાવધાનપણે નિર્દેશ કર્યો છે : ‘જુઓ, ગરીબ ખેડૂત, મજૂર અને ધનવાનો વચ્ચે સંઘર્ષ સારો નહિ.’

૧૯૨૩માં બેલૂર મઠમાં સ્વામીજીના જન્મદિન નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પતાં ગાંધીજીએ કહ્યું હતું: ‘હું સ્વામીજીના સાહિત્યને સાંગોપાંગ વાંચી ગયો છું અને તેમની રચનાઓ વાંચીને મારો દેશપ્રેમ હજારગણો વધી ગયો છે.’

ગાંધીજીના કર્મપ્રધાન જીવનના આદર્શોનું વિશ્લેષણ કરીએ તો આપણને જોવા મળશે કે તેમણે ઘણી બાબતોમાં સ્વામીજીનું શ્રદ્ધાપૂર્વક અનુસરણ કર્યું છે. એમના અસ્પૃશ્યતા નિવારણના આંદોલનમાં સ્વામીજીનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્વામીજીની જેમ ગાંધીજીએ પણ શૂદ્રોમાં સુષુપ્ત રહેલી દિવ્યતાને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિશ્રમના સાચા મૂલ્ય વિશે ગાંધીજીએ વિસ્તૃત વ્યાખ્યા અને અનોખી પરિકલ્પના આપી હતી. તેમના મતે બધાએ શારીરિક શ્રમને સ્વીકારવો જોઈએ પછી ભલે રવીન્દ્રનાથ હોય કે રામન, કોઈ અપવાદ બની ન શકે. પ્રત્યેક માનવીએ પોતાનો પરસેવો પાડીને રોટલો રળવો જોઈએ. આ હતું ગાંધીજીનું લક્ષ્ય. પરંતુ ગાંધીજીના ટ્રસ્ટીશીપના આદર્શની સફળતા વિશે સંદેહ પ્રગટ કરનારાઓમાં શ્રી જવાહરલાલ નહેરુ મુખ્ય છે. ગાંધીજીએ એક સ્થળે કહ્યું છે: ‘ઈશ્વર જેમ ભવિષ્ય માટે સંગ્રહ કરતા નથી, તેમ સામાન્ય મનુષ્યે પણ પોતાના ભવિષ્ય માટે સંગ્રહ ન કરવો અને આજની કમાણી આજે જ ખાઈ જવી જોઈએ.’ બીજી બાજુએ તેમણે જમીનદારો તેમજ ધનવાનોને કરોડો રૂપિયા કમાવાની અને તેનો સંગ્રહ કરવાની અબાધિત છૂટ પણ આપી છે. પરંતુ એમણે આવા ધનિકોના કર્તવ્ય વિશે કહ્યું છે કે પોતાના ઉપયોગ કરતાં વધારાનાં ધનસંપત્તિને સમાજના બીજા લોકોના કલ્યાણાર્થે તેનું વિતરણ કરવા માટે અલગ રાખીને તેના રખેવાળ તરીકે ધનવાનોએ કે જમીનદારોએ રહેવાનું છે. નહેરુ આ સામે પ્રશ્ન કરે છે : ‘આપણામાં જે સર્વોત્તમ છે એમના પ્રત્યે આવો વિશ્વાસ રાખવો યુક્તિસંગત છે? આવા ઉચ્ચ અને ભદ્ર તેમજ જનહિતના વ્રતધારી ધનિકોને સામાન્ય જનસમૂહ પોતાના પર શાસન કરવાનો અધિકાર આપશે ખરા?’

સ્વામીજીએ એક ઇતિહાસના આચાર્યની જેમ મૂડીવાદ કે સામંતશાહીનું વિશ્લેષણ કર્યું છે. એમની આ વિશ્લેષણની વૈજ્ઞાનિકધારા આપણને માકર્‌સવાદના વિશ્લેષણની યાદ અપાવે છે. સ્વામીજીએ બતાવ્યું છે કે મૂડીવાદના પ્રભુત્વ દરમિયાન નિરવતાથી શોષણની પ્રક્રિયા ચાલતી રહે છે. અને આ શોષણ શ્રમિકોનું લોહી ચૂસીને થાય છે. તેમણે વધુમાં કહ્યું છે : 

‘ધનવાન, ભદ્ર અને પુરોહિતોએ ઇતિહાસના કયા કાળમાં અને ક્યાં દીનદુખિયાંની ચિંતા કરી છે? એમની ક્ષમતા અને જીવનશક્તિ એમણે પોતે સહેલાં દુ:ખકષ્ટમાંથી ઉદ્‌ભવ્યાં છે.’

પણ ગાંધીજીનું મંતવ્ય આટલું તીખું ન હોવા છતાં, આવી વાતો તેઓ પણ કરતા હતા. એમના મતે ધનવાન, જમીનદાર અને મજૂરવર્ગ એક પરિવાર જેવા હોવા જોઈએ. ધનિકો ગરીબ મજૂરોના રખેવાળ બનવા જોઈએ.

સ્વામીજીની દૃષ્ટિએ ઇતિહાસમાં આપણે અત્યાર સુધીમાં વારાફરતી બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું શાસન જોયું છે. આજે ચાલે છે વૈશ્યોનું શાસન. પણ આ શાસનનો અંત અનિવાર્ય છે. શૂદ્રોનું આધિપત્ય અનિવાર્ય છે. કોઈ એને અટકાવી શકવાનું નથી. શૂદ્રોના અભ્યુત્થાન વખતે વૈશ્યો સાથે એમનો એક નવો સંઘર્ષ ન સર્જાય તે માટે આ બે વર્ણોમાં ધર્મકેન્દ્રિત સાચી કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવો પડશે. બંને વર્ગો વચ્ચે એક પ્રેમસેતુ રચવો પડશે.

ગાંધીજી પર સ્વામીજીનો પ્રભાવ ઘણો હતો. આ પ્રભાવથી તેઓ અજાણ હતા તેવું નથી. એમણે પોતે સ્વીકાર કર્યો છે કે સ્વામીજીના ગ્રંથોના વાચનથી એમનો દેશપ્રેમ અનેકગણો વધી ગયો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સ્વામીજીએ સમગ્ર ભારતમાં જે વ્યાપક પ્રભાવ પાડ્યો હતો તેનાથી જાણ્યે-અજાણ્યે દેશના ઘણા નેતાઓની વિચારધારા પર એની ઘણી અસર જોવા મળે છે. ગાંધીજીએ પૂરેપૂરું અનુસરણ કર્યું છે એવું નથી, પણ પોતાની આગવી ચિંતનધારામાં સ્વામીજીના વિચારોને મૌલિકરૂપે સ્વીકાર્યા છે. ગાંધીજી પર સ્વામીજીનો જે પ્રત્યક્ષ પ્રભાવ જોવા મળે છે તેની સમાલોચના આપણે કરીએ : ૧. સ્વામીજીની ક્રાંતિકારી વિચારોની પાછળ આ મૌલિકતા હતી કે – તેમણે ક્રાંતિ કરતા ક્રાંતિકારી ચારિત્ર્ય ઘડતર પર વધારે ભાર મૂક્યો હતો. ક્રાંતિકારીઓ આત્મત્યાગી તેમજ ચારિત્ર્યની શક્તિથી સમુજ્જ્વલ આદર્શ માનવ હોવા જોઈએ. ગાંધીજીનું ક્રાંતિકારી વિશેનું ચિંતન આવું જ હતું. એક સર્વોદય કાર્યકરનું ચરિત્ર આદર્શ નિષ્ઠ ન હોય તો ક્રાંતિ નિષ્ફળ જવાની. એટલે ગાંધીજીએ અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય વગેરેને મૂળમંત્રરૂપે સ્વીકાર્યા હતા. ૨. ગામડાનાં દરિદ્રોની ઝૂંપડીમાં ભારતનું રાષ્ટ્રજીવન ધબકે છે. સ્વામીજીએ આની વ્યાખ્યા તો આપી છે પણ સાથેને સાથે ભારતીયોને એ તરફ ખેંચીને લઈ ગયા છે. ગાંધીજીએ મન-પ્રાણથી અપનાવીને સર્વોદયની ક્રાંતિનું માળખું ઊભું કર્યું. ૩. ભારતમાં કોઈપણ જાતનું આંદોલન ધર્મના માધ્યમથી કરવું જોઈએ એવું સ્વામીજી દૃઢપણે માનતા. ગાંધીજીએ પણ ધર્મને કરોડરજ્જુના રૂપે સ્વીકાર્યો છે. ૪. સ્વામીજી ઇચ્છતા હતા કે, પુરુષાર્થમાં સાવ પાશ્ચાત્ય અને ધર્મની બાબતમાં પ્રાચ્ય જ બનવું જોઈએ. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાંથી જે કંઈ સારું છે એનો સમન્વય કરીને આદર્શ માનવનું નિર્માણ કરવું પડશે. પાશ્ચાત્યના કાર્યોત્સાહમાં ભારતના શાંત-સંયત મનને ઉમેરવું પડશે. ગાંધીજી આ આદર્શના પક્ષપાતી હતા. પાશ્ચાત્ય લોકોનાં નિયમપાલન અને સમય-શિસ્ત તેમજ કર્મતત્પરતામાં ભારતીયોઓના સંયત જીવનનો કેવી રીતે સમન્વય કરવો, એ આદર્શને ગાંધીજીએ અનુસરીને બતાવ્યું હતું. ૫. વર્ણવ્યવસ્થા માત્ર એક સામાજિક વ્યવસ્થા છે અને એ ધર્મનું કોઈ અંગ નથી એમ સ્વામીજી માનતા હતા. સમાજમાં સમવાય પ્રથા ઊભી કરવા માટે અને પુરુષાનુક્રમિક સંસ્કારોને સુવ્યવસ્થિત રીતે કાર્યમાં પરિણત કરવા આ વર્ણવ્યવસ્થાનો ઉદ્‌ભવ થયો હતો. સ્વામીજીના આ મતમાં ગાંધીજી પણ માનતા. ૬. વિકેન્દ્રીકરણ દ્વારા રાષ્ટ્રનીતિને મનુષ્યની નજીક લઈ જવી. એનાથી રાષ્ટ્રના સંચાલનમાં લોકો વધુ પ્રત્યક્ષ રીતે પોતપોતાના વિચારોની પરસ્પર આપલે કરી શકે છે. સ્વામીજીના આ વિચારને પોતાના મુખ્યભાવ તરીકે અપનાવ્યો હતો. ૭. સ્વાધીનતા આંદોલનના પહેલાં રચાયેલ નેશનલ કોંગ્રેસની ખામીઓ બતાવતાં સ્વામીજીએ કહ્યું હતું કે કોંગ્રેસીઓ ગ્રામીણોને અપનાવતા નથી. પ્રાકૃતિક આપત્તિઓમાં સપડાયેલા પ્રાદેશિક લોકો પાસે જઈને એમને સહાય કરતા નથી. નેશનલ કોંગ્રેસના નેતા તરીકે ગાંધીજી ઊભરી આવ્યા પછી જોવામાં આવ્યું કે કોંગ્રેસે ઉપર્યુક્ત ત્રુટિઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. ગામડે ગામડે જઈને સ્વાધીનતા માટે સામાન્ય જનસમૂહને જાગ્રત કરવા એ હતું ગાંધીજીનું સર્વશ્રેષ્ઠ પ્રદાન. ૮. વિશ્વમંચ પર ભારતનું સ્થાન સ્થાપિત કરવું જોઈએ અને સમગ્ર જગતને આત્મિક શક્તિનો મહિમા શીખવવો પડશે – સ્વામીજીના આ મતને ગાંધીજીના જીવનમાં સાકાર થતું આપણને જોવા મળે છે. 

મુખ્ય મુખ્ય બાબતોમાં ગાંધીજી પર સ્વામીજીનો ચોક્કસ પ્રભાવ આપણને જોવા મળે છે, આમ છતાં પણ કેટલીક બાબતોમાં તેઓ બંને ભિન્ન ભિન્ન મતાભિપ્રાય ધરાવતા હતા: ૧. ગાંધીજીએ અહિંસા પર અત્યંત ભાર દીધો છે. અહિંસાને શ્રેષ્ઠ આચાર ગણીને તેઓ અહિંસા એક વીરનો ધર્મ છે એમ માનતા હતા. હિંસાને આધારશિલા બનાવીને કોઈ માનવનીતિ કે રાષ્ટ્રનીતિનું ઘડતર થઈ શકે નહિ એ વાત સાચી પણ સ્વામીજીની દૃષ્ટિએ – બૌદ્ધકાલીન ભારતમાં અહિંસાના અત્યધિક પ્રચારને કારણે ભારતનું પતન થયું છે. સ્વામીજી શક્તિ કે બળના સાધન પર વધુ ભાર દેતા. આત્મશક્તિ એ જ સર્વશ્રેષ્ઠ શક્તિ, પણ જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દૈહિક અને માનસિક શક્તિનો પૂરેપૂરો આધાર લેવો પડશે. સર્વસાધારણ માનવ માટે અહિંસા ઉપયોગી નથી એમ સ્વામીજી માનતા. ૨. ગાંધીજીને મન પ્રગતિ એટલે સામાજિક ઉન્નતિ અને તે ઉન્નતિ વ્યષ્ટિની ઉન્નતિ પર આધારિત હતી. સ્વામીજીની દૃષ્ટિએ સામાજિક ઉન્નતિ એક પથ છે, લક્ષ્ય નથી; માનવીની સર્વાંગી ઉન્નતિ માટે જ સામાજિક ઉન્નતિની આવશ્યકતા રહે છે. જો આધ્યાત્મિકતાનો વિકાસ ન થાય, જો માનવ પોતામાં સુષુપ્તબ્રહ્મને જાગ્રત ન કરી શકે તો એવી ઉન્નતિનો કોઈ અર્થ નથી. સ્વામીજીએ એક શોષણમુક્ત સુંદર સમાજની કલ્પના કરી હતી. એમાં માણસ પોતાની ભીતર રહેલ શક્તિના અનંત પ્રસરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે. ૩. યંત્રશાસ્ત્ર અને વિજ્ઞાનના ક્ષેત્રે થતાં નિત્ય નૂતન આવષ્કિારોએ ગાંધીજીને થોડા વિચલિત કરી દીધા હતા. પાશ્ચાત્ય જગતની અમાપ યંત્રનિર્ભરતાને તેઓ અભિશાપ ગણતા હતા. પરંતુ સ્વામીજી વિજ્ઞાન અને યંત્રશાસ્ત્રની પ્રગતિને સહર્ષ સ્વીકારતા હતા. ભારતની રાષ્ટ્રિયતા વિશેની પરિકલ્પના વિશે સ્વામીજીએ કહ્યું હતું: ‘આપણને જોઈએ છે : સ્વદેશની વિદ્યા સાથે અંગ્રેજી અને વિજ્ઞાનનું શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ જોઈએ છે, એનાથી ઔદ્યોગિક વિકાસ થઈ શકે. ખાલી નોકરી કરીને જ નહિ પરંતુ પોતાનો વ્યવસાય કરીને પણ ગુજરાન કરી શકે.’ જો કે સંપૂર્ણપણે યંત્રનિર્ભર સભ્યતાને સ્વામીજી આદર્શ ગણી ન હતી. પાશ્ચાત્ય વિજ્ઞાનની સાથે ભારતના ઔપનિષદિક જ્ઞાનનું સુમિલન તેઓ ઇચ્છતા હતા. વિજ્ઞાનની સાથે મનુષ્યની દૈનંદિન જરૂરિયાતો પૂર્તિ કરવામાં આવે તો તે આધ્યાત્મિક ઉન્નતિમાં પોતાનું મન પરોવી શકે. ૪. રાજનૈતિક, આર્થિક, સામાજિક વગેરે વિષયો પર ગાંધીજી પોતાના વિચારો તલસ્પર્શી અને સૂક્ષ્મ રીતે પ્રજા સમક્ષ રજૂ કરતા. માણસોને નિર્ભીક અને સ્વાવલંબી અને પોતાની મેળે વિચારતા થાય એવું સ્વામીજી ઇચ્છતા હતા. એમની દૃષ્ટિએ જ્યારે માણસો ઉપર્યુક્ત ત્રણ ગુણના અધિકારી બને ત્યારે તેઓ પોતે પોતાની મેળે પોતાની સમસ્યાઓનું સમાધાન કરી શકે. સ્વામીજીએ કહ્યું છે: ‘મારા જીવનની એક જ આકાંક્ષા છે, હું એક એવા યંત્રને ચલાવીશ કે જેનાથી પ્રત્યેક વ્યક્તિની સમક્ષ ઉચ્ચતર ભાવસમૂહ રહેશે અને તેઓ તેનું સુપેરે વહન કરશે. પુરુષ હોય કે સ્ત્રી સૌ પોતપોતાના ભાગ્યનું નિર્માણ પોતે જ કરશે. આપણા પૂર્વજો તેમજ અન્ય પ્રજાજનોએ આ જીવનની મહત્તર સમસ્યા વિશે કેવી ચિંતા સેવી છે તે વિશે સૌ કોઈ જાણશે. વિશેષત: તેઓ એ પણ જોશે કે બીજા લોકો અત્યારે શું કરે છે અને તેમણે શું કરવું જોઈએ એમાં સ્થિર ધીર બનશે.’ 

૫. માણસને પવિત્ર બનાવવાથી સમાજની ગ્લાનિ દૂર થાય છે એમ જ્યારે ગાંધીજીએ કહ્યું ત્યારે તેમણે સ્વામીજીના મતનો પડઘો પાડ્યો હતો. પરંતુ સ્વામીજીએ એ વિશે વધારે ગહનતાથી વિશ્લેષણ કર્યું હતું. જે લોકો ભૌતિકવાદની સભ્યતાના ઉપકરણના પ્રાચૂર્યની અવહેલના કરતા હતા એની સાથે સ્વામીજી પૂરેપૂરા સહમત ન હતા. પરંતુ અદ્વૈત જ્ઞાનને ગાંઠે કરીને લોકો સમાજની નવરચના કરવા માટે સેવાવ્રતધારી બને તેમ તેઓ ઇચ્છતા હતા. સમાજની દરેકેદરેક વ્યક્તિ એક બાજુ ‘તત્ત્વમસિ’નું અવલંબન કરીને પોતાની શક્તિની અસીમ સંભાવનાઓને જગાડી શકે છે. બીજી બાજુએ ‘જીવ બ્રહ્મૈવ નાપર:’ નો આશ્રય લઈને નિષ્કામ સેવાના કાર્યમાં પોતાના પાડોશીના ભલા માટે હાથ લંબાવી શકે. વનના વેદાંતને ઘરે લાવીને સ્વામીજીએ ભાવિ સમાજ અને જનસામાન્યને નવું આહ્‌વાન આપ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે વિવેકનું અનુસરણ કરીને માનવ સમાજનું કલ્યાણ કરી શકે છે. પરંતુ સ્વામીજીની દૃષ્ટિએ આ વિવેક ઉપયોગિતાવાદ પર આધારિત ન હોવો જોઈએ પણ એની આધારભૂમિકા છે વેદાંતદર્શન. સર્વોચ્ચ સત્યનો વ્યાવહારિક પક્ષ એટલે જ વિવેક, પરકલ્યાણમાં જ સ્વકલ્યાણ રહેલું છે. આ દર્શનની આધારભૂમિકા પર પ્રતિષ્ઠિત નૈતિકતાનો આશ્રય કરીને જ આ વિવેક કેળવી શકાય.

ગાંધીજી કહેતા કે ધર્મ વિના રાજનીતિ ઘડી ન શકાય. સ્વામીજીની ઉક્તિ આવી હતી : ચાલાકીથી કોઈ મહાન કાર્ય સિદ્ધ ન થાય. પ્રેમ, સત્યાનુરાગ અને અમાપવીરતાની સહાયથી બધાં કાર્ય સંપન્ન થઈ શકે છે. આ બંને મહાપુરુષોના આ નિર્દેશોને અનુસરીને જો આજના સમાજસેવકો આગળ વધે તો સર્વોદય સમાજની સ્થાપના અશક્ય નથી. સમાજસેવાના અભિગમમાં સ્વામીજીની વાતને વારંવાર યાદ રાખવી જોઈએ: ‘સમાજનું એક અંગ ખડી-સડી ગયું હોય ત્યારે બીજુ અંગ ભલે સબળ હોય પણ એ દેહથી કોઈ મહાન કાર્ય થઈ ન શકે, આ વાત ચોક્કસ જાણવી.’

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.