“બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, – એવી વ્યોમવિહારિણી;
મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ
વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં;
વ્યવહારે“જગત્સત્યં, બ્રહ્મમિથ્યા” – વદી રહી.

પછી તો ભક્તિની વર્ષા, જ્ઞાનનાં શિખરો તજી;
સ્તોત્રે ને ભજને ધ્યાને, નવધા ભક્તિ પાંગરી.
પ્રગટ્યાં આરતી ધૂપો, મંદિરે ઝાલરો ઝણી;
તથાપિ તમ સંસારે, એની એ જ વ્યથા રહી!

ભગીરથ સમા બાપુ, પધાર્યા કર્મંગંગ લૈ;
રાય કે રંક અસ્પૃશ્ય, આત્મવારિ વહી રહી.
હિમાલયે હરદ્વારે, ગંગા શા કામની હતી?
માનવીજીવનો કાજે, મેદાને જ સુહામણી.

સત્ય છે વિશ્વનો પ્રાણ, આત્મા-ઈશ્વર જે કહો;
અહિંસા સાધના દ્વારા, માનવે એ જ પામવો.
સત્ય નિત્ય સ્વયં શક્તિ, વિશ્વે વ્યાપ્ત સનાતન;
પ્રેમના સિંચને ફૂટે, સત્યાંકુરો નિરંતર.

સત્યના આગ્રહે સત્ય, પ્રેમથી પ્રેમ જાગશે;
અહિંઆ આત્મની શુદ્ધિ, વિશ્વે સત્ય જગાડશે.
સૃષ્ટિની ગૂંથણી માંહે, સત્યની ભાત વિસ્તરી;
સર્વદા લોકવ્યાપારે, વિભૂતિ વિભુની ભરી.

બાપુના જન્મને આજે, વર્ષો કૈં કેટલાં વહ્યાં!
કાળના પડદા ભેદી, શાન્તિમંત્રો સ્ફુરી રહ્યાં.
પિતાની સંપદાસિદ્ધિ, પુત્રના હાથમાં પડી;
તથાપિ ભાગ્યની લીલા! જશે શું હાથથી દડી?

રાષ્ટ્રના ઊર્ધ્વપંથે એ, પાદચિહ્નો પડી રહ્યાં;
પિતાની દાખવી વાટે, પંથી મંદ પડી ગયાં!
અમારી વામણી ચાલે, ક્યારે એ પંથ કાપશું?
સત્યના દિવ્ય પંથીને, ક્યારે ને કેમ આંબશું?

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.