(ગતાંકથી આગળ)

જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા. નવદ્વીપના માર્ગોમાં અસંખ્ય નિર્દોષ લોકોને પીડતા રહેતા. એક દિવસ નિતાઈ અને હરિદાસ હરિનામનો પ્રચાર કરતાં કરતાં રાજ્યના મુખ્યમાર્ગ પર એમને મળ્યા. નિતાઈના કરુણાસભર હૃદયમાં એ બંને પાપીઓના કલ્યાણ માટેની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ. હરિદાસ પણ આ વાતમાં હૃદયપૂર્વક સંમત થયા. એ બંને જગાઈ-માધાઈ પાસે જઈને બોલ્યા: ‘જુઓ, એક માત્ર કૃષ્ણ નામ જ આ જગતમાં આપણા ઉદ્ધારનો ઉપાય છે. હવે તમે બધા અનાચાર છોડી દો, ભગવાનનું નામ લઈને જીવનને પવિત્ર બનાવી દો.’ દારૂના નશામાં ચકચૂર બનેલા એ બંને આ વાત સાંભળીને ક્રોધથી રાતાપીળા થઈ ગયા. અચાનક એમની આવી ધાકધમકી સાંભળીને પહેલે દિવસે તો હરિદાસ અને નિતાઈ ભાગી ગયા. પછી એક દિવસે રાત્રે નિત્યાનંદ નવદ્વિપના માર્ગે એકલા આવી રહ્યા હતા. એ સમયે એમને જગાઈ-માધાઈ રસ્તામાં મળ્યા. બંને નશામાં ચકચૂર હતા અને એમનું નામ પૂછ્યું. નિતાઈએ જવાબ આપ્યો: ‘હું તો અવધૂત છું, પ્રભુના ઘરે જઉં છું.’ આ સાંભળીને માધાઈએ ક્રોધે ભરાઈને નિતાઈના માથા પર મદ્યની માટલી જોરથી મારી. નિતાઈનું કપાળ ફૂટ્યું અને લોહી વહેવા લાગ્યું. એ સમયે પણ નિતાઈ તો પ્રભુમાં તન્મય બનીને એમનું નામરટણ કરી રહ્યા હતા. જગાઈએ આ વહેતું લોહી જોઈને માધાઈને રોકીને એના હાથમાંથી માટલાનું ઠીકરું લઈ લીધું. 

આ સમાચાર મળતાં જ નિમાઈ પંડિત અનેક ભક્તોને સાથે લઈને ત્યાં આવી પહોંચ્યા. આ ઘટના જોઈને તેઓ ઉદ્વિગ્ન બન્યા. એ બંનેને શિક્ષા કરવાની ઇચ્છા પણ થઈ આવી પણ નિતાઈએ એ બંનેને માફ કરવા કહ્યું. જગાઈ તો નિત્યાનંદને બચાવવા ગયા હતા. એટલે એને તો પહેલાં જ માફ કરી દીધા. થોડીવાર પછી પોતાની ભૂલ સમજાતાં માધાઈ પણ નિમાઈના શરણે ગયો અને એમની માફી પણ માગી. પણ નિમાઈએ નિતાઈની માફી માગવા કહ્યું. નિતાઈએ તો એને પહેલેથી જ માફ કરી દીધા હતા. નિતાઈએ એ બંનેને નિમાઈના ચરણે ધરી દીધા. નિમાઈના પાવનકારી સ્પર્શથી જગાઈ-માધાઈ પવિત્ર બન્યા અને ઉન્નત પણ બન્યા. પછીથી નવદ્વિપના લોકો આ જગાઈ-માધાઈને પરમ સાધુ પુરુષ જેવા ગણીને એમના પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ રાખતા. જગાઈ-માધાઈ જેવા દુષ્ટ લોકોનો પણ પોતાના પાવનકારી સ્પર્શથી નિમાઈએ કરેલા ઉદ્ધારને જોઈને નિમાઈ-નિતાઈ અને તેમના સંગીઓને લોકો વિશેષ કરીને ત્યાંના વૈષ્ણવો વિશેષ શ્રદ્ધાભક્તિથી જોવા લાગ્યા. એની સાથે સાથે આપણને સૌને જોવા મળે છે કે સુકોમળ અને સરળહૃદયવાળા નિમાઈની ભીતર પ્રચંડ શક્તિશાળી એક નરસિંહ જાગી ઊઠ્યો છે. 

ત્યારે બંગાળના એ વિભાગમાં નવાબ હુસેન શાહનું રાજ્ય હતું. તેઓ સુશાસક હતા અને સાથે ને સાથે જ્ઞાની-ગુણીઓનો સમાદર પણ કરતા. આમ તો મુસલમાન શાસકો હિંદુઓની ધર્મસાધનાને માન-સન્માનની દૃષ્ટિએ ન જોતા. હિંદુઓ મુસલમાન શાસકોના અત્યાચારના ભયથી પોતાની ધર્મસાધનાઓ કે ધર્મકર્મ છાનામાના કરતા. નવદ્વિપના શાસક ચાંદ કાજી આવા એક અત્યાચારી હતા. એમના પ્રદેશમાં એકવાર વૈષ્ણવોનું હરિસંકીર્તન સાંભળીને તેમણે એમના મૃદંગ-કરતાલ વગેરે લઈ લીધા અને નવદ્વિપમાં હરિનામસંકીર્તન કરવાની મના ફરમાવી. આ આદેશ સાંભળીને નિમાઈ પંડિત પોતાના બધા ભક્તો અને અનુરાગીઓને લઈને એક વિરાટ સંકીર્તન મંડળી સ્થાપી અને સર્વત્ર સામુહિક સંકીર્તન કરતા. ચાંદકાજી આ જોઈને ક્રોધે તો ભરાયા પણ આટલો વિશાળ સંકીર્તન સમૂહ જોઈને તેઓ ઢીલા થઈ ગયા. આ સંકીર્તન સમૂહની શક્તિ સામે નમતું જોખીને એમણે સંકીર્તન ન કરવાના આદેશને પાછો ખેંચવો પડ્યો. નિમાઈએ એમને હરિનામ મહિમાની વાત બરાબર સમજાવી દીધી. આ ઘટના પછી કાજી સાહેબ પોતે જ ભક્ત બની ગયા.

આ રીતે નવદ્વિપના ઘરે ઘરે હરિનામ સંકીર્તનનો નાદ ગુંજવા લાગ્યો. સમગ્ર દેશમાંથી લોકોનાં ટોળેટોળાં હરિનામ મહિમા સાંભળવા માટે ઘેલા બનીને ઉમટવા લાગ્યાં. આ વખતે નિમાઈએ મનમાં વિચાર કર્યો: ‘હું મુખે તો હરિનામ સંકીર્તન કરું છું પણ મારે તો ઘરબાર અને સંસાર પણ છે. તો તો નિમાઈ પંડિતની જેમ જ ખૂબ સુખોપભોગ કરીને પણ હરિનામ સંકીર્તન કરી શકાય એમ મને જોઈને લોકો વિચારશે. ના, આમ તો ન જ થવું જોઈએ. પ્રભુને મેળવવા માટે બધું જ ત્યજવું પડે. આપણું પોતાનું ગણીને કોઈ માયા રાખીએ તો એ ન ચાલે. આ ત્યાગના આદર્શને સામાન્ય મનુષ્ય સમક્ષ રાખવો જ પડે. સંન્યાસ જ સાચો આદર્શ છે.’

આ સંન્યાસની વાત પ્રથમ તેમણે પોતાનાં માતુશ્રી અને પત્નીને કરી, પછી નિતાઈ અને પોતાના મુખ્ય મિત્ર બંધુઓને કરી. મકરસંક્રાંતિના આગલા દિવસે રાત્રિના શેષભાગમાં પોતાની નિદ્રાધીન પત્નીને ત્યજીને ઘરમાંથી નીકળી ગયા. મા શચિદેવી પુત્રના ગૃહત્યાગની વાત જાણતાં હતાં. તેઓ અગાઉથી જ ઘરના દરવાજે બેઠાં હતાં. માને જોઈને, માનો હાથ પકડીને નિમાઈએ કહ્યું: ‘મા, તમારું ઋણ હું જન્મજન્માંતરો પછી પણ અદા ન કરી શકું. હું જ્યાં જ્યાં રહીશ તમારો બધો જ બોજો મારા પર જ રહેશે.’ 

જે કંઈ પ્રભુ બોલે સાંભળે શચિ દેવી,
ઉત્તર કંઈ ન આવે હૈયે, નયને ઝરે અશ્રુધારા..
જનની-પદધૂલિ પ્રભુએ શિરે ધરી,
કરી પ્રદક્ષિણા સત્ત્વરે ચાલ્યા પ્રભુજી,
ચાલ્યા વૈકુંઠનાયક ઘરત્યજી,
લીધો સંન્યાસ સર્વજીવ ઉદ્ધારવા.
(ચૈતન્ય ભાગવત, મધ્યખંડ)

પ્રભાત સમયે ભક્તો એમનાં દર્શન કરવા આવ્યા ત્યારે નિર્વાક્‌ અને નિસ્પંદ બેઠેલાં શચિ માતાને જોયાં અને શું થયું તે તરત સમજી ગયા. નિમાઈને શોધવા તરત જ નીકળી પડ્યા. આ બાજુએ નિમાઈ પ્રભાત સમયે કાટવા ગામે સુખ્યાત કેશવ ભારતીના આશ્રમે આવી પહોંચ્યા. નિમાઈની વિનંતીથી કેશવ ભારતીએ નિમાઈને સંન્યાસદીક્ષા આપી અને એમને ‘શ્રીકૃષ્ણ ચૈતન્ય’ એવું નામ આપ્યું.

‘જેટલા જેટલાને તમે રટાવ્યું શ્રીકૃષ્ણ નામ,
અને કીર્તનપ્રકાશે કરાવ્યું ચૈતન્ય સૌમાં
એટલે જ શું પડ્યું નામ તમારું શ્રીકૃષ્ણ ચૈતન્ય!
અને બધા લોકો બન્યા ધન્ય તવ થકી.’
(ચૈતન્યભાગવત, મધ્યખંડ)

આ તરફ નિમાઈની શોધખોળમાં નીકળેલા નિત્યાનંદ વગેરે ભક્તો કાટવા પહોંચી ગયા. સંન્યાસ લીધા પછી શ્રીકૃષ્ણ ચૈતન્ય (નિમાઈ) ઉત્તર ભારતની તીર્થયાત્રામાં નીકળશે એવું સાંભળીને તેમણે પણ એમની સાથે જવાની ઇચ્છા પ્રગટ કરી. સંન્યાસ પછી ચૈતન્યદેવ (નિમાઈ) અવારનવાર સમાધિભાવમાં આવી જતા. વચ્ચે વચ્ચે ક્યારેક બાહ્યજગતમાં એમનું મન ઊતરતું. એમની આવી ભાવાવસ્થાની તક સાધીને ભક્તો તેમને નવદ્વીપની પાસે આવેલ શાંતિપુરમાં લઈ આવ્યા. ચૈતન્યદેવને તેમણે સમજાવી દીધું કે પાસે જ યમુના છે. દૂરથી ગંગાને યમુના માનીને ચૈતન્યદેવ ખૂબ આનંદપૂર્વક યમુનાવંદના કરવા લાગ્યા. અલબત્ત, થોડા સમય પછી એમને ભૂલ સમજાઈ ગઈ અને ભક્તો પણ તેમને પ્રેમવશ બનીને શાંતિપુરમાં લઈ આવ્યા હતા એનો ખ્યાલ આવી ગયો. શાંતિપુરમાં અદ્વૈત આચાર્યના ઘરે તેમની રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. સમગ્ર નવદ્વીપના લોકો તેમનાં દર્શન માટે શાંતિપુરમાં ઊમટી પડ્યા. મા શચિદેવી પણ આવ્યાં. સંન્યાસીઓના નિયમ પ્રમાણે પોતાનાં પત્ની વિષ્ણુપ્રિયા તેમનાં દર્શન કરી ન શક્યાં. શ્રીચૈતન્યદેવે માને પ્રણામ કરીને કહ્યું: ‘મા, જો તમે કહો તો હું અહીં જ રહીશ.’ માએ કહ્યું: ‘સંન્યાસી થઈને ઘરની પાસે રહીશ તો લોકો તારી નિંદા-ચર્ચા કરશે. એટલે તું પુરીના જગન્નાથદેવના તીર્થક્ષેત્રમાં જઈને રહેજે. ભક્તો ત્યાં દરવર્ષે આવશે. ત્યાં રહેવાથી મને પણ તારા સમાચાર મળતા રહેશે અને તને મારા સમાચાર મળતા રહેશે.’ માની વાતને શિરોમાન્ય ગણીને ચૈતન્યદેવે આ પછી પોતાનો મોટા ભાગનો સમય જગન્નાથ પુરીમાં ગાળ્યો. વિષ્ણુપ્રિયાએ નવદ્વીપમાં પતિના આદર્શ પ્રમાણે દિવસરાત ભગવાનનાં નામનો જપ કરીને સમગ્ર જીવન સાધનામાં પસાર કરી દીધું. નવદ્વીપના ભક્તો પણ તેમના પર માતા જેવી શ્રદ્ધાભક્તિ રાખતા.

શાંતિપુરથી નિત્યાનંદ વગેરે મુખ્ય ભક્તોને સાથે લઈને ચૈતન્યદેવે પુરીની તીર્થયાત્રા શરૂ કરી. પથ અત્યંત દુર્ગમ હતો, વચ્ચે વચ્ચે ચોર-ડાકુનો અને સૈન્યનો પણ ભય પણ હતો. પરંતુ હરિનામમાં તન્મય બનેલા સંન્યાસીને ક્યાંયથી ખલેલ પડતી નથી. અંતે એક દિવસ દૂરથી જગન્નાથ મંદિરના કળશનાં દર્શન થયાં. આનંદવિભોર બનીને શ્રીચૈતન્યદેવ મંદિરમાં પ્રવેશ્યા અને દોડી જઈને શ્રી જગન્નાથજીને ભેટી પડ્યા. આ જોઈને મંદિરના પંડાઓ એક અજાણ્યાને આવું કૃત્ય કરતાં જોઈને એને મારવા માટે દોડવા લાગ્યા. એ વખતે પુરીના રાજા પ્રતાપચંદ્રના સભાપંડિત શ્રીવાસુદેવ સાર્વભૌમ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. એમણે આ પંડાઓના હાથમાંથી સામધિભાવમાં બાહ્યભાનશૂન્ય સંન્યાસીને બચાવી લીધા. ત્યાર પછી એમને પોતાના ઘરે લઈ ગયા અને એમની સેવા ચાકરી કરી. ચૈતન્યદેવ ફરીથી બાહ્યભાનમાં આવ્યા.

નાની ઉંમરના અને અત્યંત સુંદર એવા સંન્યાસીને જોઈને વાસુદેવ સાર્વભૌમે વિચાર્યું: ‘આને થોડું ભણાવીએ ગણાવીએ તો ઘણું સારું થાય.’ આમ વિચારીને એમણે કહ્યું: ‘સંન્યાસીએ વેદાંતશાસ્ત્રોનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. તમે મારી પાસે દરરોજ વેદાંતનો અભ્યાસ કરજો.’ નિરભિમાની ચૈતન્યદેવ રાજી થઈ ગયા. પરંતુ કેટલાક દિવસના શાસ્ત્રાભ્યાસ પછી ચૈતન્યદેવને ચૂપચાપ બેસી રહેતા જોઈને સાર્વભૌમે પ્રશ્ન પૂછ્યો: ‘જે કંઈ શાસ્ત્રાભ્યાસ થાય છે એ ગળે ઊતરે છે ખરો?’ ચૈતન્યદેવે કહ્યું: ‘મૂળ શાસ્ત્રને તો સમજી શકું છું, પરંતુ તમારી ટીકાટીપણ સમજી શકતો નથી.’ આના પછી બંને વચ્ચે વિવેચના અને તર્ક શરૂ થયાં. બંને હતા મહાપંડિત! પરંતુ ચૈતન્યદેવની સાધના અને ભક્તિભાવનો વિજય થયો. વાસુદેવ સાર્વભૌમ ચૈતન્યદેવની વેદાંતના શાસ્ત્રાર્થથી મુગ્ધ થઈને એમના ભક્ત બની ગયા.

પુરીમાં હતા ત્યાં સુધી ચૈતન્યદેવ દરરોજ સવારે અને સાંજે જગન્નાથ મહાપ્રભુનાં દર્શને જતા. બધાની પાછળ નટમંદિરમાં એક થાંભલાને અઢેલીને તેઓ જગન્નાથજીનાં દર્શન કરતાં કરતાં તેમાં તન્મય બનીને પ્રેમાશ્રુ વહાવતા રહેતા. લોકો માને છે કે આજે પણ એ થાંભલા પર ચૈતન્ય મહાપ્રભુની આંગળીઓનાં નિશાન જોવા મળે છે. આખો દિવસ હરિનામ સ્મરણમાં અને ભક્તો સાથે સત્સંગમાં વીતી જતો. દૂરસુદૂરથી આવતા કેટકેટલાય લોકો આવીને એમનું હરિનામ સંકીર્તન સાંભળતા, એમની અપૂર્વ હરિભક્તિ નજરે નીહાળતા અને એનાથી મુગ્ધ બની જતા.

પુરીમાં થોડો સમય વિતાવીને વૈશાખ માસના અંતે દક્ષિણભારતની તીર્થયાત્રામાં શ્રીચૈતન્યદેવ નીકળી પડ્યા. એમની સાથે માત્ર બ્રહ્મચારી કૃષ્ણદાસ જ હતા. દક્ષિણભારત ચિરકાળથી ભક્તિ માટે સુપ્રસિદ્ધ છે. આજે પણ તે ભક્તિસાધનાનું ધામ ગણાય છે. પરિવ્રાજક રૂપે એમણે પદયાત્રા કરીને દક્ષિણભારતનાં સુપ્રસિદ્ધ તીર્થસ્થાનોની યાત્રા કરી અને બે વર્ષ પછી જગન્નાથ પુરી પાછા ફર્યા. દક્ષિણની યાત્રા દરમિયાન શ્રી રામાનંદ રાય અને શ્રી ગોપાલ ભટ્ટ નામના બે મહાન ભક્તો સાથે એમને મુલાકાત થઈ હતી. શ્રી રામાનંદ રાય ઓરિસ્સાના રાજા શ્રી પ્રતાપરુદ્રના શાસન હેઠળ આવેલ વિદ્યાનગર વિસ્તારમાં રાજ્ય કરતા હતા. શ્રી રામાનંદનાં ભક્તિ અને પાંડિત્યની ખ્યાતિ શ્રી ચૈતન્યદેવે આ પહેલાં વાસુદેવ સાર્વભૌમના મુખેથી સાંભળી હતી. ગોદાવરીના તીરે શ્રી રામાનંદ રાયની સાથે તેમની મુલાકાત થઈ. વાર્તાલાપ અને પરિચય પછી બંને વચ્ચે ભક્તિધર્મ વિશે વિગતવાર વિવેચના-ચર્ચા થઈ. ચૈતન્યદેવ એક પછી એક પ્રશ્ન કરતા જાય છે અને શ્રી રામાનંદ રાય એક પછી એક ઉત્તર પાંડિત્યપૂર્ણ નિપુણતાથી આપતા જાય છે. આવી રીતે કેટલાય દિવસોની ભક્તિધર્મની ચર્ચા વિચારણા પછી રામાનંદની અસાધારણ પ્રતિભાનો પરિચય થયો. શ્રી રામાનંદ પણ સમજી ગયા કે મહાસાધક સિવાય ભક્તિધર્મનાં આવા પ્રશ્નો અને આટલી મહત્‌ ચર્ચા શક્ય ન બને. પરમ ભક્તિના ભાવમાં તેમણે ચૈતન્યદેવને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. ચૈતન્યદેવ પોતાના શેષ જીવનકાળમાં જે જે અંતરંગોને સાથે રાખીને રહ્યા તેમાં શ્રી રામાનંદ રાય પણ એક સદ્‌ભાગી ભક્ત હતા. શ્રીરામાનંદ સાથેની ચૈતન્યદેવની ભક્તિધર્મની થયેલી વિગતવાર ચર્ચા ‘સાધ્ય-સાધક તત્ત્વ’ ના નામે પ્રખ્યાત બની છે. શ્રીરંગપટ્ટનમ્‌માં આવીને શ્રી વેંકટ ભટ્ટ અને એમના સુપુત્ર ગોપાલ ભટ્ટ સાથે શ્રી ચૈતન્યદેવ સાથે પરિચયમાં આવ્યા. પિતા પુત્ર સાધક અને ભક્ત હતા. પિતાના અવસાન પછી ગોપાલ ભટ્ટ શ્રી ચૈતન્યદેવના આદેશ પ્રમાણે વૃંદાવન ગયા અને શ્રી ભગવન્નામ મહિમાના પ્રચારાર્થે પોતાનું જીવન વિતાવી દીધું.

દક્ષિણના પરિભ્રમણ દરમિયાન એમના મોટા ભાઈ વિશ્વરૂપને મળવાની ઇચ્છા શ્રી ચૈતન્યદેવને થઈ. વિશ્વરૂપ દક્ષિણના આ ભાગમાં જ ક્યાંક છે એવો તેમને ખ્યાલ હતો. એ વખતે મહારાષ્ટ્ર રાજ્યના પંઢરપુરમાં આવીને ઈશ્વરપુરીના ગુરુભાઈ રંગપુરી સાથે મેળાપ થયો અને વાતવાતમાં એ પણ જાણી લીધું કે વિશ્વરૂપે આ પ્રદેશમાં સાધનામાં સિદ્ધ બનીને થોડા દિવસ પહેલાં દેહત્યાગ કર્યો હતો. દક્ષિણના બે સુખ્યાત ભક્તિ-શાસ્ત્રનાં ગ્રંથ ‘કૃષ્ણ કર્ણામૃત’ અને ‘બ્રહ્મસંહિતા’ મેળવીને તેઓ પોતાની સાથે લાવ્યા હતા. આ પરિભ્રમણ દરમિયાન દક્ષિણભારતના ભક્તો એમનાં વિનય, નમ્રતા, ત્યાગ અને ભક્તિ જોઈને મુગ્ધ થઈ ગયા હતા. એમણે પણ દક્ષિણભારતના ભક્તિધર્મના સાધકો સાથે સંગત કરીને વિશેષ દિવ્યાનંદની પ્રાપ્તિ કરી હતી. અસંખ્ય તીર્થસ્થાનો, મંદિરો, મૂર્તિની અનન્ય શિલ્પકલા વગેરે પોતાનાં દક્ષિણના પરિભ્રમણ કાળ દરમિયાન જોઈને શ્રી ચૈતન્યદેવનો ભક્તિભાવ અનેકગણો વધી ગયો હતો.

શ્રી ચૈતન્યદેવના પુરીના રોકાણ દરમિયાન દર વર્ષે જગન્નાથની રથયાત્રા વખતે નવદ્વીપના ભક્તો માતા શચિએ તૈયાર કરેલ વિભિન્ન નૈવેદ્ય-વાનગીઓ સાથે લઈને આવતા અને શ્રી ચૈતન્યદેવને મળતા. આ ભક્તો આવીને ચાર મહિના સુધી પુરીમાં જ રહેતા. દામોદર નામના એક ભક્તને તેમણે પોતાનાં માતાની સેવા માટે નવદ્વીપમાં મોકલ્યા હતા. નવદ્વીપના કેટલાક ભક્તો સંન્યાસ ગ્રહણ કરીને પુરીમાં જ રહી ગયા. યુવાન હરિદાસ, ગદાધર પંડિત, સ્વરૂપ દામોદર આ શ્રેણીના ભક્તોમાં આવે છે. ઓરિસ્સાના રાજા પ્રતાચંદ્ર અને એમના રાજપુત્રે ચૈતન્યદેવની કૃપા પામીને એમના એકાંતિક ભક્ત બની ગયા. પુરીના એક વિસ્તારમાં એક નિર્જન કુટિમાં શ્રી ચૈતન્યદેવ ભગવત્‌ ચિંતનમાં ડૂબ્યા રહેતા. રાજાના નિર્દેશ પ્રમાણે એમના સાધનભજનમાં કોઈ વિઘ્ન કે અડચણ ન આવતાં. આમ હોવા છતાં પણ રાજાના ઐશ્વર્ય અને ધનસંપત્તિ પર શ્રી ચૈતન્યદેવની ભૂલથી પણ નજર ન પડતી.

થોડા દિવસ પુરીમાં રહીને ચૈતન્યદેવ બંગાળામાં ફરી એક વખત આવ્યા. મા ગંગા અને માતા શચિનાં દર્શન કરવા તેઓ અહીં આવ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેમનાં દર્શન કરવા ઊમટી પડતા. નવદ્વીપમાં આવીને માતા શચિદેવીનાં દર્શન કરીને અને એમનાં પત્ની વિષ્ણુપ્રિયાને પોતાની ચરણપાદુકાઓ આપી. પછી તેઓ તીર્થયાત્રામાં નીકળી પડ્યા. રસ્તામાં રામકેલી ગામમાં નવાબ હુસેન શાહના બે પ્રિય કર્મચારી રૂપ અને સનાતન એમને મળ્યા. એમણે શ્રી ચૈતન્યદેવ પાસે સંસાર ત્યાગ કરવાની અનુમતિ માગી. શ્રી ચૈતન્યદેવે એ માટે એમને યોગ્ય સમયની રાહ જોવા કહ્યું. નવાબના માણસોને શંકા ન આવે એટલા માટે એ બંનેની સૂચના પ્રમાણે શ્રી ચૈતન્યદેવ એકલા જ તીર્થયાત્રાએ નીકળી ગયા. તીર્થયાત્રાના માર્ગમાં શાંતિપુરમાં હતા ત્યારે સપ્તગામના તત્કાલીન સૌથી મોટા જમીનદારનો પુત્ર રઘુનાથદાસ આવ્યો અને સર્વસ્વત્યાગ કરવાની અનુમતિ શ્રી ચૈતન્યદેવ પાસે માગી. થોડો સમય નિરાસક્ત ભાવે સંસાર જીવન જીવીને પછી તેમની પાસે પુરી આવવા માટે શ્રીરઘુનાથને કહ્યું. પુરી પાછા ફરીને શ્રી ચૈતન્યદેવે બીજા માર્ગે વૃંદાવનની યાત્રા પણ કરી. વૃંદાવન એટલે વૈષ્ણવોનું શ્રેષ્ઠ અને પવિત્ર તીર્થ. કાશી અને પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને મથુરા થઈને વૃંદાવનમાં જતાં જતાં રસ્તામાં ભગવાન શ્રીકૃષ્ણની એકેએક ઘટના એમના માનસપટ પર તરવા લાગી. ‘ચૈતન્યચરિતામૃત’ (મધ્યલીલા)માં આ વિશે સુંદર વર્ણન આવે છે:

‘પ્રત્યેક વૃક્ષ-લતાને પ્રભુ કરે આલિંગન,
પુષ્પાદિ જોઈને ધ્યાને કરે કૃષ્ણ સમર્પણ.
અશ્રુ-કંપ-પુલક-પ્રેમે, શરીર અસ્થિરે,
કૃષ્ણ બોલ, કૃષ્ણ બોલ, બોલ ઉચ્ચ સ્વરે.
સ્થાવર જંગમ મળી કરે કૃષ્ણ ધ્વનિ,
પ્રભુ ગભીર સ્વરે કરે એનો પ્રતિધ્વનિ.’

વૃંદાવનમાં એમની ભાવભક્તિનો પ્રકાશ જગન્નાથ પુરી કરતાં પણ વધારે પ્રગટ થયો હતો. ત્યાંના લોકો પણ એમનાં ઈશ્વરાનુરાગ અને ભક્તિ જોઈને વૃંદાવનના મહિમા વિશે વિશેષ સજાગ થયા. ત્યાં થઈને શ્રી ચૈતન્યદેવ પ્રયાગ આવ્યા. નવાબ હુસેન શાહના મંત્રી રૂપે અને તેના ભાઈ અનુપમે પ્રયાગમાં આવીને શ્રી ચૈતન્યદેવના શ્રીચરણોમાં આશ્રય લીધો. શ્રી ચૈતન્યદેવે એમને વૃંદાવન જઈને સાધનભજન કરવા કહ્યું. પ્રયાગથી તેઓ કાશી ગયા. અહીં નવાબ હુસેન શાહના મંત્રી સનાતને સંસાર ત્યાગ કર્યો અને એમની શરણાગતિ લીધી. રૂપ અને સનાતનને શ્રી ચૈતન્યદેવે જે ઉપદેશ આપ્યા હતા તેમને ‘ચૈતન્ય ચરિતામૃત’ નામના ગ્રંથમાં અત્યંત સુંદર ભાષામાં વર્ણવવામાં આવ્યા છે. રૂપ અને સનાતન પોતાના પ્રિય શિષ્યો હતા. સનાતનને પણ તેમણે વૃંદાવન જઈને શ્રીકૃષ્ણની લીલાભૂમિમાં સાધનભજન કરવા મોકલ્યા હતા.

સનાતન, રૂપ અને એમના ભાઈ અનુપમના પુત્ર જીવ, ગોપાલ ભટ્ટ, તપનમિશ્રના પુત્ર રઘુનાથ ભટ્ટ, રઘુનાથ દાસ – શ્રી ચૈતન્યદેવના આ છ ભક્તોને ‘ષડ્‌ ગોસ્વામી’ ઓળખવામાં આવે છે. આ બધામાં જીવ ગોસ્વામી સિવાય બાકી પાંચેય શ્રી ચૈતન્યદેવના સાક્ષાત્‌ શિષ્યો હતા. આ છયે ત્યાગી, સાધક અને પંડિતોએ શ્રી ચૈતન્યદેવના આદર્શ અને સાધનાની વાતોને સંસ્કૃત શાસ્ત્ર અને કાવ્યરૂપે લખવાનો પ્રારંભ કર્યો. ભારતીય દર્શનશાસ્ત્રમાં ‘ગૌડીય વૈષ્ણવદર્શન’ એમનું જ અનેરું પ્રદાન છે. બંગાળના ગૌડીય વૈષ્ણવ સાધકો આ ષડ્‌ ગોસ્વામી રચિત ગ્રંથોને પોતાના શાસ્ત્રગ્રંથો રૂપે માને છે.

કાશીમાં હજારો હજારો ભક્તોને કૃષ્ણ પ્રેમમાં વિભોર કરીને શ્રી ચૈતન્યદેવ વળી પાછા જગન્નાથ પુરીમાં આવ્યા. આ પછીના શેષ જીવનના પોતાના બાર વર્ષમાં જગન્નાથ પુરીથી તેઓ ક્યાંય પરિભ્રમણમાં નીકળ્યા ન હતા. નવદ્વીપ, વૃંદાવન અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી ભક્તો અને સાધકો પુરીમાં એમનાં દર્શનાર્થે આવતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શ્રી ચૈતન્યદેવ બાહ્યજગતને વિસરતા ગયા અને શ્રી કૃષ્ણભક્તિના મહાસાગરમાં ડૂબતા ગયા. ભક્તોની સાથે વાર્તાકથા, ઉપદેશ વગેરે ધીમે ધીમે ઓછું ને ઓછું થવા લાગ્યું. દિવસ-રાત તેઓ કૃષ્ણચિંતનમાં ડૂબ્યા રહેતા અને કૃષ્ણમય રહેવા લાગ્યા. ‘ચૈતન્યચરિતામૃત’ (અંત્યલીલા)માં આ ભાવાવસ્થાનું સુંદર વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે :

કૃષ્ણ મથુરા ગયા અને જે દશા થઈ ગોપીની,
કૃષ્ણ વિચ્છેદે થઈ એવી દશા શ્રી ચૈતન્યદેવની.
ઉદ્ધવને દેખીને રાધાએ કર્યો જે વાણી પ્રલાપ,
ક્રમે ક્રમે પ્રભુને થયો એવો જ ઉન્માદવિલાપ.
રાધિકાના ભાવે પ્રભુ સદા રહે લીન,
એ જ ભાવે થયું પોતાને રાધા જ્ઞાન.

એક દિવસ રાધાની જેમ શ્રીકૃષ્ણ પ્રેમમાં લીન બનીને સમુદ્રના તીરે શ્રી ચૈતન્યદેવ જતા હતા. પછી જે બન્યું તેનું વર્ણન ‘ચૈતન્યચરિતામૃત’ (અંત્યલીલા)માં સુંદર વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે :

ઊગ્યો છે ચંદ્ર સમુદ્રની પેલી પાર,
ચંદ્રકાંતિએ બને સમુદ્રતરંગ ઉજ્જ્વલ,
જાણે જલમલ કરે યમુના જલ.
યમુના માનીને પ્રભુ જાય દોડ્યા.
લક્ષ્ય વિના મૂકે દોટ સિંધુ જલે.

ચંદ્રની ચાંદનીમાં ચળકતા દરિયાના જળને જોઈને એને વૃંદાવનની યમુના સમજીને શ્રી ચૈતન્યદેવે સમુદ્રમાં જઈ પડ્યા. આ બાજુએ ભક્તો એમને શોધી શોધીને દિશાભાન ભૂલી ગયા. મોડી રાત્રે એક માછીમારની જાળમાં એમનો અચેતન દેહ મળી આવ્યો. કૃષ્ણ પ્રેમમાં અચેતન થયેલો તેમનો દેહ ભક્તોની સેવાથી સચેતન થયા અને તરત જ તેઓ બોલી ઊઠ્યા: ‘અત્યાર સુધી હું વૃંદાવનમાં શ્રીકૃષ્ણ પાસે હતો. તમે અહીં ક્યાં લાવ્યા છો?’

વ્યાખ્યાનો આપવાં, ઉપદેશ દેવો, પુસ્તકો લખવાં – આ બધું છોડીને જીવનના શેષ બાર વર્ષ પોતાના જીવન દ્વારા બતાવ્યું કે કેટલીયે વ્યાકુળતા હોય તો મનુષ્યને ભગવાનનાં દર્શન થાય. જે એકમાત્ર ઈશ્વરને જ પ્રેમ કરે છે તેમના મનમાંથી ધનસંપત્તિ, માનયશ, સત્તા-અહંકાર, આ બધું કેવી રીતે વિસરાઈ જાય એનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી ચૈતન્યદેવ પોતે જ હતા. ભગવાનના પ્રત્યે પ્રેમઆસક્તિથી ભરપૂર તેમનું હૃદય હતું. તેથી તેઓ હિંદુ-મુસલમાન, બ્રાહ્મણ-શૂદ્ર, પાપી-તાપી, બધામાં સમાન રૂપે પ્રેમનો સંચાર કરતા.

સાધનભજન તથા શાસ્ત્રવિવેચના માટે તેઓ અલગથી કોઈ પુસ્તક લખી ગયા નથી. એ બધું કાર્ય તો વૃંદાવનના પોતાના ત્યાગી શિષ્યો ‘ષડ્‌ ગોસ્વામીઓ’એ કર્યું હતું. તથા બંગાળમાં હરિનામના પ્રચારનું કાર્ય નિત્યાનંદ, અદ્વૈતાચાર્ય, શ્રીવાસ પંડિત વગેરે ભક્તોએ કર્યું હતું. માત્ર અંતરંગ ભક્તો માટે સંસ્કૃતમાં શ્લોક રૂપે પોતાનો આદર્શ લખી ગયા છે. આમાંથી આઠ શ્લોક ‘શિક્ષાષ્ટક’ નામે વિખ્યાત છે. એમાંથી ત્રણ શ્લોક અહીં આપવામાં આવ્યા છે:

તૃણાદપિ સુનિચેન તરોરિવ સહિષ્ણુના ।
અમાનીનામાનદેન કીર્તનિય: સદા હરિ: ॥

તણખલાથી પણ નમ્ર અને વૃક્ષ જેવા સહનશીલ, નિરભિમાની થઈને સર્વને સન્માન આપનાર તથા હંમેશા ભગવાનનાં નામગુણગાન કરનાર (સાચો ભક્ત છે).

યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતં ।
શુન્યાયિતં જગત્સર્વં ગોવિંદ વિરહેન મે ॥

શ્રીકૃષ્ણનાં દર્શન વિના પ્રત્યેક મુહૂર્ત જાણે એક યુગ જેવો લાગે છે; બંને આંખોમાંથી વર્ષાની જેમ જાણે અજસ્ર જલધારા રૂપી અશ્રુ વહે છે; આખું જગત જાણે શૂન્ય ભાસે છે.

ન ધનં ન સુંદરીમ્‌ કવિતા વા જગદીશ કામયે ।
મમ જન્મનિ જન્મનિશ્વરે ભવતાત્‌ ભક્તિ: અહૈતુકિ ત્વયિ ॥

હે ઈશ્વર! ધન, રત્ન, લોકજન, નારી, કવિત્વ કે પાંડિત્ય કંઈ ન જોઈએ; માત્ર જન્મજન્માંતરે તમારા શ્રીચરણમાં મને નિષ્કામ ભક્તિ થાય.

ભક્ત ચૈતન્યદેવની આ વ્યાકુળ પ્રાર્થના શ્રી જગન્નાથદેવે પોતાના વિગ્રહમાં એમને સમાવી લઈને પૂરી કરી હતી. માત્ર ૪૮ વર્ષની ઉંમરે એમણે દેહત્યાગ કર્યો હતો. દોલપૂર્ણિમાની રાત્રે નવદ્વીપના આકાશમાં જે ચંદ્રનો ઉદય થયો હતો તેમના આકર્ષણથી બંગાળ સહિત સમગ્ર દેશમાં ભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. આપણાં જીવન, ધર્મ, સાહિત્ય, શિલ્પ, સંગીત અને સમાજના દરેક ક્ષેત્રમાં એમનાં જીવન અને સાધનાનો પ્રભાવ આજે પણ વ્યાપી રહેલો છે.

આ જગતમાં ભગવાન પ્રત્યે ભક્તોનો પ્રેમ જાણે કે શ્રી કૃષ્ણ ચૈતન્યદેવમાં મૂર્તિમંત બની ગયેલો છે. એટલે જ આખું જગત એમને આજે પણ ભગવન્પ્રેમના અવતાર સ્વરૂપે પ્રણામ કરીને ધન્ય થાય છે.

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.