માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને ભૂતકાળના શરીરના સર્વ સંસર્ગોથી પોતાની જાતને અલગ કરી નાખવાનો પ્રયાસ કરે, પોતે મનુષ્ય છે એ ભૂલવા માટે એક માણસ ખૂબ મથે, છતાં તેના હૃદયના ઊંડાણમાં એક કોમળ સ્વર, ઝણઝણતો ઝંકાર, એક મૃદુ અવાજ, ઊઠ્યા કરતો હોય છે, જે એને કહે છે કે : જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી – ‘માતા અને જન્મભૂમિ પૂર્વ હો યા પશ્ચિમ, સહુથી શ્રેષ્ઠ છે.’… ઈંગ્લેંડથી રવાના થતી વખતે એક અંગ્રેજ મિત્રે મને પૂછ્યું : ‘સ્વામીજી! વિલાસી, ભપકાભર્યા અને શક્તિશાળી પશ્ચિમના દેશોમાં ચાર વરસના વસવાટ અને અનુભવ પછી તમારી માતૃભૂમિ તમને કેવી લાગે છે?’ મેં જવાબ વાળ્યો કે ‘હું ત્યાંથી નીકળ્યો ત્યારે ભારતને ચાહતો, પરંતુ હવે તો ભારતની ચપટી ધૂળ સુધ્ધાં મારે મન પવિત્ર બની ગઈ છે, ભારતની હવા સુધ્ધાં મને પવિત્ર લાગે છે, મારે મન એ પુણ્યભૂમિ છે, એ યાત્રાની ભૂમિ છે, એ તીર્થ ધામ છે.’
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે; બધા આદર્શો મરી પરવારશે; અને એના સ્થાને વિષય-લાલસા અને વિલાસિતા યુગ્મરૂપે પુરુષ અને સ્ત્રી દેવતા તરીકે રાજ્ય કરશે. પુરોહિતને સ્થાને ધન બેસશે; દગાબાજી, અત્યાચાર અને સ્પર્ધાઓ તેની પૂજાવિધિઓ બનશે. અને માનવ-આત્માનું બલિદાન અપાશે. આવું કદી બની શકે નહિ.
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓનાં પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમ જ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલાં આ ભૂમિમાંથી જ ઊઠયા; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિક્તા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધ:પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




