[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં સુધી આપણને ક્યારેય સુખ અને શાંતિ નહીં મળી શકે. જીવનનું નિર્વહણ તથા પ્રેરણાના મૂળમાં જ્યાં સુધી ધનની લાલસા રહેશે ત્યાં સુધી આપણું જીવન અશાંત અને દુઃખી રહેશે. આ દુઃખથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે, અને તે છે જીવનની પ્રેરણાના મૂળમાં ધર્મની સ્થાપના.]

‘વેદ ધર્મ, અર્થ અને કામ – એ ત્રણેયની પ્રશંસા કરે છે. પણ આ ત્રણેમાં કોની પ્રાપ્તિ સર્વશ્રેષ્ઠ છે?’ ધર્મરાજ યુધિષ્ઠિરે ધર્મજ્ઞ પિતામહ ભીષ્મને પૂછ્યું.

તત્ત્વજ્ઞાની ભીષ્મે યુધિષ્ઠિરની જિજ્ઞાસાને સંતોષવા માટે એક કથા કહી સંભળાવી.

નિર્ધનતાના દુઃખથી પીડિત થયેલો એક બ્રાહ્મણ હતો. દરિદ્રતાના દુઃખથી છૂટવા માટે તેણે દેવતાઓની ઉપાસના કરવા માંડી. તેણે વિચાર્યું કે જો દેવતા પ્રસન્ન થઈને તેને ધન આપી દે તો તેનાં દુઃખોનો અંત આવી જાય. તેની ઉપાસના સફળ ન થઈ. તેની સાધના સિદ્ધ ન થઈ. દેવતા પ્રસન્ન ન થઈ શક્યા. તેને દેવતાઓ દ્વારા ધન ન મળી શક્યું.

દુઃખી બ્રાહ્મણ ચિંતાથી ઘેરાઈ ગયો હતો કે હવે એ કયા દેવતાની ઉપાસના કરે કે જેથી તેને મનવાંછિત ધન મળી શકે? તે સમયે જ તેણે જોયું કે એક તેજસ્વી પુરુષ તેની પડખે જ ઊભો છે. તેને જોઈને બ્રાહ્મણ ઘણો જ પ્રસન્ન થયો. તેણે વિચાર્યું કે, જો હું કોઈ રીતે આ દિવ્ય પુરુષની કૃપા મેળવી શકું તો મને જરૂર ધન મળી જશે.

આ દિવ્ય પુરુષ હતા દેવ-અનુચર મેઘકુંડધાર. બ્રાહ્મણે ભક્તિપૂર્વક તેને પ્રણામ કર્યાં. બ્રાહ્મણની ઉપાસનાથી કુંડધાર પ્રસન્ન થઈ ગયા. ઉપાસના સમાપ્ત થતાં થતાં સંધ્યા વીતી ગઈ અને રાત્રિનું આગમન થઈ ગયું. ઉપાસનાથી થાકેલ બ્રાહ્મણ ત્યાં જ ઊંઘી ગયો.

તેણે સ્વપ્નમાં જોયું કે યક્ષરાજ મણિભદ્ર ત્યાં વિરાજ્યા છે તથા દેવતાઓની સન્મુખ જાતજાતના યાચકોને હાજર કરી રહ્યા છે. બ્રાહ્મણે જોયું કે દેવો તે બધા યાચકોને તેમનાં શુભ કર્મો પ્રમાણે રાજ્ય, ધન, સંપત્તિ વગેરે આપી રહ્યા છે. સાથે જ તેણે એ પણ જોયું કે, જે યાચકોનાં શુભ કર્મ સમાપ્ત થઈ ગયાં છે તેમની પાસેથી દેવતાઓ તે બધી જ વસ્તુઓ ઝૂંટવી લેતા હતા. તે સમયે જ તેણે જોયું કે તેના આરાધ્ય કુંડધારે દેવતાઓ સન્મુખ ભૂમિ પર માથું નમાવ્યું છે. તેને દેવતાઓને આ રીતે પ્રણામ કરતા જોઈને યક્ષરાજ મણિભદ્રે પૂછ્યું, “કુંડધાર, તમે શું ઇચ્છો છો?”

કુંડધારે વિનમ્રતાથી કહ્યું, “મહારાજ! આ બ્રાહ્મણ મારો ભક્ત છે. જો દેવતાઓ મારા પર પ્રસન્ન થયા હોય, તો હું બસ એટલું જ ઇચ્છું છું કે તેઓ આના પર એવી કૃપા કરે કે તેને ભવિષ્યમાં સુખ મળી શકે.”

દેવતાઓની અનુજ્ઞાથી મણિભદ્રે કુંડધારને કહ્યું, “કુંડધાર! ઊઠો, સુખી રહો. તમારો આ ભક્ત જેટલું ધન ઇચ્છે છે તેટલું હું તેને આપી રહ્યો છું.”

પણ કુંડધારે વિચાર્યું, માનવીનું જીવન તો ચંચળ અને અસ્થિર છે. જો મારા ભક્ત બ્રાહ્મણને પ્રચુર ધન અથવા આ રત્નગર્ભા પૃથ્વી પણ મળી જશે તો પણ તેનાથી તેના જીવનનું કલ્યાણ નહીં થઈ શકે, તેનાં દુઃખોનો અંત નહીં આવી શકે.

તેથી તેમણે ફરી નિવેદન કર્યું, “દેવ, હું મારા ભક્ત માટે ધનની યાચના નથી કરતો. તેના પર કોઈ અન્ય પ્રકારની અનુકંપા કરશો. ભગવન્, મારી તો એવી જ ઇચ્છા છે કે તે ધર્માત્મા બને. તેની બુદ્ધિ સદાય ધર્મમાં જ લાગેલી રહે. તેના સંપૂર્ણ જીવનમાં ધર્મ જ પ્રધાન હોય. આને જ હું મારા ભક્ત પર મહાન અનુગ્રહ સમજું છું.”

મણિભદ્રે કુંડધારને ફરીથી પ્રેરિત કરતાં કહ્યું: “કુંડધાર, ધર્મનું ફળ પણ અનેક પ્રકારની સુખ સગવડો, ધન, રાજ્ય, વગેરેના ભોગ ભોગવવાનું હોય છે. તેથી આ બ્રાહ્મણ શારીરિક કષ્ટોથી રહિત થઈને ફક્ત તે ફળોનો જ ઉપભોગ કરે.”

કુંડધારે ફરી આગ્રહ કર્યો, “યક્ષરાજ, જેથી આ બ્રાહ્મણમાં ધર્મ વધે તેવું જ વરદાન આપો.” મેઘ કુંડધારના આગ્રહથી બધા જ દેવતાઓ પ્રસન્ન અને સંતુષ્ટ થયા.

મણિભદ્રે કહ્યું, “કુંડધાર! બધા જ દેવતાઓ તમારા પર તથા તમારા ભક્ત પર પ્રસન્ન છે. તે બધાના આશીર્વાદ છે કે તેની બુદ્ધિ સદાય ધર્મમાં લાગેલી રહેશે, અને તે ધર્માત્મા બનશે.”

મણિભદ્રના આવા આશ્વાસનથી કુંડધાર ઘણો જ પ્રસન્ન થયો. પણ આ તરફ બ્રાહ્મણ મનમાં ને મનમાં ઘણો જ દુઃખી અને ઉદાસ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે, જ્યારે મારા ઉપાસ્ય કુંડધાર જ મારી પૂજા-અર્ચનાનો અર્થ નથી સમજી શકતા, તો ભલા બીજું કોઈ મારી સાધનાનો ઉદ્દેશ્ય શું સમજી શકશે? આના કરતાં તો એ જ સારું છે કે કોઈ વનમાં ચાલ્યો જાઉં અને ત્યાં ધર્મની સાધનામાં જીવન વિતાવું. આવું વિચારીને તે વનમાં ચાલ્યો ગયો અને ત્યાં તેણે ઉગ્ર તપસ્યા કરવા માંડી. તેની તપસ્યા ફળી અને તેને દિવ્ય દૃષ્ટિ મળી. આ સિદ્ધિ મળવાથી ઉત્સાહિત થઈને તેણે હજુ વધારે ઘોર તપ કરવા માંડ્યું.

આ વખથે ભગવત્કૃપાથી તેને સંકલ્પસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. તેણે અનુભવ કર્યો કે પોતાના મનમાં ઉત્પન્ન બધા જ સંકલ્પો ગમે તેટલા મોટા હોય, સિદ્ધ થઈ જાય છે અને હવે તો એ સંકલ્પ માત્રથી જ કોઈને પ્રચુર ધન અથવા રાજ્ય આપી શકે છે!

બ્રાહ્મણ આ વિચારોમાં ખોવાયેલ હતો ત્યાં દેવ-અનુચર મેઘકુંડધાર પ્રગટ થયા. તેમને જોઈને બ્રાહ્મણને ઘણી જ પ્રસન્નતા થઈ. તેણે ભક્તિપૂર્વક તેમનાં ચરણોમાં પ્રણામ કર્યાં. તેમની વિધિપૂર્વક પૂજા કરી. તેમના આવા સત્કારથી કુંડધાર પ્રસન્ન થયા.

કુંડધારે કહ્યું, “તપસ્વી, તમે ધનની લાલસાથી દેવોની ઉપાસના કરી હતી. ધનની જ લાલસાથી તમે મારી પણ પૂજા કરેલી. પણ મેં જ્યારે દેવતાઓને તમને ધન ન દેતાં કોઈ અન્ય પ્રકારની અનુકંપા કરવા કહેલું ત્યારે તમે ઉદાસ અને દુઃખી થઈ ગયા હતા. દુઃખી થઈને જ તમે વનમાં તપ કરવા આવ્યા. પ્રભુની કૃપાથી તમારી તપસ્યા ફળીભૂત થઈ છે. તમને દિવ્ય-દૃષ્ટિ તથા સંકલ્પસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. તમે પોતાની જ આંખોથી જોઈ લો કે, રાજાઓની તથા ધનલોલુપોની કેવી ગતિ થાય છે!”

કુંડધારની આજ્ઞાથી બ્રાહ્મણે ધ્યાન કર્યું તથા પોતાની દિવ્ય દૃષ્ટિથી તેણે જોયું કે સેંકડો રાજા મહારાજા નરકમાં ડૂબેલા છે તથા જાતજાતની યંત્રણાઓ ભોગવી રહ્યા છે! આ દૃશ્ય જોઈને બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે તે બધા જ માનવીઓને કામ, ક્રોધ, લોભ, મોહ, આળસ, નિદ્રા વગેરે શત્રુઓએ ઘેરી લીધા છે. આ શત્રુઓ તેમને ભયભીત અને દુઃખી કરી રહ્યા છે.

કુંડધારે કહ્યું, “તપસ્વી! જેમને ધન, રાજ્ય વગેરેની લાલસા છે, એ લોકોની દુર્દશા ફરી એક વાર જુઓ. હવે તમે જ વિચારો, જો હું તમને ધન આપત તો ધન મેળવીને પણ છેવટે તો તમારે દુઃખ જ ભોગવવું પડત. આવી દશામાં હું તમારા પર શું ઉપકાર કરી શકત? જે લોકો ધન અને ભોગોમાં આસક્ત હોય તેમને માટે સ્વર્ગનાં દ્વારો બંધ જ હોય છે.

“દેવતાઓની કૃપા વગર કોઈ પણ માનવી આ શત્રુઓથી સુરક્ષિત રહીને ધર્મનું અનુષ્ઠાન નથી કરી શકતા. તમે બહુ જ ભાગ્યશાળી છો. તમને તમારી તપસ્યાના બળથી એટલી શક્તિ પ્રાપ્ત થઈ છે કે હવે તમે પોતે બીજાને ધન તથા રાજ્ય પણ દેવા સમર્થ છો. જેથી કરીને તમને હવે આવી ક્ષુદ્ર વસ્તુઓની શી જરૂર છે?”

દિવ્ય-દૃષ્ટિ દ્વારા ભોગ તથા ભોગીઓની દુર્દશા જોઈને તથા કુંડધારનો ઉપદેશ સાંભળીને બ્રાહ્મણનો મોહ નાશ પામ્યો, તથા તેનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. તેણે કુંડધારને દંડવત્ પ્રણામ કર્યાં અને કહ્યું, “પ્રભુ! તમે મારા પર અસીમ અનુકંપા કરી છે. આપની અહૈતુકી કૃપાને સમજી ના શકવાને કારણે તથા કામ અને લોભને વશ થઈને મેં આપનામાં દોષ જોયો અને આપનો ઉચિત આદર ન કરી શક્યો. મારા આ અપરાધ માટે મને ક્ષમા કરશો.”

કુંડધારે સ્નેહથી બ્રાહ્મણને ઉઠાવીને પોતાની છાતીએ ચાંપ્યો તથા તેને આશીર્વાદ દઈને તે અંતર્ધાન થઈ ગયા. ધર્મના મહત્ત્વને સમજીને બ્રાહ્મણ પોતાનો જીવ રેડીને ધર્મ-અનુષ્ઠાનમાં લાગી ગયો. સમય જતાં એને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ.

તેથી જ તો ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું હતું, “રાજન! ધનમાં તો સુખ લેશમાત્ર જ હોય છે. પરમ સુખ તો ધર્મમાં જ છે.

ભાષાંતરકાર – શ્રીમતી ઉષાબહેન ગોરસિયા

Total Views: 684

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.