(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

પાંડવોનું હસ્તિનાપુર પાછા આવવું

પાંડવોના જીવતા રહેવાનાં અને દ્રૌપદી સાથે તેમનાં લગ્ન થવાના સમાચાર સાંભળી દુર્યોધન બહુ હતાશ થઈ ગયો. દુ:શાસને બહુ શરમનો અનુભવ કર્યો અને બહાનું કરીને કહ્યું, ‘જો અર્જુને બ્રાહ્મણનો વેશ ન લીધો હોત તો તે દ્રૌપદીને જીતવા માટે ક્યારેય સફળ ન થયો હોત. મને તો લાગે છે કે નસીબ આપણાથી ઊંધું ચાલે છે. પાંડવો જીવિત છે અને ફૂલીફાલી રહ્યા છે.’

બીજી તરફ વિદુર પણ સારા સમાચાર જાણીને પ્રસન્ન હતા. તેઓ તાત્કાલિક ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને બોલ્યા, ‘આ તો કુરુવંશનું મહાસૌભાગ્ય છે કે આપણને દ્રૌપદી જેવી વહુ મળી છે.’ ધૃતરાષ્ટ્રને ભ્રમણા થઈ કે મારા પુત્ર દુર્યોધને સ્વયંવર જીતીને દ્રૌપદીને પ્રાપ્ત કરી છે.

તે પરમ આનંદ સાથે બોલી ઊઠ્યા, ‘કેટલું મોટું સદ્‌ભાગ્ય છે! કેટલું મોટું સદ્‌ભાગ્ય છે!’ તેમણે આદેશ આપ્યો કે દ્રૌપદી અને દુર્યોધનને ખૂબ ધામધૂમથી હસ્તિનાપુર લાવવામાં આવે. ત્યારે વિદુરે સમ્રાટને કહ્યું કે પાંડવો જીવિત છે અને દ્રૌપદીનાં લગ્ન તેઓ સાથે થયાં છે, દુર્યોધન સાથે નહીં.

વિદુરની આ વાત સાંભળી ધૃતરાષ્ટ્રને બહુ આઘાત લાગ્યો, પરંતુ તેઓ પોતાની હતાશા છૂપાવી અને બનાવટી પ્રસન્નતા સાથે બોલ્યા, ‘મને પાંડવો પણ મારા પોતાના પુત્રો જેટલા જ વહાલા છે. આથી પુત્રી દ્રૌપદી પણ અમારી પુત્રવધુ થઈ.’

વિદુરના ગયા પછી દુર્યોધન અને કર્ણ ધૃતરાષ્ટ્ર પાસે  આવ્યા અને કહ્યું, ‘અમારી વિદુરની સામે કશું બોલવાની હિંમત ન ચાલી, પણ કહો કે તમે કેમ પાંડવોની પ્રશંસા કરી. તમે તો પોતાના શત્રુઓની ઉન્નતિને પણ પોતાની ઉન્નતિ સમાન ગણો છો. હવે આપણે એવું કંઈક કરવું પડશે કે જેથી પાંડવોની શક્તિ ઓછી થઈ જાય. આ વિષયમાં આપ અમને કંઈ સલાહ આપવાની કૃપા કરો.’

ધૃતરાષ્ટ્રે ઉત્તર આપ્યો, ‘પ્રિય પુત્ર, તેં જે કહ્યું તે સત્ય છે. પરંતુ વિદુરને આપણા આશયની જાણકારી ન થવી જોઈએ એટલા માટે મેં તેની સાથે એવી ભાષામાં વાત કરી.’

દુર્યોધન પાંડવોમાં અંદરોઅંદર ઈર્ષ્યા પેદા કરવા ઇચ્છતો હતો. પરંતુ કર્ણે તેને એમ કહીને હતોત્સાહ કરી દીધો કે આવાં ષડ્યંત્ર કામ નહીં આવે. તેની ઇચ્છા હતી કે તેઓને શક્તિપૂર્વક કચડી નાખવામાં આવે. ધૃતરાષ્ટ્રે કહ્યું કે કોઈ પણ નિર્ણય લીધા પહેલાં ભીષ્મ અને દ્રોણની સલાહ લેવી જરૂરી છે. પાંડવોના જીવિત હોવાની વાત સાંભળી ભીષ્મ બહુ આનંદિત થઈ ગયા. તેમણે અડધું સામ્રાજ્ય પાંડવોને સોંપી દેવાની સલાહ આપી. દ્રોણનો પણ એ જ મત હતો. પરંતુ કર્ણે એથી ખીજાઈને ધૃતરાષ્ટ્રને કહ્યું, ‘મને એ જોઈને બહુ આશ્ચર્ય થાય છે કે આપણી પાસેથી આટલું ધન-સન્માન મેળવીને પણ દ્રોણ આવી સલાહ આપી રહ્યા છે. રાજાએ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બીજાની સલાહ પર સાવધાનીપૂર્વક વિચાર કરવો જોઈએ.’ ધૃતરાષ્ટ્ર વિમાસણમાં પડી ગયા. તેમણે વિદુર સામે જોયું. વિદુરે પણ તેમને ભીષ્મ અને દ્રોણની સલાહ અનુસાર ચાલવાનું કહ્યું. અંતે ધૃતરાષ્ટ્રે વિદુરને કહ્યું. ‘ભીષ્મ, દ્રોણ અને તમે જે કંઈ કહી રહ્યા છો તે મને યોગ્ય લાગે છે. પાંડવોનો પણ રાજ્ય પર એટલો જ અધિકાર છે, જેટલો મારા પુત્રોનો.’ રાજાએ અનિચ્છાપૂર્વક જ વિદુરને પાંચાલ મોકલ્યા કે જેથી તે પાંડવો અને દ્રૌપદીને હસ્તિનાપુર લઈ આવે.

વિદુર તુરંત પાંચાલ તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને તેમણે ધૃતરાષ્ટ્ર વતી રાજા દ્રુપદને વિનંતી કરી કે તેઓ પાંડવોને હસ્તિનાપુર મોકલે. તેઓના આવવાથી હસ્તિનાપુરની જનતા આનંદવિભોર થઈ ગઈ. તેમના સ્વાગત માટે આખી નગરીને સજાવવામાં આવી. મહાવીર પાંડવોએ શ્રીકૃષ્ણ, દ્રૌપદી અને કુંતી સાથે મહેલમાં પ્રવેશ કર્યો. તેમણે બધા વડીલોનો ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. પાંડવોએ આરામ કરી લીધા પછી ધૃતરાષ્ટ્ર અને ભીષ્મે તેમને બોલાવ્યા.

(ક્રમશ:)

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.