(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. – સં.)
એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા ગયા હતા અને ભીમ તેમની માતા સાથે ઘરે જ હતો, ત્યારે અચાનક જ તેણે તેના ઘરના માલિકનાં ઘર તરફથી મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. કારણ જાણવા કુંતી તેના ઘરમાં ગયાં. તેમણે જોયું તો બ્રાહ્મણ, તેની પત્ની અને બે નાનાં બાળકો અંદરોઅંદર વળગીને એકધારાં રડી રહ્યાં હતાં. કુંતીએ તેમને સાંત્વના આપીને તેમના શોકનું કારણ જણાવવાનું કહ્યું. તેઓએ તેમને કહ્યું કે તેમનું આખું નગર બકાસુર નામના રાક્ષસના અધિકાર હેઠળ છે. એક વાર તે જંગલમાંથી નીકળી આખા નગરમાં ફરતાં ફરતાં બધાને લૂંટવા અને મારવા લાગ્યો હતો. નાગરિકોને પોતાનાં નસીબ પર છોડીને રાજા પણ ભાગી ગયો હતો. તે પછી ભયથી ત્રસ્ત લોકો બકાસુર પાસે ગયા અને તેની સાથે એક સમાધાન કરી લીધું. એ સમાધાન પ્રમાણે તેણે નગરમાં પ્રવેશી લોકોની નિરર્થક હત્યા કરવાનું બંધ કર્યું. એના બદલામાં ગ્રામવાસીઓએ તેના ઘેર રોજ એક બળદગાડું ભરી ભોજન મોકલવાનું વચન આપ્યું. પણ તે રોજ બધી વસ્તુ અને ગાડું ચલાવનારને પણ ખાઈ જતો. બ્રાહ્મણે કહ્યું, ‘બળદગાડા સાથે ચાલકને મોકલવાનો વારો આજે અમારો છે. અમે એટલા માટે રડીએ છીએ કે આજે અમારામાંથી કોઈ એકે જવું પડશે.’ કુંતીએ પોતાનાં ઓરડામાં જઈ ભીમ સાથે મસલત કરી. પછી બ્રાહ્મણ પાસે જઈને બોલ્યાં, ‘હે બ્રાહ્મણ, હવે તમારે રડવાની જરૂર નથી. મારે પાંચ પુત્રો છે. તેમાંથી કોઈ પણ એક રાક્ષસ માટે ભોજન લઈ જશે.’ પરંતુ બ્રાહ્મણ આ વાત સાથે સહમત ન થયો અને કહ્યું, ‘પોતાના કારણે હું અતિથિઓને સંકટમાં ન મૂકી શકું.’ કુંતીએ તેને આશ્વસ્ત કરતાં કહ્યું, ‘મારો પુત્ર મંત્રોની મદદથી દૈવી શક્તિઓથી સંપન્ન છે અને ચોક્કસ તે રાક્ષસનો શિકાર થવાને બદલે તેનો વધ કરીને પાછો આવશે.’
જ્યારે બીજા ભાઈઓએ પાછા આવીને આ વાત સાંભળી તો તે લોકોએ શરૂઆતમાં તો આ વાતનો સ્વીકાર ન કર્યો. તેમને શંકા હતી કે ક્યાંક તેમનું રહસ્ય છતું ન થઈ જાય અને દુર્યોધનને તેની જાણ ન થઈ જાય. તદુપરાંત, દુર્યોધન પાસેથી પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાના અભિયાનમાં ભીમ જ તેમનું મુખ્ય બળ અને આશાનું કેન્દ્ર હતો. પરંતુ અંતે તેઓ સહુ સહમત થયા કે ભીમે એ અત્યાચારી સાથે લડવું જોઈએ. પછીના દિવસે ભીમે બળદગાડામાં જમવાની બહુ જ સ્વાદિષ્ટ વાનગીઓ ભરી અને તે ગાડું ચલાવતો નીકળી પડ્યો. તે રાક્ષસ જ્યાં રહેતો તે ઊંચા પહાડ પર પહોંચી ભીમે બળદોને છોડી મૂક્યા અને ગાડામાં ભરેલી ચીજો ખાવા લાગ્યો. એ ભયંકર દૈત્ય વિશાળ મોં, મોટા-મોટા દાંત અને ચમકતી આંખોવાળો હતો. એક મનુષ્યને પોતાનાં ભોજનનું ભક્ષણ કરતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના ક્રોધનું ઠેકાણું ન રહ્યું. તે મોટા અવાજે બરાડા પાડતો ભીમને મૂક્કા મારવા લાગ્યો. ભીમે એવો દેખાવ કર્યો કે જાણે એને કશી જ અસર ન થઈ હોય. તે ખાતો જ રહ્યો. જ્યારે ગાડામાં રહેલું બધું જ ભોજન તે ખાઈ રહ્યો અને બધું જ દહીં પીને પોતાના હાથ-મોં ધોઈ લીધા ત્યારે તેણે સંપૂર્ણ સંતુષ્ટ થઈને રાક્ષસનો સામનો કર્યો. બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ. પરંતુ એ રાક્ષસ ભીમ સામે અસહાય થઈ ગયો. ભીમ કેટલાક સમય સુધી તેની સાથે રમકડાંની જેમ રમતો રહ્યો. અંતે તેમણે પોતાનો જમણો પગ રાક્ષસની છાતી પર રાખીને એટલા જોરથી દબાવ્યો કે બકાસુર એક વિચિત્ર અવાજે બૂમ પાડી સદાને માટે શાંત થઈ ગયો. ભીમ તેના મૃત શરીરને ઘસડીને નગરના મુખ્ય દ્વાર સુધી લઈ આવ્યો અને એને ત્યાં જ છોડીને ચુપચાપ ઘેર પરત ફર્યો.
પછીના દિવસે નગરજનો મુખ્ય દ્વાર પર એકત્રિત થયા અને એ રાક્ષસની લાશ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા. નગરના બધા લોકો પરમ આનંદ સાથે નૃત્ય કરવા લાગ્યા.
Your Content Goes Here





