(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)

લાક્ષાગૃહનું ષડ્યંત્ર

દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો ઇચ્છતા હતા કે રાજ્યના વાસ્તવિક ઉત્તરાધિકારી યુધિષ્ઠિરને રાજમુગુટ પહેરાવવામાં આવે, કારણ કે પરમાત્માએ યુધિષ્ઠિરને સહનશીલતા, ઉદારતા, પરોપકારિતા, ધૈર્ય, સત્યનિષ્ઠા અને નિ:સ્વાર્થતા વગેરે અનેક ગુણોથી વિભૂષિત કર્યા છે. તે પ્રમાણે ભીષ્મની સલાહથી ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા ઘોષિત કરી દીધા. આનાથી દુર્યોધનના મનમાં સદાય રહેલી ઈર્ષ્યા અને ઘૃણાની આગ વધુ ભડકી ઊઠી. તે પાંડવોનો વિનાશ કરવા માટે અન્ય તરકીબો વિચારવા લાગ્યો. શકુની, દુ:શાસન, દુર્યોધન અને કર્ણ વગેરેએ સાથે મળીને ચર્ચા-વિચારણા કરી અને કુંતી અને તેમના પાંચેય પુત્રોને એકીસાથે બાળીને મારી નાખવાની યોજના બનાવી. તેના માટે તેઓ ધૃતરાષ્ટ્ર પાસે અનુમતિ માગવા ગયા. દુર્યોધન બોલ્યો, ‘પિતાજી, જો યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવે તો અમારું શું થશે? તો તો અમે ભિખારી જેવા થઈ જઈશું અને અમે અમારા ભોજન માટે પણ પાંડવો પર આધારિત થઈ જઈશું.’

ધૃતરાષ્ટ્રે થોડી વાર વિચારીને કહ્યું, ‘પરંતુ એમાં આપણે શું કરી શકીએ? તે લોકો ગુણવાન અને બધાના પ્રિય છે. જો આપણે તેમને કોઈ અન્યાય કરીએ તો જનતા વિદ્રોહ કરી દેશે.’

દુર્યોધન બોલ્યો, ‘મારી પાસે એક યોજના છે અને અનેક યોદ્ધા પણ અમારા પક્ષમાં છે. પાંડવોને વારણાવત મોકલી દો. તે લોકોના ચાલ્યા ગયા પછી આપણે જનતાનું વધુ સમર્થન મેળવી લઈશું. થોડા દિવસોમાં લોકો તેમને ભૂલી જશે.’

ધૃતરાષ્ટ્રને દુર્યોધન ઉપર અસીમ પ્રેમ હતો, તેથી તેમણે પણ સહમતિ આપી દીધી. તેમણે પાંડવોને બોલાવ્યા અને કહ્યું, ‘પ્રિય પુત્રો, ભગવાન શિવના સન્માનમાં વારણાવતમાં એક વિરાટ ઉત્સવ થવાનો છે. જો તમે એ સમારોહમાં જઈ ભાગ લો તો વારણાવતના લોકોને બહુ આનંદ થશે. એટલા માટે ત્યાં થોડા દિવસ નિવાસ કરો.’ તેમનો આદેશ માનીને યુધિષ્ઠિર માતા કુંતી અને ભાઈઓ સાથે વારણાવત તરફ ચાલી નીકળ્યા. દુર્યોધને પોતાના ઇજનેર પુલોચનને આદેશ આપી રાખ્યો હતો કે તે લોકો માટે અતિજ્વલનશીલ વસ્તુઓ મેળવીને લાખનો એક મહેલ બનાવવામાં આવે. રાતના સમયે એ જ મહેલમાં પાંડવોને બાળીને મારી નાખવાની તેની યોજના હતી. પરંતુ યુધિષ્ઠિર જ્યારે વિદુર પાસેથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમણે માત્ર યુધિષ્ઠિર જ સમજી શકે તેવા શબ્દોમાં સાવધાન કરી દીધા હતા. વિદુરે કહ્યું, ‘જોખમોથી માત્ર તે જ બચી શકે જે ચાલાક શત્રુના ષડ્યંત્રને પહેલાં જ સમજી લે. આખા જંગલને બાળીને નાશ કરવાવાળી આગ એ ઉંદરને સ્પર્શ પણ ન કરી શકે, જે જમીનમાં ભોયરું બનાવીને રહેતો હોય.’

વિદુરે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી એક ઇજનેરને નિયુક્ત કર્યો હતો અને તેને કહીને નદીના કિનારાથી લઈને મહેલની અંદર સુધીનું એક ગુપ્ત ભોંયરું ખોદાવી લીધું હતું. પાંડવોને ખાનગીમાં આની સૂચના પણ આપી દીધી. પુલોચન એ મહેલમાં આગ લગાડવાની યોજના બનાવી યોગ્ય સમય માટે ધીરજપૂર્વક એક વર્ષ સુધી પ્રતીક્ષા કરતો રહ્યો. પરંતુ યુધિષ્ઠિરે એક દિવસ પોતાના ભાઈઓને બોલાવીને ત્યાંથી નીકળી જવાની યોજના કહી. તે સમયે પુલોચન તેના પાંચ પુત્રો અને એક સ્થાનિક મહિલા પણ તે મહેલમાં રહેતાં હતાં. યુધિષ્ઠિરની સૂચનાનુસાર ભીમ અડધી રાત્રે ઊઠ્યો અને તેણે મહેલના કેટલાક ભાગમાં આગ ચાંપી દીધી. એ પછી પાંડવો પોતાની માતા સાથે પેલી સુરંગના રસ્તે બહાર નીકળી ગયા. મહેલ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો અને થોડી વારમાં તો રાખના ઢગલામાં ફેરવાઈ ગયો. પાંડવો કેટલાય દિવસો સુધી દક્ષિણ દિશા તરફ ચાલતા રહ્યા અને ક્યારેક ક્યારેક જ ક્યાંક ભોજન અને આરામ લેવા માટે રોકાતા.

સમાચાર ફેલાઈ ગયા કે મહેલમાં દુર્ઘટનાના પરિણામે પાંચેય પાંડવો અને તેમની માતા બળીને મૃત્યુ પામ્યાં છે. હસ્તિનાપુરના બધા લોકો શોક મનાવવા લાગ્યા. દુર્યોધન પણ બને એટલો જલદી ઘટનાસ્થળે પહોંચી ગયો અને દુઃખી હોવાનો ઢોંગ કરવા લાગ્યો. પણ મનમાં ને મનમાં તો બહુ ખુશ હતો કે તેના શત્રુઓનો નાશ થઈ ગયો છે.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.