(પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. -સં.)
પૌષ્ટિક આહાર એટલે શું? પૌષ્ટિક આહારનું નામ લેતાં જ તમારા મનમાં કયા ખાદ્યો યાદ આવ્યા? કાજુ-બદામ-કીસમીસ-ડ્રાયફ્રૂટ્સ? દૂધ-માખણ-ચીઝ-પનીર? પ્રોટિનયુક્ત દૂધનો પાવડર? સફરજન, કીવી અને ખજૂર? જી હા. બિલકુલ. પૌષ્ટિક આહારનું નામ આવે એટલે સ્વાભાવિક આ બધા ખાદ્યો આપણા મનમાં તરવરે. અને આ બધા જ ખાદ્યો ખૂબ મોંઘા છે એમાં પણ ના નહીં. એટલે જ આપણા મનમાં એક વાત ઠસી ગઈ છે કે જેમ વધુ મોંઘું ભોજન ખાઈએ તેમ વધુ પોષણ મળે. અથવા તો વધુ પોષણ મેળવવું હોય તો વધુ પૈસા ખર્ચવા પડે.
પહેલી નજરે આ વાત એકદમ સાચી લાગે. આપણે ત્યાં તો કહેવત પણ છે કે ‘ગોળ નાખો એવું ગળ્યું થાય’, પણ જો ખરેખર આવું હોય તો તો પોષણ એ ફક્ત પૈસાવાળાનો ઇજારો થઈ જાય. કુદરતનો ન્યાય પોષણની બાબતમાં અનોખો છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે સૌથી વધુ પોષણ ધરાવતી વસ્તુઓ લગભગ મફત છે. એટલે ગરીબ હોય કે તવંગર સૌને સરખું પોષણ મળી શકે. બસ જરૂર છે ઓછા ખર્ચવાળા પણ ભરપૂર પોષણ ધરાવતા ખાદ્યોને ઓળખી કાઢવાની.
શરૂઆત આપણે સફરજનથી જ કરીએ. ‘An Apple a Day keeps a Doctor away’…રોજનું એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે એવી કહેવત તો આપણને બધાને અંગ્રેજીની ચોપડીમાંથી રટાવી દીધી છે. મોટા ભાગના લોકો એવું માને છે કે સફરજનમાં લોહતત્ત્વ બહુ હોય અને સફરજન એ બહુ પૌષ્ટિક ફળ છે. પણ સફરજનમાં દર 100 ગ્રામે ફક્ત 0.5 ગ્રામ લોહતત્ત્વ હોય છે. બીજાં વિટામીન પણ ખાસ હોતાં નથી. જ્યારે ખેતરના શેઢે–પાળે કુદરતી રીતે ઊગી જતાં કરમદાંમાં 29-30 મિલિગ્રામ જેટલું અધધ લોહતત્ત્વ હોય છે ! માંસ કરતાં પણ વધુ લોહતત્ત્વ મફતમાં મળતાં પાકાં કરમદાંમાં હોય છે. ક્યાં 150-200 રૂપિયે કિલો સફરજન અને ક્યાં ફ્રીમાં મળતાં કરામદાં…
આવું જ હાથલા-થોરનું. તેનાં ડોડવાં પણ લોહતત્ત્વનો ભંડાર છે. હવે એ વાત અલગ છે કે આપણે ખેતરને શેઢે-પાળે આવાં ઉપયોગી ફળાઉ ઝાડી-ઝાંખરાં રહેવાં જ નથી દીધાં. અને સમજ્યા વગર તારની વાડ બનાવીને આપણી કુદરતી પોષણયુક્ત થાળીમાં છીંડાં કરી દીધાં છે. એમ તો ઘરની આજુબાજુ ભરપૂર ઊગતા ફૂદીના અને લાલ તાંદળજામાં પણ લોહતત્ત્વ ભરપૂર છે. આ જ રીતે વિટામીન અને ખનિજ-ક્ષાર માટે આપણે પાલક અને મેથી ખાવાં પસંદ કરીએ છીએ પણ ચીલની ભાજીને સાવ ભૂલી જઈએ છીએ. નવી પેઢીના શહેરી યુવાનોએ તો ચીલની ભાજીનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ચીલની ભાજી દરેક ખેતરમાં કુદરતી રીતે ઊગી જાય છે અને નિંદણ તરીકે કાઢી નખાય છે. પણ સાવ મફતમાં મળતી આ ચીલની ભાજી સૌથી વધુ પૌષ્ટિક ભાજી ગણી શકાય.
હવે જો અનાજની જ વાત કરીએ તો ઘઉં અને બાસમતી ચોખા આ બંને અનાજમાં સૌથી મોંઘાં મળે છે. પણ પોષણની વાત કરીએ તો બાજરો અને રાગી સસ્તાં છે. પણ શક્તિ, પ્રોટિન, લોહતત્ત્વ, ફાઈબર અને કેલ્શીયમ આ બધું જ ઘઉં અને બાસમતી ચોખા કરતાં બાજરા અને રાગીમાં અનેકગણું વધુ હોય છે. છે ને મજાની વાત!
પ્રોટિનની વાત આવે એટલે દૂધ, પનીર, આમીષની યાદ આવે. પણ આ બધું ખૂબ મોંઘું છે. જો એકદમ સરસ ગુણવત્તાનું પ્રોટિન જોઈતું હોય તો બધાં જ દાળ અને કઠોળમાંથી સરસ પ્રોટિન મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દાળ અને કઠોળમાં દૂધ, પનીર, આમીષમાં હોય તેના કરતાં ઘણું વધુ પ્રોટિન હોય છે. દાળ-કઠોળને અનાજ એટલે કે ભાત-રોટલી સાથે ખવાય એટલે પ્રોટિનની ગુણવત્તા એકદમ મસ્ત બની જાય. એમાંયે જો દાળ-કઠોળને આખી રાત પલાળીએ, ફણગાવીએ કે પછી આથવી દઈએ તો તો પ્રોટિનનો પાવર બમણો થઈ જાય. અને આ ત્રણેય પદ્ધતિમાં એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી.
આજકાલ ઘણા લોકો સમજ્યા વગર જ પોતાનાં બાળકોને કોડલીવર અને ફીશલીવર જેવાં માછલીનાં તેલ આપે છે, અથવા વિટામીનની ગોળીઓ આપે છે, કેમ? વિટામીન ડી મળે અને હાડકાં મજબૂત થાયને એટલે. આ તદ્દન મૂર્ખતા છે. બાળકોનાં હાડકાં મજબૂત કરવાં હોય અને કેલ્શિયમ ભરપૂર કરવું હોય તો રજાના દિવસોમાં બાળકોને સરસ તેલ-માલીશ કરીને સવારના કુમળા તડકામાં પાર્કમાં એકાદ કલાક ધીંગા-મસ્તી કરવા છોડી દો. પીકનીકની પીકનીક અને સવારના તડકામાંથી એકદમ ઉચ્ચ કક્ષાના સાવ મફત વિટામીન ડીથી બાળકનું શરીર ભરપૂર થઈ જશે. રમીને આવે એટલે મસ્ત નવશેકું દૂધ, મીલ્કશેક, લસ્સી, રાગીનો શીરો કે લાડુ આપી દો. એટલે હવે કેલ્શિયમ પૂરેપૂરું અવશોષાઈ જશે.
આવી જ રીતે કેરી અને પપૈયાં જેવાં ફળો જો તમને મોંઘાં લાગતાં હોય તો વિટામીન એ મેળવવા સાવ મફતમાં ઊગી આવતી ડોડીની વેલનાં પાન ચાવી જાઓ, ઢગલા મોઢે વીટામીન એ મળી જાય. ગોંગરું, ખાટી ભાજી, આમલીનાં પાન અને શિયાળાની સીઝનમાં 30-40 રૂપિયે કિલો મળતાં આમળાં અને લીંબું 25-30 રૂપિયાનું એક નંગ મળતા મોંઘા કીવી કરતાં અનેક-અનેકગણું વિટામીન સી આપી દેશે. તો હવે વધુ પૈસા એટલે જ વધુ પોષણક્ષમ આહાર એ વાત ભૂલી જજો. સસ્તા પણ કુદરતી પોષણક્ષમ આહારની મજા માણજો.
Your Content Goes Here




