સ્વામી દેશિકાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.
કોણ છે આ માણસ? મદ્રાસના મુખ્ય સ્ટેશને બેંગ્લોર જતી ટ્રેઈનમાં એક વખતે ઘણી વિચિત્ર ઘટના બની. એક કાળા ભારતીયે એક ગોરા બ્રિટિશ ઓફિસરને ગાલે થપાટ ચોડી દીધી! આ ભારતીય મદ્રાસ યુનિવર્સિટીના એક પ્રવાસી પ્રોફેસરને વળાવવા આવેલો અને પ્રથમ વર્ગના ડબાના બારણા પાસે ઊભો હતો. પોતાની ઉચ્ચતર જન્મજાતિથી ઉન્મત્ત બ્રિટિશ ઓફિસરે આ યુવાનને જોરથી ધક્કો માર્યો અને ગાળાગાળી કરી. તેના જવાબમાં એને તમાચો પડ્યો. ઓફિસરનો સામાન ઊંચકીને આવતો મજૂર સામાન એકદમ નીચે મૂકીને ભાગ્યો અને નજીકના એંગ્લો-ઇન્ડિયન પોલીસ ઇન્સ્પેક્ટરને આ અપરાધીને સજા કરવા એણે વિજ્ઞપ્તિ કરી. આ નાપાકની ધરપકડ કરવા ઇન્સ્પેક્ટર પોતાના બધા માણસોને સાથે લઈને ઘટના સ્થળે પહોંચી ગયો. પરંતુ એકાએક આ માણસના કપાળ ઉપર રક્ત અને શ્વેત રંગના જ્ઞાતિ-તિલક ઉપર તેનું ધ્યાન ગયું, તે અટકી ગયો. સન્માન સાથે ઊભો રહ્યો અને આ માણસને સલામ ભરી! પછી, વિસ્મયથી બ્રિટિશ ઓફિસરને સંબોધતાં બોલ્યો, ‘સાહેબ, આપે આ સજ્જનનું અપમાન કર્યું છે? એ વિના તે કદી કોઈની સાથે અનુચિત વર્તન કરે જ નહિ.’
‘કોણ છે આ માણસ?’ ઓફિસરે પૂછ્યું, ‘અરે, એ તો મદ્રાસના ખ્યાતનામ આગેવાનોમાંના એક છે. સર્વે જનોના સન્માનનીય અને આદરણીય પુરુષ છે! હીઝ હાઇનેસ ગવર્નર સાહેબ સુદ્ધાં તેમને પોતાને ત્યાં નોતરે છે અને મિત્રભાવે તેમનો આદર સત્કાર કરે છે. તેમનું નામ છે : શ્રી આલાસિંગા પેરુમલ.૧
મૈસૂરના નામાંકિત દીવાન શ્રી વી.પી. માધવરાવ આલાસિંગાને ‘મદ્રાસના બેતાજ બાદશાહ’૨ તરીકે ઓળખાવતા હતા. એ દિવસોમાં માત્ર સંત અને દેશભક્ત આલાસિંગા જ કોઈ પણ અધિકારીનો ઉધડો લેવાની હિંમત ધરાવતા હતા. ઓગણીસમી સદીમાં, ભારતમાં બધાં ક્ષેત્રોમાં ભારતીયો સાથે અંગ્રેજો ગુલામ તરીકે વહેવાર કરતા હતા. કોઈ પણ બાબતમાં પછી તે અંગ્રેજ ગંભીર અન્યાય કરે તો પણ કોઈ ભારતીય તેની સામે ચૂં કે ચાં કરી ન શકતો. એમ કરવાની હિંમત જ કરતો નહીં. પણ આલાસિંગા પેરુમલ એક જુદી જ માટીના માનવી હતા. તામીલ ભાષાના મહાન દેશભક્ત કવિ સુબ્રમણ્ય ભારતીએ પોતાના સામયિક ‘ઈન્ડિયા’માં લખ્યું : “અમે જ્યારે કલકત્તામાં સિસ્ટર નિવેદિતાને પૂછ્યું : ‘મદ્રાસમાં અમારા જેવા ઉત્સાહી અને સક્રિય યુવકોને માર્ગદર્શન આપવા અને સંભાળવા પૂરતા અનુભવી દેશપ્રેમી નેતાઓ નથી, તો અમારે શું કરવું?’ ત્યારે સિસ્ટરે જવાબ આપ્યો, આલાસિંગા ત્યાં છે, તમને જાહેર પ્રવૃત્તિઓ અંગે કોઈ શંકા હોય તો તમે તેમની પાસે જઈ તેનું નિવારણ કરાવી શકો.’૩
સ્વામી વિવેકાનંદ તેમના આ આજ્ઞાંકિત શિષ્યને એટલા બધા ચાહતા કે, તેમના વિશે કોઈ પણ ગપસપ કે નાનીસરખી ટીકા સુદ્ધાં કદી સહન કરતા નહિ. મિસ જોસેફીન મેક્લીઓડ અજાણતાં એક વાર વિષમ સ્થિતિમાં મુકાઈ ગયેલાં તે વિષે તેઓ એક બહુ રસપ્રદ પ્રસંગ નોધે છે :
‘શ્રી આલાસિંગા, પોતાના કપાળે વૈષ્ણવ તિલક કરે છે તે કેવી કરુણતા છે!’ (સ્વામી વિવેકાનંદની હાજરીમાં કોઈ વ્યક્તિ સમક્ષ તેણે સહજભાવે આ કહેલું)! તત્કાલ સ્વામી તે તરફ ફર્યા અને દેખાઈ આવે એવી કરડાકીથી તેમણે કહ્યું, ‘ખબરદાર! તમે કદીય શું કર્યું છે?’ તે વખતે તો મારી શી ભૂલ હતી કે હું સમજી શકી ન હતી. અલબત્ત, મેં સામો કોઈ જવાબ આપ્યો નહિ. મારી આંખમાં આંસુ આવી ગયાં અને હું મૂગી રહી. પછીથી મને જાણવા મળ્યું કે, આલાસિંગા પેરુમલ મદ્રાસની એક કોલેજમાં તત્ત્વજ્ઞાનનો વિષય શીખવે છે, માસિક રૂ. ૧૦૦-૦૦નો પગાર છે. તેટલામાં જ તેઓ પોતાનાં માતા-પિતા અને ચાર સંતાનોનું પાલનપોષણ કરે છે અને સ્વામી વિવેકાનંદને પશ્ચિમમાં મોકલવા તેઓ ઘરેઘરે પૈસા ઉઘરાવવા ફર્યા હતા. કદાચ તેના વિના આપણે કદી સ્વામી વિવેકાનંદને મળ્યાં જ ન હોત! ત્યારે ખ્યાલ આવ્યો કે, આલાસિંગા ઉપરની નહિવત ટીકા પણ સ્વામીજીને કેમ ક્રોધિત કરતી હતી.૪
જીવનની ટૂંક રૂપરેખા
આલાસિંગાનો જન્મ જૂના મૈસૂર રાજ્યના ચિકમંગલૂર ગામે ૧૮૬૫માં થયો હતો. તેમનાં માતાપિતા બંને મંડપમ વૈષ્ણવ તેનગલઈ સંપ્રદાયનાં હતાં અને કર્ણાટક રાજ્યના મંડપા ગામનાં હતાં. તેઓ શ્રી અનંત સુરિ અને આનંદ અલવરના વંશજ હતા, કે જેઓ શ્રીરામાનુજાચાર્યનાં સીધા શિષ્યો હતા (ઈ.સ. ૧૦૧૭-૧૧૩૭). પિતા શ્રી નરસિંહાચાર્ય ચિકમંગલુર મ્યુનિસિપલ ઓફિસમાં કલાર્ક હતા. તેમને ઘણા વખત સુધી કોઈ જ સંતાન થયું નહિ. માતાપિતા દત્તાત્રેય પરંપરાના એક મહાન સંતની સેવા કરતાં. બાબા બુન્દેનગિરિપની ટેકરી ઉપર તે સંત રહેતા. તેમના આશીર્વાદથી તેમને ઘેર આલાસિંગાનો જન્મ થયો. તેમનું મૂળ નામ અલગિયાસિંગા પેરુમલ (ભગવાન વિષ્ણુના અવતારો પૈકી એક સુંદર નરસિંહ ભગવાન) હતું. તેમનું પૂરું નામ મંડપમ ચક્રવર્તી આલાસિંગા પેરુમલ હતું. આલાસિંગાનું બાળપણ ચિકમંગલુરમાં વીત્યું. પરંતુ પછી પિતાને મદ્રાસમાં સેન્ટ્રલ કસ્ટમ્સ ઓફિસમાં સારી નોકરી મળતાં કુટુંબને ત્યાં ફેરવવું પડ્યું. ભગવાન પાર્થસારથિ મંદિર પાસે તિરુવલ્લિકેનીમાં એક મકાનમાં તેઓ રહેતાં. તેમના વંશવારસો આજે પણ એ જ ઘરમાં રહે છે. આલાસિંગા શાળાંત પરીક્ષા પછી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં ટૂંકા ગાળા માટે ભણ્યા. તે પછી તેમણે મદ્રાસ ખ્રિસ્તી કોલેજમાં જોડાઈને બી. એ. ડિગ્રી સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમયે તેઓ ડૉ. એ. વિલિયમ મિલરના પ્રીતિપાત્ર વિદ્યાર્થી બન્યા અને તેમની સાથે એમનો અત્યંત ગાઢ સંબંધ બંધાયો. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તે પછી તેમની સાથેના સંબંધો તેમણે ટકાવી રાખ્યા હતા. આલાસિંગાની વિનંતીથી અમેરિકા પહોંચ્યા પછી સ્વામી વિવેકાનંદને મદદ કરવા મી. મિલરે તેમના મિત્રોને પત્ર લખ્યા હતા. બી. એ. થયા પછી આલાસિંગાએ વકીલાતની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી પરંતુ પોતાના કુટુંબને નિભાવવા ખાતર તે અભ્યાસ પૂરો કરી શક્યા નહિ.
વીસ વર્ષની વયે કુંબકોનમની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમને નોકરી મળી અને ૧૮૮૭માં ચિદમ્બરમમાં પરિચપ્પા હાઈસ્કૂલમાં મદદનીશ વિજ્ઞાન શિક્ષક તરીકે તેઓ જોડાયા. તેમના પિતાના અવસાન પછી તેઓની મદ્રાસ પરિચપ્પા હાઈસ્કૂલમાં બદલી થઈ. શાળાના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તેમની અસાધારણ ઉદારતા, પ્રતિભા અને સહૃદયતાના સદ્ગુણોથી ખૂબ પ્રભાવિત થયા. ત્રણ વર્ષમાં પચીસ વર્ષની ઉંમરે શાળાના હેડમાસ્ટર તરીકે તેમને બઢતી મળી. આટલી નાની વયે આવા પ્રતિષ્ઠિત પદ પર આરૂઢ થનારા તેઓ પ્રથમ હતા. તે દિવસોમાં સમાજમાં શિક્ષકોનું બહુ માન-સન્માન હતું.
તેમના અવસાનના એક વર્ષ અગાઉ પરિચપ્પા કૉલેજના પ્રોફેસર તરીકે બઢતી મળી હતી. આલાસિંગા અત્યંત કર્મઠ અને સન્નિષ્ઠ હતા. ભણાવવાની ફરજ ઉપરાંત શહેરની વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને બીજી અનેક બાબતમાં ‘યંગમેન્સ ઈન્ડિયા એસોસિયેશન’ નામની (Y.M.I.A.) સંસ્થા તેમણે શરૂ કરી. ટ્રીપ્લીકેન લિટરરી સોસાયટી (સાહિત્ય મંડળ)ના તેઓ મોટા ટેકેદાર હતા. ૧૮૯૩માં અમેરિકા ગયા તે પહેલાં અને ૧૮૯૭માં પાછા આવ્યા ત્યારે સ્વામી વિવેકાનંદે અહીં અનેક વાર્તાલાપો અને પ્રવચનો આપ્યાં હતાં. મદ્રાસ શહેરમાં કોઈ પણ પ્રગતિશીલ પ્રવૃત્તિ શરૂ થાય તો, લોકો આલાસિંગા પેરુમલ તેની સાથે સંકળાયેલા જ હોય તેમ સમજતા.
અમેરિકામાં ધર્મ-સંસદ
શિકાગો મુકામે વિશ્વ-ધર્મ-પરિષદમાં હિંદુધર્મનું પ્રતિનિધિત્વ કરવા સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તે પહેલાંના પ્રસંગોની વાતોનું વર્ણન અતિ રસપ્રદ છે. આગામી પાર્લમેન્ટના વરાયેલા પ્રમુખ ડો. જે.એચ. બેરોઝ પાર્લમેન્ટ માટે પ્રારંભિક તૈયારીઓ કરી રહ્યા હતા. તેમણે ડૉ. મિલરને પત્ર લખી વિનંતી કરી કે, પાર્લમેન્ટમાં તેઓ હિંદુધર્મની વ્યાખ્યા કરે. ડૉ. મિલરે આલાસિંગા પેરુમલના મામા યોગી પાર્થસારથિ આયંગરને આ ખબર આપ્યા. આયંગરને અમેરિકન હિંદુસંઘ સાથે સંબંધ હતો. આલાસિંગાને પાર્લમેન્ટ વિશેની જાણ યોગી પાર્થસારથિ અને ડૉ. મિલર દ્વારા થઈ. આ બેમાંથી કોઈ હિંદુધર્મના પ્રતિનિધિ તરીકે જવા ઈચ્છતા ન હતા. એટલે આલાસિંગા અને તેના મિત્રોએ પ્રોફેસર રંગાચારીયરને તેના પ્રતિનિધિ બનવા વિનંતી કરી. પ્રોફેસર આલાસિંગાના બનેવી થતા હતા અને એક મહાન વક્તા અને વિદ્વાન હતા. પરંતુ તેઓ રૂઢિચુસ્ત વૈષ્ણવ હતા. એટલે તેમણે પણ આ માન સ્વીકારવાની ના પાડી. સાગરપારની યાત્રા કરવી, તે એ જમાનામાં પોતાનું જ્ઞાતિપદ ફગાવી દેવા બરાબર હતું. આલાસિંગા મૂંઝાયા અને આધ્યાત્મિકતાથી તરબોળ એવા પોતાની માતૃભૂમિના ધર્મની વ્યાખ્યા કરવા કોઈ મળતું ન હતું તેથી અત્યંત દિલગીર થયા.
તેમણે બધું પ્રભુની મરજી પર છોડ્યું, ત્યાં તો તેમના ભાઈ પાસેથી પૂર્વ અને પશ્ચિમનાં દર્શનશાસ્ત્રોના મર્મજ્ઞ, વિદ્વાન બંગાળી સંન્યાસી વિષે સાનંદાશ્ચર્ય જાણવા મળ્યું. તેઓ અંગ્રેજી ભાષા કડકડાટ બોલી શક્તા હતા. એક સંન્યાસી અને વળી તે પાછા અંગ્રેજીમાં બોલી શકે! તે દિવસોમાં એ એક વિચિત્ર બાબત હતી. આલાસિંગા અને તેમના મિત્રો માયલાપોરમાં મન્મથનાથ ભટ્ટાચાર્યને ઘેર આ મેધાવી સંન્યાસીને મળવા ગયા. તેમાંના મોટા ભાગના સ્નાતક અને અનુસ્નાતકો હતા. એટલે આ યુવાન સંન્યાસીની અસામાન્ય તેજસ્વી પ્રતિભા જોઈ તેઓ દિગ્મૂઢ બની ગયા. આ સંન્યાસીનું ખરું હીર એકમાત્ર આલાસિંગા પેરુમલ જ પારખી શક્યા. એ ‘પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ’ હતો, અને આલાસિંગા તેમના જીવન પર્યંત ઉત્સાહી અને આજ્ઞાંકિત શિષ્ય બની રહ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે, આ સ્વામી સચ્ચિદાનંદ જ (તે વખતે સ્વામીજીએ આ નામ ધારણ કર્યું હતું) શિકાગોમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે સર્વોત્તમ વ્યક્તિ હતા. તેમનાં સંસ્મરણો આલેખતાં તેમણે લખ્યું :-
મને યાદ છે કે, બીજે દિવસે તેમણે પૂર્વ અને પશ્ચિમ વિષે વાત કરી અને કહ્યું : તમને (હિંદુઓને) વધુ કરડાઈની અને પશ્ચિમને વધુ નરમાશની જરૂર છે. મેં પૂછ્યું : ‘હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા તમે શા માટે શિકાગો જતા નથી?’ તેમણે જવાબ આપ્યો, ‘મને જવામાં કોઈ વાંધો નથી, જો કોઈ મોકલે તો!’ અમારામાંથી એક જણે તેમને કંઈ પૈસા (બે રૂપિયા) આપ્યા. પહેલી જ વખત તેમણે આ રીતે પૈસા લીધા હતા. ખડખડાટ હસી તેમણે કહ્યું : ‘રસ્તામાં જે કોઈ ભિખારી મને પહેલો મળશે તેને હું તે આપી દઈશ.’ અને ખરેખર, તેમણે કોઈ ભિખારીને તે આપી દીધા. જ્યારે તેમનો સૌ પ્રથમ ફાળો રૂ. બસ્સો પચાસ થયો ત્યારે તેઓ બજારમાં ગયા. તેમણે બાળકો માટે અનેક રમકડાં ખરીદ્યા. એમને તેઓ ખૂબ ચાહતા.૬
(કમશ:)
ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ મહેતા
સંદર્ભ અને નોંધ
૧. એલ.એન. શાસ્ત્રી કૃત ‘કર્મયોગી આલાસિંગા પેરુમલ’ (કન્નડ) (બેંગ્લોર આઈ.બી.એચ. પ્રકાશન ૧૯૭૨ પાનું ૩-૬)
૨. એલ.એન. શાસ્ત્રી કૃત, ‘આલાસિંગા પેરુમલ’ (કન્નડ) (મૈસૂર : મયૂર પ્રકાશન, ૧૯૭૨ પાનાં ૧૩૦-૩૧)
૩. વેદાંત કેસરી, માયલાપોર, મદ્રાસ (ગ્રંથ ૨૮ ડિસેમ્બર ૧૯૪૧, પાનું ૩૦૪)
૪. પ્રબુદ્ધ ભારત, કલકત્તા, (પુસ્તક ડિસેમ્બર ૧૯૪૧, પાનું ૪૭૩)
૫. દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અવતાર છે. બાબા બુન્દેનગિરિ કર્ણાટકની પશ્ચિમ ટેકરીઓ વચ્ચે આવેલું છે.
૬. સીસ્ટર દેવમાતા કૃત ‘શ્રીરામકૃષ્ણ એન્ડ હીઝ ડીસાઈપલ્સ’ (લા, કેસેન્ટા કેલીફ આનંદ આશ્રમ, પાનું ૧૬૬)
Your Content Goes Here





