શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(ગતાંકથી આગળ…)
આધ્યાત્મિક વિશ્વના બાદશાહ દાદુ ખખડી ગયેલા પોતાના ઘરમાં પોતાના ચાહકો સાથે બેઠા છે. તે સમયના મહાન સમ્રાટ અકબરનો એક દૂત આવ્યો અને તેણે કહ્યું કે અકબર પધાર્યા છે અને તેમને દાદુની જરૂર છે. આ સાંભળીને દાદુએ કહ્યું, ‘બાદશાહ અને મારી જરૂર ? મારે વળી તેની સાથે શું કામ ? હું તો એક સામાન્ય ગરીબ ફકીર છું. માફ કરજો પણ હું આવી શકું તેમ નથી.’ આવા અણધાર્યા માનસન્માનથી કોઈ ઉશ્કેરાટ કે ઉત્સાહ દાદુમાં જોવા ન મળ્યો. વળી બાદશાહને ખુશ કરવાની અનુચિત ઉતાવળેય નહીં !
વળી પાછો થોડા વખતમાં બાદશાહનો દૂત આવે છે, આ વખતે દાદુને શું અને કેવી રીતે કહેવું તે બરાબર જાણતો હતો. તેણે વિનયથી કહ્યું, ‘બાદશાહ આપને મળવા ઇચ્છે છે અને તમારી સાથે ધર્મ અને આધ્યાત્મિકતાની ચર્ચા કરીને કંઈક સારું મેળવવા ઇચ્છે છે. તો આપશ્રી તેમનું આમંત્રણ સ્વીકારશોને?’ દાદુએ જવાબ આપ્યો કે તે આમંત્રણ તો સ્વીકારે છે પણ તે બાદશાહને મળવા દિલ્હી જઈ ન શકે. તે બહાના પાછળ મહત્ત્વનું કારણ તો એ હતું કે બાદશાહ કરતાં તે જુદા જ પ્રકારનું જીવન જીવે છે અને જો તે બાદશાહને મળવા જશે તો તે પોતે પોતાપણું ગુમાવશે. આ સાંભળીને બાદશાહે સમજણપૂર્વક બુદ્ધિપૂર્વકનો જવાબ પાઠવ્યો. તમે જ આત્માનું ઉમદાપણું પૂરેપૂરું જાળવવા સક્ષમ છો. તેમણે કહ્યું કે દાદુએ દિલ્હી જવું જોઈએ તેવો તેમનો ઈરાદો ન હતો. તેમને પોતાના આ આધ્યાત્મિક વાતાવરણમાંથી બહાર કાઢીને લઈ જવું તે કેટલું મૂર્ખામીભર્યું કાર્ય છે એ તેઓ બરાબર સમજે છે. એ વાત તો હિમાલયના પર્વતમાંથી કોઈ એક શિખરનો એક ટુકડો લઈને મહાન હિમાલયનાં ભવ્યતા અને સૌંદર્યને માપવા જેવી ગણાય. પણ અકબરનું દુર્ભાગ્ય એ હતું કે તે એક બાદશાહ હતા. જો તે દાદુના સ્થળે ગયા હોત તો તેના બધા મંત્રીઓ દરબારીઓ પણ તે જગ્યાએ સાથે આવે તો તે સ્થળનું મૂળ સાદું સહજ સૌંદર્ય બગડી જાત. એટલે ફતેહપુર સીક્રિમાં આપને આવવામાં કંઈ મુશ્કેલી તો નથી ને ? એમ અકબરે કહેવડાવ્યું. ફતેહપુર સીક્રિ અકબર માટે આધ્યાત્મિકતાના ચિંતનમનનનું સ્થળ હતું. દાદુને આ સ્થળ અનુકૂળ હતું. તેઓ અવારનવાર તેની આજુબાજુના સ્થળે જતા. દાદુ ત્યાં જવા રાજી થયા. તે પ્રમાણે બાદશાહ અને દાદુની મુલાકાતનાં સ્થળ અને સમય નક્કી થયાં.
તેઓ બન્ને શહેરની બહારના એક નિર્જન અને શાંત સ્થળે મળ્યા. આ મુલાકાત ૪૦ દિવસ સુધી ચાલી ! આ બન્ને મહામના માનવોનાં મન જાણે કે કોઈ દૃઢ બંધનમાં બંધાઈ ગયાં. આધ્યાત્મિક જીવનને લગતી લગભગ દરેક બાબતની તેમણે ચર્ચા કરી. વચ્ચે વચ્ચે ચર્ચામાં મતભેદો તથા દલીલો ચાલતી. બન્ને એકી સાથે આધ્યાત્મિક જગતના દૂરસુદૂરના ક્ષેત્ર સુધી પહોંચી ગયા. દાદુ માર્ગદર્શન આપતા હતા. વચ્ચે વચ્ચે અકબર બાદશાહને શંકા આવતાં પ્રશ્નો પૂછતા અને ક્યારેક ક્યારેક સામસામા પડકારો પણ થતા. જો કે અકબર વધુ ભણેલા ન હતા પણ તે દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસુ હતા અને પોતે એક મુમુક્ષુ પણ હતા. તેની ઈશ્વરવિષયક જ્ઞાનની ઉત્કંઠા અતિ તીવ્ર હતી. એટલે કોઈ બીજાના નવા વિચારસ્રોતમાંથી પોતાના જ્ઞાનમાં તેઓ વૃદ્ધિ કરવા માટે પોતાના મનની બારી ઊઘાડી નાખતા. એટલે કે બીજાના વિચારોને સ્વીકારવાનો ઈન્કાર કરવો પડે તેવા મતાંધ ન હતા. આ હકીકત એ જણાવે છે કે દાદુ સાથેની મુલાકાત અને ચર્ચા માટે તેઓ આટલી બધી આતુરતા શા માટે અનુભવતા હતા. વળી આવી ચર્ચા અને મુલાકાતમાં પોતાની બાદશાહ તરીકેની ભ્રામક પ્રતિષ્ઠાને પણ આડે આવવા ન દીધી.
અકબર બાદશાહ સાથેની ચર્ચા દરમિયાન દાદુના મન પર બાદશાહની તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, તેની ગહન સમજણ શક્તિ તેમજ દૂરંદેશીની વૃત્તિનો ભારે પ્રભાવ પડ્યો હશે. તેમની સાથે આધ્યાત્મિક જ્ઞાનના વિચારોની લેવડદેવડ કરવામાં દાદુના હૃદયમાં ઘણો આનંદ પણ થયો હશે. અકબર પણ એક તીક્ષ્ણ સમજણ શક્તિવાળા હતા અને સાચું શું છે અને મિથ્યા શું છે તે બરાબર જાણતા હતા. એટલે દાદુના આધ્યાત્મિક અનુભવની વાતો તેમજ તેના મહાન શાણપણ, તેના વિચારોની અને આદર્શાેની સર્વવ્યાપકતાએ જબરો પ્રભાવ પાડ્યો હતો. સાથે ને સાથે એકબીજાના વિરોધી જણાતા ધર્મસંપ્રદાયોમાં પણ કેટલી સામ્યતા છે તે પણ તેને દાદુના અનુભૂતિવાળા જ્ઞાનથી જાણવા મળ્યું. તેમણે દાદુની વાણીને સત્યનું જીવંત ઉદાહરણ હોય તેમ ઝીલી. ચર્ચામાં દાદુએ સ્પષ્ટપણે જણાવ્યું કે જેમ કોઈપણ પક્ષી પોતાની નાનકડી ચાંચથી સાગરનું બધું જળ પી ન શકે તેમ કોઈ પણ સંપ્રદાય પૂર્ણ કે સર્વવ્યાપી નથી. આનાથી અકબરના હૃદયમાં એક ઉદારદિલની સહિષ્ણુતા જાગી અને ઈસ્લામ સિવાયના બીજા ધર્મો પ્રત્યે પણ તેના મનમાં સમાદર જાગ્યો.
અંતે આ બન્ને મહામાનવો એક ઉત્તમ મિત્રરૂપે જુદા પડ્યા. એકબીજા પ્રત્યે પ્રસંશાની લાગણી પણ તેમની વચ્ચે ઊભી થઈ. દૂર રહીને પણ તેમના વિચારોની આપલે ચાલુ રહી હતી. અકબર પર દાદુનો કેવો પ્રભાવ પડ્યો તે કહેવું મુશ્કેલ છે. અકબરની અધ્યાત્મ પ્રત્યેની આતુરતા, ઉદાર ધર્મમતાવલંબન અને સર્વધર્મસંવાદિતાની ભાવના કદાચ દાદુના પ્રભાવથી આવ્યાં હશે. દાદુના ઉપદેશોનો સાર કંઈક આવો છે : ‘અહમ્ને જીતો, પ્રાર્થના કરો, બધાને ચાહો.’ એમણે ચલાવેલો પથ બિનસાંપ્રદાયિક હતો, તે સર્વને માટે ખુલ્લો હતો. તેમણે સંકુચિતતાને દૂર કરવા માટે ઉપદેશ આપ્યો હતો. તેનું પ્રદાન હિન્દુઓ વિશે પણ છે અને મુસલમાનો માટે પણ છે. તેમના ઉપદેશોમાં ધર્મપરિવર્તનની વાત આવતી નથી. જાત-ધર્મ બદલ્યાં વિના બધાં તેના પથમાં આવી શકે. કોઈ ધર્મની પ્રવર્તમાન વિચારસરણીમાં ફેરબદલો કરવાનો તેમનો ઈરાદો ન હતો. પરંતુ તેઓ તે વિચારસરણીને વધારે પૂરક બનાવવા ઇચ્છતા હતા, વધારે અને વધારે વિશાળ, મુક્ત બનાવવા ઇચ્છતા હતા. તેમાં ક્યાંય કર્મકાંડના વિધિવિધાનની સંકુચિતતા ન હતી. ઈશ્વર તરફ આગળ વધવાનો અભિગમ કોઈપણ વ્યક્તિ પોતાની રીતે પસંદ કરી શકે તે માટે તે મુક્ત હતો. અલબત્ત આવા સાધકે શ્રદ્ધા અને ભક્તિને વળગી રહેવું જોઈએ તેમ તે માનતા.
દાદુએ પોતાનો ઉપદેશ હિન્દી ભાષમાં આપ્યો હતો. તેમના શિષ્યોમાં કેટલાક સંસ્કૃતના મહાન વિદ્વાનો પણ હતા. સામાન્યજનને પણ ગળે ઉતરી જાય તેવી અધ્યાત્મની વાતો તેમણે હિન્દીમાં જ કરી. એટલું જ નહીં સામાન્ય માણસો પણ શાસ્ત્રોનો લાભ મેળવી શકે એટલે તેમના ઘણા શિષ્યોએ કેટલાક સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ હિન્દી ભાષામાં કર્યો હતો. એટલે જ તેમનું આ અધ્યાત્મ આંદોલન ખરેખર લોકોનું ભાવ આંદોલન બની ગયું.
વળી તેમના ભાવ આંદોલનને દાદુ ઉપરાંત બીજા અનેક સંતો, પ્રાચીન અને તત્કાલીન ભક્તો પાસેથી પણ પ્રેરણા લીધી અને પરિણામે બધા ધર્મો અને સંપ્રદાયો વચ્ચે તે એક સેતુરૂપ બની ગયો. કોઈ ચોક્કસ સિદ્ધાંત કે વ્યક્તિત્વની આજુબાજુ કેન્દ્રિત થવાને બદલે આ ભાવ આંદોલનનો મુખ્ય આદર્શ કે હેતુ માનવને આધ્યાત્મિક સંઘર્ષમાં આગળ વધવા સહાય કરવાનો હતો. એટલે જ જુદા જુદા ધર્મ સંપ્રદાયોના આધ્યાત્મિક સૂત્રોને પણ એકત્રિત કર્યા, તેને જાળવ્યા અને દાદુનાં વચનોની જેમ જ તે સૂત્રોને સમાદર આપ્યો. દાદુના શિષ્યોમાં હિન્દુ અને મુસલમાન બન્ને હતા. દાદુ ૬૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. તેમના ઉપદેશ અને સંદેશે ધર્મ અને સંપ્રદાયો વચ્ચે સુસંવાદિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. તેમના ઉપદેશોને કારણે જ ભિન્ન ભિન્ન સંપ્રદાયના લોકો વચ્ચે ખાસ કરીને હિન્દુ અને મુસલમાન વચ્ચે ભાઈચારો વધ્યો છે તેમ કહેવામાં અત્યુક્તિ નથી.
Your Content Goes Here




